: વાટે….ઘાટે…. : : પાખંડને પડકારનાર ઋષિ : મહર્ષિ દયાનંદ સરસ્વતી :

૧૮૬૭ ના માર્ચ મહીનામાં હરિદ્વારમાં એક સુડોળ તથા તેજસ્વી સન્યાસી પ્રવેશ કરે છે. હરિદ્વારમાં ઘણી ચહલપહલ છે. કારણ કે કુંભ મેળાના દિવસો નજીક આવી રહેલા છે. સમગ્ર દેશમાંથી લાખો લોકો શ્રધ્ધાપૂર્વક આ મેળામાં ભાગ લેવા આવવાના છે તેની પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ નવા આગંતૂક સન્યાસીએ પણ હરિદ્વાર તથા ઋષિકેશ વચ્ચે પોતાની કુટીર બનાવી. આ પ્રભાવી સન્યાસીની કુટીર પર લખેલું હતું : ‘‘પાખંડ ખંડન’’ નીલ ગગનમાં ફરકતી અને શોભતી આ ધ્વજા પરનું લખાણ વાંચીને અનેક લોકો આશ્ચર્યચકિત થતા હતા. લોકો આ સન્યાસીની વાણી સાંભળવા ઉત્સુકતાથી જતા હતા. ધીરગંભીર તથા ઓજસ્વીતાથી ભરપૂર આ સન્યાસી કહેતા : 

‘‘ ધર્મના નામે છળ, કપટ, પ્રપંચ, લૂંટ તથા છલબાજીના દર્શન થાય છે. આળસ, પ્રમાદ અને સ્વાર્થમાં આળોટતા ધર્મધુરંધરોના પૂતળાઓ શોધ્યા વિના ભટકાય છે. બ્રહ્મચારીનું મ્હોરુ પહેરીને કુકર્મો કરનારા તેમજ કોઇ પુરૂષાર્થ વિના લાખોની સંપતિ ધરાવનારા ધર્મના ઠેકદારોના ઠાઠ-માઠ ઊડીને આંખે વળગે તેવા છે. ’’ 

સાધુઓની મોટી જમાતમાં આ જૂદાજ પ્રકારના સાધુની વાત સાંભળવા અનેક લોકો આવવા લાગ્યા. સ્વામીજીના પ્રભાવી વ્યક્તિત્વ, તેમના અગાધ જ્ઞાન તથા તર્કશુધ્ધ દલીલોની ચર્ચા હરિદ્વારમાં ખૂણે તથા ખાંચરે થવા લાગી. અલખના આ અવધૂતે અજ્ઞાન – અંધશ્રધ્ધા તેમજ બદીઓના જામી ગયેલા જાળાઓને જાણે ભસ્મીભૂત કરવાનો યજ્ઞ આદર્યો હતો. ગુજરાત તથા સમગ્ર દેશ જેના પર સકારણ ગૌરવ લઇ શકે તેવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નામના સુપ્રસિધ્ધ ઋષિવર્ય આપણી ઉજળી સંત પરંપરાના એક અડીખમ અગ્રજ હતા. તેમનો સ્નેહ સમગ્ર માનવજાત તરફ વહેતો હતો. તેમનો પ્રચંડ આક્રોશ સંપ્રદાય કે પંથના નામે સામાન્ય લોકોનું શોષણ કરનાર પાખંડીઓ સામે હતો. અગણિત લોકો આ સત્યનું દર્શન કરાવનારા સાધુથી પ્રભાવિત થતા હતા. 

સાંપ્રત કાળમાં અંધશ્રધ્ધાને કારણે જન્મ લેતા અને મુંઝવતા પાખંડ કૃત્યો જોઇએ ત્યારે પશ્ચિમ ભારતના આ સન્યાસી સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ પૂર્વ ભારતમાંથી સૂર્યની જેમ ઊગીને ઝળહળા થયેલા સ્વામી વિવેકાનંદની પાવન સ્મૃતિ થાય છે. જ્યારે ધર્મનો અંચળો ઓઢીને અધર્મ કે શોષણ જોવા મળે ત્યારે આપણી વ્યક્તિગત કે સામાજિક જાગૃતિ તરફ પણ પ્રશ્નાર્થ ચિન્હો ઉઠે છે. મહર્ષિ દયાનંદનો ઉપદેશ આપણે ભૂલ્યા હોઇએ તેમ લાગે છે. સમાજ કે તેનો કોઇ એક નાનો કે મોટો ભાગ કોઇકના તુંબડે તરવાની હરીફાઇમાં હોય ત્યારે અનેક કિસ્સાઓમાં સમાજે ભોગવવાનું આવે છે. નિરક્ષિરનો વિવેક જાળવીને ખરા – ખોટા લોકો વચ્ચે પસંદગી કરવાની સજ્જતા તો આપણેજ કેળવવી પડશે. કાયદો તેમાં એક મર્યાદિત માત્રામાં મદદરૂપ થઇ શકે. સંતત્વને ઉજાળે તેવા ધર્મપુરૂષો કે જાગૃત નાગરિકો પણ આ સ્થિતિનો સામનો કરવામાં ઉપયોગી થાય. પરંતુ સરળાળે તો દરેક નાગરિકે વ્યક્તિગત સમજ અને સજ્જતા કેળવવી પડશે. તે સિવાય આ  WILD FIRE નિયંત્રણમાં આવે તેવી નથી. વિચારકો – બૌધ્ધિકો તેમજ અધ્યાપકોનો એક ખાસ રોલ આવા જાગૃતિના કાર્યો માટે રહેલો છે. રાજા રામમોહન રાય કે ભિક્ષુ અખંડાનંદ જેવા નાના મોટા રોલ મોડેલ તરફ સમાજે નજર કરવી પડશે. મહર્ષિ દયાનંદના દેશમાં પાખંડ પૂજા શી રીતે હોઇ શકે ? સ્વામી દયાનંદ આપણને જગાડીને ગયા. જાગૃતિમાં સાતત્ય એ તો આપણીજ જવાબદારી છે. આપણી જાગૃતિ માટે પોતાના જીવતરને હોડમાં મૂકનાર આ સન્યાસીને વંદન કરવાનો સમય છે. દીપાવલીના શુભ દિવસેજ આ મહાન દીપ સચરાચરના તેજમાં વિલિન થયો. (૧૮૮૩ – દિપાવલી) પરંતુ આ પૌરુષવાન મહાત્મા તેમના વિચાર થકી જીવંત છે, શાશ્વત છે.

