ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ જોઈ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાના જ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હોય ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઈને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે મહારાજ જેવા ઋષિ તુલ્ય મહામાનવના કરકમળો દ્વારા આપણાં રાજ્યનો પ્રારંભ થયો. મહાત્મા ગાંધીના મનમાં મહારાજ માટે ખુબ જ આદર હતો. બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગે તા. ૩૦-૦૪-૧૯૨૮ના રોજ મહાત્મા ગાંધી ‘રાજ વિનાના મહારાજ’ ને પત્ર લખે છે. પત્ર મહારાજની સત્યાગ્રહી તરીકે સત્તાધીશોએ ધરપકડ કરી તેના સંદર્ભમાં લખાયો છે. એક એક શબ્દને તોળી-ઝોખીને બોલનાર-લખનાર ગાંધીજીના આ પત્રના શબ્દો વાંચીને મહારાજ તરફ વિશેષ અહોભાવ પ્રગટ્યા સિવાય રહે નહિ.
ભાઈ શ્રી રવિશંકર,
તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢ અને તડકો સરખા. ચીંથરા મળે તો ઢંકાઓ. હવે જેલમાં જવાનું સદ્ભાગ્ય તમને પહેલું.
જો ઈશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે અદલાબદલી કરું.
તમારો અને દેશનો જાય હો !
– બાપુના આશીર્વાદ.
બાપુનું એવું ઉત્તમ પ્રમાણપત્ર મેળવવાની પાત્રતા મહારાજની ઘસાઈને ઉજળા થવાની વૃત્તિમાં જોઈ શકાય છે. અમદાવાદ જિલ્લા સર્વોદય મંડળે કાંતિભાઈ શાહ જેવા સમર્થ સંપાદકની મદદથી મહારાજના જીવન તથા કાર્યોની ઝાંખી કરાવીને આપણાં પર ઉપકાર કરેલો છે. માનવીનું ગૌરવ જળવાય તે માટે લગભગ એક સદી સુધી ઝઝૂમનાર મહારાજ આપણાં દિલો દિમાગ પર રાજ કરી શકે તેવા સમર્થ તથા સ્વયં પ્રકાશિત છે. સબળ ગદ્યકાર તથા અડીખમ તપસ્વી સ્વામી આનંદ મહારાજને પુણ્યનો પર્વત તથા મુઠી ઉંચેરા માનવી કહીને થોડામાં ઘણો સંકેત આપતા જાય છે. વિનોબાજી જેમને તુકારામની કોટિના સંત ગણાવે છે. તેવા મહારાજ ૧૮૮૪થી ૧૯૮૪ સુધી એક જ્વલંત તથા દિશાદર્શક પ્રકાશપુંજ બનીને ગુજરાતને તથા દેશને માર્ગદર્શન આપતા રહ્યા. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય થયા પછી જમીનોના જે કાયદાઓ થયા તેમાં શ્રી ઢેબરભાઈની દ્રષ્ટિ જમીનોના માલિકો-ગિરાસદારો-તથા શ્રમિકો કે ગણોતિયાઓ વચ્ચેના વર્ગવિગ્રહને ઉગે તે પહેલા જ અટકાવવાનો પ્રયાસ હતો. કાર્ય કપરું હતું અને બંને તરફની વિચારધારા-આગ્રહપૂર્વકની તેમજ પ્રસંગોપાત ઝનૂની પણ રહેવા પામી હતી. આ સંજોગોમાં સંત વિનોબાજીના ભૂદાનની પૂર્વભૂમિકા સબળ, સફળ તથા અસરકારક રીતે ઉભી કરવાના મુશ્કેલ કાર્યમાં રવિશંકર દાદા સચ્ચાઈ તથા આત્મનિષ્ઠાના બળે સફળ થયા હતા. ખોબા જેવડા મજાદર ગામના સુવિખ્યાત કવિ કાગ લખે છે કે મહારાજ જે ભૂમિદાન અંગેની વિનોબાજીની વિચારધારાનો પ્રચાર કરતા હતા તે પરત્વે શરૂઆતમાં તો કવિનો નારાજગીનો ભાવ હતો. પરાપૂર્વથી માલિકીના અબાધિત અધિકાર સાથેની જે જમીનો હતી તે સ્વેચ્છાએ છોડવાનું અઘરું પણ હતું. પરંતુ મહારાજના દર્શન થકી આ નારાજગી થોડી ક્ષણોમાં જ મહારાજ તરફથી ભક્તિ અને તેમના વિચારોમાં શ્રદ્ધા સ્વરૂપે પરિવર્તિત થયા. “મનને લાગેલા જુના કાટ” જાણે મહારાજના પ્રભાવથી દૂર થયા.
