: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ : સૌજન્ય મૂર્તિ શંભુદાન અયાચી :

સમર્થ સાહિત્યકાર દુલેરાય કારાણી તથા સંસ્કારમૂર્તિ શંભુદાનજી અયાચીના ઉલ્લેખ સિવાય કચ્છના ભાતીગળ સાહિત્યની વાત પૂરી થઇ શકે નહિ. આ બન્ને મહાનુભાવો થકી ઉમદા સાહિત્યસેવા થઇ છે. કવિઓની સ્મૃતિ ચિરંજીવી હોય છે. અમૂર્ત હોય છે. ભર્તુહરી મહારાજે લખ્યું છે : 

જયન્તી તે સુકૃતિનો

રસસિધ્ધા: કવિશ્વરા:

નાસ્તી યેશાં યશ: કાયે

જરા મરણ જં ભયમ્ II

કવિઓ તૈયાર કરવાની એક સંસ્થા કચ્છમાં શરૂ કરવામાં આવી તે એક અદ્વિતીય ઐતિહાસિક ઘટના છે. કચ્છના રાજવી મહારાઓ લખપતજીની સાહિત્ય પ્રીતિ તેમજ દીર્ઘ દ્રષ્ટિ સિવાય આવી સંસ્થાનું નિર્માણ થઇ શક્યું ન હોત. શિક્ષણની એક ભવ્ય સંસ્થા કચ્છમાં દેશ આઝાદ થયો તેની બે સદી પહેલા શરૂ કરવામાં આવી તે એક ગૌરવયુક્ત ઘટના છે. નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠોની વાત મહત્વની હોવા છતાં દૂરના સમયની છે. વ્રજભાષા પાઠશાળા તરીકે ઓળખાતી તથા કચ્છની ખ્યાતિમાં વૃધ્ધિ કરતી આ સંસ્થા તો નજીકના ભૂતકાળની ઘટના છે. કચ્છના રાજવી મહારાઓ લખપતજીના પૂણ્યશ્લોક નામ સાથે જોડાયેલી આ સંસ્થાનો કડિબધ્ધ ઇતિહાસ જળવાયો છે તે આપણું સદ્દભાગ્ય છે. ડૉ. નિર્મલા આસનાનીએ રતુભાઇ રોહડિયા તેમજ વ્રજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય તથા સુપ્રસિધ્ધ કવિ શંભુદાનજી અયાચીના માર્ગદર્શનથી આ કાર્ય કરેલું છે. કવિ શ્રી નાનાલાલે આ શાળાને કચ્છ પ્રદેશના કીર્તિમુગટ તરીકે ગણાવી છે તે યથાર્થ છે. હમણાં સુધી આપણી વચ્ચે હતા તેવા આ ઐતિહાસિક શાળાના અંતિમ આચાર્ય કવિરાજ શ્રી શંભુદાનજીએ સુંદર શબ્દોમાં વ્રજભાષા પાઠશાળાનું મહત્વ પ્રગટ કરેલું છે.

ઇણ શાલા આશ્રયી

ગામ ગજપશા કમાયા

ઇણ શાલા આશ્રયી

બડા વૈભવ સુ કમાયા

ઇસ તરહ ઇણ શાલા તણો

સુજ્જસ જગ સંચર્યો

કવિ કથે આદિ કવિતા કરત

ભુજનાથ નામ ભલમણ ભયો.

આ શાળાનું શિક્ષણ સર્વાંગી હતું. કાવ્યશાસ્ત્ર ઉપરાંત સંગીત, જ્યોતિષ, નૃત્ય તેમજ અશ્વશાસ્ત્ર આદિ વિષયોનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. જ્ઞાની તથા સમર્પિત એવા જૈન આચાર્યો તેમજ વિદ્વાન ચારણ કવિઓ થકી આ સંસ્થાનું ઉચ્ચ ધોરણ જળવાયું હતું. 

કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા છે તે વ્રજભાષા પાઠશાળા માત્ર કચ્છનુંજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારે તેવી અનોખી શૈક્ષણિક સંસ્થા હતી. બસ્સો વર્ષ સુધી કવિઓ તૈયાર થાય તેવી કોઇ સંસ્થાગત વ્યવસ્થા એક રાજવી તથા તેના રાજ્યકવિની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપવામાં અને કાર્યરત રાખવામાં આવે તે ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે. કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક વિષયોનું શિક્ષણ આપતી આ પાઠશાળા જીવનના સર્વાંગી તથા સંસ્કારયુક્ત શિક્ષણની એક અદ્વિતિય વ્યવસ્થા હતી. આપણો દેશ સ્વતંત્ર થયો તે ગાળામાં આ સંસ્થા બંધ થઇ. જોકે આ સંસ્થાનું શિક્ષણ સદાકાળ સાંપ્રત ગણાય તેવું હતું. આથી આવી સંસ્થાનો સૂર્યાસ્ત થાય તે અનેક સાહિત્ય અને શાસ્ત્રોના ઉપાસકોને ઉચિત લાગ્યું નથી પરંતુ તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો. ખાસ તો જ્યારે શિક્ષણમાં એકંદર ગુણવત્તાના અભાવનો પ્રશ્ન જ્યારે આજે આપણને પજવે છે ત્યારે આ વ્રજભાષા પાઠશાળાની ઊંચી ગુણવત્તા ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. કચ્છના શિરમોર કવિ દુલેરાય કારાણી તથા ઇતિહાસવિદ્ રામસિંહજી રાઠોડના મતે ભૂજની વ્રજભાષા પાઠશાળાનું અનેક જીવન વિષયક તથા સાંપ્રત વિષયોમાં નોંધપાત્ર પ્રદાન છે.

