: સંસ્કૃતિ : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :

માવલ વરસડો મૂળ મુહિમ,

ઘર આલો અખિયાત 

લીલ છે ઝુલો લભ્ભિયો 

સાંયાજી ભલભાત. 

આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ તત્વ સાથેનું તાદાત્મ્ય જાણે કે સહજ છે. શ્વાસ અને ઉચ્છવાસ જેવું અને જેટલુંજ સહજ હરિ સાથેનું તેમનું સાયુજ્ય છે. હરિ એમને હાથવગો છે. જ્ઞાનમાર્ગી પંડિતોને જે અઘરો કે દુષ્કર લાગે છે તે હરિવર સંતોને સાવ સહેલો લાગે છે. આવા ભક્તિમાર્ગના સમર્થ કવિઓમાં તુલસી કે નરસિંહની હરોળમાં બેસી શકે તેવા સંત કવિઓમાં સાંયાજી ઝૂલા તથા ઇસરદાસજીનો સમાવેશ થાય છે. લીલછા (જિ. સાબરકાંઠા)ના ચારણ કવિ સાંયાજી ઝૂલા તેમની કૃષ્ણભક્તિની ઉત્તમ કૃતિઓથી અમરત્વને પામેલા છે. ભક્તકવિનો જન્મ સવંત-૧૬૩૨ માં થયો હોવાનો મત પ્રમાણભૂત ગણવામાં આવે છે. સાંયાજી તેમની કૃષ્ણભક્તિની રચનાઓ થકી વિશેષ પ્રસિધ્ધિને વરેલા છે. શ્રાવણ મહીનામાં અને કૃષ્ણ જન્મોત્સવના સુમંગળ અવસરે સાંયાજીની અનેક રચનાઓ અભ્યાસુઓની સ્મૃતિમાં આવે છે. જોકે યોગેશ્વર કૃષ્ણનું સ્વરૂપજ કંઇક એવું છે કે માત્ર ભારતવર્ષનાજ કવિઓ નહિ પરંતુ દેશ બહારના પણ અનેક કવિઓએ કૃષ્ણભક્તિનો મહિમા પ્રસન્નતાથી ગાયો છે. કવિ દયારામે તો કૃષ્ણનો જેમાં સંદર્ભ ન હોય તેવી વાણીને નિરર્થક ગણાવી છે. દયારામ લખે છે :

કૃષ્ણ ભજો કૃષ્ણ કહો કૃષ્ણ સુણો પ્રાણી,

કૃષ્ણના સબંધ વિના વંધ્યા સૌ વાણી.

ભક્તકવિ સાંયાજી ઝૂલાની અનેક રચનાઓમાં ‘નાગદમણ’ વિશેષ ખ્યાતિને વરેલી રચના છે. ‘નાગદમણ’ પુસ્તકની પુન: પ્રસિધ્ધિ કરાવીને અધ્યાપક ડૉ. દિલીપ ચારણ (ગુજરાત યુનિવર્સિટી) આપણી પ્રશંસાના અધિકારી થયા છે. નામદમણના ભાવાનુવાદનું અઘરું કાર્ય અનુભવી તથા અભ્યાસુ વૃત્તિના જિતુદાન ગઢવીએ સુંદર રીતે કરેલું છે. પરમેશ્વર તથા પ્રકૃતિની આરાધના એ ચારણ કવિઓની અનેક રચનાઓમાં કેન્દ્રસ્થાને છે. સાંયાજી ઝૂલાના અનેક સર્જન એ કૃષ્ણભક્તિનો ઊંડાણથી થયેલો ભાવસભર પ્રયાસ છે.

‘નાગદમણ’ ના પ્રસંગમાં કૃષ્ણ અને નાગણીઓ વચ્ચેનો સંવાદ એ મહત્વની ઘટના છે. અનેક કવિઓએ પણ આ પ્રસંગને પોતપોતાની રીતે કાવ્યમાળામાં પરોવેલો છે. નાગણીઓ વ્યાકુળ થઇને આ મનોહર બાળકને સરોવર છોડી જવાનું કહે છે. આ માટે જાતજાતની લાલચ પણ આપે છે. પરંતુ છેવટે ગોપાળકૃષ્ણ પોતાની મહત્તા સ્પષ્ટ કરે છે. સાંયાજી લખે છે : 

રહો તો ઘરે દાવ દૂજો રહાવાં,

મોરો ઘાટ વેરાટ એથી ન માવાં,

ચમંકે ચમંકે સખે ચિત્ત ચેતી

લળે પાય લાગી વળે લુણ લેતી.

