કથા પરંપરા એ વિશ્વભરમાં એક અથવા બીજા સ્વરૂપે પ્રચલિત છે. માન્ય છે તથા સ્વીકૃત પણ છે. આપણાં દેશમાં તો આવી કથાઓના માધ્યમથીજ શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સમૂહ સુધી અસરકારકતાથી પહોંચી છે. અનેક સ્વનામ ધન્ય લોકોએ આવી શાસ્ત્રોક્ત વાતોનું ગૌરવ તેમજ ગરીમા જાળવીને બહોળા જન સમુદાય સુધી પહોંચાડી છે. આવી ઉજળી તથા પ્રસ્થાપિત પરંપરામાં પૂજ્ય મોરારીબાપુનું પણ એક ગૌરવભેર લઇ શકાય તેવું નામ છે. બાપુની કથામાં જે રીતે માનવ મહેરામણ દેશ તથા વિદેશની ભૂમિ પર આપમેળે ઉમટી પડે છે તે એક અસામાન્ય ઘટના છે. આ સંદર્ભમાં એક વિસ્મિત કરે તેવી બાબત એ બાપુના વિદેશની ભૂમિ પરના માનસગાન સબંધેની છે. સામાન્ય સંજોગોમાં જે ભૂમિ પર આ સ્વરૂપમાં તથા પ્રમાણમાં કથાઓ કહેવાતી કે સંભળાતી નથી ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બાપુની રામકથા ભાવથી અને શ્રધ્ધાથી સાંભળે છે. જે હોલમાં કથા કહેવાતી તથા સંભળાતી હોય ત્યાં આપોઆપ અને સહેજે એક મીની ભારતનું નિર્માણ આંખ સામે થતું જોવા મળે છે. આવો અનુભવ એ પણ એક અપ્રતિમ ઘટના છે. મોટી સંખ્યામાં કથા સાંભળવા આવતા તમામ વય જૂથના તથા અલગ અલગ વિસ્તારના લોકોને માનસગાનમાં તરોબળ થતાં ઓગસ્ટ-૨૦૧૭ માં લંડનમાં યોજાયેલી કથામાં જોયા ત્યારે આ કથા તેમજ કથાકારની અસાધારણ પકડનો સુખદ તેમજ ચિરસ્મરણિય અનુભવ થયો. લંડનની આ કથાની વ્યવસ્થા તેમજ યજમાન પરીવારની સ્નેહાળ સજ્જતા માટે તો અલગ પ્રકરણ લખીએ તો પણ ઓછું પડે તેમ છે.
બાપુની આ કથામાં સ્વાભાવિક રીતેજ શાસ્ત્રો અનુસાર કથાતત્વ તો હોય. કથાની આ વાતો દેશ કે વિદેશની ભૂમિ પરના ભારતીય મૂળના લોકોથી અજાણી પણ નથી. કથાની ઘટનાઓ – પ્રસંગો તેમજ પાત્રોથી લોક સુપરિચિત છે. આ સ્થિતિમાં પણ જે લોકો લાંબા સમયથી દેશની ભૂમિથી દૂર રહેલા છે તેમના મનમાં ઊંડે સુધી ધરબાયેલી દેશની મીઠી સ્મૃતિ જીવંત છે તેમ જોઇ શકાતું હતું. માત્ર સ્મૃતિ ઉપરાંત આ બધી કથાની વાતો સાથેનું તેમનું જોડાણ તેઓ અનુભવી શકે છે અને તે એક કથા શ્રવણ માટેનું ચાલક બળ બને છે. આ બળના કારણેજ તેઓ કથાસ્થળથી દૂર રહેતા હોય તો પણ નિયમિત રીતે કથા શ્રવણ માટે આવે છે. કાબુલીવાલાની જાણીતી વાતમાં જેમ નાયક વતનનો ઝૂરાપો અનુભવે છે તેમ અહીં પણ જોઇ શકાય છે. અનેક ભારતીય મૂળના કુટુંબો પોતાની ધરતીની સૌરભ પ્રસરાવે તેવી વાતો સમર્થ વક્તા પાસેથી સાંભળવા નાની મોટી અગવડો વેઠીને પણ આવે છે. બાપુની રામકથાનું શ્રવણ તેમને એક અનોખી તૃપ્તિનો અનુભવ કરાવે છે. આવો અનુભવ ત્યાં સહેજ વાત વાતમાં એક સ્નેહી મુરબ્બીજન પાસેથી સાંભળવા પણ મળ્યો. અહીં આવવાનો ઉલ્લાસ તેમની આંખો તેમજ વાણીમાંથી છલકાતો અનુભવી શકાય છે.