: ક્ષણના ચણીબોર : : ડૉ. વિક્રમ સારાભાઈ આપણું ગૌરવ :

કેટલાક કુટુંબો તથા અમૂક વ્યક્તિઓ એવી હોય છે કે તેમની ઉપસ્થિતિને કારણે તેઓ જ્યાં વસતા હોય તે નગરની શોભા વધે છે. આવા લોકોનું યોગદાન ઈતિહાસમાં ઉજળા અક્ષરોથી લખાય છે. ‘નદીની રેતમાં રમતાં નગર’ અમદાવાદે આવા અનેક લોકોની ભેટ દેશને કે સમગ્ર વિશ્વને આપી છે. સારાભાઈ કુટુંબના ડૉ. વિક્રમ સારાભાઈ એ આવા જ એક પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ ધરાવતા માનવી છે. અંબાલાલ સારાભાઈના કુટુંબની સુવિખ્યાત મહેમાનનવાઝીને  કારણે દેશના અનેક દિગ્ગજ વ્યક્તિઓ તેમના મહેમાન બનતા હતા. દેશભરમાંથી અનેક મહાનુભાવોને અમદાવાદના સારાભાઇ કુટુમ્બના મહેમાન થવાનું ગમતું હતું. ૧૯૨૪ માં ગુરૂદેવ ટાગોર સારાભાઇ કુટુમ્બના મહેમાન થયેલા. તે વખતનો એક પ્રસંગ નોંધાયો છે. યજમાન અંબાલાલભાઇના પાંચ વર્ષના પુત્ર વિક્રમને જોઇને કહ્યું : ‘‘ આ બાળક અસાધારણ મેઘાસંપન્ન છે.’’ ગુરૂદેવની ભવિષ્યવાણી સાચી પડી. ડૉ. વિક્રમ સારાભાઇમાં સમગ્ર વિશ્વને એક હોનહાર વૈજ્ઞાનિકના દર્શન થયા. પરિવારમાં આવા મોંઘેરા મહેમાનોના સંપર્કથી બાળક તથા કિશોર વિક્રમનું ઘડતર થયું. આ શ્રેષ્ઠિ પરંપરાના કુટુમ્બમાં આવતા મહેમાનોના ઉજળા જીવનમાંથી વિક્રમભાઇને સતત પ્રેરણા મળતી રહી. આ અતિથિઓમાં ડૉ. સી. વી. રામન, જગદીશચંદ્ર બોઝ, ચિત્તરંજન દાસ તથા કાકાસાહેબ કાલેલકર જેવા મહાનુભાવોનો સમાવેશ થતો હતો. પંડિત નહેરૂ સાથે પણ આ કુટુમ્બને એટલોજ ધરોબો હતો. આઝાદી મળી તે પહેલાના કાળમાં નજર દોડાવીએ તો ગાંધી યુગની આ આકાશગંગામાં અનેક તેજસ્વી તારકોનું દર્શન થાય છે.  જાણીતા શ્રેષ્ઠિ અંબાલાલ સારાભાઈ આવી આકાશગંગાના જ એક ઝળહળતા સીતારા સમાન હતા. ૧૯૧૯ ની ૧૨મી ઓગસ્ટે ડૉ. વિક્રમ સારાભાઇનો જન્મ થયો. આથી ઓગસ્ટ માસમાં તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને અનેક લોકો – સંસ્થાઓ આદર સાથે તેમને યાદ કરે છે. 

કુટુંબ પ્રથાનો જે વિકાસ આપણાં સમાજમાં થયો તેનો મોટો ફાયદો વ્યક્તિગત તેમજ સામુહિક રીતે સૌને થયો છે. તેનું એક મૂલ્ય હતું. સંયુક્ત કુટુંબ પ્રથાનો જે વિચ્છેદ આપણે ત્યાં જીવનશૈલિમાં બદલાવ આવતા થયો તેના કેટલાક માઠા પરિણામો પણ ભોગવવા મળ્યા છે. સંયુક્ત કુટુંબ પ્રથામાં દરેક સભ્યને એકબીજાની હૂંફ રહેતી હતી. વિક્રમભાઇના પિતા અંબાલાલ સારાભાઇ માત્ર પાંચ જ વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થયેલું. પરંતુ અંબાલાલભાઇના કાકા ચીમનલાલભાઇએ બાળકોની માવજત તેમને પિતાતુલ્ય વાત્સલ્ય આપીને કરી. બાળકોને શ્રેષ્ઠ કેળવણી તથા સંસ્કાર મળે તેવી વ્યવસ્થા તો ગોઠવીજ પરંતુ તેમની અઢળક સંપત્તિનું પણ કાળજીપૂર્વક જતન કર્યું. બાળકોમાં આ સંસ્કાર સ્વાભાવિક રીતેજ રેડાયા. અંબાલાલભાઇના બહેન અનસૂયાબહેન પણ ગર્ભશ્રીમંત તથા મિલોના માલિકના દીકરી હોવા છતાં તેમના હૈયામાં મજૂરો તરફ અપાર ભાવ હતો. મજૂરોના પ્રશ્ને તેઓ ખૂબજ સંવેદનશીલ હતા. મજુરોના હિતના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ગાંધીજીએ અમદાવાદમાં લડતનો પ્રારંભ કર્યો. અનસુયાબહેન મજુરોનો પક્ષ લઈને ગાંધીજી સાથે ઊભા રહ્યા તે એક ઐતિહાસિક ઘટના છે. શિક્ષણ આ કુટુંબની અગ્રતાનો વિષય હતો. ડૉ. વિક્રમ પણ અમદાવાદની સુપ્રસિધ્ધ ગુજરાત કોલેજમાં ભણ્યા બાદ ઈંગ્લેંડ જઇને ભણેલાં હતા. બેંગલોરમાં પણ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ભણ્યાં અને અહીંજ તેઓ સર સી. વી. રામનના પરિચયમાં આવ્યા હતા. ડૉ. હોમી ભાભા સાથે પણ તેમને ઘનિષ્ઠ પરિચય થયો. આ ત્રિપુટીના યોગદાન થકી તેમજ પંડિત નહેરુની વિજ્ઞાન તરફની દ્રષ્ટિને કારણે દેશમાં વૈજ્ઞાનિક વિકાસનો મજબૂત પાયો નખાયો.