કૃષ્ણ કહે છે કે હવે હું અહીં રહીશ તો આશ્રિત તરીકે નહિ પરંતુ વિજેતા તરીકે રહીશ. કૃષ્ણ પોતાના વિરાટ સ્વરૂપનું જાણે કે વાતવાતમાં દર્શન કરાવે છે. નાગપત્નીઓ હવે આ બાળકનો મહીમા પારખીને ચમકી જાય છે. કૃષ્ણને વંદન કરી તેનું લૂણ ઉતારે છે. નરસિંહના કાવ્ય વૈભવમાં પણ બાળગોપાળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી નાગણીઓને કહે છે :

જગાડ તારા નાગને

મારું નામ કૃષ્ણ ક્હાનડો.

અને કૃષ્ણ દર્શનથી કૃતાર્થ થયેલી નાગણીઓ કૃષ્ણ દર્શન કરી કહે છે : 

અમે અપરાધી કાંઇ ન

સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને.

‘નાગદમણ’ માં ડિંગળ ભાષાની સમૃધ્ધિનું છલોછલ દર્શન થાય છે. મેઘાણીએ પણ ‘નાગદમણ’ માં રહેલી ડિંગળ વાણીની ઓજસ્વીતાને વધાવી છે. શયનસુખ ભોગવી રહેલા પરમાત્માને ઢંઢોળીને જગાડવાનો કવિ સાંયાજી ઝૂલાનો પ્રયાસ એ એક અર્થમાં આત્મચેતનાને જાગૃત કરવાનો પ્રયાસ હોય તેમ પણ લાગે છે. સાંયાજી ઝૂલાના ‘નાગમદણ’ નો પ્રારંભ આ વાતની પ્રતિતિ કરાવે છે. 

વિહાણે નવે નાથ જાગો વહેલાં,

હુવા દોહિવા ધેન ગોવાળ હેલા

જગાડે જશોદા જદુનાથ જાગો

મહીમાટ ઘૂમે નવેનિત માંગો.

કૃષ્ણ એ તો આ દેશના માલધારીઓ – પશુપાલકોના પહેલા પ્રતિનિધિ છે. ગાયો તથા ગોપ ગોવાળો પશુઓને લઇને વગડામાં જવા તૈયાર થયા છે. પરંતુ ગોપનાયક ક્યાં છે ? સૌની વ્યાકુળતાને ધ્યાનમાં લઇને માતા યશોદા કાનને જગાડે છે. અહીં નરસિંહની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. 

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,

તુજ વીના ધેનુમાં કોણ જાશે…

એકવાર માતા જગાડે પછી તો જાગવું એ બાળ ગોપાળને અનિવાર્ય બને છે. જાગ્યા પછી પોતાની રાહ જોતાં ગોવાળો તેમજ ગાયોને હાંકીને વગડાની વાટે કૃષ્ણ સહીતનો આ સમૂહ ઉપડે છે. આવા રળિયામણા દ્રષ્યને નીરખીને આહીરાણીઓ જન્મોજન્મની ધન્યતાનો ભાવ અનુભવે છે. 

હેરી હો… હેરી હો… હરિ ધેન હાંકે

ઝરૂખે ચડી નંદ કુમાર ઝાંકે

અહિરાણીયાં અવ્વલાં ઝુલ્લ આવે

ભગ્ગવાનને ધેન ગોપી ભળાવે.

રામાયણ કે ભાગવત એ આપણાં અખંડ તથા અક્ષર સાહિત્ય સ્ત્રોત છે. ભક્તિમાર્ગના અનેક નામાંકિત કવિઓની અમર રચનાઓ ભાગવતની કથાઓના આધારે બની છે. આપણું સાહિત્યજ નહિ પરંતુ આપણી સંસ્કૃતિને પણ આ મહાકાવ્યોની અસર થવા પામી છે. આપણાં લોકોત્સવો કે લગ્નગીતો સુધ્ધા આ મહાકાવ્યોની કથાઓના ભાવને ઝીલે છે. આ રીતે મહાકાવ્યોની અનેક કથાઓ આપણાં લોકજીવન થકી જીવંત છે. ભક્તિ આંદોલને સમગ્ર દેશમાં પોતાનો પ્રભાવ પાથર્યો હતો. નરસિંહ, પ્રેમાનંદ કે ત્રિકમ સાહેબ જેવા સમર્થ સર્જકોએ અનેક ભક્તિપ્રધાન રચનાઓ અંતરના ઉમળકાથી લખી અને સમાજે તેને ઝીલી લીધી છે. ભક્તકવિ સાંયાજી ઝૂલાની રચનાઓ પણ ભક્તિમાર્ગમાં અનંત કાળ સુધી ટકી રહે તેવી પ્રાણવાન છે. યોગેશ્વરની આરાધના કરતા આ સંત કવિઓની કૃતિ તથા કીર્તિ કાળના વહેતા પ્રવાહમાં સ્થિર રહે તેવી પ્રાણવાન છે.  

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૦/૦૭/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