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે આવી પ્રણાલિકાગત કથાઓમાં મુખ્યત્વે વયસ્ક લોકોનીજ હાજરી હોય છે. કિશોરો કે યુવાનો સામાન્ય રીતે આવા પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળે છે. બાપુની લંડનની રામકથામાં આ બાબતથી પણ લગભગ વિપરીત ચિત્ર જોવા મળ્યું. વયસ્ક નાગરિકોની હાજરી તો હતીજ પરંતુ મોટી સંખ્યામાં યુવક – યુવતીઓ પણ રામકથાનો લહાવો પૂર્ણ રસ દાખવીને લેતા હતા. યુવાનોનું આવું અનુસંધાન એ આપણી પોતાની ભૂમિ પર પણ નોંધપાત્ર ગણાય. જ્યારે અહીં તો નવી પેઢીનો એક નોંધપાત્ર ભાગ કથા સાથે પોતાનું અનુસંધાન જોડે ત્યારે મનોમન વિસ્મય થાય છે. બાપુની સંવાદથી ભરપુર ભાવવાહી શૈલી ઉપરાંત આ કોરી સ્લેટ જેવા યુવાનોની ઉત્સુક્તા પણ સલામ કરવાને પાત્ર છે. બાપુની કથામાં જે વ્યક્તિગત અને સામાજિક બાબતોની નિખાલસ અને સરળ ચર્ચા કરવામાં આવે છે તેનું કોઇ અનોખું આકર્ષણ આ યુવાનોને રહેતું હશે તેમ ચોક્કસ કહી શકાય. યુવાનોના માતાપિતાને તથા વડીલોને એક વાતની ઠોસ પ્રતિતિ છે અને તેની અંદરોઅંદર તથા આપણી સાથે તેઓ ચર્ચા પણ કરે છે. વડીલોને સતત એવું લાગે છે કે તેમના પુત્ર-પુત્રીઓ કે પૌત્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે તો તે તેમના હિતમાં છે. અહીં કે ત્યાં દરેક જગાએ અનેક સંજોગોને કારણે જે અજંપો છાને ખૂણે પણ જોવા મળે છે તેના ઉકેલ માટેની એક દિશા આ કથાની વાતો અને બાપુની તેના પરની ચર્ચામાં આ યુવાનો સ્પષ્ટ રીતે જોઇ શકે છે. આપણી સાથેની સામાન્ય ચર્ચામાં પણ તેઓ આ વાતની અભિવ્યક્તિ સહજતાથી કરતા રહે છે. આ એક એવી અસામાન્ય પ્રક્રિયા છે જેનું માપ ન નીકળે પરંતુ તેને ચોક્કસ અનુભવી શકાય. આજ રીતે અન્ય એક મહત્વની બાબત એ વિચારોની વિશાળતાને સંબંધિત છે. કોઇ એક સંપ્રદાયના કે પંથના વર્તુળની મર્યાદામાં રહીને જે વાત કરવામાં આવે છે તેનાથી જાણ્યે અજાણ્યે વિચારોનું એક બંધન મનના છાના ખૂણે પણ ઊભું થવા પામે છે. બાપુના વિચારોની ભવ્ય ઇમારત વિશાળતા અને ઉદારતાના પાયામાં ધરબાયેલી છે. સત્ય – પ્રેમ તથા કરુણાનો વિસ્તાર એ કોઇ વાડા કે પંથના બંધનમાં બંધાતો નથી. આ વિચારોમાં વિશ્વાનુભૂતિ તથા સકલાનુભૂતિ છે. એ રીતે પણ બાપુની આવી રામકથા એ સામાજિક ચેતનાને પ્રગટાવતી તેમજ સંકોરતી ઘટના છે. આપણી સંત પરંપરાના આવા ઉજળા પ્રયાસો થકી વિશાળ સમૂહની સામાજિક ચેતના વધતા ઓછા અંશે જાગૃત રહેવા પામી છે. હરતી ફરતી યુનિવર્સિટી જેવા આ સંતોને આથીજ તુલસીદાસજીએ જંગમ તીર્થ સમાન ગણેલા છે.
કથાગાનની આ પરંપરા આપણી અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર છે. મોરારીબાપુ ‘સ્વાન્ત: સુખાય’ આ ઉજળી પરંપરાને લોકહિતાર્થે નૂતન દિશા આપનાર સમર્થ વાહક છે. કથાગાનની અમૂલ્ય વાતો ગંગાસતી કહે છે તેમ ‘વિજળીના ચમકારે’ હૈયામાં ઉતારવા જેવી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૧/૦૯/૨૦૧૭.
Leave a comment