જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીને કારણે આવેલું પરિવર્તન વિશ્વવ્યાપી છે. કદાચ તેના પ્રમાણમાં કે તેના ઉપયોગ અંગેની સજ્જતામાં વિવિધ પ્રદેશોમાં તફાવત જોવા મળે પરંતુ તેની અસર સાર્વત્રિક છે. જુન – જુલાઇની દઝાડતી ગરમીમાં વરસાદના બે – ચાર છાંટા પડે ન પડે ત્યાં સોસીયલ મીડીયા પરની ‘પોસ્ટ’ દ્વારા તેની સૌરભ ખૂણે ખૂણે પ્રસરી જાય છે. મોબાઇલની સાર્વત્રિકતાને કારણે માહિતીની આપ-લે એક રમત વાત બની રહી છે. અલબત્ત આ માહિતીની ગુણવત્તા કે વિશ્વસનિયતા એ અલગ રીતે ચકાસવો પડે તેવો વિષય છે એ વાત પણ એટલીજ મહત્વની છે. તેમ છતાં જેવું, જે સ્વરૂપે છે તેવાજ સ્વરૂપે શબ્દો કે કાવ્યપંક્તિઓ અથવા ફોટોગ્રાફ્સના સ્વરૂપે હસ્તાંતરણ એ આપણાં દૈનિક જીવનના ભાગરૂપ બની રહેલું છે. માહિતી વિસ્ફોટની આ સ્થિતિમાં આપણે તેનો કેટલો સદ્દઉપયોગ કરી શકીએ છીએ તે બાબત આપણી સામુહિક સમજ તથા સ્વસ્થતા પર અવલંબિત છે. ભૂતકાળમાં વિદેશમાં અભ્યાસ કે વ્યવસાય અર્થે ગયેલા સ્વજનના સામાચાર મેળવવા માટે તેના માતા-પિતા કે ભાઇ-બહેન આતુરતા તેમજ ઉત્સુકતાથી આવા સ્વજનના પત્રની રાહ જોઇને સમય વિતાવતા હતા. આવી રાહ જોવાની ક્ષણોને પણ જોકે પોતાનું સૌંદર્ય હતું. આવા ભાવની અભિવ્યક્તિ ધુમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં આબેહૂબ આલેખવામાં આવી છે. આજે સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. આજે તો લગ્નવિધિ કેલીફોર્નિયામાં ચાલતી હોય તો પણ લગ્નગીતો ગુજરાતના કોઇ ખૂણેથી ગાઇને તેની મીઠાશના સ્વર લગ્નવિધિના સ્થળે આંખના પલકારામાં પહોંચાડી શકાય છે.
દેશ આઝાદ થયો ત્યાં સુધી અને તે પછી પણ ઘણાં વર્ષો સુધી સરકારી ફાઇલોમાં સચવાયેલી બાબતો સામાન્ય જન સમૂહ સુધી સહેલાઇથી પહોંચી શકતી ન હતી. OFFICIAL SECRET ACT ની પકડને કારણે તંત્રને પણ માહિતી ગુપ્ત રાખવાના કેટલાક હક્ક કાયદાથી મળેલા હતા. સરકારી માહિતી લોકો સુધી સરળતાથી પહોંચવી જોઇએ કે નહિ તેની ચર્ચાઓ ઘણાં વર્ષો સુધી ચાલતી રહી. કેટલાક લોકોને આવી માહિતી જાહેર કરવામાં ભયસ્થાન દેખાતા હતા. સામાપક્ષે અન્ય લોકો એવા મતના હતા કે અંતે તો સરકાર કે તેનું વહીવટી તંત્ર એ જાહેર જનતાને જવાબદાર છે. વહીવટ ગણ્યાંગાંઠ્યા માણસો થકી ચાલતો રહે છે. સામાન્ય લોકો વહીવટની આંટીઘૂંટી સમજવાથી દૂર હોય છે. આવી સ્થિતિમાં નાગરિકોને સરકારના વહીવટની ગતિવિધિઓની માહિતી સરળતાથી મળવી જોઇએ તેવી બાબતનું સમર્થન જગતના ઘણાં જાગૃત નાગરિકોએ કર્યું. કેટલાક લોક સમૂહે સંયુક્ત રીતે પણ આ વાત શાસન સમક્ષ મજબૂતીથી રજૂ કરી. સરકારનો પ્રતિભાવ જ્યાં પ્રતિકૂળ જણાયો ત્યાં નાના મોટા આંદોલન કે ચળવળ પણ થયા. સરવાળે વિશ્વના મોટા ભાગની સરકારોને એ વાતની પ્રતિતિ થઇ કે નાગરિકોથી સરકારી તંત્ર તેમજ તેની ગતિવિધિઓની માહિતી ગુપ્ત રાખવાનો સમય પૂરો થયો છે. જન જાગૃતિની આ નૂતન ઉષાનો ઉદય એ વિશ્વના નાગરિકોનો મહત્વનો તથા પાયાનો નૈતિક વિજય છે. લોકોને સરકારની ફાઇલોમાં પૂરાયેલી માહિતી આપવા માટેની કાનૂની વ્યવસ્થા જગતના ઘણાં દેશોમાં પ્રસ્થાપિત કરવામાં આવી. આપણાં દેશમાં પણ ૨૦૦૫ ના વર્ષમાં ‘‘માહિતી અધિનિયમ ધારા’’ નું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું. આ કાયદો કેન્દ્ર સરકારને તથા જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્ય સરકારોને પણ લાગુ પાડવામાં આવ્યો. કાયદામાં નક્કી કરવામાં આવેલી બાબતો સિવાય તમામ સંગ્રહિત તથા ઉપલબ્ધ માહિતી મેળવવાનો હક્ક લોકોના હાથમાં મૂકવામાં આવ્યો છે. દરેક રાજ્ય સરકારોએ આ કાયદાના અસરકારક અમલ માટે નિયમો બનાવ્યા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ માહિતી આયોગોનું ગઠન કેન્દ્ર તથા રાજ્યકક્ષાએ કરવામાં આવેલું છે. આ રીતે કાયદાના અમલીકરણથી આપણાં દેશમાં પણ લોકોને જાહેર સત્તામંડળોની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ કાયદાના વાસ્તવિક તથા અસરકારક અમલીકરણ માટે સરકારી તંત્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ પ્રશંસનીય પ્રયાસ કરેલા છે. આ કાયદાની જોગવાઇઓનો LETTER AND SPIRIT થી અમલ કરવાના પ્રયાસો કરવા તે આપણી જવાબદારી બને છે. આ હેતુ સિધ્ધ કરવા તાલિમ તથા જાગૃતિ પ્રસરાવવાનું કામ મહત્વનું છે. તે દિશાના મજબૂત પ્રયાસો કાયદાના અમલીકરણ થકી ઇચ્છિત પરીણામો પ્રાપ્ત કરવામાં ઉપયોગી થઇ શકે છે. આ દિશામાં પણ નોંધપાત્ર પ્રયાસો થતાં જોવા મળે છે. પરીણામ સ્વરૂપે ઉત્તરોત્તર આપણે ‘જવાબદેહી તંત્ર’ ની દિશામાં મક્કમતાથી ગતિ કરી રહ્યા છીએ. કાયદાના વિશેષ અસરકારક અમલીકરણ માટે જાગૃતિપૂર્વકના તથા સતત પ્રયાસો એ પાયાની શરત છે. માહિતી અધિનિયમના અમલ પછી કેટલીક એવી વિગતો જનસામાન્યને પણ ઉપલબ્ધ થઇ શકે છે કે જેની કલ્પના પણ થોડા વર્ષો પહેલા કરવી મુશ્કેલ હતી. કેટલાક ઐતિહાસિક તથ્યોની વિગતો નાગરિકો સુધી પહોંચી શકી છે. નાગરિકોને મળી શકતા લાભો કે સવલતોની વિગતો જાહેરમાં મૂકવામાં આવી હોવાથી આવા યોજનાકીય લાભો નાગરિકોને વધારે સરળતાથી મળતા થયા છે. કોઇક સ્થળે કામકાજ નિયમ અનુસાર ન થતું હોય તો તેની અસરકારક ચેતવણી કે પ્રસિધ્ધિ પણ આ કાયદાના ઉપયોગ થકી કરવાનું હથિયાર નાગરિકોને ઉપલબ્ધ થયું છે.
વિવિધ ક્ષેત્રોની માહિતીનો અખૂટ સ્ત્રોત જ્યારે ઉપલબ્ધ થયો છે ત્યારે તેનો વિવેકસભર ઉપયોગ એ સમાજે કરવો રહ્યો. ગમે તેવા પાણીદાર અશ્વને પણ નિયંત્રણમાં રાખવાની તેમજ ઇચ્છિત દિશા તરફ દોરી જવાની જવાબદારી તો તેના અસવાર ઉપરજ રહે છે. જે માહિતીની આપ-લે કરવામાં આવે તેની ચોકસાઇ રાખવી આવશ્યક છે. કોઇ પણ પ્રકારની વિગત આપણાં સામાજિક સમરસતાના પ્રવાહને નુકસાન કરે નહિ તે જોવાની જવાબદારી દરેક જાગૃત નાગરિકની રહે છે. અભ્યાસુઓ – સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની દૂર સુદૂરની ક્ષિતિજો સર કરવા માટેનો આ અણમોલ અવસર છે. માહિતી પ્રસારના યુગ સંદેશને સતર્કતા તથા કાળજીથી વધાવી લેવાની તક આપણાં વિકાસને નૂતન દિશા-દશર્ન કરાવી શકે છે તે નિશ્ચિત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૧/૦૯/૨૦૧૭.
Leave a comment