વિહાણે નવે નાથ જાગો વહેલા
હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા
જગાડે જશોદા જદુનાથ જાગો
મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો.
જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો હોવાનો મત વધારે પ્રમાણભૂત ગણાય છે. કવિ સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ઝુલા પરિવારમાં થયા પરંતુ તેમની અનન્ય કૃષ્ણભક્તિની રચનાઓ થકી વ્યાપક પ્રસિધ્ધિ અને પ્રશંસા પામેલા છે. નવલા પ્રભાતની જ્યોતિર્મય ક્ષણોમાં માતા યશોદા બાળ કૃષ્ણને જગાડવા માટે પ્રયાસ કરે છે. તે સંદર્ભમાં કવિને આ પંક્તિઓ સ્ફૂરી છે. કવિની એક સુપ્રસિધ્ધ રચના ‘નાગદમણ’ ની શરૂઆત ઉપરની સુંદર પંક્તિઓથી થાય છે. કવિની રચનાના આ શબ્દો વાંચીને મનમાં નરસિંહ મહેતાની સ્મૃતિ થાય છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ જેવી નરસિંહની અમરકૃતિ અનંતકાળ સુધી ગવાતી અને ઝીલાતી રહેવાની છે. સાંયાજી ઝૂલાની ઉપરની પંક્તિઓમાં પણ માતા-પુત્રના સ્નેહભર્યા સંવાદમાં સ્થૂળ રીતે જોઇએ તો નટખટ કાનને ગાયો તથા ગોવાળ સાથે જવા માટે કહેવામાં આવેલું છે. આ સંવાદની તો એક શોભા છેજ પરંતુ અંતરાત્મામાં વસેલા પરમાત્માને ભાવ-ભક્તિથી જગાડવાનો એક વ્યાપક વિચાર પણ તેમાંથી પ્રગટે છે. કવિએ પોતાની દીર્ઘ રચનાના પ્રારંભેજ આ શબ્દો લખીને ભીતરતની ચેતના રૂપી દેવને જાગૃત કરવાનો યજ્ઞ આરંભેલો છે. જીવને શીવત્વ તરફ પ્રયાણ કરવું હોય તો અંતરમાં આવું કૃષ્ણ રૂપી ચેતનાનું જાગરણ થવું જરૂરી છે. આથી કવિની આ રચનાને આત્મ જાગરણની સંહિતા કહેવામાં આવે છે તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. ચેતના પ્રગટે તો અંદર – બહારનો ઉજાસ એ સહજ રીતે પ્રાપ્ત થાય છે અને આવા અંદરના ઉજાસનું એક સવિશેષ મૂલ્ય છે. સ્થૂળ આંખો કદાચ તેના નિરીક્ષણમાં ક્ષતિ કરે પરંતુ જેમને આંતરિક ઉજાસ ઝળહળા હોય તેમનો માર્ગ પછી સ્થૂળ બાબતોની મર્યાદામાં બંધાતો નથી. કવિ માધવ રામાનુજના સુંદર શબ્દો યાદ આવે :
અંદર તો એવું અજવાળું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખેય ભાળું
અંદર તો એવું અજવાળું આજવાળું.
સાંયાજીએ પોતાની રચનાઓમાં કૃષ્ણભક્તિને પ્રાધાન્ય આપેલું છે. કવિની બે દીર્ઘ રચનાઓ – ‘નાગદમણ’ તથા ‘રૂક્ષ્મણીહરણ’ લોકખ્યાતિને વરેલા છે. કવિશ્રીના જીવન સાથે અનેક કથાકથિત વાતો તથા ચમત્કારના પ્રસંગો જોડાયેલા છે. પરંતુ કવિની કૃષ્ણભક્તિની બે સુપ્રસિધ્ધ રચનાઓ થકીજ કવિનું દૈદિપ્યમાન જીવન તથા અસાધારણ કવિત્વ શક્તિનું સુરેખ દર્શન થાય છે.
કૃષ્ણની બાળલીલાનું ગાન એ કવિઓ માટે મોટા આકર્ષણનો વિષય છે. દરેક ભાષાના સાહિત્યમાં બાળકૃષ્ણને લાડ લડાવતી અનેક રચનાઓ જોવા મળે છે. ‘નાગદમણ’ માં પણ કવિએ પોતાની છટાથી કૃષ્ણ લીલાનું ગાન કરેલું છે. ‘રૂક્ષ્મણીહરણ’ માં કૃષ્ણના ભક્ત વાત્સલ્યના ભાવ વીરરસની ધારે વહેલા છે. સાંયાજીએ ‘અંગદવિષ્ટિ’ કાવ્ય પણ લખ્યું છે. રામચંદ્રજીની શૌર્યગાથા તેમાં પ્રગટ થતી જોવા મળે છે. ‘નાગદમણ’ ની કૃષ્ણભક્તિની રચનાઓ અત્યંત મધુર તથા ભાવપૂર્ણ છે.
