લુઇ ફિશર નામના સુપ્રસિધ્ધ પત્રકારે લખેલા શબ્દો ફરી ફરી વાંચવા – સાંભળવા ગમે તેવા છે. ફિશર લખે છે :
‘‘ ચર્ચિલ, રૂઝવેલ્ટ, સ્ટાલિન, હિટલર, લિંકન વગેરે ઇતિહાસના નામાંકિત વ્યક્તિઓના હાથમાં રાજ્યોની સત્તા હતી. રાજસત્તા વિના લોકમાનસને સ્પર્શ કરી શકી હોય એવી ગાંધીજીની કોટિમાં મૂકી શકાય એવી બીજી વ્યક્તિઓમાં કાર્લ માર્ક્સને મૂકી શકાય….. પહેલાના જમાનામાં એમના (ગાંધીજી) જેવા પુરુષો પયગંબરો કહેવાતા. ધર્માત્મા કહેવાતા. ગાંધીજીએ બતાવી આપ્યું કે ઈસુ, બુધ્ધ, પયગંબરો કે ગ્રીક ફિલસૂફોના આધ્યાત્મવાદી સિધ્ધાંતો આજના યુગમાં અને આજની રાજનીતિમાં પણ વ્યવહારમાં લાવી શકાય છે… ગાંધી વ્યવહારના ધર્મનો ઉપદેશ કરતા હતા… ’’
અમેરિકન પત્રકાર લુઇ ફિશરનું ગાંધી પરનું પુસ્તક – The Life of Mahatma Gandhi – વાંચવું ગમે તેવું રસપ્રદ છે. ફિશરની લખાવટ તલસ્પર્શી છે. આ પુસ્તક ગાંધી દર્શનની સ્પષ્ટ ઝાંખી કરાવી શકે તેવું છે. ભાઇ રમેશભાઇ સંઘવી (અક્ષરભારતી પ્રકાશન, ભુજ) એ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રકાશીત કરીને આપણા પર ઋણ ચઢાવ્યું છે.
દુનિયા ફરી એક વખત ત્રિભેટે આવીને ઊભી છે. પરસ્પર સ્નેહ તથા ઉષ્માના સામાજીક તાણાંવાણાં નબળા પડતા જાય છે. સુખમાં તેમજ સાધન – સવલતોમાં વુધ્ધિ થઇ છે એ સ્પષ્ટ છે. પરંતુ આ સાધન સુવિધાઓ છતાં સંતોષ કે તૃપ્તિની લાગણી દૂરની દૂરજ રહે તેવી સતત મથામણ અનેક લોકો અનુભવે છે. આર્થિક રીતે સમૃધ્ધિની ટોચ પર બેઠેલા મુઠ્ઠીભર લોકો અને સામે છેડે બે ટંકનું સરખું ભોજન મેળવવા ઝંખના કરતા અનેક લોકો વચ્ચેનું અંતર વધતું જાય છે. વિશ્વના અનેક દેશો શાંતિ પ્રસ્થાપિત કરવાના સ્થાને શસ્ત્રો વેચવાના કાર્યમાં વધારે પ્રવૃત્ત થયા છે. પર્યાવરણ સંબંધી પ્રશ્નો ગંભીર થયા છે. તેની અસર વિશ્વના લગભગ તમામ ભૂભાગ પર થયેલી જોઇ શકાય છે. આ સમસ્યાઓના ઉકેલ માટે આપણી ચેતના પ્રગટાવવા માટે ઘણાં ઉપાય હોઇ શકે છે. પરંતુ તેમાંનો એક વિશ્વસનીય ઉપાય એ ગાંધી તરફ એટલે કે ગાંધીના વિચાર તરફ વળવાનો અને તેને ખરા અર્થમાં અનુસરવાનો છે. લુઇ ફિશરે લખ્યું છે :
‘‘ જુદા જુદા દેશોની મારી યાત્રા દરમિયાન મને પાકી ખાતરી થઇ ગઇ છે કે દુનિયાના દેશોએ પોતાના માર્ગદર્શન માટે ગાંધી તરફ વળવું પડશે. ’’ આપણાં કવિ મેઘાણીભાઇએ પણ આવીજ લાગણીને પોતાના પ્રાણવાન શબ્દોમાં મૂકી છે :
કંપશે સાત પાતાળ
આભે જાતા ઝીંકશે સાયર લોઢ
ખંડે ખંડ બોળશે લાવા
ભૂકંપોના ગાજશે પાવા…
વાવાઝોડા કાળના વાશે
તે દી તારી વાટ જોવાશે…
ગોળમેજી પરિષદમાંથી કહેવાતી નિષ્ફળતા સાથે ગાંધીજી પરત આવતા હતા ત્યારે લખાયેલું મેઘાણીભાઇનું આ કાવ્ય આજના સંદર્ભમાં પણ પ્રાસંગિક છે. સમસ્યાઓની ગંભીરતાના સંદર્ભમાં ગાંધી દર્શન તરફ જવા માટેનો આજનો સમય છે. દુનિયામાં અનેક પ્રકારની વિષમતાઓ છે. સબળા સામાજિક નેતૃત્વની ખોટ પડતી દેખાય છે. સાંપ્રદાયિક વડાઓએ અનેક પ્રસંગોમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે. સામાજિક ક્ષેત્રોમાં ચડસા-ચડસી તથા હૂંસાતુંસીના દ્રષ્યો જોવા મળે છે. ફિશર અને મેઘાણી કહે છે તેમ આ સમયના કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગાંધી વિચારની લકીરનું દર્શન જગત સભાનતાપૂર્વક કરે તો આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ જરૂર મળી શકે છે. ગાંધી નિર્વાણના આ માસમાં ગાંધી વિચારનું દર્શન અને ઠોસ અનુકરણ એ સમયની માંગ છે.
