: ક્ષણના ચણીબોર : : વર્ષનો પહેલો દિવસ : ‘‘પ્રગટાવ દીવો’’ :

૨૦૧૭ ના વર્ષને વધામણા કહેવાનો સમય છે. નૂતન વર્ષના પ્રારંભના સમયે કેટલાક વ્યક્તિવિશેષનું પાવન સ્મરણ થાય છે. આ લોકો એવા હતા કે જેમણે સહજ રીતે જીવનમાં ઊંચા ધોરણ બાંધ્યા. ત્યારબાદ સમગ્ર જીવન આવા ધોરણને સ્વૈચ્છિક રીતે જાળવીને જીવી ગયા. કટોકટીની ક્ષણે પણ તેમને નબળો કે હલકો વિચાર ન આવ્યો. આવા મહામના અને ઉદારચરિત લોકોને યાદ કરી કવિ ‘‘મિસ્કીન’’ કહે છે તેમ શ્રધ્ધા અને વિચારનો દીવો પ્રગટાવવાનો આ સમય છે.

વર્ષનો પહેલો દિવસ

પ્રગટાવ દીવો,

ઝળહળી ઉઠશે વરસ

પ્રગટાવ દીવો.

ભાવનગર જેવા મોટા રજવાડાના દીવાન અને સર્વસત્તાધિશ હોવા છતાં જેમના જીવન તથા વર્તનમાં ઉત્તમ વિચારોનું બાહુલ્ય જગતે જોયું તેવા સર પ્રભાશંકર પટ્ટણી (૧૮૬૨-૧૯૩૮)ની સ્મૃતિ પણ ચીનગારીની જેમ સ્મૃતિમાં ઝબકી જાય છે. સર પટ્ટણીની સ્મૃતિથી દિલમાં દીવો પ્રગટી ઊઠ્યો હોય તેવો ઉજળો ભાવ થાય છે. આજ રીતે ‘‘સત્યકથાઓ’’ લખીને જેઓએ કેટલાક જાજવલ્યમાન પાત્રોનો પરિચય સંપૂર્ણ તટસ્થતાના ભાવ અને અપ્રતિમ નિષ્ઠાથી કર્યો તેવા સર્જક શ્રી મુકુન્દરાય પારાશર્યની પણ સ્મૃતિ આ ક્ષણે થાય છે. પારાશર્યની સત્યકથા વાંચીને તીર્થયાત્રાનો ભાવ અંતરમાંથી આપમેળે પ્રગટ થાય છે. શોહરતની સહેજ પણ દરકાર કર્યા સિવાય સમુદ્ર તળિયે પડેલી છીપની જેમ મુકુન્દરાય પારાશર્ય રહ્યા પરંતુ છીપમાંથી મોતી મળ્યું તેનો લાભ જગતને થયો. આ સર્જકજ લખી શકે : 

મરને તળિયે જીવીયેં

દુનિયા દેખે નૈં,

મકના એવી છીપ થા

કે મોતી પાકે મૈં.

પટ્ટણી સાહેબના જીવનનું ભાતીગળ દર્શન પણ આપણે પારાશર્યની કલમના સહારેજ યથાતથ કરી શકીએ છીએ. ફરી ફરી માણવો ગમે તેવો એક પ્રસંગ નોંધાયો છે.

