: ક્ષણના ચણીબોર : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :

કહે દલપતરામ

સાહેબ કિન્લોક વિના

કોણ માય ડીયર કહી

હવે મને બોલાવશે.

કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી હજારો માઇલ દૂરના પ્રદેશમાંથી ગોરી સરકારના પ્રતિનિધિ તરીકે આવેલા એક અમલદારની ચિર વિદાયની તેમાં ગમગીની છે. કવિઓ જગતને કંઇક આપીને જનારા લોકોનું સામાન્ય રીતે ગુણદર્શન કરતા હોય છે. આવા લોકોના ગુણનું ગાન કરતા હોય છે. કવિના ચિત્તમાંથી પ્રગટતી આ વાણી છે. તેમાં કવિનો ઉદ્દેશ માત્ર કંઇક મેળવી લેવાનો કે પ્રાપ્ત કરવાનો ગણીએ તો તે ઉચિત તારણ નથી. કવિઓએ તો અનેક કિસ્સામાં માથા સાટે આવી મોંઘી વસ્તુના યશોગાન કર્યા છે. આ બાબતના અનેક ઉદાહરણ ઇતિહાસમાં ઉપલબ્ધ છે. દલપત પુત્ર મહાકવિ નાનાલાલે ગાંધીજી વિશે અને ગાંધીના ગુણગાન કરતું એક દીર્ઘકાવ્ય આપણાં દેશે આઝાદી પ્રાપ્ત કરી તે પહેલા ત્રણ દાયકા પહેલા લખ્યું હતું. મહાકવિએ ‘શીર સાટે નટવરને ભજીએ’ જેવું આ દુષ્કર કાર્ય કવિના અંતરમાં ઉછળતી ઊર્મિઓની પાવક અભિવ્યક્તિ માટેનુંજ હતું. તેના જે સારા – માઠા પરિણામો આવે તે ભોગવવાની કવિની તૈયારી હતી. આ યશસ્વી પિતા – પુત્ર દલપત – નાનાલાની જોડીએ લગભગ એક સૈકા સુધી સાહિત્ય સર્જનના જગતમાં પોતાનું નામ અગ્રસ્થાને રાખ્યું. આથી જેમના વિશે કવિવર દલપતરામે શોકાતુર શબ્દો લખ્યા છે તે તેમના પરમ સખા એલેકઝાંડર કિન્લોક ફાર્બસ માટે લખ્યા છે. મૈત્રીને ક્યાં દેશના – ભાષાના કે પરંપરાના બંધનો નડે છે ? ફાર્બસ સાહેબ તરફના અનન્ય સ્નેહથી દલપતરામની વાણીમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું પ્રગટ થયું છે અને વહેતું રહેલું છે. કુશળ વહીવટકર્તા અને આપણી માતૃભાષાના પ્રેમી તેમજ સંવર્ધક એવા ફાર્બસ સાહેબનું વિશેષ સ્મરણ જુલાઇ માસની આ અષાઢી ભીનાશમાં માટીની સુગંધ પ્રગટાવી અને પ્રસરાવી જાય છે. સાત જુલાઇ – ૧૮૨૧ માં જન્મેલા આ બ્રિટીશ અમલદારની મીઠી સ્મૃતિ મહાકવિ દલપતરામ થકી લગભગ બે સૈકા પછી આજે પણ જીવંત છે અને ઝળહળા છે. દલપત – ફાર્બસની મૈત્રી એ ‘સોનો ઔર સુગંધ’ જેવી ચિત્તને પ્રસન્ન કરનારી ઘટના છે. 

