: સંસ્કૃતિ : : સંક્રાંતના સમયે ગંગાસતીનું સ્મરણ :

કાળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. ગતિ કરતો રહે છે. આજકાલ સૂર્યનારાયણ દેવ પણ ગતિનો સંકેત આપીને પોતાનો પ્રભાવ વિસ્તરે તેવા દિવસો તરફ નિર્ધારીત રીતે ડગલા માંડી રહ્યા છે. આપણે પણ સૂર્યની આ ગતિને વધાવવા માટે અને નિર્ભેળ આનંદ માણવા માટે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. સંક્રાંતિના આ કાળને આપણે ગમતા – અણગમતા અનેક પ્રકારના કોલાહલ વચ્ચે પણ આપણે માણીએ છીએ.  કુદરતની સમગ્ર સૃષ્ટિ જ્યારે ગતિશીલતાનું ગાન કરતી હોય ત્યારે આપણે પૃથ્વીવાસીઓ અટકેલા કે બંધિયાર કેવી રીતે રહી શકીએ ? શારીરિક બંધનો કે મર્યાદાઓ સાથે માનસિક બંધિયારપણામાંથી પણ નીકળવાનો – ગતિ કરવાનો આ સમયનો સંકેત છે. આપણે ચાલીશુ નહિ તો પણ સમય આપણી રાહ જોઇને રોકાવાનો નથી. 

નદીયાં ચલે ચલે રે ધારા,

ચંદા ચલે ચલે રે તારા

તુજકો ચલના હોગા,

તુજકો ચલના હોગા.

આપણાં મધ્યયુગના સંતો કાળના આ વહેતા પ્રવાહને નખશીખ પારખનારા હતા. તેઓ ક્રાંત દ્રષ્ટા હતા. ભાવિના ગર્ભમાં કોડીયું કરીને પણ તેઓ કલ્યાણનો માર્ગ ચીંધનારાં હતા. ગંગાસતી આપણાં એક આવાજ સ
સર્જક અને સંત હતા. જીવનની ગતિ તેઓ સમજ્યા અને જગતના કલ્યાણ માટે પાનબાઇના માધ્યમથી કેટલીક સદાકાળ સાંપ્રત વાતો તેઓ આપણને કહેતા ગયા. ગંગાસતીના પદોમાં નિરંતર સરળતા – સહજતા છે. ગંગાસતીની વાણી એ ગંગોત્રીની ધારા સમાન છે. તેમાં આત્મજ્ઞાનનું નર્યું સૌંદર્ય છે. કૃત્રિમતા લેશમાત્ર નથી. આથીજ બે સદી પહેલાના આ સાધકની વાત આજે પણ જીવંત છે. ગંગાસતીની વાણી ગામડે ગામડે ગાઇને આપણાં ભજનમર્મીઓએ અનેક અંધાર ઘેરી રાતોને ઉજળી કરી છે. આ વાણીમાં સાધકની શક્તિનો બુલંદ પડઘો પડે છે. સૌના કલેશને મીટાવવાની આ વીર સાધિકાની અંતરની ખેવના છે. 

મનને સ્થિર કરી આવો રે મેદાનમાં,

મિટાવું સરવે કલેશ રે

હરિનો દેશ તમને એવો દેખાડું કે

જ્યાં નહિ વર્ણનો વેશ રે…

‘ જાતિપાતિ પૂછે નહિ કોઇ, જો હરિકો ભજે સો હરિકા હોઇ ’ એ વાતમાં માનનારા અને તેનોજ પ્રસાર કરનારા આપણાં અનેક સંતો છે.   ગંગાસતિ – દાસી જીવણ કે મીરાંને જાતિ કે જ્ઞાતિના બંધનમાં બાંધી શકાતા નથી. તેઓ તમામ બંધનોથી મુક્ત થઇને મેદાનમાં ઉતરેલા છે. કઇ નીશાળોમાં આ સંતો-ભક્તો ભણ્યાં હશે ? કોણે એમને માનવ – માનવ વચ્ચેની સમાનતાનો પાઠ ભણાવ્યો હશે ? આપણે માનીએ છીએ કે છેલ્લા થોડા વર્ષોમાં આપણું શિક્ષણ જ્ઞાન વધ્યું છે – વિસ્તર્યું છે. આંકડાઓ પણ આ હકીકતની પૂર્તિ કરે છે. અનેક કાયદાઓ પણ આપણે જાગૃતિપૂર્વક ઘડ્યા છે. એક માનવીનો બીજા માનવી સાથેનો તંદુરસ્ત સંબંધ નંદવાય નહિ તે માટે એક વ્યવસ્થા ઊભી કરવાનો આપણે સુઆયોજિત પ્રયાસ કર્યો છે. તેના કેટલાક સારા પરિણામો પણ મળ્યા છે. આમછતાં નાની તથા ઘણું કરીને નગણ્ય લાગતી વાતોમાં આપણી સામાજિક સમરસતા કેમ ડહોળાય છે ? બહારની વ્યવસ્થા તેમજ કાનૂની માળખું હોવા છતાં આમ થતું હોય તો આપણી મનોસ્થિતિનો અભ્યાસ કરીને તેનેજ ઠીકઠાક કરવાનું સમારકામ આપણે જાતેજ કરવું પડશે. મનમાં વિકૃતિ ન હોય અને પ્રકૃતિના સૌ સર્જનો તરફનો સમાન લગાવ હોય તો આજે વ્યક્તિગત તથા સામાજિક સંઘર્ષના જે બનાવો જોવા મળે છે તેમાં ઘણો ઘટાડો થઇ શકે છે. માનવીના મન જો કટાયા હોય તો આપણાં સાહિત્ય મર્મજ્ઞ ભાઇ રામજી વાણીયા કહે છે તેમ તેને યથાસ્થાને લાવવામાં કાયદાઓ કે બાહ્ય અંકુશો ભાગ્યેજ કશા કામમાં આવે છે. રામજી વાણીયા લખે છે : 

