રાજકોટના રાજવી બાવાજીરાજે હીરા પારખુ હતા. આથી પોરબંદરથી રાજકોટ આવીને રહેલા દીવાન કરમચંદ ગાંધીની કાર્યનિષ્ઠા તેમના ધ્યાન બહાર જવા પામી ન હતી. રાજવી દીવાન કરમચંદ ગાંધીની કામગીરીથી સંતુષ્ટ તેમજ પ્રસન્ન હતા. આથી રાજવીએ રહેણાક માટે રાજ્યની માલિકીની જમીનમાંથી એક મોટો પ્લોટ પસંદ કરીને બંગલો બનાવવા માટે દીવાન કરમચંદ ગાંધીને જણાવ્યું. જ્યારે શાસકને પ્રતિતિ થાય કે અમુક વ્યક્તિના કાર્ય કે તેમની સેવા થકી રાજ્યને ફાયદો થયો છે ત્યારે આવી ભેટ કે વળતર એ સ્વાભાવિક કે સૌજન્યયુક્ત ગણાય. પરંતુ આ દીવાન જૂદી માટીના બનેલા હતા. તેઓ મોટું કે ઝાઝુ મેળવવાના લોભમાં પડે તેવા ન હતા. તેમણે પોતાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને માત્ર ૫૦૦ વારના પ્લોટનો સ્વીકાર કર્યો. રાજવીની ઉદાર ઓફર તથા આગ્રહ છતાં આ દીવાને ગજા ઉપરાંતની જમીન વાળી લઇને પોતાના મહત્વ તેમજ મોભાને પ્રદર્શિત કરવાનો વિચાર સુધ્ધા ન કર્યો. દીવાનની માંગણી અનુસાર નાનો પ્લોટ રાજ્યે ફાળવ્યો. દીવાન કરમચંદ ગાંધી આ પ્લોટ પર મકાન બનાવી પરીવાર સાથે રહેવા લાગ્યા. આ ઐતિહાસિક સ્થળ એટલે રાજકોટનો સુવિખ્યાત ‘‘કબા ગાંધીનો ડેલો’’ આ ડેલામાંજ એક બાળકનું પોષણ – સંવર્ધન થયું. કરમચંદ ગાંધીના આ બાહોશ સંતાન એટલે આપણાં દેશની આઝાદીના જનક મોહનદાસ ગાંધી. આ ઐતિહાસિક સ્થળ આજે આપણાં માટે યાત્રાનું સ્થળ બની ગયેલું છે. એક સમર્થ તથા નીતિવાન દીવાનનું સ્મરણ આ ડેલાને યાદ કરતાંજ થાય છે. ‘‘ત્યેન ત્યક્તેન્ ભૂંજીથા:’’ ની ઉપનિષદ સલાહ કરમચંદબાપાએ જીવનમાં ઉતારી હતી. આજ ડેલાને જોતાં બીજા એક વિરાટ વ્યક્તિત્વનું સ્મરણ થાય છે. જગતના ઘણાં વિદ્વાનો – ઇતિહાસવિદો માનતા હતા કે હિંસક સંઘર્ષ સિવાય કોઇપણ દેશ આઝાદીની રમણીય ઉષાનું દર્શન કરી શકે નહિ. આ તમામ ધારણાઓથી વિપરીત એવા સત્યાગ્રહના અમૂલ્ય આયુધથી દેશની મુક્તિના દ્વાર ખોલી આપનાર મોહનદાસ કરમચંદ ગાંધીનું પુણ્ય સ્મરણ પણ આ ઐતિહાસિક ડેલાના દર્શન કરીને થાય છે. કાઠિયાવાડના કવિ ભૂધરજી લાલજી જોશી સુયોગ્ય શબ્દોમાં ગાંધીની આવી અસાધારણ સિધ્ધિની વાત કરે છે :
તોપ તલવાર નહિ બંદૂર બારુદ નહિ
હાથ હથિયાર નહિ ખુલ્લે સિર ફિરતે
વિકૃત વિજ્ઞાન નહિ બંબર વિમાન નહિ
તરકટ તોફાન નહિ, અહિંસા વ્રત વરતે
ટેંકોકા ત્રાસ નહિ ઝહેરી ગિયાસ નહિ
લાઠીકા સહત માર રામ રામ રટતે
ભૂધર ભનંત બીન શસ્ત્ર ઇસ જમાનેમેં
ગાંધી બિન વસુધામેં કૌન વિજય વરતે ?
