: ક્ષણના ચણીબોર : : સૌજન્ય અને સંસ્કારમૂર્તિ : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા :

આપણાં સમર્થ લોકસાહિત્યકાર તથા સંશોધક ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર રાજ્યના રાજ્યકવિ કવિરાજ પિંગળશીભાઇની ચિર વિદાયના પ્રસંગે માર્ચ-૧૯૩૯ માં લખ્યું હતું તે ફરી ફરી સ્મૃતિમાં આવે છે. મેઘાણીએ લખ્યું : 

‘‘ તેઓ (પિંગળશીબાપુ) સવારે ચાર વાગે જાગતા. દાતણપાણી કરી કલમ હાથમાં લેતાં. આત્મસ્ફૂરણા લખાવે તેમ લખતા. સહેજ પણ સમય મળે ત્યારે કવિતાનેજ ઉપાસતા. આ કવિના પ્રભુ-વિહારના, આત્મબોધના અનેક રુચિકર કાવ્યો સૌરાષ્ટ્રના દૂર દૂરના ગામડે એકતારાઓ પર ગવાતા. આ લખનારે (મેઘાણીએ) પોતાની નાની ઉંમરે ધારીગુંદાળી નામના ગામડામાં સાંભળેલું સુંદર પદ સચોટપણે યાદ છે. 

કહે કવિ પિંગળ

મુરતિ મહા મંગળ !

મારા રુદિયામાં વસો તો

મારે શું છે બીજું કામ ?

ગોકુળિયું નાનું ગામડીયું

શા માટે આવો શામ !

‘‘પિંગળ’’ નામના કોઇ પુરાતન સંતની આ વાણી છે તેમ લોકો માનતા અને હું પણ એમજ સમજતો હતો. ’’ 

મહાકવિ નાનાલાલે કવિરાજના પુત્ર હરદાનભાઇને કવિરાજની ચિર વિદાયના પ્રસંગે આશ્વાસન આપતા લખ્યું હતું : 

‘‘ કવિરાજ પિંગળશીભાઇના અસવાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આથમ્યો છે. પિંગળશીભાઇની વિદાયથી મને ભાવનગર કવિતા સૂનું થયું ભાસે છે. તેમની કવિતાવેલ સૂકાય તેવી નથી. ’’ 

ભાવનગર રાજ્યના રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા એક આયખામાં યુગો સુધી લોકસ્મૃતિમાં રહે તેવી ઉજળી કીર્તિ ફેલાવીને ગયા. ઉત્તમ સાહિત્યકાર, મહાન સર્જક તથા ઉમદા માનવી એવા આ રાજ્યકવિનું અવસાન માર્ચ-૧૯૩૯ માં થયું. આ અવસાનને મેઘાણીએ જાણે ગરવાનું ટૂક તૂટી પડ્યું હોય તેવી વ્યથા સાથે નોંધ્યું અને પોતાની વેદનાને શબ્દોમાં પ્રગટ કરી. કવિ શ્રી દુલા ભાયા કાગે પોતાના બળકટ શબ્દોમાં કવિરાજ પ્રત્યેનો પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો.

સઘળે સ્થાનકે દીઠો

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો

મહારાજાઓને ડાયરે – ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો

ઝૂંપડીઓની વણીને વેદના

ગીતમાં ગાતો મેં દીઠો..

ડેલીએ બેઠો અડીખમ ડુંગરો

દેતાં દેતાં મેં દીઠો…

ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં કવિરાજ પિંગળશીભાઇનો જન્મ ઓક્ટોબર-૧૮૫૬ માં થયેલો. તેમના પિતા પાતાભાઇ નરેલા ભાવનગર રાજ્યના રાજ્યકવિ હતા. કેટલાક કવિઓ યુગ ઉપર પોતાની છાપ છોડતા જતા હોય છે. આવા જુજ કવિઓમાં પિંગળશીભાઇનું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેવું છે. તાજેતરમાં જેમનું નિધન થયું તે કવિ નિરંજન ભગતનું નામ પણ આ સંદર્ભમાં તરતજ સ્મૃતિમાં આવે તેવું છે. પિંગળશીબાપુની સદાકાળ સ્મરણમાં રહે તેવી રચના – ‘‘ ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી     શું ? ’’ આજે પણ વિચારતા કરી મૂકે એવી એક કાવ્યરચના છે. 

