: ક્ષણના ચણીબોર : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:

જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા ડહાપણ અને અનુભવથી વૃધ્ધિ પામેલા આ વૃધ્ધે નાદુરસ્ત તબીયત હોવા છતા સ્વયં સ્ફૂરણાથી દૂર સુદૂરના ગામડાઓનો પ્રવાસ કર્યો. ભાવનગર રાજયના ગામોનો જે પ્રવાસ તેમણે કર્યો તેની કથા કોઇ પરીકથા જેવી રમણીય છતાં ગાંભીર્ય તથા ઉદારતાના ગુરુશિખર સમાન ભવ્ય લાગે છે. ઉત્તમ વહીવટના નીચોડ સ્વરૂપે તેમણે કહેલો પ્રતિશબ્દ કોઇપણ કાળમાં સાંપ્રત તેમજ ઉપયોગી લાગે તેવો સમૃધ્ધ છે. ઉંચડી તેમજ ઝાંઝમેર નામના બે નાના ગામોની મુલાકાત સમયે પટ્ટણીજી મુલાકાતે આવેલા સમુહને સંબોધન કરતા કહે છે.:

‘‘ગ્રામ પંચાયતો પોતાનુ કામ સારી રીતે કરતી હોય તે જરૂરી છે. પંચાયત એટલે માત્ર રાજયની વસૂલાત કરતી કે રાજયના કાગળોની આપ-લે કરતી સંસ્થા નથી. પંચાયતોએ લોકોના કજીયા-કંકાસનું સમાધાન કરવું જોઇએ. ગામ સમુહના પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહેવું જોઇએ. ગામડાઓની તંદુરસ્તીની વ્યવસ્થા માટે પ્રવૃત્ત થવું જોઇએ. ગામની શાંતિ- સલામતી તથા રક્ષણની વ્યવસ્થા પણ ગામના યુવાનોએ જાળવવાનો પ્રયાસ કરવો જોઇએ. સારી પંચાયતો હોય ત્યાં પોલીસ અમલદારે શા માટે આવવું જોઇએ ?’’

ઉપર કેટલાંક દાખલાઓ આપ્યા છે તેવી તો અનેક વાતો આ દેહથી ડગમગી ગયેલા અડીખમ વૃધ્ધે લોકોની વચ્ચે જઇને કરી લોકો સાથે આંખમાં આંખ પરોવીને કરી. પોતે રાજયના દીવાન હતા મહારાજા સાહેબ માટે પણ માનવંતા હતા. આ બધુ હોવા છતા કોઇ પણ જાતના દંભ- દેખાવ કે અહમને વચ્ચે લાવ્યા સિવાય આ જ્ઞાનથી પરિપકવ થયેલા કર્મવીરે લોક સંવાદની જે અનોખી શૈલિ કે પ્રણાલિનુ સ્થાપન પોતાના જીવનના સંધ્યાકાળે કરેલું છે તે બાબત કોઇપણ રાજય માટે ચિરકાળ સુધી મોડેલ બની રહે તેવી છે. પૂરી શાસન વ્યવસ્થાનો છેવાડાનો કહેવાય છતા સૌથી મહત્વનો કહેવાય તેવા ગ્રામ એકમની મજબૂતીને ર્દઢ કરવા પાછળ આ વિચક્ષણ વહીવટદારની ર્દષ્ટિમાં કેટલી સમજ તથા સૂઝ હશે તેનો વિચાર કરતા પણ હેરત પામી જવાય તેમ છે. સમગ્ર રાજયતંત્રની કોઇ પણ કડી નબળી હોય તો પરિણામ નબળુ આવે તેની સ્પષ્ટ ર્દષ્ટિ આવા સમર્થ વહીવટકર્તાઓની હોય છે. આવી નબળાઇને ડામવા લોક માનસમાં પરિવર્તન એ પટ્ટણી સાહેબની આ ઐતિહાસિક યાત્રાનો ઉદેૃહ હતો. સર પટ્ટણી તો ગામ લોકો સાથેની સંવાદયાત્રા દરમિયાન જ ફેબ્રુઆરી-૧૯૩૮માં સ્વધામ ગયા. પરંતુ સ્વરાજયનું સુરાજયમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય તેનું દિશાદર્શન કરાવીને ગયા. એપ્રીલ મહીનાની પંદરમી તારીખે સર પટ્ટણીની જન્મ જયંતી આવતી હોવાથી આ મહામાનવની સ્મૃતિ ફરી તાજી થાય છે. તેમણે કહેલા શબ્દોની સૌરભ આજે પણ તરોતાજા લાગે છે. અનંત સૃષ્ટિમાં ઉજળો ચમકાર થઇને વીલીન થયેલા તેજપુંજ સમાન તેમનું જીવન તથા યોગદાન સમયની સરાણે મૂલવીએ તો સુવર્ણ સમાન સ્થાયી તથા તેજયુકત દેખાય છે.

