: સંસ્કૃતિ : : ‘‘મહાગુજરાતના ઘડવૈયા : ઇન્દુલાલ યાજ્ઞિક :

સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ઇન્દુચાચાને તેમની આત્મકથા માટે નર્મદ સુવર્ણચન્દ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અર્પણ સમારંભમાં આજીવન લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું : 

‘‘ મને જ્યારે કોઇ પૂછે છે કે હવે શું ? તો હું હમેશ એકજ જવાબ આપું છું. ‘‘યાહોમ કરીને પડો ફત્તેહછે આગે.’’ મારા જીવનમાં નર્મદનો યાહોમ શબ્દો ઉતરી ગયો છે. ’’ 

જેમની ફેબ્રુઆરી માસની બાવીસમી તારીખે જન્મજયંતી આવે છે તે ગુજરાતના આ ફકીર નેતા કદી વિસ્મૃત થાય તેવા નથી. પડકારોને પણ પડકારી શકવાની અસાધારણ હામ ધરાવતા અને ગુજરાતના લાડીલા નેતા ઇન્દુચાચા જેવા અગ્રજોની લોકોને હમેશા રાહ રહેશે. ઇન્દુચાચાનું જ્વલંત ખમીર ભાગ્યેજ જોવા મળે તેવું હતું. તેમની સ્મૃતિમાં કવિ વિશ્વરથના આ શબ્દો યાદ આવે : 

મોત જેવા મોતને

પડકારનારા ક્યાં ગયાં ?

શત્રુનાયે શોર્ય પર

વારી જનારા ક્યાં ગયા ?

ગર્વથી ચકચૂર સાગરની

ખબર લઇ નાખવા

નાવડી વમળો મહી

ફંગોળનારા ક્યાં ગયા ?

જીવનના દરેક તબક્કે પોતાની માન્યતા અને વિચારના અમલીકરણ માટે ગમે તેવો સંઘર્ષ વહોરી લેવાની ચાચાની વૃત્તિ આજીવન જ્વલંત રહી હતી. કિસાનો – મજદૂરોની હાલત માટે સત્તાધિશો સામે તેમનો સંગ્રામ નિરંતર ધબકતો રહ્યો હતો. ગાંધીજીના વ્યક્તિગત રીતે પ્રશંસક હોવા છતાં ગાંધી વિચારની જે ઉણપ તેમને દેખાય તે જાહેરમાં તર્કબધ્ધ રીતે રજૂ કરતા તેઓ કદી અચકાયા નથી. ઇન્દુચાચાની આત્મકથાની પુન:પ્રસિધ્ધિ માટે આપણે સનતભાઇ મહેતાના ઋણી છીએ. 

હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટ (અમદાવાદ)માં ચાચાએ પોતાના ૭૯મા જન્મ દિવસે ૧૯૭૦ માં પ્રવચન આપ્યું. માવળંકર સાહેબે નોંધ કરી છે કે તે દિવસે તેમણે લાસ્કી ઇન્સ્ટીટ્યૂટની વીઝીટર્સ બુકમાં લખ્યું : ‘‘ગાંધીજીનો જીવન સંદેશ દરેકે પોતાની અલ્પશક્તિ તથા અલ્પમતિ મુજબ પાર પાડવો જોઇએ.’’ ગાંધીવિચારની માત્ર રટણા નહિ પરંતુ તેના વાસ્તવિક અમલની ઊંડી ખેવના આ અમીર શહેરના ફકીર બાદશાહના મનમાં રહેતી હતી. અમલ અંગે ગંભીરતા સિવાયની ગાંધી સ્મૃતિના સમારંભો કે કાર્યોમાં આ લડવૈયાને રસ ન હતો. કબીરદાસે લખ્યું છે : ‘‘અમલ કરે સો પાવે, અવધુ ! અમલ કરે સો પાવે’’ ગાંધી વિચારના વાસ્તવિક અમલ માટેની આપણી વ્યાપક ઉદાસીનતા તરફ ચાચાના દિલમાં ચિંતાનો ભાવ હતો. 

મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે : 

“ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું… મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતાં મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી …. પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડાં, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી. ” આથી જ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઇએ પૂછ્યું કે હવે શું કરશો ? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે :  “હવે એકલા હાથે સેવા કરીશ.” નર્મદની ‘યાહોમ કરીને પડો’ ની ચાચામાં જીવતી વૃત્તિનું અહીં પુન: પ્રગટીકરણ થાય છે. ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રધ્ધા તથા નિષ્ઠાના બળે ઝૂકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જવલંત છે. 

