: વાટે….ઘાટે…. :: સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક અનોખી ઉષ્માનો અનુભવ જાણે કે શરીર તથા મન બન્નેને થાય છે ! ઝાલાવાડમાં (સુરેન્દ્રનગર જિલ્લો) જન્મેલા સ્વામી આનંદને યાદ કરતાંજ તેમના અદ્દભૂત ગદ્ય લેખન માટે ભીતરથી અહોભાવ થાય છે. સહેજે નમન કરવાનું મન થાય એવું નામ. જાન્યુઆરીની રપમી તારીખે (૧૯૭૬) મુંબઇથી તેમણે મોટું ગામતરું કર્યું. સ્વામીદાદા એક ભાતીગળ જીવતર જીવીને ચિરનિંદ્રામાં પોઢી ગયા. દાદાએ લખેલી અનેક વાતો તથા તેમના પત્રો જીવનમાં અંધકારની ક્ષણે પણ ઉજાસનો અનુભવ કરાવી શકે તેવા જીવંત છે. આપણાં આ ગાંધીના સમર્પિત સેવક સાધુને પુન: હૈયામાં ધરીને તેમની વાત કાન માંડીને સાંભળવા જેવી છે. આજે પણ હોંકારા ભણે તેવી તેમની વાતો છે. દેહ તો માટીમાં મળે પરંતુ સાદ કરીએ તો નરવો પ્રતિસાદ આપે તેવી સ્વામીદાદાએ લખેલી કથાઓ છે.

હાલો હૈયા જીરાણમેં

શેણાને કરીએ સાદ

મીટ્ટી સે મીટ્ટી મીલી

હોંકારા દીએ હાડ.

સ્વામી આનંદ એટલે પૂર્વાશ્રમના હિંમતલાલ દવે. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામમાં ૧૮૮૭ માં તેમનો જન્મ થયો હતો તેમ નોંધાયું છે. આપબળે તથા અનુભવની સૂઝે તેમનું નક્કર ઘડતર થયું હતું. બાળક હિંમતલાલને ઇશ્વરના દર્શન કરવાની લાલચ થઇ આવી. કાચી વયની આ બાળ સહજ વ્રત્તિ હતી. ઇતિહાસે નોંધેલા સમાન પ્રકારનાજ બીજા એક કિસ્સામાં ટંકારાના કિશોર મૂળશંકરને પણ સાચા શિવત્વના દર્શન કરવાની તાલાવેલી થઇ હતી. મૂળશંકર અનેક મથામણ પછી મહર્ષિ દયાનંદ બન્યા અને સમગ્ર જગતને શાસ્ત્રોનો સાચો સંદર્ભ સમજાવી અજ્ઞાન – અંધશ્રધ્ધામાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા. બંગાળની ધરતીમાં જન્મેલા કિશોર નરેન્દ્રને પણ ઇશ્વર દર્શનની કે તેવા દર્શન કર્યા હોય તેવા વીરલાને ભેટવાની ઇચ્છા થઇ. જગતને આ તાલાવેલીની મહામુલી સોગાદ તરીકે રામકૃષ્ણદેવ તથા વિવેકાનંદ મળ્યા. અહીં પણ બાળ હિંમતલાલ સાધુઓની જમાતમાં ભળીને અનેક સારી – નઠારી બાબતોથી જાત અનુભવે વાકેફ થયા. સ્વામીદાદાનું જીવન ઘડતર થતું ગયું. હિમાલયના દુર્ગમ પ્રદેશોમાં રઝળપાટ કરીને તેઓ સતત જીવન સમૃધ્ધ કરતા રહ્યા. સ્વામીદાદાના બહુરંગી વ્યક્તિત્વની અનેક ઘટનાઓ છે. આજીવન લેખનકાર્ય કરનાર આ પ્રજ્ઞાપુરુષ પ્રસિધ્ધિ તથા પ્રશંસા બન્નેથી કાળજીપૂર્વક દૂર રહ્યા. 

