: ક્ષણના ચણીબોર : : મોહનમાંથી મહાત્મા બનવાની અમર કથા :

૩૦ જાન્યુઆરી – ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ મહાપ્રયાણ કર્યું. આ ઘટના પછીના થોડા દિવસોમાંજ આપણી ભાષાના સમર્થ કવિ બાલમુકુન્દ દવેએ દિલના દર્દને વ્યક્ત કરતા લખ્યું : 

કોણે રે દૂભ્યો ને

કોણે વિંધીયો,

કલંકીએ કોણે કીધા ઘાવ

કોણ રે અપરાધી માનવ જાતનો

જેને સૂઝી અવળી મતી આ,

રુધિરે રંગાયો હરિનો હંસલો.

ઉપરના કાવ્યોનો દરેક શબ્દ અર્થસભર છે. કવિ લખે છે કે ‘હરિના આ હંસ’ ઉપર જેણે પ્રહાર કર્યો છે તે કોઇ સામાન્ય અપરાધી નથી. આ કૃત્ય કરનાર તો સમગ્ર માનવ જાતનો અપરાધી છે. કવિના આ તર્ક પાછળનું કારણ સ્પષ્ટ છે. અનેક લોકોએ સમાજનું નેતૃત્વ કરેલું હોય છે. ચોક્કસ સમાજના હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરેલું હોય છે. પરંતુ ૩૦મી જાન્યુઆરી-૧૯૪૮ના દિવસે જેના જીવનનો અવિચારી કૃત્યથી ઓચિંતો અંત લાવવામાં આવ્યો હતો તે મહામાનવ સમગ્ર માનવજાત માટે પોતાની તમામ શક્તિનો વ્યય કરનાર યુગપુરુષ હતો. આથી ગાંધીની હત્યા એ એક રીતે ભલે કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય કૃત્ય લેખાતું હોય પરંતુ તે કૃત્ય એ સમગ્ર માનવજાત સામેના અપરાધ બરાબર છે. એક સાધારણ દેખાતા માનવીનું આ અસાધારણ સામર્થ્ય જગતના ઇતિહાસમાં ભાગ્યેજ તુલના કરી શકાય તેવું છે. જગતના અનેક દૂભ્યા – દબાયેલા લોકોએ પોતાની મુક્તિ માટે ગાંધીજીના વિચારો તરફ મીટ માંડી છે. કવિ પ્રદીપજીએ યથાર્થ લખ્યું છે : 

વૈસે તો દેખનેમેં થી

હસ્તી તેરી છોટી,

લેકીન તુજે ઝૂકતી થી

હિમાલય કી ભી ચોટી.

દુનિયામેં તુ બેજોડ થા

ઇન્સાન બેમીસાલ,

સાબરમતી કે સંત તુને

કર દીયા કમાલ.

મોહનદાસમાંથી મહાત્મા બનવાની સમગ્ર પ્રક્રિયા દરેક સામાન્ય માનવીએ સમજવા જેવી છે. યથાશક્તિ તેમજ યથામતિ અનુસરવા જેવી પણ છે. જે જીવન ગાંધી જીવ્યા તેવું જીવતર જીવવાનો નમ્ર પ્રયાસ આપણે કેમ ન કરીએ ? આ વાત બાપુએ પોતે પણ પોતાની આત્મકથામાં સ્પષ્ટ રીતે કરી છે. સત્યના નિરંતર પ્રયોગ કરીને ગાંધીજીએ કરોડો ભાંડુઓને એક દિશાદર્શન કરાવેલું છે. એક સ્પષ્ટ વક્તા તરીકે તેમણે પોતાના પ્રયોગોની સાર્વત્રિક્તા માટે જાતેજ લખ્યું છે : 

‘‘ (સત્યના પ્રયોગોના) પરિણામો મારી દ્રષ્ટિએ ખરાં છે. અત્યારે તો તે છેવટના જેવા લાગે છે. (પરંતુ) અહીં દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલીજ મારી ઇચ્છા છે. ’’

ગાંધીજીના સમગ્ર ભાતીગળ વ્યક્તિત્વને સમજવા માટે તેમની આત્મકથાની બાપુએ પોતે લખેલી પ્રસ્તાવના વાંચવા તથા સમજવા જેવી છે. ગાંધીની આત્મકથાનું અધ્યયન એ નૂતન દિશાદર્શન કરવાના અસરકારક પ્રયોગ સમાન છે. કેટલીક મહત્વની બાબતો જે પ્રથમ દ્રષ્ટિએજ ધ્યાન પર આવે છે તેને વિસ્તારથી સમજવાનો પ્રયાસ એક અભ્યાસુની દ્રષ્ટિથી ખુલ્લા મને કરીએ તો ગાંધી જીવન અને વિચારનો એક તેજપુંજ મનના ઊંડા અંધકારને દૂર કરવામાં ઉપયોગી બને તેવો છે. ગાંધીજીએ પોતે જીવનભર આદરેલા સત્યના પ્રયોગોની વાત લખીને માનવજાત પર એક વિશેષ ઉપકાર કરેલો છે. આત્મકથા લખવાનો કોઇ આશય કે ઇચ્છા આ મહાત્માની ન હતી તેવો ઉલ્લેખ પણ તેમણે કરેલો છે. પરંતુ તેમના જીવન ઘડતરની વાતો આપણાં જેવા અનેક સામાન્ય લોકોને હાથવગી તેમજ ઉપયોગી બની રહે તેવી અસરકારક તથા વાસ્તવિક છે. 

