મરૂભૂમિના માડુઓનો મિજાજ જૂદો હોય છે. કુદરતે તેમને અનેક પ્રતિકૂળતાઓનો ઉપહાર આપેલો છે. આ સાથેજ કુદરતે આ માનવીઓમાં ઠાંસી ઠાંસીને ખમીર પણ ભરેલું છે. જેમનો આંતરિક કોષ ભરેલો હોય તેમને બહારની પ્રતિકૂળતાઓ ક્યારે પણ વિધ્નરૂપ બની શકતી નથી. સુકી ધરતીના પુત્રો આફતો સામે રંક બનીને શરણાગતી સ્વીકારતા નથી. તેઓ પડકારોને પણ પડકારી શકે તેવા છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહના લખેલા શબ્દો યાદ આવે છે.
આપણેના કંઇ રંક
ભર્યો ભર્યો માહ્યલો કોષ અપાર
આવવા દો જેને આવવું
આપણે મૂલવશું નિરધાર
આગ ઝરે ભલે આગ
હસી હસી ફૂલ ઝરે ગુલમહોર.
આવા માનવીઓ જે સ્થળોએ ઓછો વરસાદ પડે છે તેવા કચ્છ – બનાસકાંઠાના લોકોને જેમ લાગુ પડે છે તેજ રીતે મેવાડ – મારવાડ તથા હાડોતીના માનવીઓને પણ લાગુ પડે છે. હાડોતી પ્રદેશમાં રાજસ્થાન રાજ્યના કોટા – ઝાલાવાડ તથા બારાં વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખમીર તથા સ્વમાન સાથે જીવતા લોકોની સેવામાં કોઇ વ્યક્તિ કે સંસ્થા ઉપયોગી થાય તો તેઓ આપણાં અભિનંદનના અધિકારી બનવા જોઇએ. કારણ કે પ્રમાણમાં ઓછા વિકસિત હોય તેવા પ્રદેશના લોકોની સેવા કરવાનું એક વિશિષ્ટ મૂલ્ય છે. બારાં જિલ્લાના કવાઇ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે આ પ્રકારની હકીકત જોવા મળી. મળી.જેની છાપ મન પર લાંબા ગાળા સુધી રહે તેવી મજબૂત છે.
આમ તો કવાઇ ગામ મોટું નથી. રાજસ્થાનના બારાં જિલ્લાના અટરૂ તેહસીલનું આ ગામ છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર – સી.એચ.સી.નું સુંદર તથા સુઆયજિત ઢબે બનાવેલું બિલ્ડીંગ જોઇને આનંદ થયો. અદાણી ફાઉન્ડેશન તરફથી તેમની સી. એસ. આર. પ્રવૃત્તિના એક ભાગ તરીકે આવું બિલ્ડીંગ બનાવીને રાજ્ય સરકારને તેનું સંચાલન કરવા માટે સમર્પિત કરવામાં આવેલું છે. આપણો એક સામાન્ય અનુભવ છે કે માત્ર સુંદર બિલ્ડીંગ બનાવવાથી તેનો સંપૂર્ણ હેતુ સિધ્ધ થતો નથી. સુવિધાપૂર્ણ બિલ્ડીંગ હોવું તે અવશ્ય સારી બાબત છે પરંતુ તેનો હેતુ અનુસાર લોકસેવા માટે કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય તો સોનામાં સુગંધ ભળે તેવું કામ થાય છે. અહીંયા આ બાબતની પ્રતિતિ થઇ તેનો વિશેષ આનંદ થયો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જેમની નિમણૂંક કરવામાં આવી છે તેવા ડૉકટરોની ટીમ તથા નર્સીંગ સ્ટાફ તરફથી જે સમર્પિત ભાવે લોકોની આરોગ્યની સેવા કરવામાં આવે છે તે દાદ માંગી લે તેવી છે. આરોગ્ય કેન્દ્રના ઓપીડીની તો મોટી સંખ્યા ખરીજ પરંતુ ડીલીવરીના કેસોનું પ્રમાણ તથા તેની માવજત જોઇને આ ડૉકટરોની ટીમને અભિનંદન આપવાની સહેજે ઇચ્છા થાય તેવું છે. લગભગ ૨૫ થી ૩૦ ગામડાઓની આશરે ૧૫૦ મહીલાઓની ડીલીવરીના કેસો આ તબીબો તથા તેમનો સહાયકગણ કાળજી અને કૂશળતાથી સંભાળે છે. બધી ડીલીવરી નોરમલ થાય છે. ડૉકટરો કહે છે કે જે કિસ્સામાં તેમને માતાના આરોગ્ય સબંધમાં ગૂંચવણ કે ચિંતા જણાય તેવા કેસ જિલ્લાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. અહીં ફરજ બજાવતા તબીબો કહે છે કે આવા કેસોનું પ્રમાણ ઓછું છે. નોરમલ ડીલીવરી અને તે પણ સરકારી હોસ્પિટલમાં થવાથી કેટલી મોટી રાહત મળે છે તેની વાત તો દર્દીઓ કે તેમના સગાવહાલાઓ પાસેથી સાંભળીએ ત્યારેજ તેના મહત્વની પ્રતિતિ થાય છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે સીઝેરીયન કરવાનું પ્રમાણ એકંદર વધેલું છે તેની સામે પણ કવાઇના આ તબીબોની વાત સમજવા અને વખાણવા જેવી છે.
