: ક્ષણના ચણીબોર : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા ગામમાં ભાંગતી રાતે એકતારાના સુરે ગવાતા ભજનોની વાણી સોહામણી અને શાંતી પમાડે તેવી વાણી સાંભળવા મળે છે. કેવા મધુરા સુર-સ્વરો તથા શબ્દો આ ભજનવાણીમાં ગૂંથાયેલા છે !

વાગે ભડાકા ભારી

ભજનના વાગે ભડાકા ભારી

બાર બીજના ઘણીને સમરુ

નકળંક નેજાધારી… ભજનના….

સંતવાણી – ભજનવાણીના આ ઉપાસકોની વાણીમાં કે તેમના જીવનમાં સહેજ પણ પંડિતાઇનો ભાવ કે ભાર નથી. એ લોકો કોઇના મોહતાજ નથી. નકળંક નેજાધારી નામે કોઇ પરમ તત્વના એ તો નફીકરા ઉપાસકો છે. શ્રધ્ધા એ તેમના જીવનનું કેન્દ્રબીંદુ છે. જીવનની સહજતાજ તેમણે આ વાણીમાં ગાઇ છે. તેઓ કોઇની કંઠી કે કૃત્રિમ વાડામાં બધાયેલા નથી. માનવ સમાજ સહિત સમગ્ર પ્રકૃતિને ચાહનારા આ મહામના અને હેતાળ માનવીઓ છે. આ અલખ ધણીની ઉપાસનાની વાણીની ધારા વહેડાવનારા આપણાં સંત કવિઓના ખોળીયા કે તેમની રચનાઓના શબ્દો ભલે ભિન્ન હોય પરંતુ સંદેશ એકજ છે : ‘‘ ભજન કરો અને ભોજન કરાવો’’ કબીરવાણીના સારરૂપ એવા આ તત્વને આ ઉપાસકોએ પચાવી જાણ્યું છે. કબીર સાહેબ કહે છે.                  

કબીર કહે કમાલ કું

દો બાતા સીખ લે;

કર સાહેબ કી બંદગી,

 ભૂખે કું અન્ન દે.

ઇસુના નવા વર્ષના ચોઘડીયા વાગી રહેલા છે. ર૦૧૮ના વર્ષનો હમણાંજ પ્રારંભ થયો છે કે, થવામાં છે. કાળના આ અનિવાર્ય રીતે આવતા મુકામે દુનિયાનું ચિત્ર કેટલીક બાબતો અંગે આપણાંમાંથી ઘણાને ચિંતા કરાવે તેવું છે. પ્રગતિ કે ભૌતિક સુવિધાઓની ઝાકળમાળ વચ્ચે પણ જાગૃત નાગરિકના મનમાં આ વાત આવે છે અને ખૂંચે છે માનવી-માનવી વચ્ચેના સ્નેહની સુષ્કતા તેમજ સંઘર્ષ તરફની દિશા જે નજર સામે દેખાય છે તે અકળાવે તેવી છે. ઉત્તર કોરીયાના શાસકનો પ્રશ્ન હોય કે જેરૂસલેમ અંગેના યુ.એસ.એ.ના બહુ ચર્ચિત નિર્ણયની બાબત હોય તેમાં જે ભાવિ સંઘર્ષના એંધાણ જણાય છે તે વિશ્વના નાગરિકોની ચિંતાનો વિષય છે. પ્રગતિની દેખીતી ઝાકઝમાળ વચ્ચે પણ થોડા લોકોના હાથોમાં થયેલું સત્તા –સંપત્તિનું કેન્દ્રીકરણ એ પણ વિશ્વના ભવિષ્ય સામે બીહામણા સ્વરૂપે ઉભુ થયેલું છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગે તે પહેલા આપણે નહિ જાગીએ તો એ આપણી સામુહિક નિષ્ફળતા ગણાશે. સંઘર્ષ અને માનવીય સબંધોના આવા અટપટા માહોલમાં ત્રિકમ સાહેબની માનવમાત્રના કલ્યાણ માટેની ચિરકાળ શાંતિ આપનારી વાણી તરફ નજર જાય છે. ત્રિકમ સાહેબની પાવક વાતોમાં એક અનોખી સુગંધનુ દર્શનથાય છે. આ સુગંધ વણસતા પર્યાવરણમાં પણ આશા તથા ઉમ્મીદની નૂતન દિશાનું દર્શન કરાવે છે. મધ્યકાળમાં પ્રગટેલી અને ઝળહળા થયેલી ત્રિકમ સાહેબની વાણી સદાકાળ માણવી ગમે તેવી અર્થપૂર્ણ તેમજ દિશાદર્શક છે. આ વાણીના પાણીની એક વિશેષ તાકાત છે.

