વૃધ્ધાવસ્થા તથા મૃત્યુ એ લગભગ દરેક માનવીના જીવનની અનિવાર્ય ઘટના છે. આથી સંત પૂજ્ય મોટાના જીવનમાં પણ આ પૃથ્વી પરથી વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. પરંતુ આ સંત જૂદી માટીથી ઘડાયેલા હતા. શરીરની વઘતી જતી વ્યાધિઓની વચ્ચે એક દિવસ રાત્રે તેમણે શારીરિક પીડાને ગણકાર્યા સિવાય કેટલાક શબ્દો લખવાની શરૂઆત કરી. માનવ માત્રના ચિત્તને ઉજાગર કરે તેવા આ શબ્દો છે. સંત લખે છે :
‘‘ હું ચુનીલાલ આશારામ ભગત ઉર્ફે મોટા
રહેવાસી હરિઓમ આશ્રમ નડિયાદ:
આથી જણાવું છું કે:
મારી રાજીખુશીથી, મારી પોતાની મેળે મારા જડ દેહને છોડવા ઇચ્છું છું. આ દેહ ઘણાં રોગથી ઘેરાયેલો છે. લોકકલ્યાણના કામમાં આવે તેમ નથી. રોગો મટવાની આશા પણ નથી. આથી આનંદપૂર્વક શરીર છોડવું તે ઉત્તમ છે… મારા શરીરનો અગ્નિસંસ્કાર શાંત જગાએ, મૃત્યુસ્થળની નજીકમાં કરવો. તે પણ આપ છ જણની હાજરીમાં જ કરવો. ઘણાં માણસો ભેગા કરવા નહિ- તેમ ફરમાવું છું. મારા અસ્થિને નદીમાં પઘરાવી દેવા. મારા નામનું ઇંટ-ચૂનાનું કોઇ સ્મારક કરવું નહિ. મારા મૃત્યુ નિમિત્તે જે કંઇ ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો. ’’ (જુલાઇ- ૧૯૭૬)
આપણા સંતોની ઉજળી પરંપરામાં આપણી શ્રધ્ધા અકબંધ રહી છે. તેની પાછળ પૂ. મોટા જેવા સંતોની જીવન સાધના હશેજ તેમ જરૂર કહી શકાય. સાંપ્રતકાળમાં જ્યારે કેટલાક કહેવાતા ‘મહારાજો’ કે ‘બાબાઓ’ ના જીવન-વાણી તેમજ વ્યવહારને લઇને સમાજ જીવન ડહોળાયું છે ત્યારે પૂજ્ય મોટાનું જીવન આપણાંમાં શ્રધ્ધા તથા આશાના નવલા કીરણ પ્રગટાવે છે. આવા સંતોએ જીવી જાણ્યું તથા મોતને પણ ઉજાળીને ગયા. પૂ. મોટાએ સહેજ પણ ઇચ્છા વ્યક્ત કરી હોત તો હજારો ભક્તોની માનવમેદની તેમની અંતિમક્રિયામાં ઉપસ્થિત રહી હોત તથા તેમનો ગગનભેદી જય-જયકાર કર્યો હોત. સંતને આ વાત મંજૂર ન હતી. વૃક્ષ પરથી કુદરતના ક્રમ અનુસાર સહેજે ખરી જતાં પર્ણની જેમ પૂજ્યા મોટાએ આલોકનો ત્યાગ કર્યો. જય-જયકારની એષણા એ પણ સંત માટે બાધ્ય છે તે વાત સહેજમાં સમજાવીને ગયા. એજ રીતે પૂજ્ય મોટાએ ઇચ્છા રાખી હોત તો તેમના અનેક ઇંટ-ચૂનાના સ્મારક ઊભા થયા હોત. પૂજ્ય મોટાનું નામાભિધાન ત્યાં થયુ હોત. તેમના ફોટા પણ આવા ભવ્ય સ્મારકોમાં મૂકાયા હોત. આવી મહેચ્છનો પણ જાગૃતિપૂર્વક ત્યાગ ! આથી ઇંટ-ચૂનાના સ્મારકોના આધારે ટકી રહેલા લોકોના નામ કદાચ સ્મૃતિ શેષ થશે પરંતુ પૂ. મોટા અનેક