: વાટે….ઘાટે…. : : નાનાભાઇના વિરાટ વ્યકિતત્વની વાતો:

૧લી જુલાઇ-૧૯૩૮ની જેઠ સુદ પૂર્ણિમાનો એ દિવસ. વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત ગંગાસતીએ ગાઇ હતી. એજ રીતે પૂર્ણીમાંના ઉજળા આભના સથવારે વિદ્યાનો દીવો પ્રગટાવવા નાનાભાઇ ભટ્ટ નામના વિદ્યાપુરુષે નિર્ધાર કર્યો. અંતરની ર્દઢતાથી થયેલા નિર્ણયને 

કોણ રોકી શક્યું છે?

                               એકવાર શઢ ભર્યા ફૂલ્યા

ને વાયરા ખીલ્યા,

હોડીને દૂર શું! નજીક શું!

કવિવર ઉમાશંકર જોશીએ ઉપરના સુંદર શબ્દોમાં લખ્યુ છે તેમ નાનાભાઇના આ ગ્રામ દક્ષિણામૂર્તિના હેતુસભર પ્રયાણને વિપત્તિઓના વાદળનો ઓછાયો બાધારૂપ બની શકે તેમ ન હતુ. આંબલા (ભાવનગરજિલ્લો) ગામની પ્રાથમિક શાળા નાનાભાઇએ સંભાળી. પોતાનુ જ સર્જન હતું તેવી ભાવનગરની વિખ્યાત દક્ષિણામૂર્તિ સંસ્થાને પણ છોડીને નાનાભાઇ નીકળ્યા તે નીકળ્યાજ. હૈયામાં એક જ રટણા છે: ‘‘સૂઝશે તે કરીશ, કંઇ નહિ સૂઝે તો સુદર્શન વાટીશ!’’ એકલરામ નાનાભાઇનુ આ મહાભિનિષ્ક્રમણ હતુ બુધ્ધના મહાભિનિષ્ક્રમણની યાદ તાજી કરાવે તેવુ. ગામડામાં બેસી શિક્ષણનું કાર્ય કરવું. શિક્ષણનો વ્યાપ વધારવો તથા શિક્ષણને જીવન સાથે જોડવાના ત્રિવિધ ઉપાયો કરવાનો નાનાભાઇનો તે કાળનો નિર્ણય આજે પણ એટલોજ પ્રસ્તુત છે. ડિસેંબર માસના છેલ્લા દિવસે નાનાભાઇ તો સદાકાળ માટે ગયા (૩૧ ડિસેંબર-૧૯૬૧) પરંતુ નૂતન ર્દષ્ટિનું તે જ રેલાવીને ગયા. ડિસેંબર માસમાં નાનાભાઇનું પુણ્ય સ્મરણ અંધકારમાં પણ ઉજાસ પ્રગટાવે તેવુ છે. 

ગ્રામદક્ષિણામૂર્તિનો પ્રારંભ એ નિર્ણય તો નાનાભાઇ ભટ્ટનો વ્યકિતગત હતો. પરંતુ શિક્ષણના પ્રશ્નો આજે જયારે વિશાળ લોક સમુહ તથા સરકારોને અકળાવે છે ત્યારે નાનાભાઇની વિચારધારા તરફ ફરી નજર નાખવાની વાત આજે પણ કામમાં આવે તેવી છે. આપણે જે શિક્ષણ લઇએ છીએ તેની ગુણવત્તા કેવી છે ? અનેક વિશ્વસનિય તારણો જે સામે આવે છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે શિક્ષણની ગુણવત્તા આજે પણ સંતોષકારક નથી. માળખાગત સુવિધાઓ જરૂર વધી છે પરંતુ જે વિદ્યાર્થીઓનુ ઘડતર કરી શકે તેવી કેળવણી આપણે આપી શકતા નથી. દાદા ધર્મોધિકારીએ એકથી વધારે વખત આજ વાત તેમના વિદ્યાપીઠના પ્રવચનોમાં કરી છે. માળખાગત સુવિધાઓ સાથે શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે પરંતુ જેમણે શિક્ષણ મેળવેલુ હોય તેઓ કંઇક રચનાત્મક પ્રદાન કરીને આર્થિક ઉપાર્જન કરવા માટેનો આત્મવિશ્વાસ ધરાવતા નથી. આથી અનેક શિક્ષિત લોકો કામ મેળવવાની કપરી સમસ્યાનો સામનો કરે છે. શિક્ષણને રોજગારી સાથે આપણે જોડી શક્યા નથી. સામાન્ય નોકરી મેળવવાની ઘટમાળમાં પણ અનેક યુવાનો પોતાનુ હીર તથા હામ બન્ને ગુમાવે છે. બેરોજગારીના આંકડા પ્રસિધ્ધ થતા રહે છે.  કોઇપણ ભોગે  નોકરી મેળવાવાની લાલચમાં કેટલાક કૌભાંડ પણ થતા રહે છે. દિવસે દિવસે ખર્ચાળ બનતા જતા શિક્ષણનો ખર્ચ વેંઢારવામાં અનેક મધ્યમ વર્ગના લોકો પીસાયા કરેછે. નાનાભાઇ તથા મનુભાઇ(દર્શક)એ કેળવણીને જીવનના ઘડતર સાથે જોડવાનો પ્રયાસ કર્યો જેથી શિક્ષાર્થીમાં એક આત્મવિશ્વાસનો સંચાર થઇ શકે. માત્ર સરકાર પર આધાર રાખવાથી નાનાભાઇ જેવુ કામ થવુ મુશ્કેલ છે સરકાર ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા લોકો અને જાગૃત સમાજે નાનાભાઇ જેવા સમર્પિત શિક્ષકના જીવન કાર્યને લક્ષમાં રાખીને આજના સમય માટેના શિક્ષણમાં સુધારણાના પ્રશ્નને ફરી વિચારવો જરૂરી બન્યો છે. આ દિશામાં કોઇ પ્રયાસો નથી થયા તેમ કહેવુ ઉચિત નથી.પરંતુ સમસ્યા જે વ્યાપક અને ગંભીર છે તેને નજરમાં રાખીને પ્રથામાં પરિવર્તન કરવુ પડશે. ટૂંકાગાળામાં થાય તેવુ આ કામ નથી. પરંતુ લાંબા ગાળાના આયોજન સાથેના ઠોસ પગલા વધારે સારુ પરિણામ જરૂર આપી શકે. નાનાભાઇની સ્મૃતિમાં શિક્ષણ સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો માટે પુનઃ સહચિંતન કરી નકકર પગલા ભરવાનો આ સમય છે.

