બે જૂના મિત્રો વાતચીત કરે છે અને બાર વર્ષના નારાયણ દેસાઇ ધ્યાનથી સાંભળે છે. સંવાદ કરનાર વ્યક્તિઓ ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઇ અને વૈકુંઠભાઇ મહેતા (ભાવનગર) છે. વૈકુંઠભાઇ ઉત્સુકતાથી મિત્ર મહાદેવને પૂછે છે :
‘‘ મહાદેવ, બાપુ જવાહરને પોતાના વારસ કહે છે તેમાં હું એટલું સમજુ છું કે જવાહર બાપુના રાજનૈતિક વારસ છે. પણ બાપુનું જીવન એ કંઇ એકલું રાજકારણ નથી. બાપુનું આધ્યાત્મ ક્ષેત્રમાં પણ મોટું પ્રદાન છે. બાપુના આધ્યાત્મિક વારસ કોણ ? ’’
મહાદેવભાઇ મિત્રની ઉત્સુકતા સંતોષવા માટે તત્ક્ષણ જવાબ આપે છે. જવાબ કાન માંડીને સાંભળવા જેવો છે.
મહાદેવભાઇ કહે છે : ‘‘ કોઇ મને ઊંઘમાંથી ઉઠાડીને પણ આ પ્રશ્ન પૂછે તો હું ખંચકાયા વિના જવાબ આપું. વિનોબા ’’
વિચારપૂર્વકના પ્રશ્નનો અર્થસભર જવાબ. વિરાટ વ્યક્તિત્વના સ્વામી વિનોબાએ ગાંધી વિચારને અનુસરીને ગાંધીના કેટલાયે અપૂર્ણ રહેલા કાર્યોને તેના અંતિમ ધ્યેય તરફ ગતિ આપી. સ્વતંત્ર ભારત દેશની ચૂંટાયેલી સરકાર દિલ્હીની ભવ્ય મહેલાતોમાં બેસતી હતી. પરંતુ ‘ગાંધી વિચારોની સરકાર’ વિનોબાજીના સ્વરૂપે દેહ ધારણ કરીને દેશના ખૂણે ખૂણે પરિભ્રમણ કરતી હતી. ગાંધી વિચાર અને વિનોબાની આવી ઐતિહાસિક પદયાત્રાઓને પ્રચંડ જનપ્રતિસાદ મળતો હતો. જયપ્રકાશ નારાયણ અને દાદા ધર્માધિકારી જેવા વિચારશીલ લોકો આ સિવાય વિનોબાના કાફલામાં જોડાયા ન હોત. દેશના અનેક લોકોના હ્રદય પર વિનોબાજીનું પ્રેમાળ વ્યક્તિત્વ શાસન કરતું હતું. બાબા કહેતા હતા : ‘‘ મારી જિંદગીના બધાં કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે. ’’ બાબાનો સંદેશ તથા ભૂદાનયજ્ઞનું ઠોસકામ સમાજની સમરસતા ઊભી કરવામાં કારણભૂત બન્યું હતું. બદલાતા સમયમાં માનવમૂલ્યોના જતન માટેની બાબાની આ પહેલ હતી.
થંભી જાઓ તલવારીઆ !
કાં તલવાર સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણીએ
દાતરડાં નિપજાવો…
અલેકીઓ માગવા આવ્યો રે
આ તો દેશ દખણનો બાવો
નથી ભાળ્યો કદી આવો !
કવિ કાગ કહે છે કે આ વિનોબા જેવા ‘‘બાવા’’ અમે અગાઉ જોયા નથી. એક વ્યક્તિના પુરુષાર્થની આ ગંગોત્રીએ વિશાળ સરીતા સ્વરૂપે ફેલાઇને માનવ કલ્યાણના શ્રેષ્ઠ કાર્યો અનાસક્ત ભાવે તથા વ્યાપક સ્વરૂપે કર્યા છે. વિનોબાજીનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ ના રોજ થયો હતો. આથી આ માસમાં બાબાની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે.
ગાંધીજીની વિદાય પછી તેમના વિચારો અનુસાર અનેક કાર્યો વિનોબાજીએ કપરા સંજોગોમાં પણ કર્યાં તે જાણીતો ઇતિહાસ છે. ૧૯૫૧થી ભૂમિહીનો માટે ભૂમિદાન માંગવું શરુ કર્યુ. ભૂમિદાનના આ વિચારમાંજ નકસલવાદ જેવી પ્રવૃત્તિને ઊભી થતા પહેલાજ રોકવાની શક્તિ હતી. લગભગ ૧૩ વર્ષ સુધી સતત પગપાળા ભ્રમણ કરીને લાખો એકર ભૂમિ દાનમાં મેળવીને ભૂમિહીનોને આપી. જેમની પાસે જમીન નથી તેમને જમીન તથા પરિશ્રમ સાથે જોડીને તેમણે માન્યામાં ન આવે તેવું અસાધારણ યજ્ઞકાર્ય કર્યુ. વિનોબાજીના આ યજ્ઞમાં ગુજરાતે પણ ગણનાપાત્ર આહૂતિ આપી. ‘‘ઘસાઇને ઉજળા થવામાં’’ માનનારા રવિશંકર મહારાજના તેમજ અન્ય ભૂદાન કાર્યકરોની નિષ્ઠા તથા મહેનતનું પરિણામ વાસ્તવિક રૂપે જોવા મળ્યું. ભૂદાન યજ્ઞમાં ગુજરાતનું યોગદાન એ પણ એક ગૌરવભેર લખી શકાય તેવો ઇતિહાસ છે.
