: વાટે….ઘાટે…. : : ગાંધી વિચાર : શાશ્વતીનું પાવક ઝરણુ :

૧૯૧૬ના વર્ષમાં લખનૌ શહેરમાં એક અલગ પ્રકારની ગતિવિધિ તથા ચહલપહલ જોવા મળતા હતા. લખનૌ શહેરમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું હતું. આઝાદીની ઉષાનું દર્શન હજુ દૂર સુધી કોઇને થતું ન હતું તેવો આ સમય હતો. આવા સમયમમાં કોંગ્રેસનું અધિવેશન શાસકો તથા સમાજના ઘણાં લોકોનું ધ્યાન દોરે તે સ્વાભાવિક હતું. રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના હાથમાંજ દેશની મુકિત માટેનું સુકાન આ સમયે હતું. લખનૌ અધિવેશનમાં દક્ષિણ આફ્રિકામાં એક અલગ પધ્ધતિથી સરકાર સામેની લડત લોકોનો સાથ મેળવીને લડનાર ‘ગાંધીભાઇ’ પણ હાજર રહેવાના હતા જે એક મહત્વની વાત હતી. ઘણાં લોકોએ ગાંધીભાઇની આફ્રિકાની લડતો વિષે સાંભળ્યું હતું. આથી તેમનામાં એક વિશેષ રસ તથા ઉત્સુકતા પણ મહાસમિતિના સભ્યોમાં જોવા મળતા હતાં. ગાંધીજી મહાસભામાં પોતાનું પ્રવચન આપવા ઉભા થયા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ વિષે પણ એક ઠરાવ રજૂ કરેલો પરંતુ તેની ખાસ નોંધ લેવામાં આવી ન હતી. ગાંધીજીએ તેમનું ટૂંકુ પ્રવચન હિન્દીમાં કર્યુ તે વાતના સંદભમાં શ્રી નારાયણ દેસાઇએ એક રસ પડે તેવી ઘટના ટાંકી છે. મુહાવરેદાર ભાષાના લખનવી માહોલમાં ગાંધીજીએ હિન્દીમાં પ્રવચન કરવાનું શરૂ કર્યુ. હાજર રહીને પ્રવચન સાંભળતા લોકોએ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ કર્યો. પરંતુ પોતાને જે વાત ઉચિત લાગે તેમાં પીછેહઠ કરવામાં માને તેવા ગાંધીભાઇ ન હતાં. તેમણે ઉલટો શ્રોતાઓને જ પડકાર કર્યો. જાણે પોરબંદરના સમુદ્રના એક શકિતશાળી મોઝાએ જપટ મારી. ગાંધીજી કોંગ્રેસના મહાસભાના સભ્યોને કહે છેઃ હું તમને એક વર્ષની મુદત આપુ છું. આવતા વર્ષથી હું કોંગ્રેસ અધિવેશનોમાં માત્ર હિન્દીમાંજ બોલીશ! ’’ ગાંધીના આ પડકારે ઘણાંને વિચાર કરતા કર્યા હશે. ૧૯૧૬ પછીના વર્ષોના કોંગ્રેસ અધિવેશનમાં આ ‘ગાંધીભાઇ’નો દબદબો રહેવાનો હતો તે ઘટનાના જાણે કે આ આગમના એંધાણ હતા.સાથે સાથે આ નાની ઘટનામાં ગાંધીજીના અપાર આત્મવિશ્વાસ અને દ્રઢતાના દર્શન થતા હતા. દેશના રાજકીય આકાશમાં એક નૂતન સૂર્યોદયનો અહેસાસ પણ ઘણાં લોકોએ કર્યો. 

બાપુનો સંદર્ભ કેન્દ્રમાં રાખીને દિપાવલી ઉત્સવના આ હર્યાભર્યા માહોલમાં મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનો સુયોગ થયો. ગૂજરાત વિદ્યાપીઠ એ અમદાવાદ શહેરનુંજ નહિ પરંતુ સમગ્ર રાજયનું ગૌરવ વધારનારી સંસ્થા છે. દેશની બહુ ઓછી સંસ્થાઓ એવી હશે કે જેની સાથે આટલી મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયેલા હોય. મહાત્મા ગાંધી થી શરૂ કરી ‘સેવા’ ના નિર્માતા ઇલાબેન ભટ્ટ જેવા દ્રષ્ટિસંપન્ન લોકોએ વિદ્યાપીઠની અનેકવિધ પ્રવૃત્તિઓની દોરવણી કરી છે. સંસ્થાને તેના હેતુઓને અનુરૂપ ચલાવવાના તમામ નિષ્ઠાપૂર્વકના પ્રયાસ થયા છે. 

