: ક્ષણના ચણીબોર : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર : 

જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યું તેની સ્મૃતિ રતુભાઇએ લખી છે તે ફરી ફરી યાદ કરવી ગમે તેવી છે. પરિષદના અધિવેશન માટે રચાયેલી સ્વાગત સમિતિના રતુભાઇ અધ્યક્ષ હતા. કવિ સુન્દરમના અધ્યક્ષસ્થાને પરિષદ મળી. રતુભાઇની આગેવાની હેઠળ સાહિત્ય તથા ઇતિહાસપ્રેમી જૂનાગઢના નગરજનોએ પરિષદના અધિવેશનની ભાતીગળ વ્યવસ્થા કરી હતી. રતુભાઇ લોકસાહિત્યના પ્રેમી હતા તે જાણીતી વાત છે. આથી પરિષદના કાર્યક્રમના દિવસો દરમિયાન એક દિવસ રાત્રે લોકસાહિત્યકારોનો ડાયરો પરિષદના સભ્યો તેમજ નગરજનો માટે યોજવાનો તેમને વિચાર આવ્યો. રતુભાઇ જાણતા હતા કે જયમલ્લભાઇની મદદથી આ કામ સરળ અને  અસરકારક થઇ શકે. તેમણે જયમલ્લભાઇને આ બાબતમાં વિનંતી કરી. જયમલ્લભાઇને કેટલાક તે સમયના કારણોસર લોકસાહિત્યકારોનો ડાયરો સાહિત્ય પરિષદના અધિવેશન દરમિયાન કરવાનો બહુ ઉત્સાહ ન હતો. પરંતુ પરમ મિત્ર રતુભાઇના આગ્રહને અવગણવાનું પણ મુશ્કેલ હતું. આથી તેઓ સંમત થયા. લોકસાહિતયકારોનો ડાયરો છે એ વાત જૂનાગઢમાં ફેલાતાજ નગરજનોની વિશાળ સંખ્યા સભાસ્થળે એકઠી થઇ હતી. મહેમાન સાહિત્યકારો તો ખરાજ. વિશાળ જનસમૂહ પાસે જયમલ્લભાઇએ લોકસાહિત્યની સાર્વત્રિકતા વિષે વાત કરીને ભૂમિકા બાંધી. લોકો તો અનેક નામી અનામી લોકકલા મર્મજ્ઞોને સાંભળવા અને વધાવવા માટે ઉત્સુક હતા. એક પછી એક કલાકારોએ દૂહા – છંદ – લોકવાર્તાથી જાણે કે હવા બાંધી લીધી. રતુભાઇ – જયમલ્લભાઇની ઝીણી નજર આ પ્રચંડ લોકપ્રતિસાદ જોઇ અને અનુભવી શકતી હતી. જે સાહિત્ય પ્રત્યે આ બન્ને મર્મજ્ઞ જનોને આદર તથા શ્રધ્ધા હતા તેના ધવલ શિખરોનું દર્શન આજે નાગરિકો ઉપરાંત કવિ સુંદરમ્ અને કવિ ઉમાશંકર જેવા કવિશ્રેષ્ઠો પણ કરીને પ્રસન્નતાના ભાવ વ્યક્ત કરતા હતા તે આ બન્ને મિત્રો માટે ગૌરવની વાત હતી. છેલ્લે મેરૂભાબાપુની રજૂઆતે તો સમગ્ર કાર્યક્રમ પર સુવર્ણ શિખર ચડાવ્યું. મેરૂભાના પડછંદ શબ્દોનો પડઘો ગિરનારમાં ઝીલાયો. શ્રોતાઓને તો ધન્યતાનો અનુભવ થયો પરંતુ સાહિત્યકારોને પણ લોકસાહિત્યની આ વ્યાપક લોકપ્રિયતા અને સદાકાળ પ્રાસંગિકતાનું નજરોનજર દર્શન થયું. આવા સફળ આયોજન પાછળ જયમલ્લ પરમારની પારખું દ્રષ્ટિ હતી તે સ્વાભાવિક છે. રતુભાઇ અદાણી લખે છે કે લોકસાહિત્યના સંશોધન – વિવેચન – વિકાસ તથા પ્રસારમાં જયમલ્લભાઇનો ફાળો એ સાહિત્યના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ છે. ભગતબાપુ પણ ભાવથી જયમલ્લભાઇ માટે લખે છે : 

જેમલ બીજી જોડ, નજરૂં નાખ્યે નો મળી,

સવસાચી સરમોડ, છોરૂ તું સોરઠ તણું.

