‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા મેલ ધોયા પછી, નિર્ભય થયા પછી અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. આમ થાય ત્યારે આ કાચી માટીના પિંડમાં ચિનગારીનો તણખો પડતાં પડતાં આત્મજ્યોત પ્રગટી ઊઠશે. ’’
ઉપરના શબ્દો કેશોદ (જૂનાગઢ જિલ્લો)ના અધ્યાપક ડૉ. નાથાલાલ ગોહિલની અનુભવસિધ્ધ કલમમાંથી ટપકેલા છે. જેણે અંતરની અનુભૂતિના મરમને સમજીને માણ્યો છે તેવા પ્રાધ્યાપક નાથાભાઇ ‘મળવું ગમે તેવા માણસ’ છે. ગુજરાતી સંત સાહિત્યના સંશોધન તથા સંપાદન ક્ષેત્રે જેમનું નોંધપાત્ર યોગદાન છે એવા નાથાભાઇએ એક અભ્યાસુ અધ્યાપકને છાજે તેવું કાર્ય કરેલું છે. અગમ દેશના પથિક નાથાલાલ ગોહિલ વિષે અનેક સુવિખ્યાત વિદ્વતજનોએ લખ્યું છે. આવા લેખોનું સંપાદન કરવાનું કાર્ય ડૉ. મનોજ રાવલ, ડૉ. રમેશ સાગઠિયા તેમજ ડૉ. જીવરાજ પારઘીએ મહેનત અને કાળજીથી કરેલું છે. (અગમ દેશનો પથિક : નાથાલાલ ગોહિલ) આ ત્રણે જ્ઞાન સમૃધ્ધ મિત્રો આ કાર્ય માટે આપણાં અભિનંદનના અધિકારી બને છે. નાથાભાઇની જ્ઞાન સમૃધ્ધિની ઝાંખી આ પુસ્તકના માધ્યમથી સારી રીતે થઇ શકે તેમ છે. મધ્યકાલિન સંત સાહિત્યનું કપરું છતાં આત્મ સંતોષ આપે તેવું કાર્ય નાથાભાઇએ ધૂણી ધખાવીને કરેલું છે. અધ્યાપકે સ્વાધ્યાયના કાર્યમાં કદી પ્રમાદ ન સેવવો જોઇએ તેવી ઉપનિષદનીસલાહ નાથાભાઇએ જીવનમાં ઉતારી છે.
આપણાં અનેક નામી – અનામી સંત-ભક્તજનો તરફ નજર કરીએ ત્યારે પ્રતિતિ થાય છે કે દેશની આ ઉજળી સંત પરંપરા અને તેના ધન્યનામ વાહકોએ સમાજની દોરવણી કરેલી છે. આ સંતોએ જાતિતથા સંપ્રદાયથી પર એવા પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે. આ સંતોની વાણી એ અનુભવસિધ્ધ હતી. સરળ હતી. આ ધારા ગંગોત્રીના પ્રવાહની જેમ સહજ તથા પ્રાકૃતિક હતી. સબદ અને સુરતાનો અનોખો સંગમ આ સંતોની ભજનવાણીમાં નજરે ચડે છે. સંતોની ‘સબદ’ ની પસંદગી ન્યારી-નિરાળી છે. કબીર સાહેબ કહે છે :
સબ્દ સબ્દ બહુ અંતરા
સાર સબ્દ ચિત્ત દેય
જા સબ્દૈ સાહેબ મિલૈ
સોઇ સબ્દ ગહિ લેય.
સબ્દ સબ્દ સબ કોઇ કહૈ
સબ્દ કે હાથ ન પાંવ
એક સબ્દ ઔષધિ કરે
એક સબ્દ કરે ઘાવ.
ભજનવાણીની આ ભાતીગળ પરંપરામાં ભાણ સાહેબ તથા રવિ સાહેબ એ સૂર્ય સમાન સદાકાળ પ્રકાશીત રહે તેવા પરોપજીવી સંતો છે. સ્વામી આનંદે જે શિલવાન સાધુઓની માર્મિક વાતો કરી છે તે તમામ ગુણ આ ભાણફોજના હાકેમોમાં નીરખી શકાય છે. આવા સંતોના દર્શનથી કે મીલનથી નરી પ્રસન્નતાનો ભાવ છલકી ઊઠે છે. રવિ સાહેબે તેની શાક્ષી પૂરી છે.
આનંદ ઘડી હેતે ભજવા હરિ
મારો સાયબો સોહાગી મળિયા આનંદ ઘડી.