વિનોબાજીના અનેક અવિસ્મરણિય કાર્યોમાં તેમના ભગવદ્ ગીતા પરના પ્રવચનો અગ્રસ્થાને છે. વિનોબાજી ધુળિયા જેલમાં ૧૯૩૨માં હતા ત્યારે ગીતાના દરેક ભાગને આવરી લઇને જેલના સાથીઓ સમક્ષ પ્રવચનો કર્યા. સાને ગુરુજીએ આ પ્રવચનો લિપિબદ્ધ કર્યા. ભગવદ્દ ગીતાનું મૌલિક વિચાર વિવરણ વિનોબાજીએ કુશળતાપૂર્વક કર્યુ. વર્ષો પહેલાં બાળપણમાં પોતાની માતાને આપેલા વચનને પણ વિનોબાજીએ પાળી બતાવ્યું. વિનોબાજી નાના હતા ત્યારે તેમના બા રોજ કથા સાંભળવા જતાં. એકવાર સંસ્કારમૂર્તિ સમાન માતાએ પુત્રને કહયું કે ગીતા સંસ્કૃતમાં છે તેથી તે સમજવામાં સંસ્કૃતની જાણકારી ન હોય તેને તકલીફ પડે છે. આથી માતાએ પ્રતાપી પુત્રની શક્તિને પારખીને જણાવ્યું: ‘‘તું જ કેમ ગીતાનો અનુવાદ નથી કરતો ? તું આ કામ કરી શકે તેમ છે.’’ માતાની ચિર વિદાય પછી એક દસકા બાદ વિનોબાજીએ માતાના આગ્રહને હૈયે ધરીને ગીતાઇની રચના કરી. ગીતાઇ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી મરાઠી અનુવાદ. નામ પણ સુંદર તથા અર્થપૂર્ણ આપ્યું. ગીતા=ગીતા + આઇ. માતાને મરાઠીમાં આઇ કહે છે. આપણે ત્યાં પણ માતા માટે ‘આઇ’ શબ્દ જાણીતો બન્યો છે. વિનોબાજી લખે છે કે મા શબ્દના બધા ભાવ તેમને ગીતામાં જોવા મળેલા છે. માતાના પુણ્ય સ્મરણમાં ગીતા માતાનું ગાન એ વિનોબાજીની સમાજને મળેલી અમૂલ્ય ભેટ છે. વિનોબાજીએ મરાઠીમાં લખેલા સુંદર શબ્દોનો ગુજરાતી અનુવાદ પણ વાંચવો- સાંભળવો ગમે તેવો છે.
ગીતાઇ મારી મા
તેનો હું બાળ અબોધ
પડું છું, રડું છું ઊંચકીને તે
ખોળામાં લઇ લે છે.
ભગવદ્દ ગીતાની જેમ વેદ-ઉપનિષદો તથા કુરાને શરીફનુ અધ્યયન પણ વિનોબાજીએ ઊંડાણથી કર્યું. વિનોબજીનું જીવન એ અસાધારણ બુદ્ધિપ્રતિભા તથા સાતત્યપૂર્ણ અધ્યયનશીલતાનુ ઉજળું તથા પ્રેરણાદાયક ઉદાહરણ છે. વિનોબાજી કહે છે કે પચાસ વર્ષ સુધી તેમણે વેદોનું અધ્યયન કર્યુ. ચાર-સાડા ચાર હજાર શ્લોકનો તો તેઓ મુખપાઠ કરી શકતા હતા. ગાંધીયુગના વિનોબાજી જેવા ૠષિતુલ્ય માનવીઓના જીવનનું જ્ઞાન તેમના આચરણ તથા કર્મોમાં જોઇ શકાતું હતું. વિનોબાજીએ અનેક સમયે આ વાત સ્પષ્ટ પણ કરી છે. તેઓ કહેતા કે પાણીમાં જેમ હાઇડ્રોજન તથા ઓક્સિજન હોય છે તેમજ જીવનમાં પણ વિચાર (ચિંતન) તથા કાર્ય (action) બન્નેનું સરખુંજ મહત્વ છે. સ્વાધ્યાયના અભાવે દૃષ્ટિ નિસ્તેજ તથા છીછરી બની રહે છે તેવી વિનોબાજીની વાત સાંપ્રતકાળે પણ કેટલી મહત્વની તથા દિશાસૂચક લાગે છે ! આથી જ વિનોબાજી માટે આચાર્ય શબ્દ યથાસ્થાને છે. આચાર્ય તરફથી દિશાદર્શન થયેલું છે તે માર્ગે ડગલા માંડવાની ફરજ આપણી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૯/૦૮/૨૦૧૭.
Leave a comment