અમદાવાદ જિલ્લાના પાણીની અછત ભોગવતા ધંધુકા તાલુકાના નાના એવા ગામ રોજિદમાં જન્મ લઇને ભારત સરકારને મહત્વના નિર્ણયો કરવામાં ઉપયોગી બને તેવો અહેવાલ ભારત સરકારની વિનંતીથી તૈયાર કરીને આપે તેવી ભાતીગળ જીવનયાત્રા એ અશક્ય નહિ તો પણ અસાધારણ તો ગણાય જ. પ્રસિધ્ધ લેખક, સમર્થ કવિ, નીડર પત્રકાર તેમજ રંકનું આયોજન વિચારનાર મોટા ગજાના અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલી આપણા સુપ્રખ્યાત બૌધ્ધિકોમાં અનોખુ સ્થાન અને માન ધરાવે છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો અપાર સ્નેહ વાડીભાઇને મળ્યો. ભાલ નળકાંઠાના ગામડાઓ માટે જીવતરના અમી સિંચનાર મુની સંતલાલજીના સંસ્કારો પણ વાડીભાઇના જીવનમાં દેખાયા. જીવતરના પ્રારંભિક વર્ષોમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર વાડીભાઇએ હાડ થીજવી નાખે તેવી ગરીબીનો અનુભાવ કર્યો હતો. આ સ્થિતિનું તેમને સદાયે સ્મરણરહ્યું. ‘‘રંકનું આયોજન’’ લખનાર આ અર્થશાસ્ત્રી વંચિતોની વેદના તરફ સમભાવ-મમભાવ ધરાવતા હતા. કપરામાં કપરી અને પડકારરૂપ આર્થિક સ્થિતિનું નીરાકરણ તેમને વંચિતોના વિકાસમાં દેખાયા કરતો હતો. આ અર્થશાસ્ત્રી કદી વહેતા પ્રવાહમાં તણાયા નથી. વિકાસના કેન્દ્રમાં માનવીને જોવાની તેમની સતત ઝંખના રહી હતી. કોઇપણ દેશનું માનવબળ એ નાણાબળ કરતાં અનેકગણું સમૃધ્ધ સાધન છે તેમ તેઓ માનતા હતા. આથી જ મેનેજમેન્ટનો હેતુ માત્ર નફા માટેનો નહિ પરંતુ ગરીબી હળવી કરવાનો હોવો જોઇએ તેમ તેઓ માનતા અને કહેતા હતા. ગામડાની બેરોજગારી દૂર કરવા માટે ખેતી સાથે નાના નાના ગ્રામોદ્યોગનો વિકલ્પ તેમને અર્થપૂર્ણ લાગતો હતો. જળ, જમીન અને જંગલને તેઓએ અર્થતંત્રના કલ્પવૃક્ષ સમાન ગણાવ્યા છે. પંડિત સુખલાલજી તથા મોરારજી દેસાઇનો પૂર્ણ વિશ્વાસ તેઓ મેળવી શક્યા હતા જૈન તત્વજ્ઞાનનું અને જીવન જીવવાના ખમીરનું સિંચન વાડીભાઇના જાજવલ્યમાન માતાએ તેમનામાં કર્યું હતું. સી.એન.વિદ્યાવિહાર અમદાવાદના આ હોનહાર વિદ્યાર્થીએ જીવનભર વિદ્યાવિહાર કર્યો હતો. એક ક્રાંતિકારીને છાજે તેવા મીજાજથી ૧૯૪રના સ્વાતંત્રય સંગ્રામમાં પણ તેઓ જોડાયા હતા. પંડિત સુખલાલજીની પ્રેરણાથી વાડીલાલ ડગલી ૧૯૪૮માં અમેરિકા ગયા. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપારનો અભ્યાસ કર્યો. વિદેશ જતા પુત્રવત વાડીભાઇ પાસે સુખલાલજીએ બે સંકલ્પ કરાવ્યા: (૧) વિદેશમાં ભણી રહ્યા પછી સ્વદેશ પાછા આવીને દેશને ઉપયોગી કાર્યમાં પ્રવૃત્ત થવું. (ર) વિદેશોની ભાષમાંથી મેળવેલુ જ્ઞાન આપણી માતૃભાષા થકી આપણા લોકો સુધી પહોંચાડવું. આ સંકલ્પો જોયા પછી સમજાય છે કે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી કેટલા ર્દષ્ટિ સંપન્ન હશે! પંડિતજીના આશીર્વાદ મળ્યા પછી વિદેશ જવા માટે આર્થિક જવાબદારી સબંધે એક ગેરંટી આપવાની રહેતી હતી. આવી ગેરંટી ‘સૌરાષ્ટ્રના સિંહ’ સમાન ગણાતા જન્મભૂમિના તંત્રીશ્રી અમૃતલાલ શેઠે આપી હતી. અમેરિકામાં સ્વાશ્રયભર્યું જીવન જીવીને તેઓ પોતાના ખર્ચ જેટલી આવક મેળવી લેતા હતા.
