જાણકારોના મતે અવધાન શકિત એટલે એકજ સમયે અનેક કાર્યો ભૂલ વગર યાદ રાખવા અને ફરી તેજ રીતે અને તેજ ક્રમમાં યાદ કરવાની શકિત. તીવ્ર સ્મરણ શકિતની આ અસાધારણ નીશાની છે. એ સમયમાં શ્રીમદ્દ રાજચન્દ્રના સમકાલીન બે અષ્ટાવધાની લોકો હતા-તેમ નોંધાયું છે. પરંતુ શ્રીમદ્દ આ બાબતમાં તેમના સમકાલિનોથી ઘણાં આગળ હતા. અષ્ટાવધાન નહિં પરંતુ શ્રીમદ્દે તો શતાવધાનનો પ્રયોગ તથા નિદર્શન કર્યા હતા. મુંબઇમાં લોકો આ પ્રયોગોથી ભારે પ્રભાવિત થયા હતા. આ શકિત અસાધારણ હતી છતા પણ શ્રીમદ્દના આભથી ઉંચા વ્યકિતત્વનો આ એક નાનો ભાગ હતો તેમ તેમનું ચરિત્ર જોતા જણાય છે. જેમનીસર્વ પ્રકારની એષણાઓ નાશ પામી હોય તેમને પ્રસિધ્ધિની એષણા કયાંથી રહે? આથી આવા પ્રભાવ પાથરી શકે તેવા વધારે પ્રયોગો કરવાને બદલે શ્રીમદ્દે માનવ માત્રના કલ્યાણ માટે વિચાર કર્યો. તે માટે શરીરને સૂકવી નાખે તેવું ભારે તપ કર્યુ. આ કારણથી સમાજને શ્રીમદ્દ રાજચન્દ્રના વિચારોના અમૃતબીંદુ મળ્યાં. શ્રીમદ્દનું સમગ્ર દર્શન કોઇપણ સામાન્ય માણસને પણ જીવન જીવવાના સાચા માર્ગ તરફ વાળે તેવું છે. લોકોના આગ્રહ છતાં બાહ્ય શકિતઓ અને સિધ્ધિઓ તો અધ્યાત્મ સાધનામાં બાધારૂપ બની શકે એ વાત શ્રીમદ્દ બરાબર સમજતા હતા. આ બાબતમાં શ્રીમદ્દના પોતાના શબ્દો તરફ ધ્યાન આપીએ તો શ્રીમદ્દની પ્રજ્ઞાનું દર્શન થાય છે. શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું:
‘‘ ચમત્કાર બતાવી યોગ સિધ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી એ છે કે સર્વ પ્રકારે સ્પૃહારહિત થઇને સત્યમાં અનન્ય નિષ્ઠા રાખી સર્વ પ્રકારે સત્ આચરે છે. આવા યોગી જેને જગત વિસ્મૃત થયું છે અમે એ જ ઇચ્છીએ છીએ.’’ આ રીતે ઉત્તમ વિચારશકિત તથા તેને અનુરૂપ ઉજવળ જીવન એ શ્રીમદ્દના પવિત્ર જીવનના અભિન્ન અંગ છે. મહાત્મા ગાંધી જેવા વૈષ્ણવજન શ્રીમદ્દના સંસર્ગમાં આવ્યા તથા તેમનાથી પ્રભાવિત થયા તે હકીકત સૂચક છે. હીરામોતીના આ ઝવેરીએ આત્મદર્શન અને મુમુક્ષુવૃત્તિનો સદા કલ્યાણકારી માર્ગ જગતને બતાવ્યો છે. માત્ર ઓછા કે વધતા શિક્ષણથી જીવનનું ગુણાત્મક પરિવર્તન આવી શકતું નથી. આ રીતે જોઇએ તો દુનિયાની ર્દષ્ટિએ અલ્પશિક્ષિત પરંતુ વાસ્તવિક જીવનમાં બહુશ્રુત એવા શ્રીમદ્દ લંડન જઇને બેરિસ્ટર થઇ આવેલા ગાંધીના માર્ગદર્શક બની શકયા. મહર્ષિ અરવિંદ કે સ્વામી વિવેકાનંદની જેમ પ્રબળ ચિંતન અને ઉમદા જીવન થકી શ્રીમદ્દ સમાજને ઉન્નતિની દિશા તરફ દોરી શકયા. જેના દર્શનના ઉંડાણ તથા તેની સાર્વત્રિકતા સહજ તથા સરળ રીતે શ્રીમદ્દના લખાણો કે પદોમાં પ્રગટ થયા. દેવ દિવાળીના પાવન પર્વ ઉપર શ્રીમદ્દ રાજચન્દ્રની જન્મજયંતિ હોવાથી તેમનું વિશેષ સ્મરણ થાય છે.
