: ક્ષણના ચણીબોર : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂંજે કૂ કૂ કૂ

ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં

ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને

છછુંદરોનું છું છું છું

કૂજનમાં શી ક્કકાવારી ?

હું કુદરતને પૂછું છું :

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો

માનવ ઘૂરકે હું હું હું !

પરમેશ્વર તો પહેલું પૂછશે :

કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ?

દર્દભરી દુનિયામાં જઇને

કોઇનું આંસુ લૂછ્યું તું ?

ગેં ગેં ફેં ફેં કરતા કહેશો :

હેં હેં હેં હેં ! શું શું શું ?

આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

સાહિત્ય જગતમાં આપણો સામાન્ય તથા સાર્વત્રિક અનુભવ છે કે કેટલીક કૃતિઓ અમર થવા સર્જાયેલી હોય છે. કાળના કપરા પ્રવાહમાં આવી રચનાઓ ઝાંખી પાંખી થતી નથી. કવિ હરિહર ભટ્ટની ‘‘ એકજ દે ચીનગારી ’’ ની કોઇ ઓળખ આપવી પડે ખરી ? ‘‘ મંગલ મંદિર ખોલો દયામય ! ’’ કવિ નરસિંહરાવ દીવેટીયાની આ રચના કદી પણ વિસ્મૃત થાય ખરી ? આવીજ ઉપરની કવિ મીનપિયાસીની આ રચના અનેક સ્થળો અને પ્રસંગોએ બોલાતી રહે છે. જ્યારે અને જ્યાં આ કૃતિની પ્રસ્તુતિ થાય ત્યાં ભાવકોના મન પર એ કબજો જમાવે છે. અનેક સુંદર સર્જનોના કવિ જાણે કે આ એક રચના થકી જીવંત અને ઝીલાતા રહ્યા છે. સુંદર તથા આકર્ષક બાળકાવ્ય જેવી લાગતી આ રચના મોટો તથા અર્થસભર સંદેશ આપીને વિરમે છે. ફણીધરોની જેમ ફૂલ મારતા કાળા માથાના માનવીઓ તેમની આસપાસના ભાંડુઓની તકલીફો – વ્યથા તરફ જાગૃત જાગૃત અને સંવેદનશીલ છે ખરા ? જીવનમાં કોઇ સુકાર્ય ન થઇ શક્યું હોય તો કયામતના દિવસે ફક્ત હેં હેં હેં હેં ! શું શું શું ? કહીને ભોંઠા પડવા જેવું થશે. આ સંદર્ભમાં કવિ શ્રી ત્રાપજકરે લખ્યું છે તે પણ યાદ આવે   છે : 

સુકાણા હાડ પાડોશીના

બાળને મોંઢે તું

મુઠીચણ નાખતો જાજે રે..

મળ્યું છે તો આપતો જાજે રે..

વર્ષ ૨૦૦૦ ના માર્ચ મહીનામાં કવિ મીનપિયાસીએ ચિર વિદાય લીધી. કવિ સદેહે આપણી વચ્ચે ભલે નથી પરંતુ તેઓએ જે ભાતીગળ શબ્દ સાથીયા પૂર્યા છે તેના કારણે સદાકાળજીવંત તથા ધબકતા રહેવાના છે. કવિની સ્મૃતિ ફરી એક વખત ઓલ ઇન્ડીયા રેડીયો (અમદાવાદ કેન્દ્ર)ના એક સાહિત્ય વિષયક વાર્તાલાપના કાર્યક્રમમાં થઇ. કવિનું નામ દિનકરભાઇ. તેઓ પિતા કેશવલાલ તથા માતા મુક્તાબેનનું સંતાન. કવિનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ. કવિને વૈદકીય વ્યવસાય વારસામાં મળ્યો હતો. તેમના પિતા જાણીતા વૈદ્ય હતા. ગુજરાતના પ્રમાણમાં ઓછા જાણીતા એવા ખૂણે ખીલેલું આ પલાશનું ફૂલ મહોરી ઉઠ્યું અને તેના કાવ્યવૈભવે અનેક સાહિત્યરસીકોનું ધ્યાન ખેંચ્યું. 

ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો) આમ તો સૂકો પ્રદેશ. જિલ્લાનો કેટલોક ભાગ કચ્છના નાના રણને અડીને આવેલો પ્રદેશ આવળ – બાવળ – કેર – બોરડીના આ મુલકને ઝાલાવાડના પનોતા પુત્ર કવિ તથા વૈદ્ય પ્રજારામ રાવળે બીરદાવતા લખ્યું છે : 

આવળ બાવળ કેર બોરડી

સૂષ્ક રુક્ષ ચો ફરતી

આ ઝાલાવાડી ધરતી

અહીં ફૂલ કેવળ આવળના

અહીં નીર અધિકા મૃગજળના

પત્ર પુષ્પ પાણી વિણ કાયા

ઘોર ઉનાળે બળતી..

