સુરત સ્વામિનારાયણ મંદિરેથી એક રવિવારના દિવસે મંદિરના સંતનો ફોન આવ્યો. સંત તરફથી એક સમાચાર મળ્યા કે જેનાથી મનમાં પ્રસન્નતાનો ભાવ થયો. તેમણે કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ડુમ્મસમાં છે અને તે દિવસે સાંજે તેમની મુલાકાત કરવી તથા દર્શન કરવા શક્ય છે. આવા અર્થસભર આમંત્રણ માટે સંતનો અંતરથી આભાર માન્યો. જીવનમાં કેટલાક અણધાર્યા લાભ પણ કેવા અનાયાસ મળી જતા હોય છે તેના વિચાર માનમાં આવતા રહ્યા. સંત સમાગમ હમેશા જીવનમાં કંઇક નવું કે કશુંક વિશેષ ઉમેરીને જાય છે. હા, એ વાત ખરી છે કે આ સાધુ – સંતોમાંથી મળવા જેવા અને શક્ય બને ત્યાં સુધી મળવાનું ટાળવા જેવા એમ બન્ને પ્રકારના સાધુ – સન્યાસીઓ કે બાબાઓ સમાજે જોયા છે. આ બાબતનો નિર-ક્ષિર વિવેક દરેકે જાળવવો જરૂરી છે. પ્રમુખસ્વામી માટે ડંકાની ચોટ ઉપર કહી શકાય કે તેમને મળ્યા પછી મનમાં હમેશા લાભાન્વીત થયાનો ભાવ અનુભવી શકાયો છે. સાંજે ડુમ્મસમાં પ્રમુખસ્વામી મહારાજની નિર્મળ તથા રોમે રોમ પવિત્ર એવી છબી પ્રત્યક્ષ જોઇને ફરી આનંદ થયો. સંવાદ કરવા માટે અવકાશ હતો. પ્રમુખસ્વામી સંવાદના સાધુ હતા. વિસંવાદીતા તેમનાથી જોજનો દૂર હતી. સંવાદ કરતી વખતે તેમના શબ્દો સીધા – સોંસરવા તથા કોઇપણ પ્રકારના આડંબર રહીત હતા. પ્રમુખસ્વામીની મુલાકાત થઇ તે સમયે (૧૯૯૪-૯૫) વિવિધ પ્રકારની ટેલીવીઝન સીરીયલોએ લગભગ ઘરોના બેડરૂમ સુધી ધમાકેદાર પ્રવેશ મેળવી લીધો હતો. મોટા ભાગના ઘરોમાં માવતર અને મોટેરાઓ જીવંત સ્વરૂપે આસપાસ વસતા કુટુંબીજનો તથા બાળકો સાથે ડીસ કનેક્ટ થઇને પોતાની જાતને સ્વેચ્છાએ નિર્જીવ ટેલીવીઝન સ્ક્રીન સાથે હોંશે હોંશે કનેક્ટ કરતા હતા. ટીવી સીરીયલ જોવી એ કોઇ વખોડવા પાત્ર બાબત ન હોઇ શકે પરંતુ તેનો અતિરેક જરૂર અણધાર્યા સામાજિક વલણો પેદા કરી શકે છે. આવો ખ્યાલ આટલા વર્ષો પછી આપણાંમાંથી ઘણાને થઇ રહેલો છે. ટીવી સ્ક્રીન કે લેપટોપ તરફ બાળકો – કિશોરોનું અસાધારણ આકર્ષણ તથા અનુસંધાન જગતના ઘણા દેશોમાં ચિંતા તથા વિચારણાનું કારણ બનેલું છે. પ્રમુખસ્વામીએ આ વિષય ઉપરજ ડુમ્મસની આ મુલાકાત વખતે વિગતે વાત કરી. પોતાની ચિંતા પણ વ્યક્ત કરી. આવા સાંપ્રત વિષયના સંદર્ભમાં પ્રમુખસ્વામી નામના આ દિગ્ગજ સંતની દ્રષ્ટિ કેવી વેધક તથા આરપાર જોનારી હતી તેનું સ્મરણ કરતાં આજે પણ અચંબામાં પડી જવાય છે. આ બાબતના સંદર્ભમાંજ મારા એક પ્રશ્નના સંદર્ભમાં પ્રમુખસ્વામીએ કહ્યું કે બાળકોમાં સતત વધતું જતું ટીવી તરફનું આકર્ષણ એ તેમની ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું કે ઘણી બધી બાબતો ગળાયા – ચળાયા સિવાય બાળકો સુધી ટીવી સીરીયલોના માધ્યમથી પહોંચે છે અને બાળમાનસને પ્રદુષિત કરે છે. પરંતુ માત્ર નિદાન કરીને અટકી જનાર આ વૈદ્ય ન હતા. આ રોગના પ્રતિકાર તથા મારણ માટેનું પણ એક સુરેખ આયોજન તેમના મનમાં હતું. આ માટે એક ચોક્કસ વ્યવસ્થા પણ ‘‘સો સો વાતુના જાણનારા’’ આ સંતે કરી હતી. અનેક બી.