બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો પણ પ્રભાશંકરના કાર્યક્ષમ વહીવટથી પ્રસન્ન હતા. પરંતુ પાંચેય આંગળીઓ સરખી હોતી નથી. શ્રીમાન કીલી નામના એક બ્રિટીશ અધિકારી પટ્ટણી સાહેબ તથા ભાવનગર રાજ્યના વહીવટ વિરૂધ્ધમાં અહેવાલો તૈયાર કરતા અને મોકલતા. સર પટ્ટણીની ચોમેર ફેલાયેલી ખ્યાતિ કીલીને પસંદ ન હતી. તેજોદ્વેષનો આવો ભાવ ઘણાં લોકોમાં જોવા મળે છે. કીલી તેમાના એક હતા. સર પટ્ટણીને નીચાજોણું થાય તેવા તેમના પ્રયાસો રહેતા. જોકે તેમાં આ અમલદારને સફળતા ન મળતી અને તેથી તેઓ વિશેષ અજંપો અનુભવતા હતા. વહીવટની કપોળકલ્પીત ક્ષતિઓની ઘટનાઓ ટાંકીને તેઓ સર પટ્ટણીનો ખુલાસો માંગતા રહેતા હતા. આખરે કીલીએ એક પત્રમાં પ્રભાશંકરને આખરીનામુ આપ્યું. તેમાં તેમણે જણાવ્યું કે સર પટ્ટણી રાજ્ય તથા સરકારને વફાદાર નથી અને તેથી તેમણે રાજીનામુ આપવું જોઇએ અથવા જે ભૂલો પ્રભાશંકરે કરી છે તેની માફી માંગવી જોઇએ. પટ્ટણી સાહેબે વિલંબ સિવાય રાજ્યની નોકરીમાંથી રાજીનામું મોકલી આપ્યું. કોઇ ભૂલો થયેલી ન હતી અને તેથી તેનો ખુલાસો કરવાનો પ્રશ્ન રહેતો ન હતો. કીલી બરાબર જાણતા હતા કે સરકારમાં કદાચ તેઓ પ્રભાશંકરનું રાજીનામું મોકલે તો પણ તેનો સ્વીકાર થવો મુશ્કેલ હતું. સર પટ્ટણીનું નામ એક વિચક્ષણ વહીવટકર્તા તરીકે જાણીતું હતું. તે સમયના સર્વોચ્ચ અમલદાર વાઇસરોય પણ સર પટ્ટણીને જાણતા હતા તથા પ્રભાશંકરના કામથી પ્રભાવિત હતા. આથી શ્રીમાન કીલીની કોઇ કરામત કામ આવી શકે તેવી ન હતી. સંભવ એવો ગણાય છે કે કોઇ ઉચ્ચ બ્રિટીશ અમલદાર કીલીના સર પટ્ટણી તરફના વર્તાવથી નારાજ થતા કીલીએ પોતાની ગેરસમજ બદલ બદલ અફસોસ જાહેર કરવો પડ્યો. પ્રભાશંકરને આ બાબતમાં તેમણે પત્ર લખ્યો. ઉદારમના પટ્ટણી સાહેબે સહજ રીતેજ આ વાત વિસારી દીધી.
સમય તેજ ગતિથી બદલાય છે. બીજી ગોળમેજી પરિષદમાં પ્રભાશંકર લંડન જાય છે. એક સમયે પ્રભાશંકર લંડનની બજારમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમણે અંગ્રેજ અમલદાર કીલીને જોયા. સર પટ્ટણીની સૂચનાથી તેમના સચિવે કીલીના ઘરનું સરનામું મેળવ્યું. પટ્ટણી સાહેબે ડીનર માટે બોલાવ્યા છે તેમ સચિવે કીલીને જણાવ્યું. કીલીએ આનાકાની કરતા કહ્યું કે તેઓ નિવૃત્ત થઇ ગયા છે. સર પટ્ટણીના સચિવે શાલીનતાથી ઉત્તર વાળ્યો કે પટ્ટણી સાહેબનો સબંધ કોઇ પદ કે હોદ્દાની મુદત સાથે જોડાયેલો નથી. આથી તેમને ડીનર પર આવવા ભારપૂર્વક વિનંતી કરી. કીલી ડીનર માટે આવ્યા. પ્રભાશંકરે બારણા સુધી સામા જઇને માનપૂર્વક તેમનું સ્વાગત કર્યું. સ્નેહ તથા ઉષ્માપૂર્વક પ્રભાશંકરે કીલીને તેમના કુશળ અંતર પૂછ્યા તથા કૌટુંબિક સ્થિતિની પૂછપરછ કરી. કીલીએ થોડી ગ્લાની સાથે સ્પષ્ટતા કરી કે ઓછી આવકને