કવિગુરુ ટાગોર માટે અમૃતા પ્રીતમે લખેલી એક કાવ્યપંકિત સ્મરણમાંથી ખસે તેવી નથી.
હુ જયારે આ ધરતી
ઉપર નહિ રહું,
ત્યારે મારુ વૃક્ષ તમારી
વસંતને નવપલ્લવિત કરશે
અને પોતાના રસ્તે જતા
સહેલાણીઓને કહેશે કે
એક કવિએ આ
ધરતીને પ્યાર કર્યો હતો.
ગાંડી ગિરથી ગોપનાથ સુધીની ધરતીના અમીને અંતરમાં ઝીલીને ફાટેલ પિયાલાના કવિ દુલા કાગ (ભગતબાપુ) આવનારી અનેક વસંતોમાં પોતાની કાવ્ય સરવાણીની સૌરભ પ્રસરાવતા રહેશે તેમાં કોઇ શંકા નથી. પોતાના કાવ્ય ફૂલડા માટે ભગતબાપુએ લખ્યું છે:
ભાઇ! તારો બહેક ફૂલડાનો બાગ,
બહેક ફૂલડાનો બાગ
એનો પાણોતીયો રૂડો રામ,
ભાઇ તારો બહેકે ફૂલડાનો બાગજી.
મૂળ કચ્છના પરંતુ લાંબા સમય પહેલા – લગભગ સાતેક પેઢીથી – સૌરાષ્ટ્રમાં આવીને કાગ કુટુંબે વસવાટ કર્યો. મજાદર તેમના મોસાળનુ ગામ ત્યાંજ સ્થાયી થઇને રહ્યા. આજે મજાદર એ કવિ કાગની ઓળખ બનીને કાગધામ બન્યુ છે. પૂ. મોરારીબાપુના આશીર્વાદથી દર વર્ષે કવિ કાગની સ્મૃતિમાં સાહિત્યકારોના સન્માન થાય છે.
સર્જક દુલા ભાયા કાગના પરમ સખા જયમલ્લ પરમાર સાથેના પત્રવ્યવહારનું એક વિશિષ્ટ સાહિત્યીક તથા ઐતિહાસિક મૂલ્ય છે. આથી આ પત્રવ્યવહારના પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશન સમયે ફરી કવિ કાગનું પાવન સ્મરણ થયું. (દુલા કાગના પત્રો – પ્રેરણા પ્રવીણ પ્રકાશન – રાજકોટ) પુસ્તકનુ સુરેખ સંપાદન ભાઇ રાજુલ દવેએ કાળજી તથા અંતરના ભાવથી કરેલું છે.
જયમલ્લભાઇએ આ પુસ્તકમાં કવિ કાગને ‘લોક વેદનાને વાચા આપનારા’ કવિ તરીકે બીરદાવેલા છે. આ વાત ખૂબ યથાર્થ છે. કાગની કવિતામા લોકજીવનના સુખદુખના તથા ઉમંગ – ઉત્સાહના ભાતીગળ ભાવ ઠાંસી ઠાંસીને ભરેલા છે. જે કવિની વાણીમાં લોકજીવનની વેદનાની વેધકતા ઝીલાય તે કવિ ચિરકાળ લોક હૈયામાં સ્થાન પામે છે. ઉદાહરણ તરીકે ‘‘ ઘણ રે બોલેને એરણ સાંભળે ’’ એ સુપ્રસિધ્ધ મેઘાણી કાવ્યમાં વ્યકત થતી વેદનાની વાત કદી વિસ્મૃત થાય તેવી નથી જેના હૈયામાં નિર્મળતા નથી અને કપટના ભાવ છે તેના આંગણા સત્વરે છોડવા કવિ કાગને ગમે છે. કોઇપણ પ્રકારના માનવ કલેશ તેમજ ઉતપાતના ભાવની આ કવિને જાણે ‘એલર્જી ’ છે. તેઓ લખે છે:
જેના આંગણીયે થયેલા ઉતપાત રે
ગોઝારા એના આંગણા રે જી.
તિયાં પગલાં માંડવા તે તો પાપ રે
તરછોડો એના આંગણા રે જી.
નોર લઇને વાણ બોળ્યા
સંતના એ છિદ્રો ખોળ્યા
જેણે રંક રે પાડોશીઓને રોળ્યાં રે
ગોઝારાં એના આંગણાં રે જી.
