આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું સાહસ કરે તો એ જવલ્લેજ બનતી ઘટના ગણાય. આવું વીર કાર્ય કરનાર ક્રાંતિવીર જોરાવરસિંહજી ઠાકુર કેશરીસિંહજીના નાના ભાઇ હતા. બોંબ ફેંકવાનું આ દુષ્કર કાર્ય તેમણે દિલ્હીમાં ધોળે દિવસે કર્યું અને લોખંડી બંદોબસ્તને થાપ આપી ફરાર થઇ ગયા ! મુક્તિના આ ઉપાસક આજીવન મુક્ત રહ્યા. જગદંબા માતા કરણીજીના ખોળામાં જ્યારે તેઓએ છેલ્લા શ્વાસ લીધા (૧૭ ઓક્ટોબર-૧૯૩૯) ત્યારે પણ તેઓ મુક્ત હતા. બ્રિટીશ સરકારનું વોરંટ અને બ્રિટીશ પોલીસના ૨૭ વર્ષના સખત પ્રયાસો નિષ્ફળ પૂરવાર થયા હતા. ઠાકુર કેશરીસિંહ અને ઠાકુર જોરાવરસિંહ એ બન્ને ભાઇઓ પ્રતાપી પિતા કૃષ્ણસિંહજીના હોનહાર સંતાનો હતા. કૃષ્ણસિંહજી બહુશ્રુત વિદ્વાન અને વીર હતા. સમર્થ ઇતિહાસકાર હતા. મહર્ષિ દયાનંદના પ્રતાપી શિષ્ય હતા. પોતાના ઇતિહાસ લેખનના પ્રારંભે કૃષ્ણસિંહજી જે લખે છે તે યાદગાર તથા ઐતિહાસિક છે. કૃષ્ણસિંહજી લખે છે :
‘‘ મૈં (બારહઠ્ઠ કૃષ્ણસિંહજી) શપથ-પૂર્વક નિયમ કરતા ર્હૂં કિ ઇર્ષા, દ્વેષ, અસૂયા, લોભ, ક્રોધ, ભય પ્રીતિ આદિ કારણોંસે મિથ્યા લેખ કદાપી નહિ લિખૂંગા ’’
ઇતિહાસ લેખનમાં પણ આટલી નિષ્ઠા ધરાવનાર આ સમર્થ વિદ્વત જનના ઘેર ઠાકુર કેશરીસિંહજીનો જન્મ ૨૧ નવેમ્બર-૧૮૭૨ માં થયો હતો. નવેમ્બર માસમાં દેશસેવામાં જીવતરનું તથા કુટુંબીજનોના મોંઘા બલિદાન અર્પણ કરનાર કેશરીસિંહજીનું વિશેષ સ્મરણ થવું સ્વાભાવિક છે. હિન્દી ભાષાના આપણાં રાષ્ટ્ર કવિ ગણાતા રામધારીસિંહજી ‘‘ દિનકર ’’ તેમની કોટા- રાજસ્થાનની મુલાકાત દરમિયાન કેશરીસિંહજીને યાદ કરી (૧૯૬૯) ભાવુક થયા હતા. પછી તેમણે કહ્યું કે કેશરીસિંહજીની રચનાઓને પ્રકાશમાં લાવવી તેજ તેમનું ખરું શ્રાધ્ધ કર્યું ગણાય. ફતેસિંહ માનવે આ વાત તેમના કેશરીસિંહજીના પુસ્તકમાં આલેખી છે. ઠાકુર સાહેબ ક્રાંત દ્રષ્ટા કવિ હતા. તેમના શબ્દોની ચેતના પ્રાણવાન હતી.
વિપદા ઇન સિર પર ઘુટે,
ઉઠે સકલ આધાર,
ગ્રામ ધામ સબ હી લૂટે
બિછૂટે પ્રિય પરિવાર.
રામચરિત સિખવત યહી,
હૈ સમર્થ વિધિ હાત,
દિન દેખ્યો દેખી નિશા,
પુનરપિ ભયો પ્રભાત.
કેટલીક જગ્યાએ કેશરીસિંહજીએ થોડા શબ્દોમાં ઘણું કહીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. એક દોહામાં લખે છે :
ભારત કે સિર શ્યામ થે,
વહ યૌવન સુખદાય,
રામ રાજ્ય બુઢિયા ગયા
ચઢી સફેદી આય.
કવિ કહે છે કે માનવીના મસ્તક ઉપર શ્યામ વર્ણ (કાળા વાળ) છે તે યૌવનનો સુખદ્ સમય છે. આ વાત આપણાં દેશને પણ લાગુ પડે છે. ભારતીયો (કૃષ્ણવર્ણ) નું રાજ્ય સુખદ્ હતું. પરંતુ હવે આ સ્વદેશી રાજ્યને વ્રધ્ધત્વ આવ્યું છે અને સફેદ રંગ ધરાવનાર ગોરા લોકો – White Ruce – નું આધિપત્ય છવાઇ ગયું છે. જીવનના સૌથી કપરા સંજોગોમાં ધીરજ ધારણ કરનારા આ કવિ પોતાના અર્ધાંગનાનું મૃત્યુ સમયે અકળાઇ જાય છે. તેમના પ્રાણવંત શબ્દોમાં વેદના ટપકે છે :
ઘાવ દુ:ખ કે સહ લિએ
કુછ ધીર ર્હૂં અભિમાન થા,
કિન્તુ સચ આધાર મેં
પ્રાણેશ્વરી કા પ્રાણ થા !
