: સંસ્કૃતિ : : ગાંધીને સમજી કે સાચવી ન શકવાનો રંજ :

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો

કલંકીએ કોણે કીધાં ઘા ?

રુધિરે રંગાયો હરિનો હંસલો.

હિમાળે સરવર શીળા લેરતાં

ત્યાંનો રે રહેવાસી આ તો હંસ

આવી રે ચડેલો જગને ખાબડે

જાળવી ન જાણ્યો આપણ રંક !

રુધિરે રંગાયો હરિનો હંસલો.

કવિ બાલમુકુન્દ દવેની આ રચના ગાંધીજીના અકુદરતી નિર્વાણ બાદ તરતજ લખાયેલા કાવ્યો પૈકીની ઉત્તમ અને સુવિખ્યાત રચના છે. કવિને વલેપાત છે. જે આપણાં સૌનો પણ છે. વેદનાનો ભાવ છે. આપણે એક સમાજ તરીકે ગાંધીને જાણી ન શક્યા અને જાળવી પણ ન શક્યા. આપણે માનવી અને આપણેજ માનવતાના અપરાધી બનીએ તેનો ભારોભાર રંજ આ રચનામાં ટપકે છે. આમ જુઓ તો જગતને પ્રેમનો સંદેશો આપનાર ઇસુ મસીહાને પણ આપણે જાળવી ન શક્યા. માર્ટીન લ્યૂથર કીંગ (જુનીયર) પણ માનવીય વિચારોની વિકૃતિનો ભોગ અકાળે બન્યા. આપણી અસહિષ્ણુતા કેમ રોકી શકાતી નથી તેનો વિચાર તો આપણેજ કરવો રહ્યો. એકબીજા પર દોષારોપણ કરવાથી આ સ્થિતિનો ઉકેલ આવી શકે તેમ નથી. દોષારોપણ કરવાના કોઇ લાભ થતા પણ જોવા મળ્યા નથી. નહિતર અસંમતિમાંથી જન્મ લેતી અસહિષ્ણુતાનો અંત આવી ગયો હોત. પરંતુ તેમ બન્યું નથી. ગાંધીના કાળથી પણ પહેલા આવી અસહિષ્ણુતા જગતે જોઇ હતી. તાજેતરમાં થોડા સમય પહેલા બેંગલોરના પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં પણ અસહિષ્ણુતાનીજ વરવી છાપ નજરે પડે છે. આપણી આ વિકૃતિઓ તેમજ વિચારોના બંધિયારપણાં સામેની લડાઇ આપણે સમજીને લડીએ તો સ્વસ્થ સમાજની દિશામાં ગતિ સાથે ડગ માંડી શકાય. આવી ગતિ એજ ખરી પ્રગતિ છે. ૩૦મી જાન્યુઆરીનો દિવસ ફરી એક વખત આચાર તથા વિચારની વિશાળતા તેમજ ઉદારતાનો સંદેશ આપીને જાય છે. આપણે તે ઝીલવા જેટલા જાગૃત છીએ કે કેમ તેનો આધાર આપણાં ઉપર છે. ગાંધીને જેટલા જનરલ સ્મપ્સ અને રોમાં રોલાંએ જાણ્યા તેટલા પણ આપણે જાણ્યા અને પ્રમાણ્યા છે કે કેમ તે વિચારવાનો સમય છે. જગતનો ઇતિહાસ ભલે એમ કહેતો હોય કે અહિંસા પૂર્ણત: સફળ થઇ નથી. નથી.પરંતુ સામા છેડે એ પણ હકીકત સિધ્ધ થયેલી છે કે હિંસાથી પ્રશ્નો ઉકેલાવાને બદલે ગૂંચવાયા છે. કેટલાક કિસ્સામાં તો વિકરાળ બન્યા છે. માર્ટિન લ્યૂથર કિંગનું વિધાન કાળના પ્રવાહમાં સહેજ પણ ઝાંખું કે અપ્રસ્તુત થાય તેવું નથી. કિંગ કહે છે : ‘‘ હવે પસંદગી હિંસા અને અહિંસા વચ્ચેની નહિ પરંતુ અહિંસા અને અસ્તિત્વનાશ વચ્ચેનીજ રહી છે. ’’ 

બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા બાદ ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. દેશની સ્થિતિનું ગાંધીજીએ બારીકાઇથી અવલોકન કર્યું. અનેક લોકોને મળ્યા. વીરમગામ સ્ટેનશે લેવાતી જકાતની અન્યાયી પ્રથા દૂર કરવાનું કામ પણ કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી આજથી એક સદી પહેલા એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી રીતેજ અન્યાયી તેમજ ખેડૂતોનું જેમાં શોષણ થાય તેવી આ પ્રથા બિહાર રાજ્યના ચંપારણમાં ‘‘ તિનકઠિયા ’’ તરીકે જાણીતી હતી. ઇસ્ટ ઇન્ડીયા કંપનીના હાથમાં ગળીનો વેપાર હતો. સારો એવો નફો ગોરા વેપારીઓને તેમાંથી મળતો હતો. આથી આ ગોરા કારખાના માલિકોને કાચો માલ નિયમિત રીતે નક્કી કરેલા ભાવે મળી રહે તેવી વ્યવસ્થા ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખ્યા સિવાય નક્કી કરવામાં આવી હતી. રાજ્ય આ અન્યાયી વ્યવસ્થા સામે ચૂપ હતું અથવા સમજવા છતાં ઉદાસીનતા સેવતું હતું. ગરીબ કિસાનો પાસે તેમની જમીનના અમૂક ભાગમાં ફરજિયાત ગળીની ખેતી કરી કાચો માલ કારખાનાઓમાં ગોરા માલિકને પહોંચાડવો પડતો હતો. કારખાના માલિકોની પહોંચ મજબૂત હતી. તેમના અત્યાચારોની પ્રાથમિક માહિતી મેળવી તથા તેની ચકાસણી કર્યા બાદ ગાંધીજીએ લોકજાગૃતિનું કાર્ય પૂરા આત્મબળ સાથે શરૂ કર્યું. ગોરા નીલવરો આથી થોડા ગભરાયેલા પણ હતા. એક દિવસ બાપુને કોઇ સાથીએ ચેતવણી આપી કે અમૂક નીલવર બાપુ પર ખૂબ ક્રોધિત થયેલો છે અને તેણે આ ગાંધી નામનો કાંટો દૂર કરવા મારાઓને રોકેલા છે. બાપુનું વલણ આવા કસોટીના પ્રસંગે વ્યવહારુ ડહાપણથી તદ્દન જૂદું પડતું હતું. તેઓ એક દિવસ પેલા ગોરા નીલવરને બંગલે પહોંચ્યા. ત્યાં જઇને તેમણે નિર્ભયતાથી કહ્યું કે તમે મને મારવા માટે ખાસ યોજના કરી છે તો હું કોઇને પણ કહ્યા વગર એકલો આવ્યો છું. નિર્ભયતા અને દ્રઢતાની આ મૂર્તિનું પ્રત્યક્ષ દર્શન કરીને ગોરો નીલવર સ્તબ્ધ થઇ ગયો. કાકાસાહેબ કાલેલકરે લખેલા આ પ્રસંગને યાદ કરીને કવિ ભૂદરજી લાલજી જોશીના અમર શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. 

તોપ તલવાર નહિ, બંદૂક બારૂદ નહિ 

હાથ હથિયાર નહિ, ખૂલ્લે શિર ફિરતે. 

વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ,

તરકટ તોફાન નહિ, અંહિસા વ્રત વરતે. 

ટેંકોકા ત્રાસ નહિ, ઝેરી ગિયાસ નહિ 

લાઠીકા સહત માર, રામ રામ રટતે. 

ભૂધર ભનત બીન શસ્ત્ર ઇસ જમાનેમેં 

ગાંધી બીન બસૂધામેં કૌન વિજય વરતે. 

સત્ય સાથેજ અભિન્ન રીતે જોડાયેલ નિર્ભયતા બાપુના જીવનનો એક અભિન્ન ભાગ હતો. ઇસુના દરેક નૂતન વર્ષની ૩૦ જાન્યુઆરીએ કાળને પણ સામી છાતીએ પડકારનાર આ વિશ્વમાનવની અમર ગાથા અનેક માનવીની સ્મૃતિમાં ફરી એક વખત આવશે તથા સુગંધ પ્રસરાવી જશે. પ્રાર્થના સભામાં જઇને સમગ્ર માનવજાતના ભલા માટે અંતરના ઊંડાણથી પ્રાર્થના કરનાર આ વૈષ્ણવ જનની હત્યા સમગ્ર જગતને હલબલાવી નાખે છે. ગાંધીજીને ખરી શ્રધ્ધાંજલિ તેમણે કંડારેલ માર્ગ પર ચાલવાનો પ્રમાણિક પ્રયાસ કરીનેજ આપી શકાય.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૮/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