વસંતના વાસંતી માહોલના રૂપાળા દિવસો ચાલે છે. કુદરતની દરેક ઋતુના રળિયામણા રંગો હોય છે. દરેક ઋતુને પોતાનો આગવો મીજાજ હોય છે. પરંતુ પ્રકૃતિનું કોઇ એક સ્વરૂપ સ્થાયી નથી. સ્થાયીપણાનું બંધન જાણેકે પ્રકૃતિને સદતુજ નથી. પ્રકૃતિના રંગ નિત્ય બદલાતા રહે છ. સૃષ્ટિમાં નિરંતર ચાલતા આવા અસ્થાયી પ્રવાહો વચ્ચે આપણે કાળા માથાના માનવીઓ સ્થાયી થવાના સતત પ્રયાસો કરતા રહીએ છીએ. વ્યવસાય કે નોકરીમાં સ્થાયીપણું જ આપણને ખપે છે. કુટુંબમાં આપણું પ્રભુત્વ તો સ્થાયીજ હોવું પસંદ કરીએ છીએ. આ ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠા ? અરે એ તો સ્થાયી રહે તોજ જીવ્યાનો વટ માનીએ અને મનાવતા રહીએ છીએ. સ્થાયીપણાના આ વળગણમાંથી બંધિયારપણાનો જન્મ કાળક્રમે થાય છે. આપણાં આ સાંકડા વર્તુળમાંજ જાણે આપણું ઇતિશ્રી જોતાં થઇ જઇએ છીએ. કોઇ નદીને કિનારાનું વળગણ થતું જાણ્યુ નથી. કોઇ પર્ણને વૃક્ષનું વળગણ છોડવામાં લાગી આવતું નથી. યાયાવર પક્ષીઓને ઘરથી દૂર બીજું ઘર બનાવવામાં પણ કશું અજાણ્યું કે પારકું લાગતું નથી. તો પછી આપણામાંના ઘણાને આપણી આ આસપાસના સાંકડા જગતનો આટલો વ્યામોહ કેમ થઇ જતો હશે ? બૌધ્ધ ચિંતન નિરંતર અનિત્યનો સંદેશ આપે છે. સૃષ્ટિના સઘળા પદાર્થો સાથે સ્નેહ રાખવા છતાં પણ અનાસકિતનો ભાવ ઉત્પન્ન કરવાનો ભગવદ્ ગીતાનો સંદેશ સાંભળવા જેવો છે. પોતાના જ ટૂંકા વર્તુળમાં પોતાની વાહ વાહી જોઇને ફુલાઇને ફાળકો થતાં લોકોએ મકરંદી મીજાજથી પ્રગટેલા આ શબ્દો વાંચવા તથા સમજવા જેવા છે.
તારી દુનિયા દેખી ગાંડી
હવે મેલ્યને એમાં તાંડી.
મારી હોફિસ મારું કામ
મારો હોદ્દો મારું નામ.
એની ફૂટી જાણ બદામ
તું યે બેઠો છો શું માંડી ?
હવે મેલ્યને એમાં તાંડી.
વસંત પંચમીને ખોળામાં લઇને આવતા આ માસને સાંયોનારા કહીએ ત્યાંજ ફાગણના ફોરમતા દિવસો ધીમા પગલે પ્રવેશ કરતા દેખાય છે. ફાગણના રૂપરંગ પણ નિરાળા અને આગવા હોય છે. સ્નેહમાં ઘૂંટીને ધૂળેટીના પરસ્પર રંગ છાંટણા થાય તો તેના કેફમાંજ ધોમધખતા ઉનાળાની અડધી તકલીફો ઓછી થઇ શકે છે. આવો પ્રયોગ તો સૌએ જાતે કરીને જ તેની અનુભૂતિનો પ્રસાદ મેળવવો પડે. માનવ મનની આવી વિવિધતાને અનેક કવિઓએ પોતાની રચનાઓમાં ગાઇ છે. કવિ ર્દષ્ટા છે તેથી આરપાર જોવાની તેની અંતરસૂઝનો લાભ આપણને અનાયાસે મળી રહે છે. જેમના સર્જનોની ફોરમ ફટકેલી હોય તેવા ધન્યનામ કવિઓમાં ફાગણ મહીનાના સંદર્ભમાં કવિ દુલા ભાયા કાગનું નામ સહેજે સ્મૃતિમાં આવે તેવું છે. આ કવિએ જીવતરમાં રળિયામણી રંગોળી પૂરવાનું કરવાનું કામ કર્યું છે. ‘બાવન ફૂલડાનો બાગ’ આવનારી અનેક પેઢીઓ માટે સજાવીને કવિ ફાગણ સુદ – ચોથના દિવસે અનંતની યાત્રાએ ઉપડી ગયા. (રર ફે્બ્રુઆરી-૧૯૭૭) પૂ. મોરારીબાપુની પ્રેરણા તથા ઉપસ્થિતિમાં તેમજ કાગ પરિવારના અંતરના ઉમળકાથી કાગધામ (મજાદર) ખાતે નિયમિત રીતે દર વર્ષે કવિ કાગની સ્મૃતીને જીવંત કરતો સુંદર કાર્યક્રમ યોજવામાં આવે છે જે હવે બધા સાહિત્ય તથા કાગ પ્રેમીઓ જાણે છે. બાપુની ઉપસ્થિતિમાંજ ‘કાગના ફળિયે કાગની વાતું’ ના મધુરા મંડાણ થાય છે. ભગતબાપુ(કવિકાગ)ની સ્મૃતિમાં પાંચ સાહિત્ય પ્રેમીઓને કાગ એવોર્ડનું અર્પણ પણ પૂ. મોરારીબાપુ તરફથી કરવામાં આવે છે. કાગના માળામાં કોયલનો ઉછેર કરનારા આ કસબી કવિના બાગની સૌરભ આ પ્રસંગે આસમાનને આંબી રહે છે.
ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી….
બહેકે ફૂલડાંનો બાગ,
એનો પાણતિયો રૂડો રામ….
‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે,
પ્રભુજળની પ્યાસ જી.
ખીલે શબદના ફૂલડાં ભાઇ, એમાં કરણીની સુવાસ…
ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી….
કચ્છ – સૌરાષ્ટ્રની ધરતી એ વીરોની, સંતોની અને મુત્સદીઓની ધરા છે. સંતો તેમજ સંત સાહિત્યની એક સતત વહેતી વણઝાર આ પ્રદેશમાં જોવા મળે છે. ભજન કરવુ અને ભોજન કરાવવું એવા બે સૂત્રો જાણ આ સંતોના જીવનનો સાહજિક ભાગ બની ગયા છે. આવા અનેક ભકત, કવિઓમાં કવિ કાગનો સમાવેશ થાય છે. ભગતબાપુ (કવિ કાગ)ની રચનાઓમાં જીવનના અનેક રંગ તથા ભાવની અનુભૂતિ છે. પંડિત સુખલાલજીએ કહ્યું છે તેમ કવિ કાગની બળકટ રચનાઓના મૂળમાં તેમની અનુભૂતિનું સાંગોપાંગ દર્શન થાય છે. કેટલીક સહજ બાબતો પણ આ કવિની કલમે સરળતાથી રજૂ થઇ છે તથા વિચારનું ગૌરવ કર્યું છે. ખીલેલા ફૂલો આ હકીકત કવિના માધ્યમથી સુંદર રીતે કહે છે. ફૂલોને અમર થવાની તો ઠીક પરંતુ સંસારમાં સ્થાયી થવાની પણ લગીરે મહેચ્છા નથી. અલબત્ત, પોતાની મહેકથી જીવતર ઉજાળ્યું છે તેનો આનંદ છે. ભગતબાપુનું આવું પુષ્પવત જીવન હતું.
ફૂલડાં અમે આજ ખીલ્યા ને
આજ મહેક્યાં રે,
ફૂલડાં કાલે કોણે ભાળ્યું ?
ફૂલડાં અમે થોડું જીવીને મરી જાશું રે
ફૂલડાં ફોરમું મૂકતાં જાશું.
ફૂલડાં અમે તેલ-કડામાં તળાશું
તો ય ફૂલડાં ફોરમું મૂકતા જાશું.
જીવનમાં જયાં છીએ ત્યાંજ મહેકતા રહેવાની ખેવનાજ કદાચ માનવ જીવનને હર્યુભર્યુ બનાવે છે. ભગતબાપુના કર્મશીલ જીવનનો આ સંદેશ છે. કવિ કાગની સ્મૃતિમાં પૂ. મોરારીબાપુની પ્રેરણાથી દર વર્ષે યોજવામાં આવતા આ કાર્યક્રમમાં કવિની ચેતના મહોરી ઉઠે છે.
કવિ કાગની સ્મૃતિમાં આ વાર્ષિક આયામ મોરારીબાપુના બહુઆયામી વ્યક્તિત્વનો એક ભાતીગળ ભાગ છે. કવિની સ્મૃતિને તાજી કરીને જીવંત રાખવાનો આવો પ્રયાસ એ સ્વસ્થ સમાજની નીશાની છે. કવિનું સમાજ પર ઋણ છે. ઋણ સ્વીકાર માટે પણ આવા આયોજન મહત્વના બને છે. બાકી તો કવિ પિંગળશીભાઇ લીલાએ લખ્યું છે તેમ કવિ આમ પણ સમાજની સ્મૃતિમાં સ્થાયી સ્થાન પ્રાપ્ત કરે છે.
કવિ ઇશને આભમાંથી ઉતારે
કવિ સ્નેહીઓને હમેશા સંભારે
કવિનો કરું જોખ શા તોલ સામે
કવિ જન્મ લે છે ન તે મુત્યુ પામે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૨૯/૦૧/૨૦૧૮.
Leave a comment