: ક્ષણના ચણીબોર : : કનૈયાલાલ મુનશી : એક સમર્થ તથા વિરલ પ્રતિભા :

ગુજરાતી ભાષા તથા ગુજરાતની અસ્મિતાની જ્યારે જ્યારે પણ વાત થશે ત્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સ્મરણ અચૂક થશે. કવિ ઉમાશંકર જોશીએ મુનશીજી માટે ‘મહાવ્યક્તિ’ નો જે શબ્દપ્રયોગ કર્યો હતો તે યથાર્થ છે. આ મહા ગુજરાતીની ચિર વિદાયને થોડા વર્ષોમાં અડધી સદી પૂરી થશે. પરંતુ ક.મા.મુનશી જેવા સર્જકો તેમની અનેક ચિરંજીવી કૃતિઓના માધ્યમથી સદાકાળ જીવંત તથા લોકહ્રદયમાં ધબકતા રહેવા સર્જાયેલા છે. ફેબ્રુઆરી માસની આઠમી તારીખે આ મહાસર્જક મુનશીની પુણ્યતિથિ આવે છે. ૧૯૭૧ માં તેઓ ગયા પરંતુ સાહિત્યના એક સમૃધ્ધ ખજાનાની મોંઘેરી ભેટ સમાજને આપતા ગયા. ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી તથા પ્રેસ અકાદમીના સંયુક્ત તથા વિચારપૂર્વકના પ્રયાસોથી અસ્મિતા વ્યાખ્યાનમાળા પણ યોજવામાં આવી છે તે પ્રશંસાને પાત્ર છે. આખરે તો મુનશી જેવા આપણાં સર્જકને લોકો સુધી તથા ખાસ કરીને યુવાપેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. આથી તેનું મૂલ્ય અદકેરું છે. 

આપણાં આ મહાન સર્જક લખે છે કે તેઓ પોતાની નોંધપોથીમાં વર્ષના પ્રારંભે લખતા હતા : 

‘‘મરણ તો નિશ્ચિત છે જ

તો પછી શે બેસી રહેવું

લાંબા જીવનના અંધકારમય દિવસોમાં

નકામા, નેમ વગર ને નામ વગર ?