આઝાદીના સંગ્રામમાં પણ ગાંધી ચીંધ્યા માર્ગે લોકોને જોડીને લડત ચલાવવામાં જયમલ્લભાઇનો મોટો ફાળો છે. એ સમયમાં જે લોક ચેતના પ્રગટી હતી તે અસાધારણ હતી. તેમણે તે કાળના જનજીવનની ચેતના વિશે લખતા સુંદર વાત કરી છે કે ગામડાના લોકો પણ બ્રિટીશ સત્તાધિશોથી ભયમુક્ત થઇને ગાંધીના સૈનિકોનું ભાવથી સ્વાગત કરતા. ખાદીના વસ્ત્રો ધારણ કરનારા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરનારા આ લોકસેવકો પ્રત્યે લોકો આદરથી – અહોભાવથી જોતા તથા તેમને ‘ગાંધીના માણસો’ તરીકે પ્રેમથી પોંખતા હતા. તેમનું સન્માન કરતા હતા. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતના સમયે અનેક આગેવાનો રાણપુર આવતા અને મહાસંગ્રામનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે તેના પ્રયાસો કરતા રહેતા હતા. નેતાઓનો ઉતારો મોટાભાગે ‘ફૂલછાબ’ માં રહેતો. ‘‘સૌરાષ્ટ્ર’’ તથા ત્યારપછી ‘‘ફૂલછાબ’’ તે સમયે રાણપુરથી પ્રકાશિત થતા હતા. રાણપુરમાં પત્રકારત્વના જે ધોરણો ‘સૌરાષ્ટ્રના સિંહ’ કહેવાતા અમૃતલાલ શેઠ તથા ઝવેરચંદ મેઘાણી દ્વારા સ્થાપવામાં આવ્યા તે પત્રકારત્વના ઇતિહાસનું એક ઉજળું સોપાન છે. મેઘાણીભાઇના આગ્રહથી જયમલ્લભાઇ તથા નિરંજન વર્મા સૌરાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓએ ‘‘ફૂલછાબ’’ માં પણ અનન્ય યોગદાન પૂરું પાડ્યું હતું. અમૃતલાલ શેઠ, મેઘાણીભાઇ તથા જયમલ્લભાઇની ત્રિપુટી આ લડતમાં મહત્વના સ્થાને હતા અને સતત સક્રિય રહેતા હતા. એ દિવસોમાં જનજાગૃત્તિ માટે નીકળતી પ્રભાત ફેરીઓમાં નિરંજન વર્મા (નાનભા બારહઠ્ઠ) તેમજ જયમલ્લ પરમારના કંઠે ગવાતા ગીતો સાંભળવાનું એક મોટું આકર્ષણ લોકોમાં રહેતું હતું. યુવાન વર્ગમાં પણ તેમની વાત કહેવાની શૈલીને કારણે જયમલ્લભાઇ ખૂબ લોકપ્રિય હતા. એકયાશી વર્ષની અર્થપૂર્ણ રીતે જીવાયેલી જિંદગીમાં તેમણે અનેક બધા કામો હાથ પર લીધા અને તેમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું ! શ્રી પલાણ સાહેબ લખે છે તેમ મેઘાણીભાઇને જયમલ્લ પરમાર – નિરંજન વર્મા જેવા થનગનતા વછેરાની જરૂર હતી અને નિરંજન – જયમલ્લને ધગધગતો સર્જક ખપતો હતો. આ રીતે આ લોકોનું મિલન એ એક સુખદ સુયોગ હતો. નિરંજન વર્માનું મૂળ નામ – નાનભા બારહઠ્ઠ. જયમલ્લભાઇ, ઇશ્વરભાઇ દવે તથા નિરંજન વર્મા – ત્રણેની મૈત્રી આદર્શ મૈત્રી સંબંધોના અનોખા ઉદાહરણ સ્વરૂપ હતી. ત્રણે મિત્રો શક્તિશાળી હતા તેમજ જીવનભર એકબીજા સાથે મીઠા સંબંધોના તાંતણે બંધાયેલાં રહ્યાં. 

ઉર્મિ નવરચનાના અંકો લોકસાહિત્યના સંદર્ભ ઉપરાંત સાહિત્યીક પત્રકારત્વના સંદર્ભે પણ ઘણાં મહત્વના ગણી શકાય તેવા છે. જયમલ્લભાઇએ આજીવન ધૂણી ધખાવીને જે સાહિત્ય સાધના કરી છે તે અહોભાવ જન્માવે તેવી બાબત છે. નવેમ્બરમાં જયમલ્લભાઇની જન્મજયંતિ આવે છે તેથી તેમનું વિશેષ સ્મરણ થાય છે. વસુબેન ભટ્ટ તેમને ‘સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક એલચી’ કહેતા તે ખૂબજ યર્થાથ છે. કુન્દનિકા કાપડિયા જયમલ્લભાઇને ‘‘ નિર્ભીક તથા સૌંદર્યાનુરાગી ’’ કલમના સર્જક ગણાવે છે. કવિ શ્રી નારણદાનજી બાલિયાએ પોતાના સુંદર શબ્દોમાં જયમલ્લભાઇને ભાવાંજલિ આપી છે. 

જયમલ્લ પામી જગતમાં

આદરમાન અભૂત

કીર્તિ કરી ગયો કાયમી

શારદ કેરો સપૂત.

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

તા.૦૧/૧૧/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