સરોદ કહે છે. આ રે
કાયામાં પલટાયું
દેહ પડ્યે તો દફનાવું
લગન એવી લગવી દેવી
આપ અગનરૂપ થાવું.
મરણ તો માનવ માત્રના થાય છે. કુદરતનો એજ નિશ્ચિત ક્રમ છે. પરંતુ સંતો-કવિઓ તથા સર્જકો કહી મૃત્યુ પામતા નથી. અવધિ પૂરી થાય ત્યારે શરીરતો તેનો ધર્મ પાળે અને વિલિન થાય પરંતુ સર્જકે કરેલું સાહિત્ય નિર્માણ ચિરકાળ જીવંત રહે છે. ભર્તુહરી મહારાજે પણ આ વાતનું સમર્થન કરતા કહેલું છે કે કવિઓના સર્જનને જરા-મરણનો ભય નથી. આથી ‘સરોદ’ ગયા. આપણાં દુર્ભાગ્યે અણચિંતવ્યા અને ઓચિંતા ગયા.પરંતુ તેમની વિશાળ તથા વૈવિધ્યસભર રચનાઓ થકી આપણી વચ્ચે આજે પણ જીવંત રહેલા છે. મહેકતા અને ગહેકતા રહેલા છે. વ્યવસાયે આમ તો કાયદાના માણસ પરંતુ ભજન વાણીના તેઓ ઉદગાતા હતા. કવિ સરોદ/ગાફિલ-મનુભાઇ ત્રિવેદી-એપ્રિલની નવમી તારીખે ૧૯૭ર મા સૌના અચંબા અને આઘાત વચ્ચે નીકળી ગયા. જયમલ્લ પરમારે તેમને ‘‘ સતજુગિયો સાંઇ’’ કહેલા છે. આ સમર્થ સર્જકની કાવ્ય કીર્તિ યુગો સુધી પ્રસરતી રહે તેવી છે.
સરોદના ભજનો તથા ગઝલો તો લોકહૈયે વસેલા છે. અનેક કાર્યક્રમોમાં સરોદની રચનાઓ ગવાતી રહે છે અને સતત ઘૂંટાતી રહે છે. સરોદની કેટલીક વાર્તાઓનો સંગ્રહ ‘‘વેરાનમાં ચંદનવન’’ની વાર્તાઓ જોતા સરોદના સર્જનની એક જુદી પણ અનોખી વાર્તાશૈલીનું દર્શન થાય છે. (પ્રકાશકઃપ્રકાશન પ્રવીણ) સરોદની વાતનો વિષયની તેની માંડણી તથા નાની સરખી કથાનો સંદેશ પણ માનવ મનના અનેક ભાવ સ્વરૂપોનું ભાતીગળ દર્શન કરાવી જાય છે. આ સંગ્રહમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે તન-મનથી જોડાયેલા એક જાણીતા સાધુની વાત જે સરોદે લખી છે તે મોહક તથા રુચિપૂર્ણ છે વાતની કથા કંઇક આવી છે.
ધોલેરા સ્વામિનારાયણના પ્રાચીન મંદિરમાં એક સાધુ પ્રભુ સ્મરણમાં મગ્ન થઇને બેઠા છે. સાધુ કૃષકાય છે એટલું જ નહિ પરંતુ શરીરે જે ગરમી ફૂટી નીકળી છે તે પણ કષ્ટદાયક છે. પરંતુ છતાં આ સાધુના મોં પર શાંતિ તથા આંખોમાં સ્વસ્થતા છે. આ સાધુ એ સંપ્રદાયના સુવિખ્યાત સાધુ નિષ્કુળાનંદ સ્વામી છે. વૈરાગ્ય જેમના રોમેરોમ પ્રસરી ગયો છે તેવા આ સન્યાસીને શારીરિક અશાંતિ ખલેલ પહોંચાડી શકતી નથી. મંદિરમાં પ્રભુની મૂર્તિ સામે ધૂન ચાલે છે. સ્વામી ધૂનના સ્થળેથી થોડે દૂર બેઠા હોવા છતા સંપૂર્ણ આંતર-બાહ્ય ભાવ સાથે ધૂનની મસ્તીમાં પરોવાયેલા છે. નિષ્કુળાનંદ સ્વામીને જાણ થાય છે કે તેમની શારીરીક વ્યાધિઓ સમી જાય તથા પીડા ઓછી થાય તે માટે સાધુઓ તથા સત્સંગીઓ ધૂન કરે છે. સ્વામીજી આ વાત જાણ્યા પછી હળવા પગલે જે સ્થળે ધૂન ચાલે છે. ત્યાં જવા ડગ માંડે છે. શારીરિક તકલીફોની વેદનાની જાણે કે આ સન્યાસીને કોઇ તમા ન હોય તેમ તેઓ દર્શનખંડમાં ચાલતી ધૂનના સ્થળે જાય છે. સતસંગ સભામાં આ કૃષકાય સાધુ ધીરગંભીર અવાજે ધૂનમાં લીન છે. તેવા સૌ ભકતોને કહે છેઃ‘‘ શ્રીજીમહારાજના વહાલા આત્માઓ! આ નિષ્કુળાનંદને તેમ પંચમહાભૂતનુ ખોળિયુ માત્રતો નથી સમજતાંને! જો એમ હોય તો ખોળિયાનો આવિર્ભાવ થયો તે પહેલા નિષ્કુળાનંદ કયાં હતો?’’ જે નાશવંત છે તેવા ખોળિયાની માયા છોડીને સ્વામી સૌ સત્સંગીઓને અખિલ વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરવાનું કહે છે. ખોળિયા તો આવતા-જતા રહેશે. બદલાતાં પણ રહેશે. આ તો અનાદિનું પરિભ્રમણ છે તેમ આ સ્વામી સહેજમાંજ સમજાવે છે. ભગવદગીતાના એક મહત્વના સંદેશની વાત આટલી સરળતા તથા સહજતાથી સમજાવવાની આવી શકિત આપણાં સંતોમાં જોવા મળી છે.‘‘ ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના’’ જેવી વાણીના ઉદૃગાતા સંત નિષ્કુળાનંદ જ શરીરની અસહ્ય વ્યાધિઓ સામે આવુ સ્વસ્થ વલણ લઇ શકે. મનુભાઇની કલમે નિષ્કુળાનંદ દર્શન વિશેષ મોહક તથા રુચિકર બની રહે છે. પરમેશ્વરનો સંગ અને જગતની સારી-નરસી બાબતોનો અંદરથી અસંગ એ સ્થિતિ કોઇ વિરલાજ કેળવી શકે. શારીરિક વ્યાધિઓ વચ્ચે જગતજનની ‘મા’ નુ સાનિધ્ય કેળવીને જીવેલા રામકૃષ્ણદેવના જીવનમાં પણ આજ બાબત જોવા મળે છે. સરોદની કલમે જે કથાઓનું પાત્રાલેખન થયું છે તેમાં તાજગી છે તથા માનવ સ્વભાવના વિવિધ ભાવોનું ભાતીગળ દર્શન છે. હરિની સાખમાં શબ્દપુણ્યો અર્પણ કરીને આ કવિએ જગનો બોજ હળવો કર્યો છે.
સાખી, તારી સાખમાં લિખતા આવે મોજ,
સરોદ હરિની સાખીએ
ફગવે જગનો બોજ.
પોતાની ઓળખમાં કવિએ ગામના પાદશે નાના એવા મંદિરના ઓટલે રામસાગરના સથવારે ભજન રેલાવતા અલહડબાવાનો દાખલો આપ્યો છે. ઓળખાવાની આ પણ એક અનોખી રીત હશે! ‘‘બુલંદ નહિ પણ ઝીણો સૂર અને સભાન નહિ પરંતુ સૂઝે એવુ ગાન’’ સરોદની રચનાઓની મુદ્દા છે તેવું શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાનું વિધાન યથાર્થ છે. ‘‘ વેરાનના ચંદનવન’’માં સરોદે ધાંગધ્રાના રાજવી સામે એક પવિત્ર બ્રહ્મતેજના નૈનિક વિજયનુ સુંદર ચિત્ર આલેખ્યુ છે. બ્રાહ્મણથી ભેટ ન બંધાય તેવા વિચારને વળગી રહી તેમણે રાજયના હૂકમની અવહેલના કરી. સમય આવ્યે રાજવીને પણ મોઢામોઢ સત્યને વળગી રહીને પોતાની વાત નિર્ભયતાથી રજૂ કરી. આવી કથાઓ માનવ હોવાનો ગૌરવભાવ પ્રગટાવે તેવી સબળ છે. સરોદની વાણીનુ પાણી સૂકાય તેવું નથી પરમ તત્વની પ્રસન્નતા તથા જનસમાન્યનો આદર એ કવિની ચિરંજીવી શકિત છે.
જેનો પાણોતિયો ભગવા
એની વાડી બને ન વેરાન રે
એનો પાણોતિયો ભગવાન.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૨૬/૦૩/૨૦૧૮.
Leave a comment