સજ્જનો-ભક્તોના હ્રદયમાં સ્થાયી સ્મારક થઇને જીવતાં અને મહેકતા રહેશે. દૂર સુદૂરના ગામડાઓની પ્રાથમિક શાળાઓના ઓરડાનું કવચ બનીને આ સંત કુમળા બાળકોનું અવિરત રક્ષણ તથા પોષણ કરતા રહશે. એક જગાએ આથીજ શ્રીમોટાએ લખ્યું છે : ‘‘ હું સર્વત્ર વિદ્યમાન છું ’’ શિષ્યોની વણઝાર ઊભી કરવાની એષણા પણ આ સંતથી જોજનો દૂર રહી. લખે છે : હું કોઇને શિષ્ય બનાવતો નથી. ’’ ૧૯૩૦ થી ૧૯૩૨ દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક તથા ચરવડાની જેલમાં રહ્યા. વીસાપુર જેલમાં પણ સરળ ભાષામાં શ્રીમદ્દ ભગવદ્દગીતાનું વિવરણ ‘જીવનગીતા’ નામથી લખ્યું. જીવનના એક મહત્વના ધ્યેય તરીકે દલિતોની સેવાના અનેક કાર્યો કર્યા. દરેકને ‘સ્વ’ ની ઓળખ થઇ શકે તે માટે મૌનમંદિરનો અસરકારક આધ્યાત્મિક પ્રયોગ શ્રીમોટાએ કરી બતાવ્યો તેમના આશ્રમોમાં મૌનમંદિરોની પ્રતિષ્ઠા થઇ. જીવનમાં પોતે પણ કઠીન સાધના કરી તેમજ સમાજને સાધના પંથનું દર્શન કરાવ્યું. ખરા અર્થમાં લોકોપયોગી જીવન જીવનાર શ્રીમોટા લખે છે :
જીવને ઉપયોગી હું
જેને તેને થવા મથ્યો
સામા પક્ષની ના કોઇ
અપેક્ષા દિલ રાખી છે
આવવા ખપ જે તેના
સતત યત્ન તો હતો
પછી તો પ્રભુપ્રીત્યર્થે જે તે
સર્વે કર્યે જતો.
જેણે ઠીક-અઠીકની વ્યવસ્થા જગત નિધંતા કરે છે તેવો દૃઢ વિશ્વાસ શ્વાસોશ્વાસની સાથે ધારણ કર્યો છે તેવા સંત જ જીવનની છેલ્લી ક્ષણો પૂ. મોટા જેવી નિસ્પૃહી વૃત્તિથી વધાવી શકે. માતૃ સ્વરૂપા મહી નદીના કીનારે મોટાએ પોતાનું જીવનકાર્ય સંકેલી લીધું.
સપ્ટેમ્બર માસમાં પૂ. મોટાની વિશેષ સ્મૃતિ થાય છે. પૂ. મોટાનો જન્મ સપ્ટેમ્બર-૧૮૯૮ માં સાવલી (જિ.વડોદરા)માં થયો હતો. તેમનું સંસારી નામ ચૂનીલાલ હતું. એક સદી પહેલા જગતમાં આવીને આ દ્રષ્ટિવાન સંત શ્રધ્ધા – ભક્તિ તથા વ્યવહારજીવનમાં નવા ચીલા પાડીને ગયા. લોકહિતના અનેક કાર્યોનું બીજ વાવીને તેઓ ગયા. હરિઓમ આશ્રમની પ્રવૃત્તિઓથી આવા કાર્યો વટવૃક્ષની જેમ ફાલ્યા, ફૂલ્યા અને વિસ્તર્યા છે. સુવિખ્યાત ચિંતક તથા વિચારક વિદુષિ વિમલા ઠકારે લખ્યું છે કે શ્રી મોટાને મળવાનું થાય ત્યારે તેઓ હંમેશા લાગણી સભર થઇને કહેતા કે આગલો જન્મ તેઓ સ્ત્રી દેહમાં લેવા માંગે છે. તેનું કારણ એટલું જ કે સ્ત્રીદેહમાં નિર્દોષ તેમજ સંપૂર્ણ પ્રેમની પ્રતીતિ સંભવી શકે છે. પૂ. મોટાની સ્મૃતિને વંદન કરવાનો આ અવસર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment