: ક્ષણના ચણીબોર : : મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર : : કવિ અને પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી :

ઐતિહાસિક દાંડીયાત્રા સાથે મહાત્મા ગાંધી તથા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી વચ્ચેનો એક રસપ્રદ સંવાદ જોડાયેલો છે. વાત નાની છે છતાં ફરી ફરી સ્મૃતિમાં આવે તેવી છે. કરાડી (દાંડી પાસે) સત્યાગ્રહ છાવણીમાં એક વખત કવિ શ્રીધરાણી પોતાની તાજી લખાયેલી કવિતા લઇને બાપુ પાસે ગયા. કવિ દાંડીકુચના માહોલ તથા રાષ્ટ્રપિતાના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇને આ કુચમાં જોડાયા હતા. કવિએ આ કવિતા ‘સપૂત’ શીર્ષકથી લખી હતી. કાવ્ય ગાંધીજી પર હતું. કવિએ કાવ્ય લખેલું હતું તે કાગળ બાપુના હાથમાં આપ્યો. ગાંધીજીએ ધ્યાનથી કાગળ જોયો. કાવ્ય વાંચ્યું પરંતુ તે અંગે કોઇ ઉમળકો મહાત્માજીએ બતાવ્યો નહિ. ત્યારબાદ કવિ તરફ દ્રષ્ટિ કરીને બાપુએ પૂછ્યું : ‘‘ આ શું છે ? ’’ ‘‘ કવિતા લખી છે બાપુ ’’ કવિએ થોડા ઉત્સાહથી જવાબ વાળ્યો. મહાત્મા વાત આગળ વધારતા પૂછે છે : ‘‘ શા માટે લખી છે ? ’’ કવિ કહે છે આ વાતનો શો જવાબ આપવો ? કવિ નિરુત્તર રહ્યા એટલે બાપુ કહે : ‘‘ જ્યારે તારી પાસે કપાસ કાંતવાનો સમય હતો ત્યારે કવિતાનું કાંતણ કેમ કર્યું ? ’’ કવિ સહેજ નિરાશાના ભાવ સાથે બહાર નીકળ્યા. પરંતુ પછીથી કવિને અધિકૃત વ્યક્તિ તરફથી સમાચાર મળ્યા કે બાપુને કાવ્ય ગમ્યું હતું. કવિના ગયા પછી આ વાત બાપુએ કોઇને કરી પણ ખરી. વાત ત્યાંથી પૂરી થતી નથી. ગાંધીજી સ્થાપિત વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં પણ કવિની આ રચનાનો પછીથી સમાવેશ કરવામાં આવ્યો હતો. બાપુનો પ્રતિભાવ અને કવિની મુઝવણનો આ કિસ્સો જે તે સમયના માહોલની તથા તે માહોલ ઊભો કરી શકનાર દિગ્ગજ મહાનુભાવોની કોઇક અનેરી સમજણની સ્મૃતિ કરાવે છે. આ ઘટનાનો ઉલ્લેખ જાણીતા પત્રકાર તથા લેખક શ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ તેમના કૃષ્ણલાલ શ્રીધરાણી પરના પુસ્તકમાં કરેલો છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા સમર્થ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં ભાવનગરનું દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ગુજરાત વીદ્યાપીઠ તેમજ શાંતિનિકેતન જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. દેશનું એ સદ્દભાગ્ય રહેલું છે કે શિક્ષણની આવી સંસ્થાઓ દ્રષ્ટિવંત લોકોના પ્રયાસોને કારણે જે તે સમયે પાંગરી હતી. શાંતિનિકેતનમાં અભ્યાસ પૂરો કર્યા બાદ શ્રીધરાણી કવિગુરુ ટાગોરના આશીર્વાદ લેવા ગયા. શ્રીધરાણીના હીરને પારખીને ગુરુદેવે તેમના વિદેશ જઇને અભ્યાસ કરવાના કાર્ય માટે ભાવનગરના વિદ્યાપ્રીતિ ધરાવતા દીવાન સર પટ્ટણી પર ભલામણપત્ર લખી આપ્યો. ભાવનગર જેવા રાજ્યની ઉદારતા તથા પટ્ટણી સાહેબ જેવા વહીવટકર્તાની દીર્ઘદ્રષ્ટિને કારણે આવી મદદ થશેજ તેવી ખાતરી પત્ર લખનાર ગુરુદેવને તેમજ પત્રથી લાભાન્વીત થનાર કૃષ્ણલાલને હતી. થયું પણ એમજ. ભાવનગર રાજ્યની છાત્રવૃત્તિ મેળવીને કવિ અમેરીકા ગયા અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યો. કવિનો જન્મ સપ્ટેમ્બરની ૧૬મી તારીખે (૧૯૧૧) થયો હતો. તેથી સપ્ટેમ્બર માસમાં કવિનું વિશેષ સ્મરણ થાય છે.

