: વિદ્યાનગરના કાન્તીકાકાઃ કરણીદાનજી કલહટ:

લગભગ ૧૯૭૮-૭૯ ના વર્ષની એક યાદગાર ઘટના મનમાં હમેશા તાજી રહી છે. એ વર્ષોમાં સરકારી નોકરીની શરૂઆત કરી હતી શરૂઆતના ગાળામાં એક તાલીમ કાર્યક્રમના ભાગ તરીકે એકાદ મહીના જેટલો સમય વલ્લભ વિદ્યાનગરમાં ગાળવાની તક મળી હતી. ભાઇકાકા (ભાઇલાલભાઇ પટેલ) જેવા અડિખમ ઇન્સાને સરદાર પટેલની પ્રેરણા મુજબ વલ્લભ વિદ્યાનગર નામે સુપ્રસિધ્ધ થયેલી આ વિદ્યાનગરીનું લોહી-પરસેવો પાડીને નિર્માણ કર્યું હતું તે સુવિદિત છે. આ નગરનો ૧૯૭૮-૭૯ના વર્ષોનો રંગઢંગ  પણ જૂદો અને વધારે મોહક હતો. વિશાળ અને ખુલ્લુ નગર ર૦ થી રપ વર્ષ પહેલાના ગાંધીનગરની સ્મૃતિ કરાવતું હતું. નલિની –અરવિંદ આટર્સ કોલેજની સુમધુર પ્રાર્થનાઓનો નાદ નિર્ધારીત સમયે દરરોજ હવામાં ગૂંજતો-ગાજતો રહેતો હતો. એ સમયે વલ્લભ વિદ્યાનગરના ઘરેલુ તથા જાહેર બગીચાઓમાં ચંપાના છોડનું બાહુલ્ય નજરે જોઇ શકાય તેવું હતું. સાંજે લટાર મારવા નીકળીએ ત્યારે ચંપાની મીઠી સુંગધનો આનંદ વિનામૂલ્યે માણી શકાતો હતો. અલબત્ત, આજે વિદ્યાનગરનું એ સ્વરૂપ જોવા મળતું નથી. માનવો-મકાનો તથા વાહનોની વધેલી સંખ્યામાં ફૂલોની મહેક તથા પ્રાર્થનાના સુર હવે શોધવા પડે છે. વિદ્યાનગરની અમારી તાલિમ પૂરી થતાં એક નાનુ ફંકશન ગોઠવવાનો વિચાર થયો. જે સંસ્થામાં અમે તાલિમ લેતા હતા તે સંસ્થાના નિયામકે આવા ફંકશનના સંકલનની જવાબદારી સોંપી. આ પછી નિયામક તથા મારી વચ્ચે જે સંવાદો થયા તે રસ પડે તેવા છે. મારા તરફથી ફેરવેલના ફોટોગ્રાફસ માટે ફોટોગ્રાફર તરીકે કરણીદાનભાઇનું નામ સૂચવવામાં આવ્યું. જવાબમાં નિયામક મારા સૂચવેલા ફોટોગ્રાફરના નામ સાથે સંમત ન થયા અને ભારપૂર્વક કહે કે તે કામ તો કાન્તીભાઇને જ સોંપવું પડે !  કાન્તીભાઇ સિવાય આ કામ કોઇને સોંપી શકાય નહિ તે વાતમાં નિયામક મકકમ હતા. કરણીદાનભાઇનો મારો આગ્રહ હું છોડતો ન હતો. મામલો ખરેખર ગૂંચવાયો. આ સંવાદ ચાલતો હતો ત્યારે ત્યાંજ બેઠેલા એક ઉત્તર ગુજરાતના પ્રાધ્યાપક મંદ મંદ હાસ્ય કરતા હતા. છેવટે એમણે મૌન તોડી ખુલાસો કર્યો. તેઓ કહે કે નિયામક સાથેનો મારો આ ઝગડો જ બીનપાયાદાર હતો. વિશેષ સ્પષ્ટતા કરતા તેઓ મને કહે કે તમે જેમને કરણીદાન કહો છો તેમનેજ આપણાં નિયામકશ્રી કાંન્તીભાઇ કહે છે ! વાતને થોડી લંબાવતા એ પ્રાધ્યાપક બોલ્યા કે કાન્તીભાઇ(કરણીદાનજી) સિવાય અન્ય કોઇ ફોટોગ્રાફરનો અમે આ સંસ્થાના કાર્યક્રમના ફોટોગ્રાફર તરીકે વિચાર પણ ન કરી શકીએ! કેવી મોટી વ્યવસાયિક પ્રતિષ્ઠા સાંબરડાના આ સંતાને મેળવી હશે તેનો વિચાર કરતા પણ હેરત પામી જવાય તેવું છે. આ ઘટનાની વાત મેં બી.કે.ગઢવી સાહેબ તથા ઝૂલા સાહેબ(રોજુ) તથા રામસિંહજીભાઇ (સાંબરડા)ને કરી ત્યારે તેઓ ખડખડાટ હસી પડયા હતા. ત્યારબાદ આ ત્રણે મહનુભાવોના પ્રતિભાવનો સાર થોડા શબ્દોમાં કહીએ તો આવો હતોઃ ‘‘ કરણીદાનજી અમારા ઉત્તર ગુજરાતનું નાક છે.’’ કરણીદાનજી મે-૧૯૮૯માં સ્વધામ ગયા પરંતુ કીર્તિના કોટડા બાંધીને ગયા જેની કાંકરી પણ ખરે તેમ નથી. 

