: સંસ્કૃતિ : : સંત કવિ ઇસરદાસજીની અમર રચના : હરિરસ :

સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. ‘‘ધારણ કરે તે ધર્મ’’ ની વાતનો સંદર્ભ લઇને યાદ કરીએ તો સંત સાહિત્યે સમાજને ધારણ કરેલો છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ સમાજના હીર તથા ખમીરને જીવંત તથા ધબકતા રાખેલા છે. કબીર સાહેબ કે નરસિંહ મહેતા જેવા દિગ્ગજ ભકતોએ પરમતત્વના નામનો વેપલો (વ્યાપાર) અંતરના ભાવથી કરેલો છે. રામનામના આ વ્યવહારીઓની શાન સદાકાળ ઉન્નત રહી છે. નરસિંહે ગાયું હતું :

અમે રે વેહવારીયા રામનામના

વેપારી આવે છે બધા ગામગામના

લાખ કરોડે લેખા નહિ

પાર વિનાની પુંજી

વહોરવી હોય તો વહોરી લેજો

આ કસ્તુરી છે સોંઘી…. સંતો…. અમે રે….

ઇશ્વરના નામનો મહિમા સચરાચરમાં ગજાવનાર આ સંતો વ્યાપક જન સમુહની શ્રધ્ધાનું કેન્દ્ર બનીને રહેલા છે. એમની નિર્મળ વાણીએ જનસમુહને ડોલાવી દીધો છે. આટલી વ્યાપક તથા આટલી ઊંડી અસર આ ‘શબ્દ’, ‘બાની’ કે વાણીની કેમ થવા પામી હશે ? કેવી રીતે આ બાબત કપરા કાળમાં પણ ટકી રહી હશે ? આ સંદર્ભમાં મહાત્મા ગાંધીએ સાધક તથા સંગીત મર્મજ્ઞ દિલીપકુમાર રોયને એક મુલાકાતમાં વાત કરી હતી તે ફરી સ્મૃતિમાં આવે છે. બાપુએ કહેલું કે મીરાં તથા બીજા સંતોની વાણી એ અંતરના ઊંડાણ તથા અનુભૂતિમાંથી પ્રગટ થયેલી વાણી છે. આથી આ વાણી સહજ છે. તેમાં કૃત્રિમતા નથી. બાપુએ ઉમેર્યું કે આપણાં આ સંત કવિઓએ પ્રસિધ્ધિ કે કીર્તિ મેળવવાની ખેવનાથી ગાયું કે લખ્યું નથી. તેમનાથી લખ્યા સિવાય રહેવાયું નથી એટલે લખ્યું છે કે ગાયું છે. આથીજ તેમની વાણીનું આજે એટલુંજ આકર્ષણ છે. આવા અનેક ધન્યનામ સંતોમાં ભક્ત કવિ ઇસરદાસનો સમાવેશ થાય છે. હમણાંજ પસાર થયેલા રામનવમીના પાવન પર્વે આ મહાપુરુષનું વિશેષ સ્મરણ કરવાના ઉપક્રમ યોજવામાં આવ્યા હતા. .

સંત ઇસરદાસજીની અનેક રચનાઓ છે. પરમ તત્વ સાથેના અનુસંધાન તથા અપાર શ્રધ્ધાના કારણે સંતકવિની વાણી બળકટ બનેલી છે. ભાવનગર રાજ્યના વિદ્વાન દિવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૨૮માં હરિરસ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ઇસરદાસનું મુખ્ય લક્ષણ તેમની શ્રધ્ધા છે. આવી શ્રધ્ધા જેનામાં હોય તેઓ ઇસરદાસને વધારે સારી રીતે સમજી શકશે. ભક્ત કવિ ઇસરદાસજીની અનેક ઉત્તમ રચનાઓમાં હરિરસ તેમજ દેવિયાણનો સમાવેશ થાય છે. જગત નિયંતાની મોટાઇને વંદન કરતા કવિ લખે છે કે ઇશ્વર કૃપા હોય તોજ ખરા અર્થમાં માનવીને મોટાઇ પ્રાપ્ત થાય છે.

સાંયા તુજ બડો ધણી

તુજસો બડો ન કોઇ

તું જેના શિર હથ્થ દે

સો જગમે બડ હોય.