દેશની તે સમયની સ્થિતિમાં આપણી માતાઓ – બહેનોએ અનેક પ્રસંગોએ પોતાના જીવથી પણ વહાલા સંતાનોને ગાંધીની હાકલને માન આપીને રાષ્ટ્રીય શિક્ષણ તેમજ રાષ્ટ્રીય જુવાળ તરફ ડગ ભરવા પ્રેરણા આપી. મહાસત્તા સામે લડવાના પરિણામો વિશે આવી માતાઓ માહિતગાર ન હોય તેમ બને નહિ. પરંતુ તેમને આવા કાર્યોમાં પોતાના પનોતા પુત્રો જોડાય તેમાંજ જીવનની  સાર્થકતા લાગતી હતી. આવા ઉમદા વિચારથીજ વિધવા માતાએ પુત્ર કૃષ્ણલાલને નાનાભાઇ ભટ્ટ સ્થાપિત દક્ષિણામૂર્તિમાં અભ્યાસ માટે દાખલ કર્યો. દક્ષિણામૂર્તિ અને નાનાભાઇના ઘડતરમાં શી મણા રહે ? કૃષ્ણલાલને દક્ષિણામૂર્તિમાં જાણે પોતાનું બીજુ ઘર મળી ગયું. કવિ પ્રહલાદ પારેખ તથા સતીષ કાલેલકર જેવા સહાધ્યાયીઓ મળ્યા. દક્ષિણામૂર્તિ પછી જીવનના બીજા તબક્કાના વર્ષોનું ઘડતર ગુજરાત વિદ્યાપીઠમાં થયું. પરંતુ આ તમામ સંસ્કારોના મૂળમાં કવિ-પત્રકાર શ્રીધરાણીને પોતાના દાદીમા પાસેથી નાનપણમાં સાંભળવા મળેલી અનેક કથાઓ તેમજ ઉદાહરણો હતા. શાળા કરતાં પણ વધારે શિક્ષણ તો આ ‘ઘરે બેઠા ગંગા’ ના પાવન સ્ત્રોતમાંથીજ મળ્યું તેમ તેઓ લખે પણ છે. આપણી આ દાદા-દાદી તથા શિશુ વચ્ચેના સંવાદની ઉજળી તથા જીવન ઘડતરમાં ઉપયોગી પ્રથા આજે કદાચ અલ્પમાત્રામાં જળવાઇ રહી હશે. તેના કારણો ગમે તે હોય પરંતુ તેની એક પૂરી ન શકાય તેવી ખોટ બાળકના સર્વાંગી વિકાસમાં રહી જાય છે. મા બાપ કે દાદા-દાદી સાથે બાળક કે કિશોરનો જીવંત સંવાદ રહ્યો હોત તો કદાચ ‘બ્લુ વ્હેલ ગેમ’ જેવી ભયાવહ બાબતનો આપણે સામનોકરવો પડ્યો નહોત. 

કવિને બાળવયમાં ઘરમાંથી તેમજ યુવાનીમાં ગાંધીજી – ગુરુદેવ તથા નાનાભાઇ જેવા આભ-ઊંચેરા મહામાનવીઓના સ્નેહ તથા પ્રેરણા મળ્યા છે. આથી જગતને સ્નેહ તથા સુંદરતા વહેંચવાની તેમની ઝંખના રહી છે.

મધમાખી તું તારા જેવી

મુજને મીઠી ખંત દે !

કોયલબહેની ! તારા જેવો

મીઠો મીઠો કંઠ દે !

વિશ્વતણો મધુકોશ ભરું

ચૌદ લોક ટહુકાર કરું !

કવિ દાંડીકૂચમાં સામેલ થયા. જેલની સજા ભોગવી. જેલવાસ પૂરો થયા પછી પણ મુક્તિ સંગ્રામમાં સતત સક્રિય રહ્યા. દાંડીકૂચના આ નવયુવાન યાત્રીએ દાંડીકૂચના મહાનાયક ગાંધીજીની ધરપકડ થઇ તેનો જે અહેવાલ લખ્યો તેમાં સાહિત્યકાર શ્રીધરાણીની ભીતરમાં રહેલા હોનહાર પત્રકાર શ્રીધરાણીના દર્શન થતા હતા.

૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક કવિના નામે જાહેર થયો. એવોર્ડની અર્પણવિધિ થાય તે પહેલા કવિએ અકાળે મહાપ્રયાણ કર્યું. કવિ વનપ્રવેશ પણ કર્યા પહેલા જગતને અલવિદા કરી ગયા. કવિ દેશ – વિદેશમાં વિચર્યા પરંતુ તેમનું જોડાણ તેઓ જીવ્યા ત્યાં સુધી જગતના દુખિયારાઓ સાથે રહ્યું. 

પૃથ્વી તણો દુ:ખિત પ્રાણ છેલ્લો,

ન મોક્ષના ઉંબર માંહી જ્યાં લગી,

દુખાર્ત સંગે બનું એક હું દુ:ખી,

ન મોક્ષનો લોભ શકે મને ઠગી !

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૨/૦૯/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