: વાટે….ઘાટે…. : : બા. જ. પટેલ : ગાંધીજી તથા મહારાજના ખરા વારસદાર :

ગાંધી તો કદી સત્તાના સ્થાન નજીક ફરક્યા પણ નહિ. રાજ વિનાના મહારાજ એવા રવિશંકરદાદા પણ આજીવન સત્તા તેમજ પ્રસિધ્ધિથી સભાનતાપૂર્વક વેગળા રહ્યા. પરંતુ બાપુ અને મહારાજ બન્નેના અનેક સદગુણોનું સંમિશ્રણ લોકોએ બાબુભાઇ જશભાઇ પટેલમાં જોયું. જીવનના ત્રીસ વર્ષ પણ પૂરા થાય તે પહેલા બાબુભાઇએ જાહેર જીવનમાં પદાપર્ણ કર્યું. કુદરતનેજ બાબુભાઇના જીવનનો આવો વળાંક કદાચ મંજૂર હશે. નહિતર યુવાન બા.જ. સામે જીવનની કારકીર્દિ માટેના એકથી વધારે વિકલ્પ હતા. બાબુભાઇએ આ બાબતમાં નવલભાઇ શાહને એક મુલાકાતમાં જણાવ્યું હતું. નવલભાઇએ પૂછ્યું હતું :

‘‘ બાબુભાઇ, તમે રાજકારણ કેમ પસંદ કર્યું ! બાબુભાઇ ઉત્તર વાળે છે : મારી સામે ચાર વિકલ્પ હતા – એકટર થવું, અરવિંદ આશ્રમમાં જોડાવું, બેરિસ્ટર બનવું કે ધારાસભામાં જઇ પ્રજાનું કામ કરવું. ’’ આખરે સમય સંજોગો તથા વિચારોના વલણના કારણે બાબુભાઇ પ્રજાકારણમાં પડ્યા. તેઓ જે જીવન જીવ્યા તેમાં રાજકારણ ઓછું તથા પ્રજાકારણ વધારે હતું તે વાત આજે પણ અનેક લોકો આદરપૂર્વક યાદ કરે છે. બા.જ.નો જાહેર જીવનમાં પ્રવેશ એ સરદાર સાહેબનો નિર્ણય હતો. મણિબહેન કહેતા તેમ સરદાર પટેલમાં માણસને પારખી લેવાની કુદરતી શક્તિ હતી. આ બાબતનું એક વિશેષ પ્રમાણ એ બા.જ.પટેલની જાહેર જીવનના ક્ષેત્ર માટે સરદાર સાહેબની પસંદગીનું છે. 

ફેબ્રુઆરી માસની નવમી તારીખે (૧૯૧૧) બાબુભાઇની જન્મજયંતિ આવે છે. આથી તેમનું વિશેષ સ્મરણ આ માસમાં અનેક લોકો કરશે તે સ્વાભાવિક છે. બા.જ. જેવા વ્યક્તિત્વ લોકોની સ્મૃતિમાં સદાકાળ જીવંત રહેવા સર્જાયા છે. આથી શ્રી ચુનીભાઇ વૈદ્યની એ વાત યથાર્થ છે કે બાબુભાઇ જેવા પુરુષોનું મરણ ન હોય, તેમનું તો સદા સ્મરણજ હોય. ગુજરાતનું એ સદ્દભાગ્ય છે કે મુંબઇથી અલગ રાજ્યની રચના પછી તેને અનેક વીરલાઓ જાહેર જીવનમાં કામ કરતા જોવા મળ્યા છે. બા.જ.પટેલ એ નમ્રતા – મક્કમતા તેમજ સાદગી – સંસ્કારીતાના જીવંત પ્રતિક સમાન હતા. બાબુભાઇના સ્નેહી તેમજ કચ્છના સદાકાળ આદરણીય આગેવાન અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર શ્રી કુન્દનલાલ ધોળકીયા બા.જ.ના મિત્ર સમાન હતા. ધોળકીયા સાહેબ બાબુભાઇને યાદ કરીને બાબુભાઇની સ્મૃતિમાં બહાર પાડવામાં આવેલા ગ્રંથમાં એક પ્રસંગ ટાંકે છે. સાંપ્રત સમયમાં આ પ્રસંગનો મર્મ સમજવા જેવો છે. કુન્દનભાઇ લખે છે કે માર્ચ-૧૯૭૬ માં બાબુભાઇની આગેવાની હેઠળની સરકારનું પતન થયું. સરકાર જતાંજ તેઓ મુખ્યમંત્રી મટી ગયા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીને મળતી સવલતો વધારે સમય ભોગવવાનો વિચાર કરે એ બાબુભાઇના સ્વભાવમાં સહેજ પણ જોવા ન મળે. આથી બાબુભાઇ પોતાની પુત્રવધુ ગિરાબહેનને કહે છે કે મુખ્યમંત્રીને મળતો બંગલો તેઓ તત્કાળ ખાલી કરવા માંગે છે. એક ગ્રહિણી સ્વાભાવિક રીતે કહે તેમ ગિરાબહેને ઘરના કોઇ નાના-મોટા કામકાજ માટે એક કે બે દિવસની મુદત બંગલો ખાલી કરવા માટે માંગી. બાબુભાઇએ આ વાતનો સ્વીકાર ન કર્યો અને સરકારે ફાળવેલું રહેણાંક સહેજ પણ વિલંબ સિવાય ખાલી કર્યું. મહારાજા જનકની અનાસક્તિની વાત તો રામચરિત માનસમાં વાંચી છે. પરંતુ આવી જનક વિદેહી વૃત્તિનું સાંગોપાંગ દર્શન બા.જ.પટેલના સાધુચરીત જીવનમાં થોડા દાયકા પહેલાજ થયું છે તે નાનીસુની ઘટના નથી. 