સંત સાહિત્યમાં નામ સ્મરણનો મોટો મહીમા છે. તુલસીદાસજીએ પણ દરેક કાળમાં નામ સ્મરણના સાધનનેજ જીવનમાં પ્રાધાન્ય આપવા કહેલું છે. ઇસરદાસજીએ પણ નામ સ્મરણના મહીમાનો બુલંદ પડઘો પોતાની વાણીમાં ઝલ્યો છે.

હરિ હરિ કર પરહર અવર

હરિ રૌ નામ રતન્ન !

પાંચો પાંડવ તારીયા

કર દાગિયો કરન્ન.

નામ સ્મરણમાં અતુટ શ્રધ્ધાના બળે પાંડવ પુત્રો અનેક વિપત્તિઓમાં પણ નખશીખ સલામત રહી શકયા. શબરીએ સમગ્ર જીવન નામ સ્મરણની અને દર્શનની અખૂટ શ્રધ્ધાના બળે પસાર કર્યું. ગઇ સદીના વિશ્વ માનવ ગાંધીએ જીવનની અંતિન કસોટીની ક્ષણે પણ નામ સ્મરણ કરીને પરલોકમાં પ્રયાણ કર્યું. આથી ઇસરદાસજીએ પણ         ‘‘હરિરસ’’ ગ્રંથમાં લખ્યું : 

નામ સમોવડ કો નહિ

જપ તપ તીરથ જોગ,

નામે પાતક છૂટશે,

નામે નાસે રોગ.

જ્યાં જાગે ત્યાં રામ જપ

સૂતા રામ સંભાર

ઉઠત બૈઠત આતમા

ચલતાં રામ ચિતાર.

હરિરસનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્દ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવો છે. મહાભારતના ભીષણ સંગ્રામની વચ્ચે ભાગવદ્દગીતાનો ઉદય એ સમર્થ ઋષિકવિની માનવજાતને મળેલી અમૂલ્ય ભેટ છે. આજ રીતે ભક્ત કવિ ઇસરદાસજીના અધ્યાત્મ ઉન્નતિ અર્થે થયેલા જીવન પ્રવાસમાંથી લોકહિતાર્થે હરિરસની રચના થઇ છે. પરમતત્વની ઉપાસનાનું આવું સચોટ નિરુપણ ભાગ્યેજ જોવા મળે તેવું છે. હરિરસ તથા દેવીયાંણ એ ઇસરદાસજીના સુપ્રસિધ્ધ ગ્રંથોની સરાહના રાજ્યકવિ શ્રી શંકરદાનજી દેથાએ સુંદર તથા અર્થસભર શબ્દોમાં કરી છે.

વાંચો શ્રીમદ્ ભાગવત

મોટો ગ્રંથ મહાન

કે આ હરિરસ નીત પઢો

શુભ ફળદાયી સમાન

વાંચો દુર્ગા સપ્ત શતી,

યા વાંચો દેવીયાંણ

શ્રોતા-પાઠીકો પરમ

સુખપ્રદ ઉભય સમાન.

ભકત કવિ ઇસરદાસજીસના ગ્રંથનો મહીમા સાંપ્રત કાળમાં પણ એટલોજ પ્રસ્તુત છે. સુરેન્દ્રનગરથી શ્રી અચળદાન બોક્ષાના નેતૃત્વમાં હરિરસનો પાઠ અનેક સ્થળો તથા પ્રસંગોએ નિયમિત રીતે થાય છે. હરિરસનો સંપૂર્ણ પાઠ રેકોર્ડ કરીને લોકો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ શ્રી હેમુ ગઢવીના પુત્ર ભાઇ રાજેન્દ્ર ગઢવીએ થોડા સમય પહેલા કર્યો છે. ઉપરની બન્ને બાબતોને લોકોએ વ્યાપક રીતે આવકારી છે.

ભકત કવિએ વિચારયુકત સલાહ ચેતવણી સૌને આપી છે. વીજળીના ચમકારે મોતી પરોવવાની પાનબાઇની લાગણીનું પણ અહી આબેહૂબ દર્શન થાય છે. સંત કવિ જેવા ર્દષ્ટા હોય તેજ આ શબ્દો લખી શકે. ઇસરદાસજીએ લખ્યું છેઃ

અવધ નિર તન અંજળી

ટપકત શ્રવાસ ઉશ્વાસ
હરિ ભજ્યા વિણ જાત હૈ

અવસર ઇસરદાસ.

કવિ ઇસર હરિરસ કીયો

છંદ તીનસો સાઠ

મહાદુષ્ટ પામે મુગતિ

જો નીત કીજે પાઠ.

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૨૬/૦૩/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