‘કાગ’ વિસવાસે આવ્યા એને
અવળા ચડાવ્યા, જેણે દાન દઇને
પાછાં તો પડાવ્યાં રે… ગોઝારાં એના…
કવિ ર્દષ્ટા છે. વર્તમાનનો સંદર્ભ આપીને કવિ ભવિષ્ય દર્શન પણ કરાવે છે. કવિ કાગનો યુગ એ ગાંધી યુગ હતો. આ યુગમાં એક દિશાએથી ગાંધી ઝળહળતા હતા. સામી દિશાએ ગાંધી વિચારતા કે મુકિતનો સાધારણ અહેસાસ પણ પોતાની પ્રજાને ન થાય તેવા રાજવીઓ હતા. ભાવનગર – ગોંડલ જેવા કેટલાક રાજયોને બાદ કરતા ઘણાં રાજવીઓ પોતાની સત્તામાં સહેજ પણ ઘટાડો ન થાય તેની પેરવીમાં રહેતા હતા. અંગ્રેજ અમલદારોનો ‘સોફટ કોર્નર’ આવા રાજવીઓ તરફ હતો. કારણકે તેઓ પણ આ શોષણ તથા લૂંટના ભાગીદાર હતા. આ તમામ પરિસ્થિતિમાં જન સામાન્યનું શોષણ એ નજર સામેની સ્થિતિ હતી ગાંધીજી આ વરવી વાસ્તવિકતાનો ઉકેલ સત્યાગ્રહના હથિયારથી શોધતા હતા. તેમનો રણટંકાર અંગ્રેજો સામે હતો. અમૃતલાલ શેઠ જેવા નરવીર પત્રકારો રાજવીઓના શોષણ સામે શિંગડા માંડતા હતા. કવિ કાગને આ બીહામણી સ્થિતિમાં છેવાડાંના માનવી – રંકજન – ની ચિંતા હતી જે તેમણે તેમની ઉપર લખેલી કાવ્ય પંકિતઓમા ગાઇ છે. ‘રંક પાડોશીઓને રોળી’ ને સુખી અને સમૃધ્ધ થવાની વૃત્તિસામે કવિએ ચેતવણીની મશાલ સળગાવી છે. આવુ કૃત્ય કરનાર કોઇપણ હોય તો તેના આંગણાનો ત્યાગ કરવાની તથા તેને પડકારવાની વાત કવિએ લખી છે તે આજે પણ સાંપ્રત છે. વિશ્વાસને વટલાવનારો કે પારકાના છિદ્રોને શોધી બતાવનારો તેમજ રંકને રોળવામાં પાછીપાની ન કરનારો એક બહોળો સમુદાય કોઇપણ કાળે હયાત હોય છે. ઘર આંગણે કે જગતના અનેક ભાગોમાં આવી આસુરી વૃત્તિનો અનુભવે સતત થતો રહે છે. સારું વિચારનારાઓનો પણ એક મોટો સમુદાય છે. પરંતુ જાણે અજાણે આ વર્ગનું મૌન કે ઉપેક્ષા ભાવ એ આજના સમયનો પડકાર છે સમાજના શુભ તત્વોનુ નેતૃત્વ કરીનેગોઝારા આંગણાને તજી દેવાની જાહેર વાત કરનારની તંગી સતત અનુભવાતી રહે છે. સામાજિક આગેવાનો પાસે આવી અપેક્ષા હતી. આવા નેતૃત્વની એક પેઢી પણ હતી જેમણે ગાંધીની વિદાય પછી ન્યાય તથા નવ જાગૃતિની મશાલ ધારણ કરી હતી. ‘વિનોબા’ –‘ જયપ્રકાશ’ કે ‘રવિશંકર મહારાજ’ ના નામથી ગાંધી વિચારની નિર્ભયતાની વાતને વહેતી રાખવાની જવાબદારી આવા અનેક નામી – અનામી લોકોએ સ્વેચ્છાએ સ્વીકારી હતી. સંપ્રદાયના વાડામાંથી બહાર નીકળીને જગતને ખરા ધર્મ તથા સદઆચરણની દિશા બતાવનાર કબીરથી લઇને દાસી જીવણ સુધીની હસ્તીઓએ સમાજને દોરવણી આપી હતી. આજે જો આ બાબતમાં ઓછપ જણાતી હોય તો ફરી તેનો ઉકેલ આપણેજ શોધવો પડશે. વારંવાર ગાંધી કે લોહીયા (ડો. રામમનોહર લોહીયા) આવીને આપણી સ્થિતિ સુધારે તેવી આશા નિરર્થક છે. લોહીયાની ઝુઝારુ વૃત્તિ આપણામાં જાગૃત કરીનેજ અનિષ્ટ જણાય તેના આંગણાને ત્યજવા પડશે. સમયની આ માંગ છે.
આ પુસ્તકના સમગ્ર પત્રવ્યવહારને જોતા બે શુભર્દષ્ટા લોકોની એક નૂતન સૃષ્ટિનુ દર્શન થાય છે. જીવનના સંધ્યાકાળે કાગ અને જયમલ્લ પરમાર સહેલાઇથી મળી શકતા નથી તેનો વલેપાત પણ સુંદર શબ્દોમાં આલેખાયો છે.
વાલા છેટે વાવડે
ઉડીને ન અવાય,
માણસના પંડમાંય
પાંખું નહિ પાતો ભણે.
કાળની કાંટાળી ડાળીએ કાગ કવિની કવિતા જેવા ચણીબોર લાગેલા છે. સ્વાદ લેવો એ આપણા સદભાગ્ય છે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૧૧/૦૪/૨૦૧૮.
Leave a comment