દક્ષિણામૂર્તિ વિદ્યાધામના નિર્માણમાં એક એક ઇંટ નાનાભાઇના લોહી-પસીનાથી ભીંજાયેલી હતી. નાનાભાઇનું જે સ્વપ્ન હતું તેને વાસ્તવિક સ્વરૂપ આ સંસ્થા થકી મળ્યું હતું. એ બાબત આશ્રર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી છે કે નાનાભાઇ આ સંસ્થા પણ સાપ કાંચળી ઉતારે તેમ છોડે છે. શહેરના જીવનની સુવિધાઓ કે સંસ્થાના કારણે તેમને મળતા માન સન્માનની સહેજ પણ પરવા કર્યા સિવાય તેઓ અજાણ્યા તથા અપરિચિત ગામડામાં જઇને ગ્રામશાળાની ધૂણી ધખાવવાનો દૃઢ સંકલ્પ કરે છે. શ્રધ્ધા, સમતા તથા નિર્ણયમાં દૃઢતા એ નાનાભાઇના જીવનમાં તાણાંવાણાની જેમ ગૂંથાયેલા હતા. નાનાભાઇની શકિત નીડરતામાં તેમજ અનાસકિતમાં છે તેવુ શ્રી નારાયણ દેસાઇનું વિધાન યથાર્થ છે. જૂલાઇ-૧૯૩૮માં આંબલા ગામમાં ‘‘દક્ષિણામૂર્તિ ગ્રામશાળા’’ નો દિપક પ્રજવળી ઉઠયો. ગામડાની શાળાના‘‘મહેતાજી’’ નાનાભાઇએ ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુકત કેળવણીનો શંખ ફૂંકયો. કેટલાક સાથીઓ આ કપરા કામમાં ન જોડાયા એ ખરુ પરંતુ બીજી બાજુ દર્શક જેવા મહામાનવ નાનાભાઇના આ યજ્ઞકાર્યમાં આહૂતિ આપવા સ્વેચ્છાએ આવી પહોંચ્યા. કેળવણીની ક્રાંતિયાત્રામાં નાનાભાઇનો દક્ષિણામૂર્તિ ભાવનગર પછી આ બીજો મહત્વનો પડાવ હતો. માનવીના ઘરબાયેલા સત્યને ખીલવવાનો પ્રયાસ એ આ ઐતિહાસિક પડાવની પશ્ચાદભૂમાં જોઇ શકાય છે. ‘‘એકલો જાનેરે’’ ના કેન્દ્રીય વિચારને નાનાભાઇએ જીવી બતાવ્યો છે. આંબલામાં તૈયાર થયેલી અનેક ચીનગારીઓએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિનો પ્રકાશ ફેલાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. નાનાભાઇએ જીવનના મહત્વના વળાંકો ઉપર જે વ્યકિતગત રીતે કપરા તથા પ્રતિકૂળ પરંતુ સામૂહિક દ્રષ્ટિએ કલ્યાણમય નિર્ણયો દ્રઢતા અને સાહસથી કર્યા છે તે આજે પણ પ્રેરણા પૂરી પાડે તેવા છે. આપણા ઘડવૈયા આપણે થઇએ ત્યારે જ આ શક્ય બને છે. 

નાનાભાઇ સ્થાપિત ગ્રામ દક્ષિણામૂર્તિ પાવક જવાળાની ખ્યાતિ સમગ્ર દેશમાં થઇ. વિનોબાજી તથા કાકા સાહેબ જેવી હસ્તીઓએ સંસ્થાની મુલાકાત લઇ નાનાભાઇને બીરદાવ્યા. સાંપ્રતકાળમાં જયારે શિક્ષણને જીવન સાથે જોડવાની જરૂર વ્યાપક રીતે અનુભવાય છે ત્યારે નાનાભાઇના પ્રયાસો તરફ એક અભ્યાસુની દ્રષ્ટિએ જોવાની જરૂર છે.     

                                                                     વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૮/૧૨/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