એ.પી.એસ.ના મંદિરોમાં ચાલતી બાળસભાઓ આવા પ્રયાસોનું સીધું પરિણામ છે તેમ કહી શકાય. પરંતુ મનમાં ફરી ફરી એ સ્મૃતિ થયા કરે છે કે ભાવિના ગર્ભમાં લાંબો દ્રષ્ટિપાત કરીને સમાજ પર આવનારી આફતનો અણસાર આ સંતને હતો. તે બાબતની તેમને ચિંતા પણ હતી. સમાજને આ સ્થિતિમાંથી ઉગારી શકાય તેનું આયોજન પણ મનમાં હતું. સંતનું સંતત્વ આવા પરગજુપણામાંથી પ્રગટે છે અને તેથીજ તેની આભા જગતના ખૂણે ખૂણે પ્રસરી રહે છે. આવી કોઇ ચિંતા જગતનો ત્યાગ કરનાર સન્યાસીને વ્યક્તિગત નથી પરંતુ છતાં સમાજના દુ:ખે સંત દુ:ખી છે. આવા ઉપકારી આત્માઓ જગત કલ્યાણ માટેજ પોતાનું જીવતર વ્યતિત કરે છે. કવિ શ્રી કાગની એક સુંદર તથા અર્થસભર રચનાની કેટલીક પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે.
ઝાડવાં પોતે પોતાના
ફળ નથી ખાતા રે..
ઉપકારી એનો આતમો
વનમાં રઝળતી ને ઘાસ મુખે ચરતી
ગાવલડી પોતે રે દૂધ નથી પીતી..
ઉપકારી એનો આતમો.
રતન રૂપાળાં ને મોંઘા મૂલવાળા..
દરિયો પેરે નહિ મોતીડાની માળારે
ઉપકારી એનો આતમો.
આવા કોઇ સંત જોયા છે ખરા ? તો કવિ કહે છે કે તેમણે નજરોનજર આવા એક સંત જોયા છે. આ સંતનો વેશ ભગવો નથી અને ભગવો વેશ હોવો એ સંતત્વની પૂર્વશરત પણ નથી. પરંતુ ખભા ઉપર અનેક દૂભ્યા – દબાયેલાઓનો ભાર લઇ રવિશંકર મહારાજ નામના આ સંત સતત ચાલતા રહે છે તેમ કવિએ જોયું – અનુભવ કર્યો.
કાગે એક બ્રાહ્મણ ભાળ્યો,
એના ખભે છે ઉચાળો..
મહારાજ પૂગે છે પગપાળો રે
ઉપકારી એનો આતમો.
ગુજરાતની ધરતીનું એ સદ્દભાગ્ય છે કે શ્રેષ્ઠીઓની જેમજ એક સંતોની પરંપરા પણ ગાંધીની આ ભૂમિમાં પાંગરી છે. વિચાર કરીએ તો જૈન સાધુ સંતબાલજી મુનીનું સ્મરણ થાય. આ સાધુએ મહાવીર સ્વામીના કરુણાના સંદેશને હૈયે ધારણ કર્યો હતો. આ કરુણાના પ્રતાપે ભાલના અનેક ગામડાઓમાં પાણી સહીત અનેક પાયાની સુવિધાઓ ઊભી કરવામાં સંતબાલજી પ્રવૃત્ત રહ્યા. ભીક્ષુ અખંડાનંદને અનુભૂતિ થઇ કે પ્રજામાં વિચારબળનું તત્વ પ્રગટાવવું હશે તો સારું સાહિત્ય સસ્તા દરે પહોંચાડવું જરૂરી છે. તેના પરિણામ રૂપે સસ્તા સાહિત્યની યોજનાનો જન્મ થયો તથા અનેક પુસ્તકો વાજબી દરે લોકો સુધી પહોંચી શક્યા. પૂજ્ય મોટાની ઉદાર સખાવતથી દૂર સુદૂરના અનેક ગામડાઓના બાળકોને શાળાનું છાપરૂ ઉપલબ્ધ થયું. પ્રમુખસ્વામી સહિતના આ સર્વ સંતોએ સમાજની ચિંતા કરી અને સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે જીવ્યા. જગતના દુ:ખે દુ:ખી આ સંતોમાં જાણે કે ‘‘કબીરાઇ’’ પ્રગટી હતી. સંવેદના એ આ બધા સંતોને સુખેથી સૂવા દીધા ન હતા. કબીર સાહેબે કહેલું છે :
સુખીયા સબ સંસાર હૈ,
ખાયે ઔર સોયે
દુખિયા દાસ કબીર હૈ
જાગે ઔર રોયે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૩/૨૦૧૮.
Leave a comment