: ક્ષણના ચણીબોર : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :

શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે. 

આ શ્રાવણ વરસે સરવડે

કોઇ ઝીલોજી

પેલાં રેલી ચાલ્યા રૂપ હો

કોઇ ઝીલોજી.

વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ સુધારી લે છે. ધરતીપુત્રનો માડીજાયો વીર તો વરસાદજ છે. અન્ય સગાવહાલા ન હોય તો કદાચ નભી જવાય પરંતુ વરસાદ વિના આયખું કેમ કપાય ? લોકકવિએ ગાયું છે :

વણસગે વણસાગવે

વણનાતરીયે નેહ

વણ માવતરે અમે જીવીએ

એક તું વિણ મરીએ મેહ.

વરસાદ સાથે જોડાયેલી વરસાદી પ્રકોપની કે અતિવ્રષ્ટિની વાતો પણ વ્યથા ઉપજાવે તેવી હોય છે. દેશ કે રાજ્યના મર્યાદિત વિસ્તારમાં આવો કુદરતી પ્રકોપ રેલાયો હોય તો પણ બાકીના અનેક વિસ્તારના લોકો આ સ્થિતિનો રંજ અનુભવે છે તેમજ સહાનુભૂતિ પ્રગટ કરે છે તે આપણી ખરી માનવતા છે. ખરો માનવ ધર્મ છે. માનવ ધર્મ સદ્દભાગ્યે કોઇ સંપ્રદાયના બંધને બંધાયો નથી.  સંકીર્ણતા નહિ પરંતુ સાર્વત્રિક્તા એજ તેની ખૂબી તથા ચાલક બળ છે. સહાનુભૂતિ સાથેજ મદદનો પ્રવાહ જરૂરિયાતમંદ ભાંડુઓ તરફ સમગ્ર સમાજ તરફથી આવા પ્રસંગે વહેતો રહે છે. અસાધારણ વરસાદ કે વરસાદનો સદંતર અભાવ એ મૂળભૂત રીતે કુદરતી પ્રકોપ ગણાય. આમછતાં તાજેતરમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ જોતાં અનેક લોકોને એવી લાગણી સકારણ થયા કરે છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આપણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેમ કરી શકતા નથી ? જે પરંપરાગત વરસાદી પાણીના નિકાલના માર્ગો છે તે કેમ ખુલ્લા રાખવામાં નથી આવ્યા ? અનેક તળાવડીઓ હવે ગગનગામી ફલેટસના નામે તથા સ્વરૂપે ઓળખાય છે. પાણીને જવાના કે એકત્રિત થવાના સ્થળો નિરંતર ઓછા થતા ગયા છે. અનેક નાની મોટી તળાવડીઓ એ શહેરના વિસ્તાર કે વિકાસમાં નામશેષ થવા પામી છે. આવી સ્થિતિમાં જોકે તત્કાળ રાહતના પગલા આવશ્યક અને આવકાર્ય છે. સરકારી તંત્ર તથા સમાજનો આવી સ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ પણ નોંધપાત્ર છે. પરંતુ આ હંગામી આફતના ઉકેલ પછી લાંબા ગાળાના પગલા ભરવાનો એક અનિવાર્ય સંદેશ દરેક આફત તેની પાછળ મૂકીને જાય છે. અગાઉના વર્ષોમાં પણ અનેક વખત આપણે આવી કપરી સ્થિતિનો સામનો કરેલો છે. આથી તે તરફનું દુર્લક્ષ એ સામુહિક હીતનો લાંબા ગાળા માટે ભોગ આપવા સમાન છે. આપણી જો આવી રીતભાત હોય તો એ ભવિષ્ય માટે જોખમી બની રહેવાની પૂરી શક્યતા છે. પાણીનો ભરાવો થાય તેને સુનિયંત્રિત કરીને તેના ઉપયોગની અનેક શક્યતાઓથી આપણે અજાણ નથી. વહી જતા વરસાદી પાણીને રોકવાનો કે તેને ભૂગર્ભમાં ઉતારવાનો પ્રયાસ આપણે ભૂતકાળમાં પણ કરતા હતા અને આજે પણ કરીએ છીએ. પરંતુ કેન્દ્રીયકૃત રીતે મોટા બંધના સ્વરૂપે કે મોટા તળાવના સ્વરૂપે આવી વ્યવસ્થા થાય છે તે ઉપરાંત પણ પ્રયાસો કરવા જરૂરી છે. વિકેન્દ્રીત રીતે આપણા ઘણાં જૂના મંદિરોમાં વોટર રીચાર્જીંગની વ્યવસ્થા હતી. અનેક પોળના જૂના મકાનોમાં પણ ઘરમાં બારે માસ પાણી મળી રહે તે માટેના નાના-મોટા ટાંકા બનાવવામાં આવતા હતા. નાગરિકો તરીકે આ સંદર્ભમાં જો આપણે નિર્ધાર તેમજ જાગૃતિ બતાવીએ તો પાણી સંગ્રહનું આ કાર્ય વિસ્તારી શકાય. ગુજરાતમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ કાર્ય વર્ષોથી કરે છે જેના પરિણામ પણ મળ્યા છે. શુધ્ધ જળ એ પ્રભુની પ્રસાદી છે તેવા ભાવ સાથે આપણે પાણીનો જવાબદારીપૂર્વક તથા કરકસરથી ઉપયોગ કરીએ તો લાંબા ગાળે પીવાના પાણીની સમસ્યા હલ થવાની કામગીરીને બળ મળે. પાણીના નિકાલની કે યોગ્ય સંગ્રહની વ્યવસ્થા સિવાય નગરોનો વિકાસ થાય તો તેની સમસ્યાઓ આપણે અગાઉ પણ અનુભવી છે. લોકોની હાડમારી વધે તેવી કોઇ વ્યવસ્થા સ્થાયી કે સુખદાયી થઇ શકે નહિ એ જગતભરનો અનુભવ છે. સ્માર્ટ સીટીમાં અંતે તો લોક અગ્રસ્થાને છે. આથી વ્યાપક લોક સમુહની સુખાકારી અને તેમના માટેની સલામતીની સાંકળ નજર અંદાજ કરી શકાય નહિ. શ્રાવણના સરવડામાં આ ધ્વનિ વિસરી જઇએ તો ભવિષયમાં પણ આવાજ વિકટ પ્રશ્નો કદાચ સામે આવીને ઊભા રહે.