સ્વામી આનંદ તથા સાંઈ મકરંદ (દવે) વચ્ચેનો પત્ર વ્યવહાર આપણી ભાષાના સાહિત્યની એક અમૂલ્ય ધરોહર છે. સદ્દભાગ્યે વિદુષી બહેન હિમાંશી શેલતના સુઆયોજિત સંપાદનથી આપણાં સુધી ઘણાં પત્રો પહોંચી શક્યા છે. મકરંદભાઇ તથા સ્વામીદાદાની વચ્ચે ઉંમરનો તફાવત નોંધપાત્ર છે. સાંઈ મકરંદ સ્વામીથી ઉંમરમાં ઘણાં નાના હતા. પરંતુ પ્રજ્ઞાવાન લોકોને ઉંમરનો બાધ ક્યાં નડે છે ? આથી સાંઈને સ્વામીની વાત સમજવી અઘરી પડતી નથી. સાંપ્રત કાળમાં પણ ભગત સાહેબ કે ધીરુબહેન પટેલની વાતો સાંભળવી દરેકને ગમે છે. તેમની ઉંમરનો કોઇ બાદ તેમના કથન કે કહેણી પર જોવા મળતો નથી. મકરંદભાઇનો આદર્શવાદ તેમજ એક યુવાન કવિનો સહજ તરવરાટ તેમના સ્વામીદાદા સાથેના પત્રોમાં જોવા મળે. જ્યારે સામે છેડે સ્વામી આનંદે જીવનના અનેક વિષમ ચઢાવ – ઉતાર જોયા તથા અનુભવ્યા હોવાથી તેમનો ઊંડો અનુભવ અને આત્મસૂઝ તેમના પત્રોમાં છલોછલ જોવા મળે. મળે. લગભગ ૧૯૫૫ થી ૧૯૭૫ સુધીનો આ પત્રપ્રવાહ છે. આ બન્ને મહાનુભાવોનું એક પ્રકારનું દિવ્ય જોડાણ સંતો – સાધુઓ સાથેનું છે. પરંતુ એ સાથેજ લોકેષણા માટે જેઓ આધ્યાત્મિકતાનો અંચળો ઓઢી વાતો કરે છે તેવા કહેવાતા ‘સાધુજનો’ ના આ બન્ને મહાનુભાવો આકરા ટીકાકાર છે. આપણે આજના સંદર્ભમાં આ વાત ફરી સાંભળવા તથા સમજવા જેવી છે. મકરંદભાઇ સ્વામીદાદાને લખે છે : 

‘‘ ..કાળાબજારિયા અને લાંચિયા લોકોને સામાજિક પ્રતિષ્ઠા આપતા લેભાગુઓને હું સંત ગણવા તો તૈયાર નથીજ પણ ધૂર્તો માનું છું. આપણી આધ્યાત્મિકતાને નાસ્તિકોનો જરાયે ડર નથી. પરંતુ આવા મોટા દાવા કરનારા તથા ચારિત્ર્યશુધ્ધિ વિનાના મહંતો જ સાચા ધર્મને મારી નાખશે. ’’ 

જે વાતની – વિષયની ઉપરના ફકરામાં ચર્ચા થઇ છે તે આજના સંદર્ભમાં પણ કેટલી મહત્વની તથા ધ્યાનાકર્ષક છે ! જેમના જીવનમાં પવિત્રતા નથી અને કરણીમાં ચારિત્ર્યબળ નથી તેવા કહેવાતા ધર્મના ઠેકેદારો થકીજ ધર્મ વિષે યુવા માનસ પર અનિચ્છનિય છાપ પડે છે. આપણાં લોકોએ પણ નિર-ક્ષિરની તારવણી કરીને માથું નમાવવાનું શીખવું પડશે. આજના સમયનો આ તકાજો છે. 

સ્વામી આનંદ ક્રાંત દ્રષ્ટા હતા. ગાંધીજીની વાત પચાવીને તેમણે પોતાના જીવન વ્યવહારમાં ઉતારી હતી. આજે અનેક અહેવાલો છપાતા રહે છે તેમાં આર્થિક અસમાનતાનું ચિંતા ઉપજાવે તેવું ચિત્ર રજૂ થાય છે. આર્થિક અસમાનતાને કારણે ‘ફાવી ગયેલા’ અને ‘રહી ગયેલા’ વચ્ચેની તીરાડ વધતી જાય છે. આ સંદર્ભમાં સ્વામીદાદાએ એક મોટા માણસને નર્યું સત્ય સંભાળવેલું જે આજે પણ પ્રસ્તુત છે. સ્વામીદાદા કહે છે : 

‘‘ The privileged classes alone in India have succeeded in extending their privileges and opportunities ’’ 

આજના સંદર્ભમાં પણ સ્વામીદાદાના આ નિદાનમાં વાસ્તવિકતાનું બળ હોય તેમ લાગ્યા સિવાય રહેતું નથી. આ બન્ને પ્રજ્ઞાપુરુષોનો પત્ર વ્યવહાર અપૂર્વ સૌંદર્યયુક્ત તો છેજ પરંતુ જીવનમાં કસોટીની પળે માર્ગદર્શક બને તેવો પણ છે. બન્ને હરિના દાસ હતા અને અનાથોના નાથમાં શ્રધ્ધા ધરાવીને ફકીરની મસ્તીથી જીવન જીવનારા હતા. 

બીતત સો ચિંતત નહિ

આગે કરે નહિ આસ

આઇ સો સિર પર ધરી

જાન હરિ કા દાસ.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૦૧/૦૧/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