આ ઝાલાવાડી ધરતી.

કવિ મીનપિયાસીએ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિના ગૌરવમાં વૃધ્ધિ કરી છે. આધુનિક ગુજરાતી સાહિત્યના દિશાદર્શક કવિવર દલપતરામની પણ ઝાલાવાડ જન્મભૂમિ છે. આ ધરતીની સપાટી પર પાણી ખૂટે તો પણ ભૂતળમાં તો વહેતું જ હોય તેવી શ્રી દિલીપ રાણપુરાની વાત સાંભળવા અને સમજવા જેવી છે. 

કવિ મીનપિયાસીને ખગોળદર્શન તથા પંખી દર્શનનો શોખ ઘણો. પંખીઓનું નિરીક્ષણ તેઓ સચોટ રીતે કરતા અને રૂપાળી સૃષ્ટિની ખૂબીઓ નોંધતા રહેતા હતા. રાજ્યના માહિતી વિભાગમાં જ્યારે કામ કરવાનું થયું ત્યારે કવિનું ‘પંખીમેળો’ પુસ્તક જોયું. કવિનું આ બાબતનું યોગદાન પણ ઉલ્લેખનીય છે. એજ રીતે આકાશદર્શન પણ કવિને ગમતો વિષય હતો. ‘ખગોળની ખૂબીઓ’ એ કવિની જાણીતી કૃતિ છે. કવિ હમેશા પ્રકૃતિની સુંદરતામાં જીવ્યા. પ્રકૃતિનો નિર્ભેળ આનંદ તેમણે આકંઠ માણ્યો. આથી કવિની વિવિધ રચનાઓમાં પ્રકૃતિ કાવ્યોની વિપુલતા છે. પ્રકૃતિનું સતત સૌંદર્યદર્શન કવિની વાણીમાં ઘૂંટાયું છે. કવિની જીવન તરફની સંવાદિતાનું મૂળ આ પ્રકૃતિવૈભવના દર્શનમાં રહેલું હોય તેમ લાગ્યા કરે છે. પ્રકૃતિ સાથેજ વહાલી જન્મભૂમિ ઝાલાવાડ તરફ કવિનો અદકેરો સ્નેહ કાવ્યધારા સ્વરૂપે પ્રગટીને ચોતરફ ફેલાયો છે.

ઝૂલ, ઝાલાવડ ઝૂલ !

વૈશાખમાં છો વરવો

તો યે અષાઢમાં અણમૂલ

હરિની હોય હથેળી

એવી ભોંયમાં ગરવા ગુલ

ડગલે ડગલે દેખીએ

એવા ગામડા હળવા ફૂલ

ખોળલો મીઠો ખૂંદતા છૈયાં

ધીંગી ઉડાડે ધૂળ..

ઝૂલ, ઝાલાવડ ઝૂલ !

કવિ ઝાલાવાડની ધરતીનું સંતાન છે. આથી ઝાલાવાડના સમગ્ર પ્રકૃતિ વિશ્વને કવિએ ઝીલ્યું છે. 

રે, બાવળ બહુમૂલ !

કોઇની નજરે ફૂલ ચડે ના,

સહુ દેખે કાં શૂળ !

રે બાવળ બહુમૂલ !

બાવળની વાત કરે તો આ ધરતીનો કવિ આવળની વાત કર્યા સિવાય કેવી રીતે રહી શકે ? 

લીલા મખમલિયા આવળને પાંદડે

પીળા પીળા ફૂલ જાય ઝોલે રે લોલ

આવી અડપલું કરતો જ્યાં વાયરો

હસી હસી મીઠડું ડોલે રે લોલ

હાલોને જાયેં સોનુ રે વીણવા

વગડે છાબું વેરી રે લોલ.

કવિ શ્રી રમેશ આચાર્યે મીનપિયાસીની એક રચનાનેજ ધ્યાનમાં રાખી કવિનું વ્યક્તિત્વ દર્શન સુપેરે કરાવ્યું છે : 

મીન પિયાસી એટલે

ઝૂલતો ઝાલાવાડ

વૈશાખમાં વરવો તોયે

અષાઢમાં અણમૂલ.

ગુજરાતી કાવ્યગીરામાં કવિ મીનપિયાસીની રચનાઓ સદાયે લીલીછમ રહેવા સર્જાયેલી છે. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૪/૦૭/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