: ક્ષણના ચણીબોર : : ઝવેરચંદ મેઘાણી કેન્દ્રને કાગ એવોર્ડ :

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર – રાજકોટની હવે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ રહી નથી. આમ તો આ કેન્દ્રની સ્થાપનાને એક દસકો પણ પૂરો થયો નથી તો પણ વિપુલ પ્રવૃત્તિઓના માધ્યમથી કેન્દ્ર અનેક સ્થળોએ પહોંચી શક્યું છે. પોતાની પાંખો પ્રસારીને મેઘાણી કેન્દ્ર લોકસાહિત્યના સંવર્ધન માટે સતત પ્રયાસ કરતું રહે છે. જે કેન્દ્ર સાથે લોકોના હ્રદયમાં બિરાજેલા સર્જક ઝવેરચંદ મેઘાણીનું નામ સંકળાયેલું હોય તેની પ્રતિષ્ઠા મેઘાણીના નામથી પણ વિશેષ પ્રસરી રહે છે. લોકસાહિત્યના સંપાદન – સંશોધન અને દસ્તાવેજીકરણમાં મેઘાણીભાઇની તોલે કોણ આવી શકે ? મેઘાણી જેવું ધૂળધોયાનું કામ કોણ કરી શકશે તેની ચિંતા કવિ પિંગળશીભાઇ લીલાએ પોતાની એક રચનામાં અર્થપૂર્ણ શબ્દોમાં કરી છે. 

કોણ હવે કોદાળી લઇને

ધરણી પડ ઢંઢોળે

કોણ હવે સ્મશાન જગાડી

ખપી ગયાને ખોળે

કોણ હવે કહેવાનું 

ગરવા ગૌરવની કહાણી,

અમર લોકથી આવ

અમારા શાયર મેઘાણી.

આથીજ ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સંકળાયેલા મેઘાણી કેન્દ્રને ૨૦૧૮ના ‘કાગ’ એવોર્ડથી તા.૧૯ ફેબ્રુઆરીના રોજ નવાજવામાં આવ્યું ત્યારે સાહિત્ય સાથે સંકળાયેલા અસંખ્ય લોકોને અંતરના આનંદની લાગણી થઇ હશે. આ કેન્દ્રની સ્થાપના કરનાર ગુજરાત સરકાર તથા તેનું હેતુપૂર્ણ સંચાલન કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણાં સૌના અભિનંદનને પાત્ર બને છે. કાગ એવોર્ડની સ્થાપના કરીને છેલ્લા દોઢ દાયકાથી સાહિત્યની ઉપાસના કરનારા અનેક મહાનુભાવોનું સન્માન કરનારા પૂજ્ય મોરારીબાપુ આપણાં વંદનને પાત્ર છે. જોકે પ્રથમ વખત પોતાના કાર્યો થકી અધિકારી એવી એક સંસ્થાને કાગ એવોર્ડ આપવા પાછળ જે કોઇ માધ્યમથી વિદ્યાની ઉપાસના થતી હોય તેને પોંખવાનો આ ઉજળો પ્રયાસ છે. 

