: વાટે….ઘાટે…. : : શ્રવણ યાત્રાના અડીખમ પ્રવાસી : છેલભાઇ વ્યાસ :

દેશ આઝાદ થયો તે પહેલાનું સૌરાષ્ટ્ર એટલે નાના-મોટા રજવાડાઓનો ભાતીગળ પ્રદેશ. આવા દેશી રજવાડાઓના કેટલાક રાજવીઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને કારણે મોટી શાખ પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સંપત્તિ પ્રમાણમાં ઓછી પરંતુ સમજ વિશેષ હતી. આવું એક નાનું રજવાડું એટલે હાલના અમરેલી જિલ્લાનું હડાળા. કાઠી દરબાર વાજસુરવાળા તેમના રાજવી હતા. દરબાર વાજસુરવાળા એટલે સાહિત્ય મર્મજ્ઞ તેમજ સાહિત્યકારોની કદરદાની માટે ઊંડી સમજ તથા સૂઝ ધરાવનાર જીવંત વ્યક્તિત્વ. દરબાર સાહેબ તેમની મહેમાનગતી માટે પણ જાણીતા હતા. આ નાના રજવાડાના રાજવીની શાખા મોટી હતી. દેશભરમાંથી કવિઓ – કલાકારો તેમજ કથાકારો અને વિદ્વાનો દરબાર સાહેબના મહેમાન બનતા હતા. સમર્થ સર્જક – સંશોધક ઝવેરચંદ મેઘાણીને પણ લોકસાહિત્ય તરફ ખેંચાણ થયું તેમાં એક મહત્વનુંકારણ એ દરબાર વાજસુરવાળા સાથેની મેઘાણીભાઇની મૈત્રીનું હતું. રાજવી કવિ કલાપીને દરબાર સાહેબ માટે ઊંડો સ્નેહાદર હતો. એકવાર દરબાર સાહેબને કોઇએ સૂચન કર્યું : ‘‘ બાપુ ! એકવાર અકાળા વાળા ભટજીની કથા સાંભળવા જેવી છે. ’’ કથાના મર્મને પારખનારા રાજવીએ તરતજ ભટજીને કથા કરવા માટેનું વિધિવત્ નિમંત્રણ પાઠવ્યું. પરંતુ આ યજમાનને ત્યાં કથા કરવી એ જુદી વાત હતી એ ભટજી બરાબર સમજતા હતા. અહીં તો આખો રાજપરિવાર કથા સાંભળવા શ્રધ્ધાપૂર્વક બેસે. ઉપરાંત દરેક પાસે ભાગવતની પોથી હોય ! કથાકારની ખરી કસોટી થાય. મૂળ કથાને વફાદાર રહી દરેક વાત કથાકારે કરવી પડે. પરંતુ આ અકાળા ગામના ભટજીની વાત પણ જુદી હતી. તેમણે હરિકૃપા તથા ગુરુપ્રતાપે કથાનું એવું વાચન કર્યું કે રાજવી પરિવાર સહિત તમામ શ્રોતાવર્ગ કથાના પ્રવાહમાં તણાયો અને પ્રસન્નતા પામ્યો. આ સુંદર પ્રસંગ વિદ્યાવ્યાસંગી કથાકાર વિશ્વનાથ પ્રાણજીવન વ્યાસને સબંધિત છે. જેઓ એક જાણીતા કથાકાર તરીકે ‘ભટ્ટજી’ ના સ્નેહાળ સંબોધનથી ઓળખાતા હતા. ભટ્ટજીના જીવનની તેમજ આવી બીજી અનેક માણવી ગમે તેવી વાતો અમરેલીના ‘મળવા જેવા માણસ’ છેલભાઇ વ્યાસે તેમના સંભારણાઓમાં લખી છે. ‘‘ સાચવી લીધેલાં ટાણાં ’’ એવા હેતુપૂર્ણ શીર્ષકથી આ પ્રકાશન સુવિખ્યાત પ્રવીણ પ્રકાશન રાજકોટ તરફથી થયું છે. જીવનના સાડા સાત દાયકાની મંઝીલ તય કરનાર છેલભાઇએ ગમતાંનો ગુલાલ કરીને એક સાર્થક કહી શકાય તેવું સામાજિક – સાહિત્યીક કાર્ય કરેલું છે. પૂજ્ય મોરારિબાપુએ છેલભાઇના બે પુસ્તકોનું વિમોચન કરતાં ‘‘ છલોછલ છેલભાઇ ’’ ને બીરદાવ્યા અને તેમની અખંડ ચાલતી શ્રવણયાત્રા તરફ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. સંસ્કારી ભૂદેવ પરિવારના મોભી છેલભાઇના પિતા સારા કથાકાર ઉપરાંત પુરુષાર્થમૂર્તિ તથા મત ઔદાર્ય ધરાવનાર નોખી માટીના માનવી હતા. ભટ્ટજીનું ગામ વડિયા સ્ટેટની હદમાં આવે. રાજ્યનું મોટું તથા મહત્વનું ગામ તેથી રાજવી પણ સમયાંતરે તેની મુલાકાત કરતા રહે. આવી એક અકાળા ગામની મુલાકાત દરમિયાન દરબાર સાહેબ અચાનકજ ભટ્ટજીના ઘેર પહોંચી ગયા. દરબાર સાહેબ સ્વેચ્છાએજ એક ભૂદેવના ઘેર પહોંચે તેમાં દરબારની સરળતા તથા સ્નેહ તેમજ કથાકાર ભૂદેવની ઊંચેરી શાખા અભિપ્રેત છે. બાપુની આગતા સ્વાગતા થાય છે. અચાનકજ દરબાર સાહેબ પોતાની સાથે રહેલા રાજ્યના સેક્રેટરીને સૂચના આપે છે : ‘‘  ભટ્ટજીના ફળિયા પાછળનો વાડો (ખુલ્લી જગા) ભટ્ટજીને આપી દો. ’’ રાજા તો ભૂપતિ છે. આથી આવી સૂચના તેઓ આપી શકે. રાજવી તો ગયા. પરંતુ અકિંચન ભટ્ટજીને ચેન ન પડે. તેઓ તક જોઇ રાજ્યના સેક્રેટરીને મળ્યા. સેક્રેટરીને કહ્યું ‘‘ બાપુએ ભલે કહ્યું. મારે વધારાની જમીન જોઇતી નથી. મારો પાડોશી જે આ જમીનનો ઉપયોગ કરે છે તેને મારે દૂભવવો નથી ! ’’ ત્યાગીને ભોગવવાની ઉષનિષદની સલાહ જાણે કે આવા વીરલાઓના શ્વાસોશ્વાસમાં વણાયેલી રહે છે. આવા ઉજળા વ્યવહાર થકી યશપ્રાપ્તિ કરનાર માનવીઓ સદાકાળ આપણી સ્મૃતિમાં જીવતા જાગતા રહે છે. આવા સંસ્કારી પિતાને ત્યાંજ પ્રિતમભાઇ વ્યાસ જેવા નોખી માટીના વ્યક્તિનો જન્મ થાય તે સ્વાભાવિક છે. પ્રિતમભાઇ વ્યાસ છેલભાઇના મોટાભાઇ. અનેક ઊંચા હોદ્દાઓ ભોગવનાર આ અમલદારમાં કદી કોઇને અમલદારશાહીની તુમાખીનો અણસાર પણ આવ્યો નથી.