હરી હો હરી હો હરી ધેન હાંકે
ઝરૂખે ચડી નંદકુમાર ઝાંકે
અહિરાણિયાં અવ્વલા ઝૂલ આવે
ભગવાનનેધેન ગોપી ભળાવે.
‘હરી ધેન હાંકે’ ની વાત કરતા કવિ કહે છે કે હરિના અવર્ણનીય રૂપની ઝાંખી નંદકુમારો તથા ગોપબાળાઓ કરે છે. કૃષ્ણને પોતાની ગાયો ભળાવે છે. જાણે કે સ્થૂળ પદાર્થને ત્યજીને પરમ પદાર્થની પ્રાપ્તિનો ગોપીજનોનો આ જાગૃત પ્રયાસ છે ! ગાયોને ભળાવવાનું તો એક બહાનું છે. પરંતુ કૃષ્ણમય થવાનો આ અવરસ છે તેને વ્રજવાસીઓ કેવી રીતે જતો કરી શકે ?
‘નાગદમણ’ ના પ્રસંગમાં કૃષ્ણ અને નાગણીઓ વચ્ચેનો સંવાદ એ મહત્વની ઘટના છે. નાગણીઓ વ્યાકુળ થઇને આ મનોહર બાળકને સરોવર છોડી જવાનું કહે છે. આ માટે જાતજાતની લાલચ પણ આપે છે. પરંતુ છેવટે ગોપાળકૃષ્ણ પોતાની મહત્તા સ્પષ્ટ કરે છે. સાંયાજી લખે છે :
રહો તો ઘરે દાવ દૂજો રહાવાં,
મોરો ઘાટ વેરાટ એથી ન માવાં,
ચમંકે ચમંકે સખે ચિત્ત ચેતી
લળે પાય લાગી વળે લુણ લેતી.
કૃષ્ણ કહે છે કે હવે હું અહીં રહીશ તો આશ્રિત તરીકે નહિ પરંતુ વિજેતા તરીકે રહીશ. કૃષ્ણ પોતાના વિરાટ સ્વરૂપનું જાણે કે વાતવાતમાં દર્શન કરાવે છે. નાગપત્નીઓ હવે આ બાળકનો મહીમા પારખીને ચમકી જાય છે. કૃષ્ણને વંદન કરી તેનું લૂણ ઉતારે છે. નરસિંહના કાવ્ય વૈભવમાં પણ બાળગોપાળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી નાગણીઓને કહે છે :
જગાડ તારા નાગને
મારું નામ કૃષ્ણ ક્હાનડો.
અને કૃષ્ણ દર્શનથી કૃતાર્થ થયેલી નાગણીઓ કૃષ્ણ દર્શન કરી કહે છે :
અમે અપરાધી કાંઇ ન
સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને.
હિન્દુસ્તાનના સાહિત્યના ઇતિહાસમાં ભક્તિ આંદોલનનું એક વિશેષ સ્થાન છે. ‘‘ ભાગવત ’’ એ અનેક રચનાઓનો સ્ત્રોત છે. ભક્તિ માર્ગ ભક્તિ પ્રાધાન્ય રહેલો છે. ભક્તિ આંદોલને દક્ષિણ ભારતમાં પોતાનો પ્રભાવ ઊભો કર્યો એ પ્રભાવ સમગ્ર દેશમાં વિસ્તર્યો. મધ્યકાલિન સાહિત્યમાં નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ, દયારામ, દાસી જીવણ વગેરેની વ્યાપક અસર ગુજરાતમાં પણ ઊભી થવા પામી. ચારણી સાહિત્યમાં પણ ભક્ત કવિ ઇસરદાસજી જેમ ભક્તકવિ સાંયાજી ઝૂલાએ ભક્તિમાર્ગે કાવ્યધોધ વહાવ્યો છે. કવિની ભાષા પ્રાસાદિક છે. સાંયાજીના સર્જનોમાં ડિંગળી ભાષાની કોઇ ક્લિષ્ટતા જોવા મળતી નથી. ઝવેરચંદ મેઘાણીએ પણ કવિની ભાષાની આ સરળતા અને અકૃત્રિમતાનો ઉલ્લેખ કરેલો છે. શ્રાવણના સરવડા ઝીલીને યોગેશ્વર કૃષ્ણના કર્મયોગના માર્ગે પ્રવૃત્ત થવાનો નિર્ધાર કરવા જેવો છે. આ માર્ગ કદી દુર્ગતિ તરફ લઇ જતો નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૪/૦૭/૨૦૧૭.
Leave a comment