આ સર્જકના જીવનની કોઇ ક્ષણ નકામી કે ધ્યેય સિવાય વીતી નથી. તેઓ પોતાનું લગભગ સાડાઆઠ દાયકાનું જીવન ઉજળું કરીને ગયા છે. મુનશીજીની ૧૨૫મી જન્મજયંતીની સ્મૃતિમાં ૨૦૧૩ માં ભારતીય વિદ્યાભવને નવનીત સમર્પણનો એક વિશેષાંક પ્રસિધ્ધ કર્યો હતો. અનેક વિદ્વાનોની કલમે આલેખાયેલી હકીકતો ફરી ફરી યાદ કરવી ગમે તેવી છે. ક.મા.મુનશી એક પરંતુ કેટલા બધા ક્ષેત્રોમાં તેમનું ચાવીરૂપ પ્રદાન છે તે જોતાં અચંબામાં પડી જવાય તેવું છે. ગુજરાતી – હિન્દી તથા અંગ્રેજીમાં તેમણે લખેલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય એક જાજવલ્યમાન સર્જકનું દર્શન કરાવે છે. આવા લાગણીશીલ સર્જક મહારાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન તરીકે ૧૯૩૦માં રચવામાં આવેલી પ્રાદેશિક સરકારમાં બે વર્ષથી પણ વધારે સમય માટે રહ્યા. આ બાબત તેમના ભાતીગળ વ્યક્તિત્વના એક અલગ પાસાનું દર્શન કરાવે છે. સર્જક મુનશીએ મુત્સદૃીપણું દાખવીને મુંબઇના કોમ કોમ વચ્ચેના સંઘર્ષને અસરકારક પધ્ધતિએ નિયંત્રણમાં લીધા તે પણ એક પ્રેરણા આપી શકે તેવું સંસ્મરણ છે. મુનશી ગુજરાતી સાહિત્યની એક વિરલ પ્રતિભા છે. આમ જૂઓ તો એક આખી પેઢી મુનશીની નવલકથાઓને માણીને ઉછરી છે. ઘર ઘર સુધી મુનશીના સર્જન પહોંચ્યા છે. મુંજાલ તથા કીર્તિદેવ તથા કાક અને મંજરી જેવા પાત્રોએ લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ બાબતમાં આપણાં એક બીજા મોટા ગજાના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી યાદ આવ્યા સિવાય રહે નહિ. ‘સરસ્વતીચંદ્ર’ ની અસર પણ ચોમેર પ્રસરી હતી. મુનશી પોતાના કાળના એક મોટા ગજાના કાયદાવીદ પણ હતા. કાયદાના એક ઊંડા જ્ઞાતા તેમજ વાસ્તવિક સ્થિતિનું સચોટ મૂલ્યાંકન એ તેમના સ્વભાવ સાથે જોડાયેલી બાબત હતી. આથી ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે મુનશીએ બંધારણની મુસદ્દા સમિતિના સભ્ય તરીકે નક્કર કામગીરી કરી હતી. ગુજરાતની અસ્મિતાને ગાજતી કરનાર આ કુશળ વહીવટકર્તાએ અસ્મિતાની સાચવણી તેમજ તેનું સંવર્ધન ભવિષ્યમાં પણ થતું રહે તેવો પણ નક્કર પ્રયાસ કર્યો છે. આ હેતુ માટે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના ૧૯૩૮ માં કરવામાં આવી. પંડિત મદન મોહન માલવીયાએ જે દીર્ઘદ્રષ્ટિ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરીને બતાવી હતી તેવોજ આ પ્રભાવી નિર્ણય હતો. આજે પણ ભારતીય વિદ્યા ભવન સાહિત્ય પ્રસારની નોંધપાત્ર કામગીરી કરે છે તે સુવિદિત છે. આ રીતે મુનશીજી કાળના કપરા પ્રવાહમાં પણ ટકી રહે તેવું મજબૂત સંસ્થાકીય માળખું ઊભું કરીને ગયા છે. ઇતિહાસ લખવામાં આપણે અનેક વખત હેતુલક્ષી થવાના બદલે વ્યક્તિલક્ષી બની જતા હોઇએ છીએ. આપણાં ગમા-અણગમાનો પણ વિસ્તાર આપણાં ઇતિહાસ લેખન સુધી પહોંચતો હોય તેવું જોવા મળે છે. મુનશી એક સમર્થ ઇતિહાસકાર હતા. ઇતિહાસના આલેખનમાં આવી સ્થિતિના સ્થાયી તેમજ સ્તુત્ય ઉકેલ માટે ક.મા.મુનશીએ કરેલી કામગીરી એ મુનશીના જીવનની સોનેરી રેખા સમાન છે. મુનશીએ ૭૦ જેટલા અગ્રગણ્ય ઇતિહાસકારોને એકઠા કર્યા. આર. સી. મજુમદાર જેવા આ વિષયના સુવિખ્યાત વિદ્વાનના માર્ગદર્શન હેઠળ ૧૧ દળદાર ગ્રંથોનું સર્જન કરાવ્યું. ‘The History and culture of Indian peaple’ નું આ વિશાળ સર્જન એ ક.મા.મુનશીની દ્રષ્ટિ ઉપરાંત અથાક પ્રયાસોનું પરિણામ છે. કાર્ય પણ ઘણું વિશાળ હતું. ત્રણ દાયકા જેટલું આ કામ ચાલ્યું. આ પ્રકારના પ્રયાસો ખર્ચાળ પણ હોય છે. પરંતુ તેના કારણે મુનશીજી પાછા પડે તેમ ન હતા. ઘનશ્યામદાસજી બીરલાની આર્થિક સહાય આ પ્રકાશનોનું નિર્માણ કરવાના કાર્યમાં મહત્વની રહી. મુનશીજીનું આ પ્રદાન પણ કદી વિસ્મૃત થાય તેવું નથી. આવાજ એક ગંજાવરકાર્ય માટે ગોંડલ નરેશ મહારાજ ભગવતસિંહજીને યાદ કરવા પડે. ભગવદ્દ ગોમંડળનું કામ પણ એક યુગ કાર્ય સમાન હતું.

મુનશીજીના બહુ આયામી વ્યક્તિત્વમાં તેમની કુટુંબ જીવન તરફની સજાગતા ધ્યાન ખેંચે તેવી છે. મુનશીજીના જીવનમાં તેમણે બચપણમાં માતા તાપીબહેનના કંઠે સાંભળેલા આખ્યાનો – કથાઓની એક સ્થાયી અસર રહેલી હતી. આથી તેઓએ પોતાના વ્યસ્ત જીવનમાં પણ કુટુંબ સાથે બેસવાનો ક્રમ સજાગતાપૂર્વક જાળવી રાખ્યો હતો. લાખો લોકોની શ્રધ્ધાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના પુન: નિર્માણના કાર્ય થકી સરદાર સાહેબ અને મુનશી આપણાં દિલમાં આદરનું સ્થાન પામેલા છે. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદનો પ્રશ્ન સરદાર પટેલની અપેક્ષા મુજબ ઉકેલીને મુનશીએ દેશના પુન: ગઠનના ઇતિહાસમાં પોતાનું જ્વલંત સ્થાન મેળવેલું છે. ફેબ્રુઆરી માસના આ ગરમી-ઠંડીના માહોલમાં ક.મા.મુનશીની પાવન સ્મૃતિ મનને પુલકીત કરી જાય છે.  

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૦૮/૦૨/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