યુવાન મહારાજા કૃષ્ણકુમારસિંહજી વીસેક વર્ષની વયે ગાદી પર આવ્યા. આ યુવા રાજવીને તેમના રાજ્યના ગામડા અને ગામલોકોનો પ્રત્યક્ષ પરિચય થાય તે હેતુથી બુઝર્ગ સર પટ્ટણી તેમને રાજ્યના દૂર સુદૂરના વિસ્તારનો પ્રવાસ કરાવતા હતા. ફરતા ફરતા તેઓ ભાવનગર રાજ્યના તુરખા ગામે આવ્યાં. તુરખા ગામ ભાવનગરના સુપ્રસિધ્ધ તથા હોનહાર અને ભૂતપૂર્વ  દીવાન ગગા ઓઝાને રાજ્ય તરફથી તેમની ગૌરવપૂર્ણ સેવાની કદર તરીકે  રાજવી તરફથી આપવામાં આવ્યું હતું. મજાનું ગોકુળિયું ગામ તથા ધનધાન્યથી લચી પડેલી વાડીઓને જોઇને યુવાન મહારાજાએ કહ્યું : “વાહ ! ગામ કેવું સરસ છે.” અનુભવી પ્રભાશંકરે થોડા શબ્દોમાં હળવો પ્રતિસાદ આપતાં કહ્યું : “ ગગા ઓઝાએ કરેલી રાજ્યની સેવા જેવી શોભે છે તેવું આ ગામ શોભે છે. ”  તુરખા ગામ પસાર થયા પછી પટ્ટણી સાહેબે મહારાજા સાથેનો સંવાદ આગળ ચલાવ્યો. પટ્ટણી સાહેબે એક બનેલા પ્રસંગની વાત માંડી. તેમણે મહારાજાને કહ્યું :  “ મહારાજ, કચ્છની એક કથા છે. ઘણી જૂની નથી. હાલના મહારાવ ખેંગારજીના પિતા રાજવી પ્રાગમલજીની વાત છે. મહારાવ પ્રાગમલજી અનેક સુકાર્યો કરીને કીર્તિ મેળવી ગયાં. પ્રાગમલજી ગાદીએ આવ્યા ત્યારે યુવાન હતા. તેમના વજીર રૂપસંગજી જૈફ ઉમ્મરના હતા. રાજવી તથા તેમના વજીર બન્ને આજે આપણે નીકળ્યા છીએ તેમ રાજ્યના વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક સુંદર વનરાઇવાળું અને રળિયામયણું ગામ જોઇને મહારાવે દીવાનજીને કહ્યું : “ આ ગામ ઘણું સારું છે ! આપણાં રાજ્યનું ગામ છે ? ” વજીરે કહ્યું : “ બાપુ, આ ગામ આપના વડવાઓએ ચારણોને આપેલું તે છે. ” થોડે આગળ ગયા પછી દીવાને ગાડી ઊભી રખાવી. નીચે ઉતરી દીવાનજીએ ગાડીના બન્ને પૈડા પોતાના ખેસથી લૂછ્યાં. ખેસમાં જે ધૂળ ભેગી થઇ તે ખંખેરી નાંખી પછી ગાંડીમાં બેઠા. મહારાવને આ જોઇને આશ્ચર્ય થયું હતું એટલે પૂછ્યું :  “ વજીરજી, તમે આ શું કર્યું ? ” વજીરે જવાબ આપતાં કહ્યું : “ મહારાવ બાપુ આ ગામ આપના વડવાઓએ દેવીપુત્રોને  બક્ષિસમાં આપેલું છે. બક્ષિસ આપેલી વસ્તુનો આપણાંથી અજાણતાયે ઉપયોગ ન થાય તેની સાવચેતી રાખવી જરૂરી છે. છે. આથી આ ચારણોના ગામની જમીનની ધૂળ પણ એમનીજ સીમમાં ખંખેરી નાંખી. અણહક્કની આવક કાળરૂપ છે. ” નાનું એવું પરંતુ સચોટ દ્રષ્ટાંત આપીને સર પટ્ટણીએ કેટલો ઉજળો વિચાર યુવાન રાજવીના દીલમાં રોપી દીધો ! દેશના વિશાળ યુવાધનને સુયોગ્ય વિચારબીજની જરૂર છે. ઉમદા તથા ઉત્તમ વિચારોને ઝીલવાની અને જીરવવાની યુવાધનમાં શક્તિ છેજ. 

આપણાં સમાજમાં ઘણાં લાંબા સમય સુધી કુટુમ્બના સભ્યો અવકાશ મળે ત્યારે સાથે બેસતા અને વાતો કરતા. મોટાભાગે આવો સમય સાંજનું ભોજન પૂરું થયા પછી મળે. ઘરની, કુટુમ્બની વાતો ઉપરાંત સામાજિક, ધાર્મિક બાબતોની પણ ઘરના સભ્યો વચ્ચે ચર્ચા થતી, વડીલોના અનુભવનું ભાથું હતું તેના આધારે તેઓ કુટુમ્બના યુવાનોને માર્ગદર્શન મળે તેવી વાતો કરતા. આ ઘરસભા કે કુટુમ્બસભાનું એક ખાસ મહત્વ તેની ઉપયોગિતાને કારણે હતું. ટીવી આવ્યા બાદ અને દોડધામની જિંદગીને કારણે આવી ઘરસભાની પરંપરા તૂટવા લાગી છે. ઘરનાજ સભ્યો વચ્ચે સંવાદનો અભાવ હોય તેનાથી ઘણાં સામાજિક પ્રશ્નો ઊભાં થતાં જાય છે. ક્યારેક માનસિક સ્વસ્થતા પણ વ્યક્તિગત જીવનની તાણને કારણે વિક્ષૂબ્ધ થાય છે. અહીં મુકુન્દરાય પારાશર્યના કિસ્સામાં તેમણે જે વાતો તેમના મોટીબા પાસેથી સાંભળી તેજ વાતો કાળજીથી ટપકાવી લીધી. તેમ કરવા પાછળ તેમનો હેતુ પોતાનાજ જીવનનું યોગ્ય નિર્માણ કરવાનો હતો. મોટીબાએ તેમને કહેલી આ વાતોમાં સારમાણસાઇના ઘણાં નાના દીવડાઓનું દર્શન થાય છે. આ દીવડાઓ ભલે નાના હોય પરંતુ છે તો એ સદાયે જીવંત એવી પાવક જ્વાળાના સીધા વારસદાર. તેમણે ચરિત્રોની વાતો ટપકાવી. ત્યારબાદ ‘‘કુમાર’’ ના માધ્યમથી સમાજમાં પહોંચી. સર પટ્ટણીની સ્મૃતિ તેમજ સત્યકથાની વાતો કાળના સતત પરિવર્તન પામતા પ્રવાહમાં પણ ઝાંખી થાય તેવી નથી. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