વાડીભાઇ કવિ ઉપરાંત ગદ્યસ્વામી પણ હતા. ‘‘થોડા નોખા જીવ’’ નામના તેમના પુસ્તકમાં જે મોંઘામૂલા માનવીઓના જીવન વ્રતાંત તેમણે લખેલા છે તે રસપ્રદ અને આરપાર અસર કરે તેવા છે. ગુજરાતી ગદ્યના શહેનશાહ ગણી શકાય તેવા સ્વામી આનંદ વિશે વાડીભાઇ લખે છે : ‘‘સ્વામી આનંદ એટલે નરવા ઉદૃગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઇને આવે ત્યારે એવો નવો નકકોર લાગે કે અનાયાસે મનમાં આનંદ આનંદ થઇ જાય. (સ્વામીદાદા) મૂંગા બેઠા હોય તોય લાગે કે આ તે કયા મલકની માયા! બોલે ત્યારે લોક ડિકસનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. … કામ પતાવી વિદાય થાય પછી એ બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય એવો માનવી !’’ સ્વામીદાદાનું કેવુ અદૃભૂત છતાં વાસ્તવિક શબ્દચિત્ર !
અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલી વિદેશમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ભણ્યાં દુનિયાના ઘણાં દેશોનો પ્રવાસ કર્યો. આ બધી બાહ્ય સિધ્ધિઓ કે ઝાકળમાળ જોયાં છતા તેમનું હ્રદય સંપૂર્ણપણે મૂળ સાથે જોડાયેલું તેમજ રુજુતાથી ભરપુર હોય તેમ જણાય છે. સમાજમાં સ્નેહ તથા સંવાદીતાનો સુર વિલાય નહિ તે માટે તેઓ સતત ચિંતા સેવતા રહે છે. જૈન સંસ્કાર તથા પંડિત સુખલાલજી જેવા આચાર્યના વચનો તેમણે પોતાના વાણી તથા વર્તનમાં ઉતાર્યા છે. માનવીની બીન સંવેદનશીલતા તરફ અંગુલિનિર્દેશ કરતા તેઓ લખે છે:
‘‘ મારું માનવું છે કે આધુનિક સમાજનો અસાધ્યરોગ હ્રદયની કૃપણતા છે… આપણી આંખો જાત તથા કુટુંબ સિવાય બીજા કોઇને દેખી નથી શકતી… બાઇબલની ઉકિત પ્રમાણે જીવન રોટલાથી કંઇક વધુ છે. જીવનના રોટલાનું મોણ ઉષ્મા છે. આ મોણ વિનાબાગ બગીચા પણ રણ થઇ જાય.’’ પોતાની એક કાવ્ય પંકિતમાં પણ કવિ વાડીલાલ ડગલી અંતરની વ્યથા વ્યકત કરતા કહે છે:
કોને રે કહીએ વાલા
કોને રે કહીએ !
દલના દુકાળની વાતું
કોને રે કહીએ ?
પરિચય પુસ્તિકા (મુંબઇ)ના પ્રણેતા તરીકે વાડીભાઇને કદી વિસરી નહિ શકાય. વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ આ પ્રવૃત્તિના ઉંડા તથા મજબૂત પાયા નાખેલા છે. આ પ્રવૃત્તિ થકી વિવિધ વિષયોની પ્રાથમીક જાણકારી વિશાળ વાચકવર્ગને મળી છે. અનેક વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને આ પરિચય પુસ્તિકાઓએ જ્ઞાનની નવી નવી ક્ષિતિજોનું વિહંગાવલોકન કરાવેલું છે. આથી આજે પણ પરિચય પુસ્તિકાનુ નિયમિત વાચન કરનાર એક વર્ગ છે. આપણી માતૃભાષાના ગૌરવરૂપ આ પ્રવૃત્તિ જ ડગલી સાહેબનું ભાતીગળ સ્મારક છે. રાજકારણનો જીવ તેઓ ન હતા. આથી ૧૯૬૭માં સંસદની ચૂંટણી સુરેન્દ્રનગરથી લડ્યા ત્યારે પરાજિત થયા. તેઓ સંસદ કે ધારાસભામાં ગયા હોત તો રાષ્ટ્ર કે રાજયને એક જાગૃત અને ર્દષ્ટિસંપન્ન પ્રતિનિધિનું દર્શન થઇ શક્યું હોત. સાપ્તાહિક કોમર્સના તંત્રી તરીકે તેઓ ‘એડિટર્સ નોટબુક’ની કોલમથી પોતાના સ્વતંત્ર વિચારો નિર્ભયતાથી લખતા હતા. ૧૯૮પના ડિસેમ્બર માસમાં વાડીલાલ ડગલી માત્ર પ૯ વર્ષની વયે ચિર નિદ્રામાં પોઢી ગયા. ડિસેંબર મહીનામાં આ ગરવા ગુજરાતીની સ્મૃતિ તાજી કરીને તેને નમન કરવાનો સમય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૩૦/૧૧/૨૦૧૭.
Leave a comment