માનવના મનડા કટાણાં

સરાણીયા ! માનવના મનડા કટાણાં

જુગ જુગ જૂના કાટને કાઢવા

ક્રોડુ કાયદા રચાણા

ઉપરછલ્લા એ અવળા ઓસડીયાથી

ભીતરના રોગ ન ભૂંસાણાં…

સરાણીયા ! માનવના મનડા કટાણાં.

મનમાં બાઝી ગયેલા બંધિયારપણાના અનેક ઝાળાને દૂર કરી સંક્રાંતના સૂર્યને વધાવવાનું સંક્રાંતિ કે ઉત્તરાયણનું આ મહાપર્વ છે. ગંગાસતીની વાણીમાં મનમાં જામી ગયેલા કૂડા – કચરાને દૂર કરવાની શક્તિ છે. જીવતરમાં ભૌતિક સમૃધ્ધિ તો હોય અને તેનો હર્ષ પણ હોય પરંતુ તે સમૃધ્ધિમાં સંસ્કારનું મોણ ગંગાસતીની વાણી થકી ઉમેરી શકાય છે. એકવાર આવો ભાવ પ્રગટે તો જીવનમાં નૂતન સૂર્યોદય થયાનો ભાસ તરતજ થશે. સામાજિક સમરસતા એ સ્વસ્થ સમાજની પ્રથમ આવશ્યકતા છે.

સમાજના નબળા ભાંડુઓ તરફથી કુણી દ્રષ્ટિ એ પણ ઉત્તમ ભક્તિ છે. આ કારણસરજ કદાચ જોતીબા ફુલેનું ધ્યાન તરછોડાયેલા લોકો તરફ રહ્યું. મીલમાલીકના બહેન હોવા છતાં અનસુયાબહેન સારાભાઇનું ધ્યાન મીલ મજૂરોની વિટંબણાઓ તરફ રહ્યું. આવા અહંકારના ત્યાગ તથા નમ્રતાની વાત ગંગાસતીએ લખી.  

ભક્તિ રે કરવી તેને

રાંક થઇને રહેવું ને

મેલવું અંતરનું અભિમાન રે

સદ્દગુરુ ચરણમાં શીષ નમાવી

કરજોડી લાગવું પાય રે…

ભાવનગર રાજ્યના વિચક્ષણ દિવાન અને ઋષિતુલ્‍ય રાજપુરૂષ સર પ્રભા શંકર પટ્ટણીનું મન આપણાં મધ્‍યયુગના સંતોની સંતવાણીથી તરબતર થયેલું હતું. જીવનના સંધ્‍યાકાળે ઝાંઝમેરની શાળાના દાંડિયારાસના કાર્યક્રમમાં ‘મેરૂ તો ડગે પણ જેના મન નવ ડગે’ એ ગંગાસતીનું ભજન સાંભળી તેમણે પોતાની અંતરની પ્રસન્‍નતા વ્‍યકત કરી. આ પદ ઉપર ત્‍યાંજ તેમણે સુંદર વિવેચન કર્યુ. તેમણે ભારપૂર્વક કહયું કે આ સંતવાણીના શબ્‍દો બરાબર સમજવા જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે સમાજમાં વ્‍યાપકપણે આ ભજનની વિભાવના ઝીલાય તો જરૂર સ્‍વસ્‍થ  સમાજનું નિર્માણ થઇ શકે. શિક્ષકોને સમજાવ્‍યું કે આવી ભજનવાણીથી વિદ્યાર્થીઓમાં સંસ્‍કારનું સિંચન કરવું જોઇએ. આપણે પણ સૂર્યનારાયણની ગતિના સંદેશને અનુસરી આપણી વિચારધારામાં આપણાં નબળા ભાંડુઓ તરફ લાગણીની – કરુણાની નજર રાખીએ. ખરા અર્થમાં ગતિ કરીએ.   

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૦૮/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