નામ રહંતા ઠકકરા

નાણા નવ રહંત,

કીર્તિ કેરા કોટડા

પાડ્યા નવ પડંત.

કરણીદાનજીની લોકપ્રિયતા જે વલ્લભ વિદ્યાનગરમાં જોવા મળી હતી તે જોઇને સહેજે ગૌરવ થાય તેવું છે. સમાજના તમામ વર્ગો સાથે આવો સુમેળ એ જવલ્લેજ જોવા મળે તેવી ઘટના છે. તમામ જ્ઞાતિઓના લોકો જેમને આદરની નજરે જોતા હોય તેવા અન્ય બે નામોમાં બી.કે.ગઢવી સાહેબ તથા ઝૂલા સાહેબનું નામ સહેજે યાદ આવે છે. બનાસકાંઠાની ધીંગી ધરાનાઆ મહાનુભાવો પોતાના કાર્યો થકી લોકોમાં ભારે માન સન્માન સાથે પોંખાયા છે. આ રીતે જ વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ માટે આવતા બનાસકાંઠા જિલ્લાના કોઇપણ વિદ્યાર્થીને કોઇ પ્રકારની અગવડ હોય તો કરણીદાનજીનો જીવંત હોંકારો અને સ્નેહભર્યો સહયોગ હમેશા આવા યુવાનો માટે તૈયાર રહેતો હતો. આ વાત નાનીસુની ગણાય તેવી નથી. વતનથી દૂરના સ્થળે આવા વડીલ વિદ્યાર્થીઓની વાતના વિસામા સમાન હતા. 

મારા પિતાશ્રી પાસે પૂ. આઇ શ્રી સોનબાઇમાના એક પ્રવાસમાં કરણીદાનભાઇ પ્રત્યેના માતાજીના અપાર સ્નેહની વાત સાંભળી હતી. કેટલાક અલભ્ય ફોટોગ્રાફસ પણ જોવા મળ્યા હતા. પૂ. આઇના ફોટા તો અનેક લોકોએ પાડ્યા હોય તે સ્વાભાવિક છે. પરેલુ પૂ. આઇ તરફની કરણીદાનભાઇની ભકિતની ર્દષ્ટિથી જે ફોટોગ્રાફસ મળ્યા છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. પૂ. આઇના ભાવને ઝીલવાની સૂઝ તથા સજજતા જે કરણીદાનજીમાં હતી તે બાબતજ તેમની વ્યવસાયિક સજજતા તથા આધ્યાત્મિક ઉંડાઇની અનુભૂતિ કરાવે છે. 

બનાસકાંઠાના નાના છતાં સુવિખ્યાત ગામ સાંબરડાએ અનેક રત્નોની ભેટ સમાજને આપી છે. જગતના લોકોએ તેમના તરફ આદરની નજરે જોયું છે. આવા અનેક રત્નોમાં બી.કે.ગઢવી સાહેબ, રામસિંહજી તથા કરણીદાનજીનો સમાવેશ થાય છે. રામસિંહજીએ બનાસકાંઠાની કલેકટર કચેરીમાં લગભગ ચાર દાયકા સુધી બેસીને જે સ્થાન તથા માન મેળવ્યા હતા તેના શાક્ષી થવાનું સદભાગ્ય સાંપડ્યું છે. સૌને સહેજે ઉપયોગી થવાની વૃત્તિ ધરાવતા રામસિંહજી પણ તેમના ઉજળા કાર્યો થકી હમેશા જીવંત રહેવાના છે. રામસિંહજીને નિવૃત્તિ પછી ચાર વખત સેવામાં એકટેન્શન માટેના તમામ પ્રયાસો રામસિંહજી જેમના સહાયક હતા તેવા કલેકટરો જાતે જ કરતા હતા ! સાંબરડાની આ ધરતીએજ મુકેશભાઇની ભેટ આપી તે પણ કયાં નાની ઘટના છે? સૌજન્ય, સંસ્કાર તથા વિવેકની મૂર્તિ સમાન કરણીદાનજીની મધુર સ્મૃતિથી મન હમેશા તરબતર રહે છે. આ ત્રણે મહાનુભાવોના સુસંસ્કારી સંતાનોને જોઇને મનમાં પ્રસન્નતાની લાગણી થયા કરે છે. ભગતાબાપુએ લખ્યું છે તેમ આવા આપણા ‘‘આભથી ઊંચા બાપદાદા’’ નો મહીમા કરતી વખતે ગૌરવનો ભાવ થાય છે.  

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૫/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