ગાંધી જીવનમાં અને ગાંધી વિચારમાં જે ગતિશીલતાનો તણખો જોવા મળે છે તે અદ્દભૂત છે. ગાંધીને સંપૂર્ણપણે ન પામી શકાય અને તેના કોઇ નાના વિચારનું અનુકરણ થાય તો પણ જીવનમાં એક નૂતન માર્ગનું દર્શન થાય છે. આ અર્થમાં દરેક માનવીને ગાંધી વિચારના નાના કે મોટા પ્રતિનિધિ બનવાનો હક્ક છે. ગાંધીજીના વણથાક્યા હાથોએ લખ્યું હતું :
‘‘ મારા મરણ પછી કોઇ એકજ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહિ બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાંના જીવનમાં જીવતો રહેશે. ’’
ગાંધીજીની ગોળમેજી પરિષદ વખતની બંકિંગહામ પેલેસની મુલાકાત જગપ્રસિધ્ધ થયેલી છે. જેવા હોઇએ તેવાજ દેખાવાની ગાંધીજીની સહજ રીતભાતની નોંધ વિશ્વના લોકોએ લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગાંધીજીએ પહેરેલા કપડાની બાબતમાં તેમનો જવાબ ગાંધીજીમાં રહેલી સહજ વિનોદવૃત્તિ અને હાજરજવાબીપણાનો અનુભવ કરાવે છે. ગાંધીએ ધારણ કરેલા ઓછા કપડાના સંદર્ભમાં તેમણે કહેલું : ‘‘રાજાએ એટલા કપડા પહેર્યા હતા કે તે અમારા બે માટે પૂરતા હતા’’ ઇંગ્લાંડના એક સમયના વડાપ્રધાન લોઇડ જયોર્જની મુલાકાત ગાંધીજીએ લીધી હતી. આ મુલાકાતની સ્મૃતિને વાગોળતા લોઇડ જયોર્જે લુઇ ફિશરને કહેલી વાત યાદગાર છે.
જયોર્જ તથા મહાત્મા વચ્ચે જયોર્જના ફાર્મ ઉપર ત્રણેક કલાક વાતો ચાલી હતી. એ બાબતમાં જયોર્જે કહ્યું કે ગાંધીજીની મુલાકાત સમયે તેમના ઘરમાં કામ કરતા નોકરોએ એવું કર્યું કે જે સામાન્ય રીતે તેઓ ક્યારે પણ કરતા ન હતા. ઘરનો એક એક નોકર પોતાની મેળેજ આ સંતના દર્શન કરવા બહાર નીકળી આવ્યો હતો તેવી વાત તેમણે કરેલી. સામાન્ય લોકો પરની ગાંધીજીના વ્યક્તિત્વની મોહીની એ બાપુના સમગ્ર વ્યક્તિત્વની એક વિશિષ્ટ બાજુ છે. આ કારણોસરજ ત્રીજા વર્ગના આ નિત્ય પ્રવાસીના દર્શનનો લાભ લેવા દરેક સ્ટેશને અસંખ્ય સામાન્ય જનોની ભીડ થતી હતી. તમામ લોકોને પોતાના સ્નેહના બંધનોથી બાંધવાની જબરજસ્ત સૂઝ આ મહામાનવમાં હતી. બાપુ યરવડાની જેલમાં હતા ત્યારે કવીન નામના એક અંગ્રેજ અમલદારે ગુજરાતી ભણવાની ઇચ્છા વ્યક્ત કરી. લોકશિક્ષક બાપુ તે માટે પણ તૈયાર હતા. જેલમાંજ ગુજરાતીના વર્ગો શરૂ થયા ! આવા અસાધારણ માનવીની હત્યા એ કોઇ વ્યક્તિની હત્યા ન હતી. માનવતાની હત્યાનો આ પ્રયાસ હતો. જે કદી સફળ થઇ શકે નહિ. નારાયણ દેસાઇ ગાંધીકથામાં ગાતા હતા :
દુર્ભાગિ એ દિન હતો
હતભાગી એ ઘડી
જે દી હત્યારે ગોળીથી
વીંધ્યા માનવ મેરુને
જાણે આભમાં સૂરજ અસ્ત થયો.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૭/૦૧/૨૦૧૮.
Leave a comment