કારણે પુત્રના અભ્યાસક્રમને કદાચ છોડાવવો પડે તેવી સ્થિતિ છે. સર પટ્ટણીએ સારી એવી રકમનો ચેક કીલીને તરતજ આપ્યો. કીલીની આંખમાં પાણી ભરાઇ આવ્યું. પ્રયત્ન કરીને આભાર પ્રગટ કરતા કહ્યું કે તમે નિવૃત્તિ પછી પણ મને જાળવશો તેવી કદી કલ્પના પણ કરી ન હતી. પછી વાત લંબાવતા કીલી કહે છે : ‘‘ મેં તમને અન્યાયી રીત રસમ અજમાવી પરેશાન કર્યા હતા તેનો અફસોસ થાય છે. ’’ કીલીની વાતનો પ્રત્યુત્તર વાળતા સર પટ્ટણી માત્ર એટલુંજ બોલ્યા : ‘‘ અફસોસ હ્રદયને શુધ્ધ કરે છે. બાકી તો આપ આપની ફરજ સમજી કામ કરતા હતા અને હું મારી સમજ પ્રમાણે વર્તન કરતો હતો. ’’ મકાનના દરવાજા સુધી કીલીને સન્માનપૂર્વક વળાવવા જઇને પાછા આવતા સર પ્રભાશંકર પટ્ટણી ગૌરવ તથા ઔદાર્યના મેરૂ શિખર સમાન દીસતા હતા. આવી પવિત્ર મનોવ્રત્તિ વાળા સર પટ્ટણીએ એક સ્વરચિત કાવ્યમાં નીચેના શબ્દો લખ્યા હતા જે તેમના વિચાર તથા વર્તનમાં પ્રગટ થતા હતા.
મારી આખી અવનિ પરની
જિંદગાની વિશે મેં,
રાખી હોય મુજ રિપુ પરે
દ્રષ્ટિ જે રીતની મેં,
તેવીયે જો મુજ ઉપર તુ
રાખશે શ્રીમુરારિ !
તોયે તારો અનૃણી થઇને
પાડ માનીશ ભારી.
ભાવનગરને સંસ્કારના સર્વોચ્ચ શિખર પર લઇ જનારા અનેક મહામાનવીઓ છે. આ ઉજ્વળ આકાશગંગામાં ગગા ઓઝા તથા સર પ્રભાશંકર પટ્ટણી જેવા ઉમદા ચરિત્રના વહીવટકર્તાઓનો સમાવેશ થાય છે. કૃષ્ણકુમારસિંહજી જેવા ફકીરી વૃત્તિ ધરાવનારા રાજપુરુષો તો ખરાજ. રાજવીઓ તથા વહીવટનો દોર સંભાળતા અધિકારીઓ થકી ભાવનગર રાજ્યની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી. આમ પણ ઇતિહાસ એ વાતની શાક્ષી પૂરે છે કે જ્યાં રાજવી તથા વહીવટદારો સંયુક્ત રીતે પ્રજા કલ્યાણના કાર્યોમાં રત હોય ત્યાં નમૂનેદાર શાસનકાળનું સર્જન થાય છે. અહીં આવીજ સ્થિતિ ધરાવતા વડોદરા રાજ્યનું સ્મરણ થાય છે. સરી ટી. માધવરાવે ગોપાલકમાંથી બાળ રાજવી બનેલા સયાજીરાવ (ત્રીજા)ની કેળવણી સંપૂર્ણ સુચારુ તથા આયોજનબધ્ધ કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડના વટવૃક્ષ જેવા ઘેઘુર તથા ભવ્ય વટવૃક્ષના મૂળમાં સર ટી. માધવરાવના ગંજાવર પ્રયાસોનો પસીનો પડેલો છે. દેશ આઝાદ થયો ત્યારબાદ પણ નવા રાષ્ટ્રની પ્રારંભિક અનેક કટોકટીની ક્ષણોએ એચ. એમ. પટેલ જેવા સ્થિરમતી વહીવટદારે તત્કાલિન પ્રધાનમંત્રી તથા ઉપ પ્રધામંત્રીને વહીવટની ઉચિત પધ્ધતિ તેમજ પ્રણાલી તરફ દોર્યા છે. જ્યાં વહીવટદારો સત્ય માર્ગ કે સન્માર્ગને ચૂક્યા છે ત્યાં તેના માઠા પરિણામો પણ પ્રજા તથા રાજવી બન્નેએ ભોગવ્યા છે. સર પટ્ટણીનો ઉપર ટાંકેલો પ્રસંગ મુકુન્દરાય પરાશર્યે લખ્યો છે. જે સર્વકાળે પ્રેરણાદાયક બની રહે તેવો છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૭/૧૧/૨૦૧૭.
Leave a comment