કવિઓ જન્મ ધારણ કરે છે. કવિઓનું નિર્માણ થતું નથી. આ એક સ્થાપિત થયેલી અનુભવજન્મ માન્યતા છે. આ માન્યતાથી જુદી રીતે વ્રજભાષા પાઠશાળામાં અનેક કવિઓનું નિર્માણ બસ્સો વર્ષના તેના ઉજળા ઇતિહાસમાં થયું છે તે અહોભાવ પ્રેરક ઘટના છે. પશ્ચિમ ભારતમાં ખૂણે ખૂણે આ સંસ્થાની ખ્યાતિ પ્રસરેલી હતી. દૂર સુદૂરથી વિદ્યાપ્રાપ્તિ માટે સરસ્વતીના ઉપાસકો અહીં આવતા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન ભક્ત અને મોટા ગજાના કવિ બ્રહ્માનંદસ્વામી ભૂજની આ પાઠશાળામાંજ શિક્ષા દિક્ષા પામ્યા હતા. ખાણ- રાજસ્થાનથી લાડુદાનજી આટલે દૂર કચ્છમાં આવ્યા અને કાવ્યતત્વના પાઠ શીખ્યા તે દર્શાવે છે કે આ સંસ્થાના આકર્ષણથી અનેક પ્રદેશ – ભાષા કે પરંપરામાં જીવન ગાળતા મરમી લોકો માટે વિદ્યાના ધામ જેવી આ પાઠશાળા હશે. લાડુદાનજી સહજાનંદ સ્વામીના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદસ્વામી બન્યા અને એક તેજસ્વી તારકની જેમ આજે પણ તેમના કાવ્યો થકી જીવંત છે અને ઝળહળે છે.

સૌજન્યશીલ તથા સંસ્કારમૂર્તિ સમાન કવિ શંભુદાનજીનું વિશેષ સ્મરણ ડીસેમ્બર માસમાં આવતી તેમની પુણ્યતિથિને કારણે સ્વાભાવિક રીતે થાય છે. એક ભાતીગળ પરંપરાના તેઓ છેલ્લા પરંતુ ઉજળા મણકા સમાન હતા. પાઠશાળાના છેલ્લા આચાર્ય કવિરાજ શંભુદાનજીએ એક ઐતિહાસિક કાર્ય સંપન્ન કરેલું છે. શ્રી દુલેરાય કારાણીના મતે કેટલીક વિશિષ્ટ બાબતોનું ઉપયોગી તથા અર્થપૂર્ણ દસ્તાવેજીકરણ ‘કચ્છદર્શન’ના માધ્યમથી થયું છે. પ્રજ્ઞાસંપન્ન સાહિત્યકાર કારાણીના મત મુજબ નીચેની મહત્વની બાબતોનું સુયોગ્ય દર્શન શંભુદાનજીના ઇતિહાસ દર્શનમાં થઇ શકે છે : 

એક તો વર્ષો પહેલાની કચ્છી ભાષાના શબ્દપ્રયોગોનું અસરકારક રીતે આલેખન શંભુદાનજીના પુસ્તકમાં થયેલું છે. કચ્છના તહેવારો –ઉત્સવો કેવી રીતે ઉજવાતા હતા તે વાતનું કવિએ દર્શન કરાવ્યું છે. રાજવીઓના લગ્નપ્રસંગોનું વાસ્તવિક ચિત્રણ પણ રાજ્યકવિના આ ગ્રંથમાં થઇ શકે છે. કેટલાક રાજવીઓના જીવનપ્રસંગોનું પણ સુંદર આલેખન શંભુદાનજીએ કાળજીપૂર્વક કરેલું છે. કારાણી સાહેબે આ ઉપરાંત શંભુદાનજીના ઇતિહાસ આલેખનના કાર્યને બીરદાવતા લખ્યું છે : 

‘‘ આ બધા પ્રસંગો જો એમણે પ્રગટ ન કર્યા હોત તો એ બધી મહત્વની બાબતો કાળની ગર્તામાં ક્યાંક ઊંડી ઉતરી જાત અને દીવો લઇને શોધવા જતાં પણ તે હાથ આવત નહિ. ’’ 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૩/૧૨/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