બાબુભાઇના જીવનમાં નિર્ણયો કે વિચાર પધ્ધતિમાં એક મૂલ્યનિષ્ઠ સાતત્યનું દર્શન થાય છે. એમ લાગે છે કે ગાંધીની નિશ્રામાં ઉછરેલી અને ઘડાયેલી પેઢી પર ગાંધી વિચારની ઊંડી અસર હતી. ઉપરના ફકરામાં જણાવ્યું છે તેમ હોદ્દાની અવધિ પછી સરકારી રહેણાંક થોડા સમય માટે પણ ન રાખીને તેમણે એક સંદેશ આપ્યો છે. આ સંદેશ દરેક પદાધિકારી કે અધિકારીને લાગુ પડે તેવો છે. પોતાના વર્તન દ્વારાજ જીવનના ઉચ્ચ વિચારનું નિદર્શન એ ગાંધીની શીખ હતી. દેશના પાટનગરમાં તેમજ કેટલાક રાજ્યોના પાટનગરમાં પણ હોદ્દા પરથી દૂર થયેલા મહાનુભાવો મકાનનો કબજો અનધિકૃત રીતે ધરાવતા હોવાના સમાચારો પ્રગટ થતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં તો દાવાદૂવીના અંતે કોર્ટના નિર્ણય પછી આવા બંગલાઓ ખાલી થાય છે. અનેક બંગલાઓમાં મહાનુભાવની ચિર વિદાય પછી તેમના સંસ્મરણ માટે સ્મારક પણ તેજ બંગલામાં ઊભું કરવા માટે મહાનુભાવના વારસદારો તરફથી માગણીઓ થતી રહે છે. એમ જરૂર કહી શકાય કે પંડિત નહેરુ તથા તેમના જેવા કેટલાક મહત્વના રાષ્ટ્રિય નેતાઓના સંદર્ભમાં આવો નિર્ણય ઉચિત ગણાય. પરંતુ દરેક મહાનુભાવ પોતાના હોદ્દાની મુદત પૂરી થયા પછી પોતાને મળતી અને પદ સાથે જોડાયેલી સુવિધાઓનો સ્વેચ્છાએ તથા ત્વરીત ત્યાગ કરે તે બાબતજ બા.જ.પટેલના ત્વરીત બંગલો ખાલી કરવાના નિર્ણયમાંથી ફલિત થાય છે. આ પ્રકારની વિચારધારા ધરાવનારા તેમજ તેનો અમલ અંગત અગવડો ભોગવીને પણ કરનારા બાબુભાઇ જેવા અગ્રજો એ ખરા અર્થમાં આપણું ગૌરવ છે. લાભ લેવામાં સમાજના અગ્રણીઓ છેલ્લા હોય તેવી મહેચ્છા – પ્રાર્થના કવિ ઉમાશંકર જોશીએ કરી છે તે બાબુભાઇના સંદર્ભમાં ફરી સ્મૃતિમાં આવે છે. 

ને ધૂરા વહે જનતાની જે અગ્રીણો

તે પંગતે હો સહુથીએ છેલ્લા.

શાસક સંવેદનશીલ હોય તે બાબત લોક સમૂહને ખૂબ ફાયદાકારક થાય છે. મોરબી જળ હોનારત તેમજ જનવેદનાની અન્ય કોઇ બાબત જોતાંજ બા.જ.નું હૈયું ભરાઇ જતું હતું. મોતી સરખા તેમની કરુણા સભર આંખમાંથી ખરેલા અશ્રુબીંદુઓ તપ્ત થયેલા લોકોને રાહત તથા મૂંગી હૈયાધારણ આપી જતા હતા. બા.જ.પટેલના ભાતીગળ જીવનની અનેક વાતો યુવાનોને આજે પણ પ્રેરણા પૂરી પાડી શકે તેવી છે. તેમની જન્મજયંતિના માસમાં તેમનું પાવક સ્મરણ એક અનોખી સૌરભ પ્રસરાવી જાય છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૯/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