ત્રિકમ સાહેબ સદેહે આપણી વચ્ચે ઇ.સ.૧૮૦ર અથવા ૧૮૦૧ સુધી હતા તે સદૃભાગ્યની વાત છે. રવિ-ભાણ સંપ્રદાયના આ સંતકવિએ સંત સાહિત્યની અનેક પ્રાણવાન રચનાઓનું સર્જન કરેલું છે. કચ્છના છેવાડાના વિસ્તાર વાગડમાં જન્મ ધારણ કરનારા આપણાં સૌના ગૌરવ સમાન આ મર્મી સાધક તેમની વાણીની સાધનાથી વિશાળ તથા વિસ્તૃત ખ્યાતિને હકકથી વરેલા છે. વાગડ વિતારના ચિત્રોડ ગામે તેમણે ગાદીની સ્થાપના કરી હોવાનું નોંધાયું છે. ‘વાડીના સાધુ’  અને પરંપરાના ઉપાકસ કહેવાતા આ સંત સર્જકે આપણી ભાષાને રળિયાત કરી છે. ત્રિકમ સાહેબની વાણીમાં કબીર સાહેબનો વ્યાપક પ્રભાવ વરતાય છે તેવું ર્ડા. નિરંજન રાજયગુરુનું અવલોકન યથાર્થ છે. ત્રિકમ સાહેબની આ વાણી આજે વિશેષ પ્રસ્તુત અને પ્રાસંગિક છે. તેનું મહત્વનું કારણ એ જણાય છે કે, ર્ડા. પલાણ સાહેબ કહે છે તેમ ત્રિકમ સાહેબ સમન્વયનું સંતાન છે. આ મહા સાધકનું જીવન એ કદાચ સમન્વયની તેજોમય યાત્રા સમાન છે. જીવનમાં, કવનમાં કે વાણી-વર્તનમાં સમન્વયના પાઠ ત્રિકમ સાહેબે પઢાવ્યા છે. આથીજ આ કપરા કાળમાં ત્રિકમ સાહેબની વાણી તરફ નજર ફરી ફરીને નજર ઠરે છે. રવિ-ભાણ સંપ્રદાયના આપણે સૌ રુણી છીએ. આ ઉજળી પરંપરાએજ આપણને ત્રિકમ સાહેબ જેવા મોંઘેરા રત્નોની લહાણ કરી છે. ત્રિકમ સાહેબ ગુરુ ખીમ સાહેબના પ્રતાપી શિષ્ય હતા. ત્રિકમ સાહેબની કેટલીક રચનાઓમાં કચ્છી બોલીના શબ્દોનું સુંદર વણાટ ગુજરાતી ભાષામાં થયેલું છે. ત્રિકમ સાહેબ જેવા સંતો બાહ્ય આચાર વિચારની પળોજણમાં પડતા નથી. તેઓતો મનના મેલનો નાશ કરવા માટે પ્રભાવી શંખનાદ કરી આપણી ચેતનાને સંકોરે છે. 

કપડા બી ધોયા સંતો

અંચલા બી ધોયા

જબ લગ મનવો ન ધોયો મોરેલાલ

લાલ મેરે દિલમેં સંતો

લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી.

જાગી ગયેલા આ સંતોની વાણી પાસે બેસીને આપણે પણ જાગવાની અને સાચી દિશામાં ડગ માંડવાની જરૂર છે. સંતોની વાણીમાં ભજનભાવનો અનોખો મહીમા છે. ભજનમાં ‘ભીના’ રહીને ભવપાર ઉતરવાની ત્રિકમ સાહેબની વાત સાંભળવા તેમજ સમજવા યોગ્ય છે. 

મન તું સમજી લે

તારો સગો નથી સંસાર

ભજનમાં ભીના ભીના રહેજો

ઉતરશો ભવપાર

સાંપ્રત કાળની તેમજ સમગ્ર વિશ્વને અનેક મુઝવતી તેમજ ગુંગળાવતી સમસ્યાઓનો ધીમો છતાં સચોટ તથા કાયમી ઉકેલ આપણી વિચાર પધ્ધતિ તથા જીવનપધ્ધતિના બદલામાં છે. ત્રિકમ સાહેબ જેવા સંતોની વાણી આ સાચી દિશાના બદલાવની પ્રક્રિયાને બળ આપી શકે તેવા સત્વ વાળી છે. 

       વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૨૮/૧૨/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