સત્ સબદ મારા ગુરુએ સુણાયો
જોતાં રે જોતાં અમને વસ્તુ જડી..
કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે
અગમ આસન પર સુરતા ચડી..
મારો સાયબો સોહાગી મળિયા..
સંતોની સમગ્ર વાણી એ ચિત્તની પ્રસન્નતા આપનારી તથા અંદરના અજવાળાને ઝળહળા કરનાર છે. આપણી અંદરની ચેતના જો કાળના કપરા પ્રવાહમાં ઝાંખી પાંખી થઇ હોય તો તેને સંકોરીને પુન: પ્રકાશીત કરે તેવી શક્તિ આ વાણીમાં છે. મધ્યયુગના ઘણાં સંતોએ ચીલાચાલુ બાહ્ય આચરણ કરતા અંતરની ઉત્કટતાને વિશેષ મહત્વ આપેલું છે. દાસી જીવણની વાણીમાં પણ આવો શુધ્ધ સ્નેહયુક્ત ભક્તિ તથા શ્રધ્ધાનો ભાવ છે.
શીદને કરું હું એકાદશી
શીદ ત્રીજે ટંક ખાઉં
નાથ મારાના નેણલાં નીરખી
પ્રિતનું ભોજન પાઉં.
દાસી જીવણ સંત ભીમના ચરણે
હું તો હેતે હરિ ગુણ ગાઉં.
આપણો એ સામાન્ય અનુભવ રહેલો છે કે બાહ્ય આચારોતેમજ ક્રિયાકાંડ પ્રાધાન્યને કારણે કેટલીક વખત ધર્મનું મૂળ તત્વ ઝાંખું પડે છે. ધીમે ધીમે કેટલાક ક્રિયાકાંડ અમુક સંપ્રદાયના પ્રમુખ ચિન્હો સમાન બની જાય છે. ક્રિયાકાંડનું મહત્વ સ્વીકારીએ તો પણ અંતે તો ધર્મના મૂળ તત્વ તરફની ગતિજ માનવીને ઉર્ધ્વગતિનો અનુભવ કરાવે છે. કબીર સહિતના આપણાં મધ્યયુગના સંતો ભક્ત હોવા ઉપરાંત સામાજિક સુધારણાના પ્રણેતા હતા. આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ ચીલો ચાતરીને ચાલ્યા તેમજ બ્રિટીશ સત્તાને વીરતાપૂર્ણ પડકાર કર્યો. આજ રીતે આપણાં આ સંતો પણ ક્રાંતિકારીઓ હતા. સમાજમાં જ્યાં ધર્મના નામે પાખંડ કે અંધશ્રધ્ધાના તેમને દર્શન થયા ત્યાંજ તેમણે આવી બાબતોને પડકારી. અન્યાયી સામાજિક નિયંત્રણો કે રૂઢિઓને આ સંતોએ કદી પણ સ્વીકાર્યા નથી. આવી બાબતોને આ વીર સંતોએ હાક મારીને પડકારી છે. નરસિંહનો પણ આવોજ મીજાજ પ્રગટ થયેલો જોવા મળે છે.
એવા રે અમે એવા
તમે કહો તો વળી તેવા
ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા.
સંત સાહિત્યની અવિરત આરાધના કરી તેનું રસપાન કરાવનારા કેટલાક નામી સર્જક – સંપાદકોમાં નાથાભાઇનું સ્થાન મહત્વનું છે. તેમના કાળજીપૂર્વકના તથા હેતુલક્ષી આયોજનના કારણે સંત સાહિત્યનો વિશાળ રસથાળ આપણાં સુધી પહોંચ્યો છે. સંતવાણીની આ સમગ્ર વાત ગંગાસતીના ઉલ્લેખ સિવાય અધૂરી રહે છે. ગંગાસતીએ પાનબાઇને સંબોધીને જે ક્ષણને સાર્થક કરી લેવાની વાત કહી છે તે આપણે સૌએ હૈયે ધરવા જેવી તથા આચરણમાં મૂકવા જેવી છે.
વીજળીને ચમકારે મોતી પરોવવું
પાનબાઇ ! અચાનક અંધારા થાશે.
જોત જોતામાં દિવસો વહી ગયા
પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે.
ભાઇ રે ! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ
પાનબાઇ ! તેનો દેખાડું તમને દેશ
ગંગાસતી એમ બોલીયાં રે
ત્યાં નહિ માયા જરીએ લેશ.
વીજળીને ચમકારે મોતી પરોવવું…
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૩/૧૧/૨૦૧૭.
Leave a comment