આપણી માતૃભાષાની હાલની સ્થિતિ વિશે સકારણ ચિંતા કરવામાં આવે છે. આ અંગેની જાગૃતિ અને નક્કર પ્રયાસ આવકાર્ય પણ છે. માતૃભાષામાં પાસ થવા પુરતા ગુણ પણ ઘણાં વિદ્યાર્થીઓ દસ અને બારમા ધોરણની પરીક્ષામાં મેળવી શકતા નથી. આપણે આપણી માતૃભાષાથી દૂર જતા રહ્યા છીએ ? કારણો તેમજ ઉપાયોની ચર્ચા તો ભાષા વિજ્ઞાનના જાણકાર વિદ્વાનો કરશે પરંતુ એક ગુજરાતીને આ સમાચાર જાણીને થોડી પણ ચિંતા ન થાય તો આ ઘટનામાંથી કોઇ પાઠ શીખવા મળશે નહિ. આ સંદર્ભમાંજ એક વીચક્ષણ વહીવટકર્તા તથા બ્રિટીશ અમલદારની યાદ આવે છે. આ અમલદારે ગુજરાતી ભાષા – સાહિત્યની ચિંતા પોણા બસ્સો વર્ષ પહેલા કરી ! લોકપ્રિય ભાષામાં ‘ફાર્બસ સાહેબ’ તરીકે ઓળખાતા આ અધિકારીનું નામ એલેકઝાંડર કિન્લોક ફાર્બસ છે. આ નામથી આપણે સુપરિચિત છીએ. લગભગ પોણાબસ્સો વર્ષ પહેલા બ્રિટીશ સરકારની વહીવટી વ્યવસ્થાના એક ભાગ તરીકે ફાર્બસ અહીં આવ્યા. તેમણે આપણી ભાષા સાહિત્યના સંવર્ધન માટે સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત બીજી પણ અનેક પ્રવૃત્તિઓ કરી તે માટે આજે પણ આદર તથા અહોભાવ થાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ની લગભગ ૧૭૦ વર્ષ પહેલા થયેલી સ્થાપનામાં આ સાહિત્યપ્રેમી અમલદારની શુભદ્રષ્ટિ તેમજ દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. ફાર્બસની ચિર વિદાય પછી મહાકવિ શ્રી દલપતરામના શબ્દોમાં આ કૃતજ્ઞતાનો ભાવ યથાર્થ ઝીલાયો છે. 

કવિતા જહાજનો તે

ભાંગી પડ્યો કુવાથંભ.

ઘણાં બ્રિટીશ અમલદારો સત્તાના સહજ કેફમાં સમાજથી અલગ રહીને પોતાની ‘કોટરી’ (coterie) વચ્ચે રહેતા હતા. પરંતુ કેટલાક અધિકારીઓએ શાસિત દેશના લોકોના ભલા માટે નિર્ણયો કરીને લોકકલ્યાણની દિશામાં મહત્વના પગલા ભર્યા હતા. કેટલીક અન્યાયી તથા અવૈજ્ઞાનિક પ્રથાઓ કાયદાથી અટકાવવા માટે ઐતિહાસિક નિર્ણયો કરવામાં પણ આ વહીવટદારોનો મહત્વનો ફાળો રહ્યો.  ૧૯૨૮ માં લોર્ડ બેન્ટિક હિન્દુસ્તાનના ગવર્નર જનરલ તરીકે આવ્યા બાદ તેઓ સતી થવાની પ્રથાને અટકાવવા માટેનો કાનૂન લાવ્યા. તેનો અસરકારક અમલ પણ કરાવવાના તમામ પ્રયાસો કર્યા. અનેક લોકો લોર્ડ બેન્ટિકના આ પગલાથી નારાજ હતા તથા તેનો વિરોધ પણ કરતા હતા. જોકે રાજા રામમોહનરાય જેવા સમર્થ સુધારકોનો આ પગલાને સંપૂર્ણ ટેકો હતો. બેન્ટિક – ફાર્બસ જેવા અમલદારો અલ્પ સંખ્યામાં હોય તો પણ તેમનું સ્થાન હિન્દુસ્તાનના ઇતિહાસમાં ચિરસ્થાયી છે. ફાર્બસને તો સાહિત્ય ઉપરાંત શિલ્પશાસ્ત્રની પણ ઊંડી સૂઝ હતી. અમદાવાદના મંદિરો, મસ્જિદો તથા જૈન ઉપાશ્રયો એ તેમના માટે રસના વિષયો હતા. હીમાભાઇ ઇન્સ્ટિટ્યૂટ પણ ફાર્બસ સાહેબનીજ ભેટ છે. અમદાવાદથી ફાર્બસની બદલી સુરત થઇ ત્યાં પણ તેમની સાહિત્યસેવા અવિરત ચાલુ રહી. 

કવિવર દલપતરામે સુંદર એવા મનહર છંદના બંધારણમાં સાહિત્યપ્રેમી અધિકારી મિત્ર તરફની લાગણીને વાચા આપી છે.

લાડને લડાવનાર દિલદાર ગયો

કોણ હવે મને લાડકોડથી લડાવશે

સુખદુખનો પોકાર સુણનાર ગયો

કોણ હવે સુખ કરી શોકને સમાવશે

હિમતદાતા હિમાયતુ હિતકારી ગયો

કોણ હવે હૈયે મને હિમ્મત ધરાવશે

કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના

કોણ માય ડીયર કહી મને બોલાવશે

અંતરના ઉમળકા સિવાય દલપતરામ જેવા કવિ આવી વિરહવ્યથા લખે નહિ. આપણી માતૃભાષા બોલતા લોકો ફાર્બસ સાહેબના ઋણી રહેશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૦/૦૭/૨૦૧૭.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