ઇતિહાસના વિદ્યાર્થીઓને ઐતિહાસિક સંદર્ભો સાથે થોડો વિશેષ લગાવ હોય તે સ્વાભાવિક છે. કેટલાક ચરિત્રો અને ઘટનાઓ એવી હોય છે કે, જેનું ઇતિહાસમાં મહત્વનું સ્થાન હોય છે. જેમકે ભારતમાં રેલ-વે અથવા પોસ્ટની શરૂઆત થઇ તે મહત્વની ઐતિહાસિક ઘટના છે. શહેનશાહ અકબર કે ટીપુ સુલતાનનો શાસનકાળ એ પણ એક મહત્વનો ઘટનાક્રમ છે. આ શાસનકાળના અભ્યાસથી આ બન્ને મહત્વના રાજવીઓના ચરિત્ર એક શાસક તરીકે નજર સમક્ષ આવે છે. ઇતિહાસની નાની – મોટી ઘટનાઓના આલેખન-અભ્યાસથી સળંગ ઇતિહાસનું દર્શન થાય છે. પરંતુ ગાંધી આવા ઇતિહાસના સામાન્ય ક્રમથી અલગ તરી આવે છે. મહાત્મા ગાંધી ઇતિહાસનું એક પાત્ર નહિ પરંતુ ઇતિહાસનું સર્જન કરનારા મહામાનવ છે. ગાંધીજીએ સત્ય તેમજ અહિંસાના પાયા ઉપર જ એક અલગ ઇતિહાસનું નિર્માણ સત્યાગ્રહના નૂતન સાધનથી કર્યું. જગતે એક નવાજ પ્રયોગનું દર્શન ગાંધીજીની લડતમાં કર્યું. સૌરાષ્ટ્રના કવિ ભૂદરજી લાલજી જોશીએ આ વાત તેમના સુંદર તથા સુપ્રસિધ્ધ કાવ્યમાં કરી છે. 

તોપ નલવાર નહિ

બંદૂક બારુદ નહિ

હાથ હથિયાર નહિ

ખુલ્લે શિર ફિરતે

વિકૃત વિજ્ઞાન નહિ

બંબર વિમાન નહિ

તરકટ તોફાન નહિ

અહિંસા વ્રત વરતે 

ટેંકોકા ત્રાસ નહિ

ઝહરી ગિયાસ નહિ

લાઠીકા સહત માર 

રામ રામ રટતે 

ભૂદર ભનંત 

બીન શસ્ત્ર ઇસ જમાનેમેં

ગાંધી બિન બસુધા મેં

કૌન વિજય વરતે!

 આજના યુગની ગતિવિધિઓમાં ગાંધી કેવા તથા કેટલા સાંપ્રત છે તેની ચર્ચા પ્રસંગોપાત થયા કરે છે. સૌ યુવાન લોકોના મનમાં કદાચ આ પ્રશ્ન વિશેષ માત્રામાં ઉઠતો હોય તેમ બની શકે.ગાંધીજીનું સમગ્ર જીવન જોઇએ તો સત્ય-અહિંસા તથા કરુણા જેવા ઉત્તમ માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખીને તેઓ જીવ્યા છે. સતત પ્રયોગશીલ રહ્યાં છે. આવા નિરંતર પ્રયોગો માટે પોતે લખે છેઃ’’ મારા પ્રયોગો વિશે હું કોઇપણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો નથી….. તેમાંથી (પ્રયોગોમાંથી) નિપજાવેલાં પરિણામોને છેવટના ગણાવતો નથી.’’ કોઇપણ સાતત્યપૂર્ણ અને પ્રયોગશીલ જીવન જીવતા વ્યકિતઓજ આવું વિધાન કરી શકે. પોતાના પ્રયોગો કે તે પ્રયોગોમાંથી નિપજેલા પરિણામો વિષે પણ તેઓ સહેજપણ આસકત નથી. પોતાની વાતને આગળ વધારતા ગાંધીજી લખે છે કે તેમણે દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંતરૂપે ગણી સહુએ પોતપોતાના જીવનમાં પ્રયોગો યથાશકિત તથા યથામતિ કરવા જોઇએ. આટલા પરિવર્તન શીલ વિચારો ધરાવતા માનવી કોઇ પણ કાળમાં અસંબંધ કે અપ્રસ્તુત થઇ શકે નહિ. બાપુના વિચારોની ગતિશીલતા કે પરિવર્તન પણ અંતે તો કલ્યાણકારી અને સર્વ સમાવેશક માનવીય મૂલ્યોમાંથીજ બળ-પ્રેરણા તથા દિશા મેળવે છે. 

ગાંધીજીના વિચારો તથા તેમનું જીવન યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ કરે છે તે બાબત નોંધપાત્ર છે. અંતે તો આપણે સૌ આપણાં વાણી-વર્તન-વિચાર તેમજ આચરણમાં ગાંધી વિચારને ઝીલવાનો પ્રમાણિક પ્રયાસ કરીએ તો સમાજ પરિવર્તનની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું ગણાશે. જો આપણો આ નિર્ણય હશે તો કુદરતના તેમાં જરૂર આશીર્વાદ હશે. ગાંધી વિચારનું આરચણ એ સમયની માંગ છે. આ બાબતને કેન્દ્રમાં રાખી જીવન જીવવાનો પ્રયાસ કરવા જેવો છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

તા.૧૭/૧૦/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