: વાટે….ઘાટે…. : : ડૉ. જીવરાજ મહેતા : આપણા રાજ્યના પ્રથમ સુકાની :

ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારની એક બનેલી ઘટના ધૈર્યચન્દ્ર બુધ્ધે લખી છે. ડૉ. જીવરાજ મહેતા ત્યારે મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા. ડૉ. મહેતા ગુજરાત રાજ્યની રચના (૧૯૬૦) થયા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા હતા તે સુવિદિત છે. આથી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાના સમયની આ ઘટના છે. મહેતા સાહેબ મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા ત્યારે એક વખત વડોદરાની મુલાકાતે આવેલા હતા. સ્વાભાવિક રીતેજ નાણાં મંત્રીશ્રીનો સત્કાર કરવા અનેક લોકો રેલ્વે સ્ટેશન પર હાજર હતા. સ્ટેશનની બહાર નીકળવા ડૉ. મહેતા પ્લેટફોર્મ પરના ઓવર બ્રીજના પગથિયા ઉતરતા હતા. સાહેબે જોયું કે તેમની આગળ એક બહેન પગથિયા ઉતરતા હતા. બહેને એક બાળક તેડેલું હતું અને બીજા હાથથી તેઓ પાણી ભરેલું વાસણ ઊંચકીને પગથિયા ઉતરતા હતા. બાળકને એક હાથથી સંભાળીને બીજા હાથથી પાણી ભરેલા વાસણનો બોજ ઉપાડવાની તેઓ મુશ્કેલી અનુભવતા હતા. માનવતાવાદી ડૉ. મહેતાની નજરથી આ વાત છટકી શકી નહિ. તેઓ થોડા ઝડપથી ચાલ્યા અને પેલા બહેનના હાથમાંથી પાણીનું વાસણ ઊંચકી લીધું. બહેનના ચહેરા પર રાહતનો ભાવ ઉભરી આવ્યો. પગથિયા ઉતર્યા પછી પેલા બહેન પાણીનું વાસણ સાહેબ પાસેથી લઇને રાહત સાથે આગળ ચાલ્યા. ડૉ. મહેતા પણ સ્વાભાવિક રીતેજ સરકારી ગાડીમાં બેસીને સરકીટ હાઉસ તરફ ગયા. 

ઉપરની ઘટના કદાચ નાની દેખાય પરંતુ તેના મૂળમાં નજર નાખવાની જરૂર જણાય છે. એક માનવી બીજા માનવી તરફ સંવેદના ધરાવતો હોય તો આજની અને કોઇપણ કાળની મોટા ભાગની સમસ્યાઓનો તેમાં ઉકેલ છે. સંવેદનાનો અભાવ હોય તો પણ સાધનો અને સંપત્તિ વધે ખરા પરંતુ સમાજની સુખાકારીનો ગ્રાફ ઊંચો આવે નહિ. વિશ્વના ઘણાં વિકસિત દેશો આ બાબતનો અનુભવ આજે કરી રહેલા છે. આપણે ત્યાં પણ આ સ્થિતિ દેખાવી શરૂ થઇ ચૂકી છે. ડૉ. જીવરાજ મહેતાએ જે કર્યું તેવું સદ્દભાવનું કૃત્ય સહજપણે કરવાની ઇચ્છા મોટા ભાગના નાગરિકોને થાય તો સ્વસ્થ સમાજ જીવન ઊભું કરવાની દિશામાં ગતિ કરી શકાય. ગુજરાત રાજ્યની સ્થાપનાના મહિનામાં સંવેદનશીલ ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિને ફરી વંદન કરવાનું મન થાય છે. મોંઘા મૂલના આવા માનવીઓ એક તેજ લીસોટા જેવું જીવતર જીવીને ગયા. કવિ રમેશ પારેખે આવા જીવન જીવી જનારા લોકોના સંદર્ભમાં લખ્યું છે તે ફરી ફરી યાદ આવે તેવું છે. 

પડે ન સ્હેજે ખુદનો ડાઘો

એમ જગતને અડે

દુર્ભલ એ દરવેશ કે

જેના કાળ સાચવે પગલાં.

ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા તરફથી મહેતા સાહેબને ‘‘ સમતાના મેર ’’ તરીકે બીરદાવતું પુસ્તક પ્રગટ કરવામાં આવેલું છે તે જોઇને આનંદ તથા ગૌરવની લાગણી થાય તેવું છે. 