ધન્ય હૈ તુજકો ઐ રિષિ,

તુને હમે જગા દીયા,

સો સો કે લૂટ રહેથે હમ,

તુને હમે બચા લીયા,

અંધોકો આંખે મીલ ગઇ,

મુરદોમેં જાન આ ગઇ,

જાદુસા ક્યા ચલા દીયા,

અમૃતસા ક્યા પીલા દીયા.

ધન્ય હે તુજકો….

વેદોના નિરંતર પ્રચાર માટે એક સ્થાયી વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી મહર્ષિએ ૧૦ એપ્રિલ-૧૮૭૫ ના શુભ દિવસે મુંબઇમાં આર્યસમાજની સ્થાપના કરી. મહર્ષિએ એ બાબત હમેશા સ્પષ્ટ રીતે જણાવી હતી કે તેઓ વેદને આધિન છે. જે સત્યનું દર્શન તેમણે કરેલું છે તેનોજ ઉપદેશ તેઓ નિર્ભયતાથી કરે છે. કોઇ કીર્તિ – સ્તુતિ કે નિંદાથી ડગી જનાર આ ઋષિ નથી. આર્યસમાજ એક બંધિયાર સંપ્રદાય ન તેને તેની ખેવના રાખવા તેમણે પોતાના અનુયાઇઓને ચેતવ્યા હતા. ધર્માન્ધતા કે ‘બાબા વાકયં પ્રમાણમ્’ ગણીને ચાલવા સામે તેઓએ ચેતવણીના સૂર ઉચ્ચાર્યા હતા. પરાધિન રાષ્ટ્રની દુર્દશા આ ઋષિને છેલ્લા શ્વાસ સુધી જંપીને બેસવા દેતી નથી. 

સ્વામીજી દેશાટન કરતા હતા ત્યારે ગુરુ વિરજાનંદના શબ્દો સતત યાદ આવતા હતા. ગુરુએ શિક્ષાની સમાપ્તી સમયે લાગણીથી પોતાના સમર્થ શિષ્યને કહ્યું હતું : ‘‘ વત્સ ! આજે દીન-હીન બનેલા દેશનો ઉધ્ધાર કરો. મત-મતાંતરોના કારણે ફેલાયેલી સાંપ્રદાયિક્તાની અવિદ્યાઓનું નિવારણ કરો. લોકકલ્યાણમાં સમર્પિત બનીને ખરા ધર્મનો પુનરુધ્ધાર કરો. ઇશ્વર તમને સુખ તથા સફળતા પ્રદાન કરે. ’’ ગુરુદક્ષિણા તરીકે ગુરુએ જે માર્ગે જવાની શિષ્યને સલાહ આપી તે માર્ગ કંટકયુક્ત હતો. પરંતુ પ્રજ્ઞાચક્ષુ ગુરુને શિષ્યની અગાધ શક્તિમાં પૂર્ણ વિશ્વાસ હતો.

સ્વામીજીના દેશાટનમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ૧૮૪૭માં સ્વામીજી સુરત આવ્યા હોવાનું નોંધાયું છે. કવિ નર્મદ તથા પંડિત દુર્ગારામ મહેતા પોતાના સુધારાવાદી વલણના કારણે તે સમયે ખૂબ જાણીતા હતા. કવિ નર્મદ તથા દુર્ગારામ મહેતાએ સ્વામીજીના પ્રવચનોનું આયોજન કરેલું હતું. સ્વામીજીએ ભરૂચ તથા અમદાવાદમાં રોકાણ કરેલું. અમદાવાદમાં તેઓએ હેમાભાઇ ઇન્સ્ટીટ્યૂટમાં ‘‘મૂર્તિપૂજા’’ વિષય પર પ્રવચન આપેલું હતું. રાજકોટમાં સ્વામીજીના આઠ પ્રવચનો થયા હતા. સ્વામીજીના વક્તૃત્વની કળા તથા ભાષામાં તાર્કીક્તાને કારણે ગુજરાતના દરેક સ્થળોએ તેમને સાંભળવા વિશાળ લોકસમૂહ એકત્રિત થતો હતો.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૬/૦૯/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