એ હકીકત સુવિદિત છે કે સૌરાષ્ટ્ર એ સંતો – ભક્તો – કવિઓની ભૂમિ છે. અનેક નામી – અનામી કવિઓએ પોતાની ઊર્મિઓને શબ્દદેહ આપ્યો હોય પરંતુ અનેક કિસ્સાઓમાં તે લોકો સુધી પહોંચી શકતી નથી. આવી રચનાઓ ઉત્તમ હોય તો પણ હસ્તપ્રતોમાં પડી રહે છે. કાળક્રમે આવી હસ્તપ્રતો યોગ્ય સાચવણીના અભાવે નષ્ટપ્રાય થવા પામે છે. આવી સ્થિતિની ગંભીરતા સમજીને તેના ઉકેલ માટે પ્રયાસ કરનાર ઋષિ સ્વરૂપ શાક્ષર ડોલરરાય માંકડને યાદ કરવા પડે. માંકડ સાહેબ જેવા અધ્યાપક વાઇસ ચાન્સેલર બને ત્યારે યુનિવર્સિટીના ગૌરવને સુવર્ણ કળશ ચડે છે. ઉપકુલપતિ તરીકે ડોલરરાયે જોયું કે હસ્તપ્રતોમાં સંઘરાઇને પડેલો આ ખજાનો સાચવવાની કોઇ કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં નહિ આવે તો એક ભવ્ય વિરાસતના અનેક અવશેષો નામશેષ તથા સ્મૃતિશેષ થઇ જશે. માંકડ સાહેબ એક સક્રિય કર્મયોગીને છાજે તે રીતે આવી હસ્તપ્રતોને એકઠી કરીને યુનિવર્સિટીમાં જાળવવાનું નક્કી કર્યું. હસ્તપ્રતો એકઠી કરવાનું કામ એ બીજો પડકાર હતો. માણસને પારખવાની માંકડ સાહેબની સૂઝના કારણે રતુભાઇ રોહડિયાની આ કામ માટે પસંદગી કરવામાં આવી. રતુભાઇને જોગમાયા તરફથી સાહિત્ય સૂઝના આશીર્વાદ તો હતાજ પરંતુ સાથે સાથે નિરંતર પ્રવાસ કરીને હસ્તપ્રતો એકઠી કરવાનું કાર્ય કરવાની જબરજસ્ત આંતરિક શક્તિ તેમનામાં હતી. માંકડ સાહેબ અને રતુભાઇની સક્રિયતા તેમજ મહદ્દ અંશે ચારણો તથા ચારણેતર વર્ગોની અજોડ ઉદારતાના કારણે અનેક મોંઘામૂલી હસ્તપ્રતો યુનિવર્સિટીના કબજામાં આવી. જોકે માત્ર એક પટારામાંથી બીજા કબાટમાં હસ્તપ્રતનો સંગ્રહ થાય પરંતુ તેને સાહિત્ય મર્મી સમૂહ સુધી સરળતાથી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો આ તમામ પ્રયાસોનો અર્થ સરે નહિ. આથી તાજેતરમાં લગભગ બે લાખ હસ્તપ્રતોના ડીજીટલાઇઝેશનનો એક સુઆયોજિત પ્રયાસ મેઘાણી કેન્દ્ર તરફથી થયો. કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે હસ્તપ્રતોના ડીજીટલાઇઝેશનની તમામ કામગીરીની જે વિગતો આપી છે તે જોતાં આ કાર્યને બીરદાવવાનું મન થાય તેવું છે. હસ્તપ્રતોનું વિશાળ વિષય વૈવિધ્ય જોતાં સાહિત્યના અને જ્ઞાનના અનેક પાસાઓનું આ આયોજિત તથા ટકાઉ કાર્ય થાય છે. યોગાનુયોગ હસ્તપ્રતોને ડીજીટલ દેહ આપવાના આ સમગ્ર પ્રકલ્પમાં કુંડળ (જિ. બોટાદ) સ્વામિનારાયણ મંદિરના આ વિષયના જાણકાર એવા સંતોની ખાસ મદદથી કામગીરીને જાણે પાંખો મળી છે તેવો સંતોષનો ભાવ કેન્દ્ર નિયામક ડૉ. અંબાદાનભાઇ રોહડિયાએ વાતવાતમાં સહજ રીતે વ્યક્ત કર્યો હતો. 

કાગ એવોર્ડથી સન્માન તથા હસ્તપ્રતોને ટકાવી રાખવાની આ સ્થાયી વ્યવસ્થા જોઇને માંકડ સાહેબનો તથા રતુભાઇનો આત્મા જરૂર પ્રસન્નતા પામ્યો હશે. અનેક સર્જકોના ઉત્તરાધિકારીઓને પણ પોતાના વિદ્વાન પૂર્વજોને યાદ કરી તેમના માટે ગૌરવનો અનુભવ કરવાની આ ક્ષણ છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર ડીજીટલ સ્વરૂપમાં પરિવર્તીત થયેલી આ અમૂલ્ય હસ્તપ્રતો અને તેનો સાહિત્ય ખજાનો અનેક મર્મી તથા લોકસાહિત્ય – ચારણી સાહિત્યના ઉપાસકો સુધી સરળતાથી પહોંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગે છે તે વધાવી લેવા જેવી બાબત છે. ઇન્ટરનેટના આ યુગમાં આવી ગોઠવણ શક્ય તથા સરળ છે. મેઘાણી કેન્દ્રની સ્થાપના પાછળના હેતુઓને અનુરૂપ હસ્તપ્રતોનો આ મહામૂલો વારસો અનેક વિદ્યાર્થીઓ – અધ્યાપકો તેમજ આ સાહિત્યના ઉપાસકો સુધી પહોંચતો થશે ત્યારે કેન્દ્રની સ્થાપનાના એક મહત્વના હેતુની પૂર્તિનો આનંદ થશે. અનેક નામી – અનામી સર્જકોની કૃતિઓનો ગુલાલ વહેંચવાનું આ કાર્ય મેઘાણી કેન્દ્રને કાગ એવોર્ડ જેવો અને જેટલોજ સંતોષ આપશે તે નિર્વિવાદ છે.

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૨૬/૦૨/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