સમાજના સંસ્કાર ઘડતરમાં સંતોનું મહત્વ અનેરું તથા અદકેરું છે. આ સંતોએ સંસ્કાર વેચ્યા નથી પરંતુ છૂટ્ટા હાથે વહેંચ્યા છે. સમાજ પાસેથી તેમણે લીધું છે તેનાથી અનેકગણું સમાજને પરત કરેલું છે. છેલભાઇની સ્મૃતિ અને શ્રધ્ધા સંતોના જીવન – કવન સાથે જોડાયેલી છે. તેથી સંતોના શબ્દચિત્રો વિશેષ જીવંત બન્યા છે. આ સંતો એ પોથી પંડિતો નથી. આ બધા તો અલખના આરાધકો છે અને ધાર્યું ધણીનું થાય એવી આસ્થા સાચવીને બેઠેલા છે. સાધુ તો ‘ દો રોટી અને એક લંગોટી ’ નો હક્કદાર એવું સ્વામીદાદા (સ્વામી આનંદ)નું વિધાન હેતુપૂર્ણ છે. સમજ – સ્નેહ તથા સંવેદના ધરાવનારા સંતોએ લોકોના દિલ પર રાજ્ય કરેલું છે. આવા સંતોની હસ્તીનો પડછાયો ભાઇ ‘સ્નેહી’ પરમારે લખ્યું છે તેમ સમષ્ટિ પર પડે છે. 

એનો પડછાયો સમષ્ટિમાં પડે,

જે ધજા ભીતરમાં ખોડી હોય છે.

છેલભાઇએ થોડા શબ્દોમાં સંત શીરોમણી બજરંગદાસબાપાના વિરાટ વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. ‘‘ બજરંગદાસબાપુની મઢીએ જઇને કોઇ ખૂણેખૂણામાં નજર કરે તો કયાંય દેવ-દેવી કે ઇશ્વરાવતારની મૂર્તિ કે છબીના દર્શન ન થાય. જેના ઘટઘટમાં વહાલો વિલસતો હોય એને રૂપરંગ મઢ્યા દેવ – દેવીઓનું શું કામ ?.. એકવાર કોઇ માતાજીના સુંદર ચિત્રવાળું કેલેન્ડર તેમની ઓરડીમાં મૂકી ગયું. બાપાની કેલેન્ડર પર નજર પડી એટલે તરતજ કહે : ‘‘ વાલા ! આ માતાજીને જ્યાંથી લાવ્યાતા ત્યાંજ ત્યાંજ પાછા મૂકી આવો. અહીં આપણે પામર માનવી. આપણામાં અનેક એબ હોય. આપણાંથી એમની આમન્ય ન જળવાય મારા બાપલા ! ’’ 

શ્રવણયાત્રાના એકનિષ્ઠ પ્રવાસી છેલભાઇની શબ્દયાત્રાના બન્ને પુસ્તકો વ્યાપક રીતે પોંખાશે તે નિર્વિવાદ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

તા.૨૩/૧૦/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