ઓગસ્ટ તથા શ્રાવણી ભીનાશનો સુયોગ હમેશા સુખદ તથા આહલાદક રહે છે. કવિ બાલમુકુન્દ દવેનીજ ઉપર ઉલ્લેખ કરેલો છે તેજ કાવ્યની અન્ય પંક્તિઓ પણ આ માહોલમાં સ્મૃતિમાં સળવળે છે. 

આ જતિસતીના તપ રેલે

કોઇ ઝીલોજી

પેલી ઝરણાંની વણજાર હો

કોઇ ઝીલોજી.

આમ તો સચરાચર જગતમાં મેઘરાજાની રાહ જોવાતી હોય છે. આમ પણ ધરતી જ્યારે તપ તપે છે ત્યારેજ મેઘના દર્શન તથા મેળાપ થતો હોય છે. કવિ શ્રી પ્રહલાદ પારેખના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે :

એવું રે તપસ ધરતી

એવું રે તપી,

જેવા તપરે તપ્યાંતા

એક દિન પારવતી સતી

આવોને મેહુલિયા ! આવો

ધરતીના તપ છોડાવો,

રૂપે ને રંગે નવાં

તપસીને એ સુહાવો :

અમરતથી હૈયું એનું

દિઓને ભરી ! એવું રે…

આપણે ત્યાં કચ્છ તથા ઝાલાવાડ જેવા પ્રમાણમાં સુકા અને વરસાદના અભાવવાળા ગણાતા વિસ્તારો પણ મેઘ સુયોગે નવાજ રૂપ રંગ ધારણ કરે છે. સમગ્ર કચ્છની શોભામાં વાગડની વિશેષ શોભા લોકકવિઓને જોવા મળી છે. આથીજ ‘વર્ષામાં વાગડ ભલો’ એવી વાત નિરંતર સાંભળવા મળી છે. એજ રીતે ઝાલાવાડનું ચોમાસાનું સૌંદર્ય પણ કવિ મીનપિયાસી કલમેથી માણવા ગમે તેવા શબ્દોમાં રેલાયું છે : 

ઝૂલ ઝાલાવાડ જૂલ !

વૈશાખમાં છો વરવો

તો યે અષાઢમાં અણમૂલ

ઝૂલ ઝાલાવાડ ઝૂલ.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૦૧/૦૮/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