ઉસ ‘મણી’ બિન હો ગઇ
અંધાર-મય સારી મહી,
પતિત – પાવન દીનબંધો !
શરણ ઇક તેરી ગહી !!
રાજસ્થાનના અનેક લોકો તથા વીર ક્રાંતકારીઓ ઠાકુર સાહેબની નીચેની પંક્તિઓ ગણગણાવતા રહેતા હતા. માતૃભૂમિની સ્વતંત્રતા એજ એમનું લક્ષ હતું :
પ્રધાન માનવીય સત્ય હૈ સ્વતંત્રતા અહા !
વરેણ્ય ધર્મ કર્મ મર્મ મંત્ર હી યહી રહા !
મહાન પ્રાણપ્રાણ વારિ કે તુમ્હે હી ખોજતે
નમામી વિશ્વ – વંદનીય અંત મા ! સ્વતંત્રતે ! \\
સ્વાતંત્રય સંગ્રામની વેદી પર અનેક વીરોના ઉજવળ બલિદાનો દેવામાં આવ્યા તેમાં રાજસ્થાનના આ ચારણ કવિ કેશરીસિંહજીનું ચરિત્ર અગ્રસ્થાને ઝળહળે છે. આ વીર કુટુંબની ગાથા સિવાય રાજસ્થાનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂર્ણ ઇતિહાસ આલેખી શકાય તેમ નથી. કેશરીસિંહજી ઉચ્ચ કોટીના વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી તેમજ સમાજ સુધારક હતા. તેમની બહુમુખી પ્રતિભા હતી. દેશના અગ્રણી ક્રાંતિકારીઓ જેવા કે શામજી કૃષ્ણવર્મા, રાસબીહારી બોઝ, લાલા હરદયાલ વગેરે સાથે તેમનો જીવંત સંપર્ક હતો. કવિરાજના પિતા કૃષ્ણસિંહ બારહઠ્ઠ મહર્ષિ દયાનંદના પટ્ટશીષ્ય હતા. સ્વાધીનતા અને બલિદાનના કઠીન સંસ્કાર પિતા તરફથી કેસરીસિંહજીને મળેલા છે. કેશરીસિંહજીની શિક્ષા પર વિશેષ ધ્યાન પિતા તથા તેમના મામાએ આપેલું છે. ઠાકુર કેસરીસિંહજી સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી, બંગાળી, હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાઓનું અધ્યયન કરે છે. વારસામાં મળેલા સંસ્કારોના વિશાળ અનુભવથી સમજણ અને જ્ઞાનના અનેક શિખરો તેમણે સર કરેલા છે. મેવાડ રાજયની રાજકીય સેવામાં ઠાકુર સાહેબે હંમેશા ન્યાય તથા રાજયના ઉજળા ઇતિહાસનું ગૌરવ જળવાઇ રહે તેવા પ્રયાસો કરેલા છે. પંડિત શામજી કૃષ્ણવર્મા જેવા વિચક્ષણ ક્રાંતિકારીની સેવાઓ મેવાડને મળે તે વિચારને વાસ્તવિકતામાં બદલવા પાછળ ઠાકુર સાહેબની દીર્ધદૃષ્ટિ હતી. પરંતુ આ બધી હરકતોથી તેઓ અંગ્રેજ અધિકારીઓની આંખમાં કણાની જેમ હંમેશા ખટકતા રહેતા હતા.
કેશરીસિંહજીએ પોતાના પુત્ર કુંવર પ્રતાપસિંહ તથા જમાઇને પણ સ્વાધિનતાની લડતમાં જોડ્યા હતા. કુંવર પ્રતાપસિંહનું બરેલીની જેલમાં અકાળ અવસાન થયું તેની કેટલી વેદના આ પ્રેમાળ પિતાએ અનુભવી હશે તેનું નિરૂપણ કરવા માટે શબ્દો ઓછા પડે છે. બરેલીની જેલમાં તાજેતરમાં રાજ્ય સરકારે કુંવર પ્રતાપના પૂતળાનું સ્થાપન કરીને લોકોનો આદર વ્યક્ત કરવાનો નોંધપાત્ર પ્રયાસ થયો છે. ઠાકુર કેશરીસિંહજી કાળના કપરા પ્રવાહમાં વિસ્મૃત ન થાય તેવું ભવ્ય ચરિત્ર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૬/૧૧/૨૦૧૭.
Leave a comment