શ્રીમદ્ રાજચન્દ્ર જેવા યુગપુરુષો ક્રાંતદ્રષ્ટા હોય છે. સર્વ ધર્મોનો સમન્વય તથા સર્વ ધર્મોનું સારતત્વ તેમના વચનોમાંથી સતત પ્રગટ થતું રહે છે. ‘‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતેતો હેમનું હેમ હોયે’’ જ્ઞાનના નીચોડરૂપે ટપકતી આવી નરસિંહ વાણી શ્રીમદના પદોમાંથી પણ પ્રગટી છે. પરંતુ આ માત્ર લખવાની વાત નથી. આ વાતનીજ પૂર્તિ કરાવે તથા અનુભૂતિને દૃઢ કરે તેવા કિસ્સાઓ તેમના રોજબરોજના જીવનમાં જોવા મળે છે. અલગ પંથ કે સંપ્રદાયના લોકોને પણ સરખાજ સ્નેહ – સન્માનથી શ્રીમદે્ જોયા છે અને તેમને પણ ધર્મ વચનોનો લાભ કરાવ્યો છે. આથી શ્રીમદનું જીવન કોઇ ખંડોમાં વહેંચાયેલું નથી પરંતુ સર્વગ્રાહી –સર્વાશ્લેષી અભિગમ થકી તેઓ જીવ્યા છે. જન જન સુધી તેમના પદોની વાણી મારફત પહોંચ્યા છે.
ભિન્ન ભિન્ન મત દેખીએ
ભેદ દ્રષ્ટિનો એહ,
એક તત્વના મૂળમાં,
વ્યાપ્યા માનો તેહ.
શ્રીમદના સમગ્ર જીવન તથા વ્યવહારમાં પારાવાર કરુણતા તથા જરૂરિયાત હોય તેવા લોકોને ઉપયોગી થવાની તીવ્ર વૃત્તિ હતા. શ્રીમદના જીવનકાળ દરમિયાનજ (વિ.સં.૧૯૫૫) તેમણે કેટલાક પ્રદેશમાં અછત તથા દુષ્કાળની સ્થિતિ જોઇ ત્યારે તેમના ચિત્તમાં પરાવાર વ્યથા ઉત્પન્ન થઇ છે. મુંગા પશુઓને આ ભયાનક સ્થિતિમાંથી રાહત આપવા માટે ઘાસ તથા કપાસિયાની સુરેખ વ્યવસ્થા કરવાનું તેઓ આયોજન કરાવે છે. પોતાની અંગત મૂડી પણ સર્વપ્રથમ તે કામ માટે ઉપયોગમાં લઇને કામને વેગ આપે છે. મહાજન પરંપરાને મજબૂત બનાવવામાં આ પ્રયાસો મહત્વના પુરવાર થયા છે. ગુજરાતમાં વિકાસ પામેલી મહાજન પરંપરાનું આ એક ઉજળું ઉદાહરણ છે. સમાજના શ્રેષ્ઠીઓની જરૂરિયાતવાળા લોકો તરફની સંવેદનશીલતા એ આવી પ્રવૃત્તિ પાછળનું ચાલક બળ છે. સંવેદનશીલતાના ઉજળા ઉદાહરણ જેવું શ્રીમદનું જીવન હતું. પોતાની સેવામાં રહેલા પગારદાર માણસની માંદગીમાં પણ સેવા – સુશ્રુષા કરવાનું તેઓ ચૂકતા નથી તેના પ્રસંગો નોંધાયેલા છે. આથી ગાંધીજીએ યથાર્થ રીતે શ્રીમદને એક પ્રસંગે અંજલિ આપતાં કહેલું કે રાયચંદભાઇનો દેહ આટલી નાની ઉમ્મરે પડી ગયો તેનું કારણ તેમનું દર્દ કે બીમારી તો ખરાજ પરંતુ જગતના તાપનું શ્રીમદને રહેતું સતત સ્મરણ કે તે અંગેની વેદના એ વિશેષ કારણભૂત હશે તેમ ગાંધીજીએ કહેલું. શ્રીમદના દયાળુ સ્વભાવનું તથા તેને અનુરૂપ કર્તુત્વનું ગાંધીજીને સવિશેષ મહત્વ હતું.
પંડિત સુખલાલજીએ યથાર્થ કહેલું છે કે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા માટે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યેજ નહિ પરંતુ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે પણ માથું આપમેળે નમી જાય છે. શ્રીમદના પદો ખળખળ વહેતા ઝરણાં સમાન છે. વિચારની અભિવ્યક્તિ આવી સરળ ભાષામાં કરવાની તેમની ક્ષમતા અહોભાવ ઉપજાવે તેવી છે. પોતાની અનુભૂતિ તેમણે જગતના કલ્યાણ માટે શબ્દોમાં રમતી મૂકી છે. પદોમાં રહેલી ભાવના નિરંતર પરમપદની પ્રાપ્તિ માટે રહેલી છે.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઇશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
વી.એસ.ગઢવી
તા.૩૦.૧૦.૨૦૧૭
Leave a comment