સામાન્ય રીતે સરકારી તંત્ર તરફ જોવાનો સમાજનો દ્રષ્ટિકોણ ટીકાત્મક રહેતો હોય છે. તેના ચોક્કસ કારણો પણ હોય છે. પરંતુ જ્યારે આવા માહોલમાં કોઇ જગાએ સરકારી તંત્રના ફિલ્ડના કર્મચારીઓ તરફથી નમૂનારૂપ સારું કામ થતું જોવા મળે ત્યારે ખરેખર આનંદની લાગણી થાય છે. સરકારી તંત્રના કર્મચારીઓ સામેની ફરિયાદ હોય અને ફરિયાદ થાય ત્યારે તે સમાજના અબાધિત અધિકારનો વિષય છે. પરંતુ તેની સાથેજ જ્યાં કશુંક સારું થતું હોય ત્યાં નાગરિકો તરફથી તેની પ્રશંસા કરવામાં આવે ત્યારે કામ કરનાર લોકોનો થાક ઉતરી જાય છે. એટલુંજ નહિ પરંતુ આ લોકો બેવડા ઉત્સાહથી કામ કરતા થાય છે. ફરજના ચીલાચાલુ કાર્યમાં જ્યારે આવી નિષ્ઠાની ચેતનાનો સંચાર થાય છે ત્યારે તેવા કાર્યને ઇશ્વરની સેવા-પૂજાના કાર્યની હરોળમાંજ મૂકી શકાય. તક મળે ત્યારે નિષ્ઠાપૂર્વકની આવી સેવાનેજ કુદરત તરફથી કદાચ તેમની પ્રાર્થના તરીકે સ્વકારાતી હશે. ‘‘ જીવન અંજલી થાજો ’’ નો ભાવ આવા કાર્યમાં સુપેરે ઝીલાયો છે. આવા નિષ્ઠાવાન કર્મચારીઓની એક ઉમદા છાપ પણ સામાન્ય જનસમૂહ પર રહેતી હોય છે. નિષ્ઠાપૂર્વક સેવા બજાવાતા સરકારી કર્ચારીઓના આવા અનેક દ્રષ્ટાંતો જોવા મળેલા છે. વર્ષો પહેલા કચ્છમાં કામ કરવાનું થયું ત્યારે માંડવી તાલુકાના બીદડા ગામના ડૉકટરોની આવી સેવાનુંજ કાર્ય જોયું હતું તેની મધુર સ્મૃતિથઇ આવી. બીદડા ગામના ટ્રસ્ટની સુંદર હોસ્પિટલની સેવા દર્દીઓને સહેજે ઉપલબ્ધ હોવા છતાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી દવાખાનાના બહોળા ઉપયોગ પાછળ ત્યાંના તબીબોની સેવા કરવાની તત્પરતા હતી. તેની વાત લોકો અચૂક કરતા હતા. કચ્છના ભીષણ ભૂકંપ પછી કે મચ્છુ બંધ હોનારતના સમયે અનેક કર્મચારીઓએ અનેક શારીરિક તકલીફો તેમજ જોખમો વહોરીને ફરજ બજાવી છે જે બાબત સૌને સુવિદિત છે. એક સ્વસ્થ સમાજ તરીકે આપણે સારા કાર્યોને બીરદાવવાની તેમજ નબળા કામો તરફ સ્પષ્ટ અણગમો વ્યક્ત કરવાની સૂઝ તથા શક્તિ કેળવવી આવશ્યક છે. સિંહગઢનો વિજય પ્રાપ્ત કર્યા બાદ ‘‘ ગઢ આલા પણ સિંહ ગેલા ’’ કહીને શિવાજી મહારાજે પોતાની સેનાના વીર નાયક તાનાજીના બલિદાનની વેદના વ્યક્ત કરી હતી. તાનાજીના સમર્પણની ભાવપૂર્વક પ્રશસ્તી કરી હતી તે કથા જાણીતી છે. સમાજ કે શાસકનું આવું વલણ સારું કાર્ય કરવાનો જેમણે નિર્ધાર કરેલો છે તેમને બળ પૂરું પાડે છે.
સમાજ તરીકે શિવાજી મહારાજના વલણને હૈયામાં ધારણ કરીને સારા કાર્યને – નિષ્ઠાવાન કર્મચારીને બીરદાવવાનું ચૂકવા જેવું નથી.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૧૨/૦૩/૨૦૧૮.
Leave a comment