ઇન્દુચાચાનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. નાટકો-ફિલ્મોના ક્ષેત્રમાં તેમની કામગીરીની પણ એક અલગ કથા લખી શકાય તેવી ભાતીગળ છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ સાક્ષરોને પણ પ્રભાવીત કરે તેવું હતું.  પોતાની આત્મકથા લખીને તેમણે આપણાં પર ઋણ ચડાવેલું છે. શ્રી સનતભાઇ લખે છે તેમ સત્તાએ કદી ઇન્દુચાચાને લોભાવ્યા નથી. તેમના જીવનમાં ગાંધીના ગુણોની અસર સ્પષ્ટ રીતે જોઇ શકાતી હતી. મહાગુજરાત આંદોલનના મજબૂત માધ્યમથી કરોડો ગુજરાતીઓના દિલ પર આ ફકીરે શાસન કરેલું છે. દેશ સ્વાધિન થયા બાદ એક મહાઆંદોલનને દિશા તથા નેતૃત્વ પૂરું પાડીને તેઓએ ઇતિહાસમાં પોતાનું અનોખું સ્થાન તથા આદર મેળવ્યા છે. મહાગુજરાત ચળવળની વિજયની ક્ષણે જ આ મહામાનવે જાહેર કર્યું કે મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે. આપણું ધ્યેય સત્તાપ્રાપ્તિનું નહિ પરંતુ મહાગુજરાતના નિર્માણનું હતું ! સત્તાની દેવીને કુમકુમ તિલક કરતા રોકીને ઇન્દુચાચાએ એક અદ્વિતિય ઇતિહાસનું સર્જન કર્યું. ઇન્દુચાચાન આવો નિર્ણય કરીને તેને વળગી રહી શકે. 

પોતાની જીવનકથાના નાયક પોતે નથી પરંતુ ગુજરાતની પ્રજા છે તેમ કહીને આ મહામાનવે જનતા જનાર્દન સાથેનાપોતાના જોડાણને ઝળહળતું કરેલું છે. જયાં જયાં આમ જનતાનું શોષણ તેમણે જોયું ત્યાં ત્યાં સંઘર્ષના સૂર તેમણે નિ:સંકોચ રહીને બુલંદ કર્યા છે. 

  જેમની દ્રષ્ટિ સાફ હોય, જેમના હૈયે જન સામાન્યનું હિત કોતરાયેલુ હોય તથા ‘ ડગલું ભર્યું કે ના હઠવું ‘ જેવા શબ્દો જીવનમાં ઉતાર્યા હોય  તેવા વીર પુરૂષને સ્થળ કાળના બંધનો રોકી શકતા નથી. આ અર્થમાં ઇન્દુચાચા ખરા અર્થમાં યાજ્ઞિક હતા. ઇન્દુચાચાના વંટોળિયા જેવા વ્યક્તિત્વથી ગુજરાત અંજાયેલું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આપણો દેશ પરાધિન હતો તે કાળની આકાશગંગામાં ઇન્દુચાચાનું વ્યક્તિત્વ તેમજ તેમનું  યોગદાન તેજસ્વી સીતારાની જેમ ઝળહળે છે. ભવિષ્યમાં પણ ઝળહળતું રહેશે. સાક્ષરોની પુણ્યભૂમિ નડિયાદમાં ઇ.સ. ૧૮૯રના ફેબ્રુઆરી માસની રર તારીખે તેમનો જન્મ થયો હતો. આથી ફેબ્રુઆરી માસના આ દિવસોમાં  લોકપ્રિય તથા  બાળક – સહજ સ્વભાવના ચાચાનું વિશેષ સ્મરણ ગુજરાતીઓને થવું સ્વાભાવિક છે. આ વિરાટ ગુજરાતીની વીરગાથા એક થ્રીલર સમાન છે. કાળ સામે સહેજ પણ હિચકિચાટ સિવાય બાથ ભીડનાર આ ફકીરે ફનાગીરીના પાઠ ગાંધીજી પાસે ભણ્યાં હતા. તેમાં પછી શી મણા રહે ? 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૯/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