બાળકોના સંસ્કાર પર એક અમીટ છાપ પડતી હોય છે તે માતાની હોય છે. ગાંધીજીએ પોતાની માતા પુતળીબાઇનું જે દર્શન કરેલું છે તેની છાપ ગાંધીના બાળમાનસ પર પડેલી છે. માતા કોઇક સમયે ચાતુર્માસમાં એવું વ્રત કરે કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછીજ ભોજન કરી શકાય. ચોમાસના કારણે સ્વાભાવિક રીતેજ આકાશમાં વાદળો ઘેરાયેલા રહે. ઘેરાયેલા વાદળોના કારણે કેટલીક વાર સૂર્યદર્શન કરવું મુશ્કેલ થાય. છોકરાઓને આ વાતની ચિંતા રહે અને તેથી આતુરતાપૂર્વક આકાશ સામે તાકતા રહે. ક્યારે વાદળો હટે, સૂર્યનારાયણનું દર્શન થાય અને મા જમી શકે. કોઇક સમયે એવું પણ બને કે બાળકોને સૂર્ય દેખાય. આમ થતાંજ હર્ષઘેલા બાળકો માતાને સૂર્યના દર્શન કરવા તરતજ બોલાવે. બા પણ ઉતાવળા બહાર આવીને સૂર્યદર્શન કરવાનો પ્રયાસ કરે. પરંતુ એટલામાંજ કાળા ડીબાંગ વાદળોનો જથ્થો એકાએક આવીને સૂર્યને ઢાંકી દે. બા તો બહાર આવે પણ સૂર્યદર્શન ન થતાં બાળકો નિરાશ થાય પરંતુ જે દ્રઢતા અને ધીરજથી બા આ પરિસ્થિતિનો સામનો કરે તેની ઊંડી છાપ બાળ મોહનના મન પર પડે છે. બા સહજ રીતેજ આવી પડેલી પરિસ્થિતિનો સ્વીકાર કરતા કહે  છે. ‘‘ કંઇ નહિ, આજે નસીબમાં ખાવાનું નહિ હોય ’’ માતાની આ દ્રઢતા તેમજ કસોટીની આકરી ક્ષણે પણ ધીરજ રાખવાની તથા કર્તવ્યને અનુસરવાની વ્રત્તિજ ભવિષ્યમાં મોહનનું મહાત્મા સ્વરૂપે પરિવર્તન કરવાના એક કારણરૂપ બને છે. 

મોહનદાસ કેટલાક સંસ્કારો લઇને મોટા થાય છે. વચ્ચે ભટકી જવાની કેટલીક ઘટનાઓ બને છે પરંતુ સત્ય તરફની નિષ્ઠાને કારણે બચી જાય છે. દક્ષિણ આફ્રિકામાંથી ગાંધીભાઇ દેશમાં પરત આવે છે ત્યારે વ્યાપક રીતે તેમના સન્માન સમારંભો આફ્રિકામાં ગોઠવવામાં આવે છે. કીમતી ભેટસોગાદો પણ મળે છે. સોનારૂપાના આ આભુષણો એ વ્યક્તિગત રીતે તો ગાંધીને આદરથી મળેલી ભેટ છે. કસ્તુરબાની પણ તે સમયે સ્વાભાવિક ઇચ્છા પુત્રવધુઓ માટે આ કીમતી આભુષણો રાખવાની છે. પરંતુ ગાંધીભાઇ અનેક પ્રકારના મંથન પછી આ ઘરેણાંને જાહેર હેતુ માટેજ વાપરવાનો નિર્ણય કરે છે. મા ને બાળપણમાં સહજ ધર્મ તરીકે ભોજનની આસક્તિ છોડતા જોઇ હતી. આથી પણ કદાચ જગત જેના તરફ આસક્ત છે તે ‘પીળી ધાતુ’ ગાંધીને મોહમાં બાંધી શકતી નથી. સાચી દિશામાં માંડેલા એક એક ડગલાથી મોહનમાંથી મહાત્માનું નિર્માણ થાય છે તે કથા સદા સર્વદા મંગલમગ પ્રકાશ પાથરનારી છે. આવતી પેઢીઓ સુધી ગાંધીકથાનું આચમન પહોંચે તે આપણી સહીયારી જવાબદારી છે. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૧૭/૦૪/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