ડૉ. રામનના માર્ગદર્શન હેઠળ ડૉ. વિક્રમભાઇએ બ્રહ્માંડ કિરણો આકાશમાંથી પૃથ્વી પર આવે છે તે વિષય પરનું સંશોધન કર્યું હતું. (COSMIC RAY INTENSITY IN TROPICAL LATITUDE) વાતાવરણમાં આ કિરણો પ્રવેશ કરે ત્યારબાદ આ કિરણો વિવિધ અસરો પેદા કરે છે તે અંગેનો આ મહાનિબંધ અમૂલ્ય દસ્તાવેજ ગણાય છે. વિજ્ઞાનની જેમ કલાઓના વિકાસમાં પણ તેમનું યોગદાન રહ્યું. વિક્રમભાઇના અર્ધાંગના તથા સુપ્રસિધ્ધ નૃત્યાંગના મૃણાલિનીબહેનને વિક્રમભાઇ સાથેના લગ્ન બાદ કુટુમ્બમાં આવકાર તો મળ્યોજ પરંતુ તેમની નૃત્ય સાધનામાં સંપૂર્ણ સહયોગ પણ આપવામાં આવ્યો. ‘‘દર્પણ અકાદમી’’ આજે પણ કલા સાધનાના ક્ષેત્રમાં શહેરની શોભા સમાન છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પણ ડૉ. વિક્રમભાઇનું મહત્વનું યોગદાન રહ્યું. ઉદ્યોગોમાં જે જૂની પધ્ધ્તિઓ હતી તેની સામે તેમણે નવી પધ્ધતિઓ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઉત્પાદન વૃધ્ધિ માટે કર્યો. અટીરા તથા આઈ આઈ એમ જેવી સંસ્થાઓ ઊભી કરવામાં પણ ડૉ. વિક્રમ સારાભાઈનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. આવી સંસ્થાઓ એજ આ સ્વપ્ન સેવી તથા દીર્ધદ્રષ્ટા વૈજ્ઞાનિકના ખરા સ્મારકો છે.

આ સંસ્કાર પુરૂષ વિશે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત ડૉ. પ્રહલાદ પટેલના પુસ્તકમાં એક પ્રેરણાદાયક ઘટના નોંધવામાં આવી છે. પોતાની લારી ઠાંસોઠાંસ ભરીને પી.આર.એલ.ના રસ્તે (નવરંગપુરા–અમદાવાદ) જતાં એક મજૂરને માલસામાનથી લદાયેલી લારીને ઢાળ ચડાવવામાં તકલીફ પડતી હતી. તેની મથામણ તથા મૂંઝવણ નરી આંખે જોઇ શકાય તેવા હતા. ડૉ. વિક્રમભાઇએ પણ આ જોયું. તેઓએ પોતાની વૈભવી ગાડી બાજુ પર મૂકાવીને મજૂરને લારી ચઢાવવાના કામમાં મૂંગા મોઢે મદદ કરવા લાગ્યા. કરુણા તથા માનવતાએ જાણે સ્વયં દેહ ધારણ કર્યો હોય તેવું દ્રશ્ય ઊભું થયું ! ૧૮ થી ૨૦ કલાક સુધી સતત કામ કરનાર માટે કોઇ કામ નાનુ કે મોટું ન હતું. મહાવીર સ્વામી તથા ગાંધીજીના દયા તથા સંવેદનશીલતાના ગુણોનો વાસ્તવિક જીવનમાં અમલ કરનાર આ મહાનુભાવ દેશનું ગૌરવ હતા. આજે પણ છે. ૧૯૭૧ના ડિસેમ્બરમાં તેઓએ સતત કાર્ય કરતા કરતા જ મહાપ્રયાણ કર્યું. ડૉ. હોમી ભાભાની જેમ વિક્રમ સારાભાઈનું અવસાન પણ ઓચિંતું તથા કવેળાનું હતું. ફક્ત બાવન વર્ષની વયે તેમની ચિરવિદાય એ આપણી સામુહિક ખોટ સમાન હતી. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે જ્ઞાન અને સંસ્કારનો ઉજળો વારસો મૂકતા ગયા. ૧૯૭૨માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી નવાજ્યા. ડૉ. વિક્રમ સારાભાઇના જીવનની પ્રેરણાદાયક વાતો યુવાનો સુધી પહોંચાડવા જેવી છે.

વી.એસ.ગઢવી

તા.૨૩/૦૮/૨૦૧૭

Leave a comment

Blog at WordPress.com.

Up ↑