આ દીવાન પરીવાર તથા રાજકોટના રાજવીઓ વચ્ચેનો સ્નેહાદરનો સંબંધ લાંબા સમય સુધી જળવાઇ રહ્યો. ઘણાં વર્ષો બાદ ૧૯૨૫ માં ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદની સભા ભરવામાં આવી. સાંપ્રત સમયના અનેક આગેવાનોએ ગાંધીજીને માનપત્ર આપવાનો વિચાર કર્યો. રાજકોટના રાજવી શ્રી લાખાજીરાજના હસ્તે ગાંધીજીનું આ બહુમાન કરવું તેમ પણ નક્કી થયું. કેટલાક અંગ્રેજ અમલદારોએ ગાંધીને માનપત્ર આપવા સામેના ભયસ્થાનો રાજવી લાખાજીરાજને કહી સંભળાવ્યા. રાજવીને બ્રિટીશ સત્તાની નારાજગી થશે તેમ પણ કહેવામાં આવ્યું. ગાંધીજીએ બ્રિટીશ સત્તાધિશો સામે લડત ઉપાડી હોવાથી આવું થાય તે લાખાજીરાજ પણ સમજી શકતા હતા. પરંતુ ગાંધી જેવા યુગપુરુષને સત્કારવાનો લહાવો જીવનમાં ભાગ્યેજ મળે તે વાત સમજીને લાખાજીરાજે આવું ગૌરવયુક્ત સન્માન પોતાના હાથે થાય તે વાતનો સહર્ષ સ્વીકાર કર્યો. રાજવીએ પૂરા ગૌરવ તેમજ અંતરની લાગણીથી ગાંધીનું સન્માન કર્યું અને ગાંધીજીને દરબાર સાહેબે કહ્યું : ‘‘મને તમારો પુત્ર ગણજો’’ સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક રાજવીઓની આ ઊંચાઇની વાતો આજે પણ અહોભાવ ઉપજાવે તેવી છે. રાજવી લાખાજીરાજનું અવસાન થયું અને કાળે કરવટ બદલી. લાખાજીરાજના પુત્ર ધર્મેન્દ્રસિંહજીએ જે રીતે રાજ્યની ધૂરા સંભાળી તેની ટીકા ઇતિહાસકારોએ સાર્વત્રિક રીતે કરી છે. રાજવીની નબળાઇ તેમજ તે સમયના રાજકોટ રાજ્યના દીવાન વીરવાળાની અન્યાયી કાર્યશૈલીને કારણે રાજકોટ રાજ્યના સામાન્ય લોકોની તકલીફોમાં ઘણો વધારો થયો. જો કે રાજકોટની રૈયત પોતાના પર થતા અન્યાય સામે જાગૃત થઇ ચૂકી હતી. રાજકોટનો લોકમત દિનપ્રતિદિન ઉગ્ર બનતો જતો હતો. ૧૯૩૮માં રાજકોટમાં પ્રજા પરિષદનું અધિવેશન થયું. સરદાર સાહેબની આ પરિષદમાં હાજરી તેમજ માર્ગદર્શનથી લોકમત વિશેષ પ્રબળ તથા અસરકારક થયો. રાજ્ય તરફથી આ જુવાળને શાંત પાડવા સમાધાન તો કરવામાં આવ્યું પરંતુ તેનું પાલન કરવાની કોઇ વૃત્તિ રાજ્યના રાજવી કે દીવાનની નથી તેનો સૌને અનુભવ થવા લાગ્યો. ફરી લડતનો દોર શરૂ થયો. રાજ્ય તરફથી ધરપકડો અને દબાણનો સીલસીલો શરૂ થયો. રાજકોટની પ્રજા પરના આ અત્યાચારના સામાચાર દેશવ્યાપી પ્રસિધ્ધિ પામ્યા. ‘‘છેલ્લો કટોરો’’ કાવ્યમાં મેઘાણીએ જે શબ્દાંકનથી સ્થિતિનું વર્ણન કરેલું તે સ્થિતિ નજર સામે હતી.
ચાબૂક જપ્તી દંડ દંડામારના
જીવતાં એ કબ્રસ્તાન કારાગારના
થોડા ઘણાં છંટકાવ ગોળીબારના
એ તો બધા ઝરી ગયા, કોઠે પડ્યા બાપુ !
ફૂલ સમા અમ હૈયા તમે લોઢે ઘડ્યા બાપુ !
રાજકોટની જનતાના દુ:ખમાં સહભાગી થવા કસ્તુરબા પોતાની નબળી તબીયતની પરવા કર્યા સિવાય રાજકોટ જવા નીકળ્યા. સરદાર સાહેબે મણીબહેનને બાની સંભાળ લેવા માટે તેમની સાથે જવા કહ્યું. બા તથા મણીબહેન રાજકોટ જંકશને ઉતર્યા. ઇતિહાસનો એક વરવો વળાંક જગતે જોયો. પોતાનાજ રાજ્યના દેવ સમાન દીવાનના પુત્રવધુ તથા વિશ્વપુરુષ ગાંધીના અર્ધાંગનાનું રાજ્યે સ્વાગત કરવાને બદલે ધરપકડ કરી. મણીબશેન પણ પકડાયા. કસ્તુરબાને ત્રંબા ગામની જેલમાં બંદીવાન બનાવાયા. પછી તો મહાત્માજી પોતે પણ રાજકોટ આવ્યા. રાજકોટ સત્યાગ્રહની આ લડત સત્યાગ્રહના સોનેરી ઇતિહાસની એક મહત્વની ઘટના છે. ઇતિહાસને વળાંક આપનાર વીર ગાંધીની વિશેષ સ્મૃતિ ઓકટોબર માસમાં સમગ્ર વિશ્વને થાય છે. કાળના અનેક વાવાઝોડાના દ્રઢ મનોબળ તથા સત્યના આયુધથી સામનો કરવાનો ઇલ્મ આ મહાપુરુષના લોહીમાં વણાયેલો હતો.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૮/૦૯/૨૦૧૭.
Leave a comment