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ રત્ન પારખુ હતા. મહર્ષિ અરવિંદ કે ડૉ. બાબાસાહેબ જેવા રત્નોની પરખમાં મહારાજાની ચકોર તથા મંગલકારી દ્રષ્ટિ કારણભૂત હતી. મહારાજા સાથે ડૉ. મહેતાનો મેળાપ તો સ્વીટ્ઝરલેન્ડમાં થયો પરંતુ તેનો લાભ વડોદરા રાજ્યને થયો. મહારાજાના આગ્રહથી મહેતા સાહેબ રાજવીના અંગત તબીબ તેમજ વડોદરા રાજ્યની જનરલ હોસ્પિટલના વહીવટકર્તા થયા. એક આદર્શ હોસ્પિટલનો વહીવટ કેવી રીતે થાય તેનો દાખલો ડૉ. મહેતાએ પ્રસ્થાપિત કર્યો. ખરા અર્થમાં વિદુષી કહેવાય તેવા હંસાબેન મહેતા સાથેનો પરિચય તેમને અહીંજ થયો. આ સુભગ પરિચય લગ્નમાં પરિણમ્યો. હંસાબહેન કળા – સાહિત્ય તેમજ સંસ્કારનો વારસો લઇને જન્મેલા હતા. વડોદરા રાજ્યના દીવાનના તેઓ પુત્રી હતા. હંસાબહેને ગુજરાતી તથા અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા છે. એમ. એસ. યુનિવર્સિટીની સ્થાપનામાં હંસાબેહનનું પ્રદાન ભૂલી ન શકાય તેવું છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનીને તેઓ ભારતના સર્વ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બનવાનું સન્માન મેળવી શક્યા.

ગુજરાતના આ પ્રથમ મુખ્યમંત્રી ગાંધીજીના પણ હમેશના વિશ્વાસપાત્ર અને પ્રીતિપાત્ર તબીબ હતા. ગાંધીજીને તેમનામાં ભારે શ્રધ્ધા હતી. ગાંધીજીના જીવન દરમિયાન બાપુની તબીયત અંગેનો આખરી અભિપ્રાય   ડૉ. જીવરાજ મહેતાનો લેવામાં આવતો હતો. બાપુના સહવાસ તેમજ પોતાના સંસ્કારના કારણે બાપુની નિર્ભયતા પણ જીવરાજભાઇની રગેરગમાં ઉતરી હતી. વડોદરા રાજ્યના દીવાન તરીકે મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડની નીતિ તેમજ તેમના વિલાસમય જીવન તરફ ડૉ. મહેતાને ભારે અણગમો હતો. ૧૯૪૮માં વડોદરાની ધારાસભામાં રાજવી વિરૂધ્ધ સ્પષ્ટ શબ્દોમાં તેમણે તહોમતનામું રજૂ કર્યું હતું. જેનું પરિણામ વડોદરાના સત્તા પરિવર્તનમાં આવ્યું હતું. નિર્ભયતાની આ કક્ષાના દર્શન ઇતિહાસમાં બહુ ઓછા પ્રસંગોએ જોવા મળે છે. કોઇપણ બાબતમાં સ્પષ્ટ વક્તા હોવાના કારણે તેમની રાજકીય કારકીર્દિમાં તેમને સહન કરવાનો સમય પણ આવ્યો હતો. પરંતુ આ ગાંધીના ગોવાળને તે અંગે કદી રંજ થયો ન હતો. 

ગુજરાતના એ સદ્દભાગ્ય છે કે રાજ્યને એક કુશળ તથા વિચક્ષણ રાજપુરુષ પ્રથમ મુખ્યમંત્રી તરીકે મળ્યા. વડોદરા રાજ્યના વિલિનકરણમાં જીવરાજભાઇનું જેવું અમૂલ્ય યોગદાન હતું તેવુંજ યોગદાન નવા રચાયેલા ગુજરાત રાજ્યના નિર્માણમાં હતું. નવા રચાયેલા રાજ્યમાં નિષ્ઠા તેમજ સાદગીના અનેક ગુણોનું સિંચન મહેતા સાહેબે કર્યું હતું. ગુજરાતને આ અમૂલ્ય બાબતોનો વારસો જીવરાજ મહેતાના શાસનકાળમાં મળ્યો હતો. ગુજરાતના આ પ્રથમ તથા સમર્થ મુખ્યમંત્રીની પદ પરથી અકારણ વિદાય એ વ્યથા ઉપજાવે તેવું પ્રકરણ છે. પરંતુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રીની કુનેહ તથા સમયસરની દરમિયાનગીરીના કારણે આ બાબતમાં થોડી રાહત અનેક લોકોએ અનુભવી. ભારત સરકારે મહેતા સાહેબની નિયુક્તિ બ્રિટનના હાઇકમિશનર તરીકે કરીને ડૉ. મહેતાનું સન્માન પુન: સ્થાપિત કરવાનો તેમજ જાળવવાનો ઉચિત પ્રયાસ કર્યો. 

ઓગસ્ટ-૧૮૮૭માં અમરેલીમાં સામાન્ય કુટુંબમાં જન્મ લઇને જીવરાજભાઇએ પોતાની જ્વલંત પ્રતિભાથી દેશ તથા દુનિયામાં નામ રોશન કર્યું હતું. ગાંધીની ગુજરાતના એ સદનસીબ ગણાય કે ડૉ. જીવરાજ મહેતા જેવા બાહોશ સુકાની રાજ્યને નૂતન ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે મળ્યા હતા. કોઇપણ સમયે શાસનમાં ગરીમા તથા ગાંધી મૂલ્યોની વાત થશે ત્યારે ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિ સૌને અચૂક થશે. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૨૩/૦૪/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