ભાવનગર રાજયે તથા વ્યકિતગત રીતે પટ્ટણી  સાહેબે પંચાયત રાજયના મજબૂતીકરણ માટે સેવેલો આવો આગ્રહ ઐતિહાસિક ઘટના છે. યોગાનુયોગ આઝાદી મળ્યા પછી પંચાયતી રાજયની બ્લુપ્રિન્ટ સમગ્ર દેશ માટે તૈયાર કરનાર બળવંતરાય મહેતા પણ ભાવનગરના સંતાન હતા. મહેતા સમિતિની ભલામણો પરથી દેશમાં પંચાયતી રાજયની સ્થાપનાનું કાર્ય સરળ બની શકયું. જો મજબૂત પંચાયત હોય તો લોકોના સ્થાનિક તથા નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ પંચાયત કક્ષાએજ થઇ શકે. આજે પણ આ બાબત એટલીજ સાચી છે. ઝીણાભાઇ દરજી, રીખવદાસ શાહ (મહેસાણા) કે વલ્લભાઇ પટેલ (રાજકોટ) જેવા સ્વીકૃત લોકનેતાઓએ પંચાયત રાજયના પાયા મજબૂત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. આ બધા મહાનુભાવોની ર્દષ્ટિ વહીવટમાં લોકભાગીદારીને ખરા અર્થમાં સક્રિય કરવાની હતી. એક અથવા બીજા સ્વરૂપે પંચ કે પંચાયતનુ પ્રભુત્વ આપણે ત્યાં લાંબા સમયથી હતુ. આ સંદર્ભમાં વિનોબાજીનું એક વિધાન વાંચ્યુ હતું. તે ખૂબજ અર્થપૂર્ણ છે. વિનોબાજી કહેતા કે દેશ પરાધિન હતો ત્યારે ગામડા આઝાદ હતા. આવું વિધાન પંચાયતોના માળખાની જૂની પધ્ધતિનો નિર્દેશ કરે છે હાલની સ્થિતિ, વિનોબાજીની ર્દષ્ટિ તેમજ આપણાં વલણની કડક ચકાસણી આપણેજ કરવી રહી. અનેક કિસ્સાઓમાં પંચાયતો દાવાદૂવી તથા આંતરિક વેરઝેરથી દુષિત શા માટે બની? પંચાયત એજ આપણી Last-mile connectivity છે. નબળી કે ટૂંકા ર્દષ્ટિકોણ વાળી પંચાયતોથી સબળા વહીવટનો ઉદ્દેશ સિધ્ધ થવો મુશ્કેલ છે. માનવ સૂચકાંકના માપદંડોમાં માનભર્યુ સ્થાન મેળવવા માટે પંચાયતોની અસરકારકતા દ્વારા લોકશાહી પાયામાથી નકકર તથા નરવી કરવી પડશે. ગામડાઓમાં (શહેરોમાં પણ) વધતો જતો કુસંપ, ખેતીમાં ઉત્પાદકતાનો પશ્ન તેમજ વ્યસનોનું પ્રમાણ એ ગંભીર સ્વરૂપે વિકાસની સમગ્ર વાતને નિરર્થક કરી શકે તેવો પડકાર છે. પાણી, શિક્ષણ તેમજ આરોગ્યના અનેક પ્રશ્નો હજુ પણ અકળાવે તેવા છે. આ સ્થિતિમાં લોક ભાગીદારી તેમજ મજબૂત પંચાયતોનું માળખું સ્થિતિમાં બદલાવ માટે જરૂરી લાગે છે. સર પટ્ટણીનુ આ બાબતનું નિદાન સમયની સરાણે આજે પણ ખરું છે. સર પટ્ટણીના જીવનના અનેક ઉજળા પાસા છે. ‘‘ઉઘાડી બારી’’ અને ખુલ્લુ મન રાખીને આપણાં આ વહીવટના મનિષીને વંદન કરવાનો તથા તેમની કાર્યપધ્ધતિને અનુસરવાનો સમય છે.

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૦૨/૦૪/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