આતમ હમારો ભુમિદાનકો વિરોધી સખ્ત,
કૌતુક ભયો રી મન મેરો પલટાયો હૈ,
નર્મદાને કંકર કો શંકર બનાયા જેસે,
તૈસે રવિશંકરને કાગ કો બનાયા હૈ.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાદાની અમીભરી આંખના શીતળ છાંયે મહારાજના સ્વાનુભવની અનેક વાતો સાંભળીને મેઘાણીભાઇએ ધન્યતા અનુભવી છે. મહારાજ તથા મેઘાણીભાઈની આ મુલાકાતના પરિણામે જ વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી ‘માણસાઈના દિવા’ની વાતોએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. ગુનેગાર તરીકે સરકારી ચોપડે ઓળખાતા વર્ગની ખાનદાની તથા ખમીરની વાતો મહારાજના અમૂલ્ય અનુભવોમાંથી જગતને પ્રાપ્ત થઇ. મેઘાણીભાઇ પોતાના જીવન સંગ્રામ સાથે જોડાયેલા પ્રસિદ્ધ “ફૂલછાબ કાર્ટૂન કેસ”ના સંદર્ભમાં અમદાવાદ હતા ત્યારે તેમને સર્વ પ્રથમ રવિ-દર્શન થયું અને આ મંગળ મૂર્તિ કવિના દિલમાં ઊંડી ઉતરી જવા પામી. મેઘાણીભાઇ મહારાજનું pen – picture આપતાં લખે છે: “પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણને ટાઢતડકે ત્રંબાવરણી બનાવી, ટીપીને કોઈ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, બંડીએ અને પીળી ટોપીએ, ઉઘાડે તથા ઉઘાડા પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હમેંશાને માટે વસી ગઈ છે” મહારાજ તથા મેઘાણીના ઐતિહાસિક તથા ઉપકારક મિલનને કારણે મહીકાંઠાની જનતાના વિશેષ તેમજ સોંસરવા દર્શનનો તેમજ તેમના જીવનની અદભુત વાતોનો અનુભવ સમગ્ર વિશ્વને થયો. માનવતાના મૂલ્યો, મનમાં ઉભા થતા અનેક પ્રકારના સંઘર્ષો, કાયદાના પાલનમાં જોવા મળતી ત્રુટીઓ જેવી અનેક બાબતો સમાજને જોવા-સમજવા તથા અનુભવવા મળી. લોકજીવનના કેટલાક હિરલાઓનું ખમીર પણ શબ્દસ્થ થયું. પાટણવાડીયા-બારૈયાના જીવનની તેમજ જીવન સંઘર્ષની અસાધારણ વાતો મહારાજના સ્વમુખે સાંભળીને મેઘાણીભાઇએ જગતના ચોકમાં મૂકી. આ સામાન્ય લાગતાં અને જન્મથી જ ગુનેગારોમાં ખપાવાયેલા લોકોના જીવનના પ્રાણતત્વોનું દર્શન કરીને સારમાણસાઈ તરફથી આપણી શ્રદ્ધા બળવત્તર બને છે. માનવતાની સરવાણીઓ ફૂટતી દેખાય છે. સાહિત્ય જગતના લોકોનો આદર પણ આવા આલેખનને વિશાળ પ્રમાણમાં મળ્યો. મહારાજ પોતે આ ઘટનાઓના કેન્દ્રસ્થાને હોવા છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને વાત સમજાવી શકતા હતા તેવું મેઘાણીભાઈનું વાસ્તવિક તારણ કેવું ગરિમાયુક્ત લાગે છે ! મહારાજની એવી ચિંતા પણ હતી કે આ વાતોના આલેખનથી પોતાની પ્રશસ્તિ થવી જોઈએ નહિ. મહારાજનું જીવન એ નિષ્કામ કર્મયોગનું જીવંત તથા સદાકાળ જ્વલંત ઉદાહરણ છે. આથી જ ગુજરાતની ભાવિ પેઢીઓ સુધી તેમજ ખાસ કરીને યુવાનો સુધી મહારાજનું ચરિત્ર પહોંચવું જરૂરી છે. શોર્ય-સાહસ તથા સાદગીની ગાંધીગીરી એ જ મહારાજના આયુધો છે. ગાંધી-વિચારના મેરુદંડ સમાન મહારાજ એ ચિરકાળ સુધી આપણાં હ્દય સિંહાસન પર બિરાજવાના છે. મુરલી ઠાકુરે લખ્યું છે તેમ આપણાં હૈયાના રાજના એ સદાકાળ મહારાજ છે. આ મહારાજને કોઈ દુન્વયી ખિતાબોની આવશ્યક્તા છે જ નહિ.
તમે ! મહારાજ…!
રાજ વિનાના રાજ…
મહારાજ માનવી મનના
મહારાજ !
Leave a comment