: વાટે…ઘાટે.. : : સ્મરણમાં સચવાઈ રહે તેવું તેજોમય જીવન : મસ્તકવિ :

શોભના સાથે લગ્ન કર્યા બાદ રાજવી કવિ કલાપી હવા ખવાના સ્થળે ફરવા ગયેલા. શોભનાને ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવા ગ્રંથોનો પરિચય-અભ્યાસ થાય તેવા હેતુથી રાજવીએ આ કાર્ય કરવા માટે મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી) ને વિનંતી કરી હતી. કવિ પોતાની મોજના માલિક હતા. બંધનોમાં બંધાવાનું મસ્તકવિને ફાવે તેમ ન હતું. રાજવી તરફની મીત્રતાને કારણે પ્રવાસમાં જોડાવાનું તેમજ શોભનાને જ્ઞાન આપવાનું કામ તેમણે સ્વીકાર્યું હતું.

આ પ્રવાસ દરમિયાનનો એક પ્રસંગ નોંધાયો છે જે ફરી ફરી યાદ આવે તેવો છે. પ્રવાસ દરમિયાન એક દિવસ કવિ પોતાની મસ્તીમાં આરામખુરશીમાં બેઠા હતા. આ સમયે શોભના હાથમાં ઉત્તરરામચરિત લઈને અભ્યાસ કરવા આવ્યા. મસ્તકવિએ બીડેલી આંખો ઉઘાડી ત્યારે શોભનાએ સહસાજ પૂછ્યું: ‘‘ગુરુજી ‘‘ હું કેવી લાગું છું ?’’ આ પ્રશ્ન સાંભળતા જ ગુરુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. થપ્પડ મારી દેવા હાથ ઉગામ્યા અને તાડૂકીને કહે: ‘‘કહું કેવી લાગે છે ?’’ શોભનાને ધ્રાસકો પડ્યો. કવિએ એટલામાં જ ગુસ્સા સાથે બૂમ પાડી: ‘‘ ઠાકોર !’’ કલાપી સ્નાન કરતા હતા ત્યાં જ કવિના અવાજમાં રહેતા ભાવેને પારખીને સત્વરે હાજર થયા. રાજવી આવ્યા એટલે કવિ કહે: ‘‘હું જાઉં છું.’’ રાજવીએ આશ્ચર્ય સાથે પૂછ્યું: ‘‘કેમ?’’ કવિ તરત જ કહે છે: ‘‘તમારી આ સ્ત્રીને પૂછો. હું એનો ગુરુ છું. મોટેરો છું. મને પૂછે છે: ‘‘ કેવી લાગું છું? ’’ મારે તેને ભણાવવી નથી. તમારી સાથે રહેવું પણ નથી.’’ પોતાનો થેલો ખભે લગાડીને તરત જ કવિ ચાલતા થયા. કલાપીએ રોકવા માટે પ્રયાસ કર્યા. વિનંતી કરી. પરંતુ માને તો મસ્ત કવિ શેના? વહેતા વાયરાને કયાં કોઈ રોકી શકે છે ? સરીતાના વહી જતા પ્રવાહને કોણ ખાળી શકે ? પોતાની રીતે જીવવા માટે કવિ સ્વમાનના શ્વાસ લેતા હતા અને જીવતા હતા. નાની સરખી પણ અણગમતી વાત સાખી લેવાનો મસ્તકવિનો મીજાજ ન હતો. સવલત કે નાના-મોટા સ્વાર્થ સંતોષવા માટે સંબંધ જાળવવાનું આ કવિના લોહીમાં ન હતું. કવિ મહુવા (જી. ભાવનગર) પહોંચ્યા. શાણા મિત્ર અને રાજવી કલાપીએ રૂપિયા પચીસનું મનીઓર્ડર કર્યું અને એક પત્ર લખ્યો. પત્રના દરેક શબ્દમાં રાજવીની ગરવાઈ ટપકતી હતી: 

‘‘ તમે મારી વિનંતીથી મારા કામે સાથે આવેલા. આથી આપનો જવા- આવવાનો ખર્ચ મારે ભોગવવો જોઈએ. ગુરુજીએ (શાસ્ત્રી પ્રભુલાલ મહારાજ) એક શ્લોક સમજાવ્યો છે. તેમાં કહેલું છે કે એક મિત્રે બીજા મિત્રને સન્માર્ગે દોરવો જોઈએ. ખોટું કામ થતું હોય તો બચાવવો જોઈએ. મિત્રને છોડી ન દેવો જોઈએ. તમે તો શોભનાની ભૂલ જોઈને નાસી ગયા ! એવું ન હોય. ભલા થઈ આ મની ઓર્ડરનો સ્વીકાર કરશો. ઉપરાંત તમને સંતોષ થાય તેવા અમને બન્નેને (કલાપી તથા શોભના) બનાવવા માટે અમારી સાથે રહેવું જોઈએ.. તમારી પ્રતિક્ષા કરું છું..’’ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે કવિ લાઠી જઈને મિત્ર રાજવીને સ્નેહપૂર્વક ભેટી પડ્યા! બન્નેનો સ્નેહ સંબંધ આજીવન રહેલો હતો.