ચારણ કવિઓની એક ઉજળી તથા અલગ પરંપરા છે. સાહિત્યના અનેક ગુરુશિખરનું દર્શન આ પરંપરાના કવિઓની રચનાઓમાં જોવા મળે છે. ભક્તકવિ ઇસરદાસજી કે સમર્થ સાંયાજી ઝૂલા જેવા અનેક દિગ્ગજ કવિઓ થકી આ ભાતીગળ પરંપરા સોહામણી બની છે. તત્કાલિન કાળના રાજા – મહારાજાઓ ઉપરાંત વિશાળ જનસમૂહે આવી ચારણ કવિઓની રચના આસ્વાદી તથા પ્રમાણી છે. ઇસરદાસજીના હરિરસ પઠનનું મહત્વ આજે પણ જળવાઇ રહેલું છે. આમ બનવા પાછળ ઘણા કારણો છે. આ કારણોમાં એક મહત્વનું કારણ એ છે કે અનેક રચનાઓ પ્રકૃતિ તથા પરમેશ્વરને નજર સમક્ષ રાખીને સહજ ભાવે કે ઉપાસક ભાવે લખવામાં આવી છે. આથીજ સૂરદાસ કે મીરાંની રચનાઓ જેમ આ ચારણ કવિઓની રચનાઓ સમયના પ્રતિકૂળ પ્રવાહમાં પણ ઝાંખી – પાંખી થઇ નથી. પરમ તત્વની પ્રાપ્તિ માટે નામસ્મરણનો જે મહીમા મહાકવિ તુલસીએ ગાયો એવોજ નામસ્મરણનો આધાર ભક્ત કવિ ઇસરદાસે લીધો છે. તુલસીએ લખ્યું : 

યહ કલિકાલ ન સાધન દૂજા

જોગ જગ્ય જપ તપ વ્રત પુજા

રામહી સુમીરીએ ગાઇએ રામહી

સંતન સુમીરીએ રામ ગુન ગ્રામહી.

કોઇપણ કાળખંડમાં કલ્યાણકારી એવા નામસ્મરણનો જે મહીમા તુલસીએ કર્યો છે તેનોજ પ્રતિઘોષ ઇસરદાસજીની વાણીમાં સંભળાય છે. 

નામ સમોવડ કો નહિ

જપ તપ તીરથ જોગ

નામે પાતક છૂટસી

નામે નાસે રોગ.

ક્ષુધા ન ભાંગે પાણીએ

તુષા ન છીપે અન્ન,

મુક્તિ નહિ હરિનામ વિણ

માનવ સાચે મન્ન.

તુલસીદાસજી તથા ઇસરદાસના માર્ગવિહારી કવિ પિંગળશીભાઇની પ્રીતિ પણ પરમાત્મા પ્રતિ સ્થિર થયેલી છે. રાજ્યકવિનો માન-મરતબો કે બાહ્ય ઠાઠ-માઠ હોવા છતાં તેનાથી અલિપ્ત રહીને આ કવિને સંકટ-લોચક તો એક હરિવરજ દેખાય છે. તેઓ લખે છે : 

હરિવર સંકટ હરતા

મુને ઘડી નથી વિસરાતા..

પ્રભુ પરત્વેની અપાર શ્રધ્ધા, રાજવી તરફની લોહીમાં વણાયેલી નિષ્ઠા તેમજ જન સામાન્ય સાથેનું નિત્ય તથા જીવંત અનુસંધાન જે આ કવિમાં જોવા મળે છે તેનો જોટો ભાગ્યેજ જોવા મળે છે. તેઓ રાજ્યના માત્ર રાજ્યકવિ ન હતા પરંતુ પોતાના અભિપ્રાયને સ્પષ્ટ રીતે રજૂ કરવાની જન્મજાત નીડરતાના કારણે રાજ્યના સલાહકાર હતા. ડૉ. વીરભદ્રસિંહજીએ આ બાબતની નોંધ પણ કરી છે. હોળી – ધૂળેટીના ફૂલગુલાબી માહોલમાં કવિએ મોટું ગામતરું કર્યું. જીવનના અનેક વળાંકોમાં માર્ગદર્શક બને તેવી કાવ્ય ગંગોત્રીની ધારા વહાવીને તેઓ ગયા છે. કવિરાજ પિંગળશીભાઇ તેમના બળકટ સર્જનોને કારણે આપણી સ્મૃતિમાં સદાકાળ રહેવાના છે. મધ્યયુગના સંતો – ભક્તકવિઓના માર્ગ ઉપર ચાલીને જીવન વ્યતિત કરનારા કવિરાજની વિશેષ સ્મૃતિ આ માસમાં થાય છે. રાજ્યકવિની જગ પ્રસિધ્ધ ડેલીની શાખ તેમના વારસદારો જાળવી શક્યા છે તેનો આનંદ છે. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૨૬/૦૨/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