શાસક કે ધનપતીની કૃત્રિમ પ્રશંસા કરતા ઘણાં કિસ્સા આપણે જોયા હશે. આજે પણ આવી બાબતની અનુભૂતિ થયા કરે છે. પરંતુ આપણો ઈતિહાસ ઉપર જણાવ્યું છે તેવા કેટલાક તેજપુંજ સમાન ભૂદેવ, ચારણ-કવિઓ તેમજ કલાકારોથી પણ ગૌરવાન્વીત થયેલો છે. સત્યને પણ ધારદાર રીતે કહેવાનો આ અનોખો અંદાઝ હતો. ટૂંકા સ્વાર્થની તેમાં લેશમાત્ર પરવા ન હતી. નુક્શાન સહન કરવાના ભોગે પણ સત્ય સંભળાવવાની તેમાં શક્તિ હતી. આવી ‘વિકર્ણ વૃત્તિ’ આથમી ગઈ નથી તેમ કોઈ કોઈ પ્રસંગ જોતાં હજુ પણ અનુભવી શકાય છે. આવી શક્તિ જ સમાજને સન્માર્ગે દોરવામાં ઉપયોગી થાય છે. મસ્ત કવિ એ આવી ઉજળી વૃત્તિના માલિક હતા. સત્ય સંભળાવીને જેઓ આ ધરતી પરથી વિદાય થયા છે તેમને જગત કદી ભૂલી જતું નથી. માનવીય ગૌરવની અનુભૂતિ આવા મરજીવાઓના જીવન પ્રસંગો થકી થતી રહે છે.

મસ્ત કવિના જીવનના આવા પ્રસંગો આપણાં સુધી સર્જક મુકુન્દરાય પારામર્શ થકી પહોંચ્યા છે. આવી ધારદાર તથા વિસ્મિત કરે તેવી સત્યકથાઓ લખીને મુકુન્દરાય આપણાં પર રુણ ચડાવી ગયા છે. કવિનો જન્મ ૨૩ સપ્ટેંબર ૧૮૬૫ ના રોજ થયો હતો. આથી સપ્ટેંબરમાં કવિની સ્મૃતિ વિશેષ થાય તે સ્વાભાવિક છે.

કલાપીએ ભાવનગર મહારાજા ભાવસિંહજીને લખેલું કે મસ્તકવિના મિત્ર હોવું એ પણ ગૌરવની વાત છે. લાઠીના આ રાજવી કવિની કેવી શુભદ્રષ્ટિ હશે ? મસ્તકવિને સૌથી મોટો આઘાત કલાપી તથા કવિ કાન્તની વિદાયનો હતો. મહાકવિ નાનાલાલે લખ્યું છે કે કલાપીની ચિર વિદાયથી આ કેશરી (મસ્તકવિ) નું કાળજુ વિંધાયું હતું. કવિના ભાઈ હરગોવિંદ પ્રેમશંકર પણ એક સમર્થ કવિ હતા. મહારાજા ભાવસિંહજીના નિધન પછી ભાવનગર રાજ્યનું પેન્શન કવિને મળતું હતું. તે બંધ થયેલું સર પટ્ટણીના આદેશથી પેન્શન કવિશ્રીને ફરી મળતું થયું હતું. પટ્ટણી સાહેબ પણ હીરા પારખું ઝવેરી સમાન હતા તેથી આ શક્ય બની શકેલું. 

રાજકોટ ઠાકોર લાખાજી રાજના નિમંત્રણથી કવિ રાજકોટ ગયાં. રાજકોટમાં જ હ્રદયરોગના ભારે હુમલાથી છેલ્લાં શ્વાસ લીધાં. કવિ જેવું ઉજળું જીવન જીવ્યા તેવા જ ઉજળાં મોતને વર્યા. સામાન્ય રીતે આજના સંજોગો તથા બદલાતા સંદર્ભોમાં મસ્તકવિ જેવું જીવન જીવનાર લોકો ઓછા હોય તેમ બને પરંતુ ધરતી એ ‘બહુરત્ના વસુંધરા’ હોવાથી આવા ભાગ્યે જ જોવા મળતા અસ્તિત્વ નામશેષ થતા નથી. કુદરત પણ આવા વ્યક્તિઓ મારફત જ પોતાની ભવ્યતા અને વિશાળતાના દર્શન કરાવે છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