રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય રુચિ હોય તો પણ તેમને ગમે તથા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને ઉપયોગી થાય તે રીતે આવું દ્રષ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ કરવાનો સંકલ્પ હતો. આ મંગળ કાર્યની શરૂઆત કોનાથી કરવી ? ઘણાં નામો વિચારણામાં લીધા પછી સૌ પ્રથમ દસ્તાવેજીકરણ બ્રહ્મર્ષિ કે. કા. શાસ્ત્રીનું કરવું તેમ નક્કી થયું. પ્રથમ નામ નક્કી થતાંજ આ કાર્ય સાથે સંકળાયેલા સૌ લોકોનો ઉત્સાહ અને જુસ્સો અનેક ગણાં વધી ગયા. સૌના મનની લાગણી હતી કે સાંપ્રતકાળની આ હસ્તીઓની મધુર ગાથાના દસ્તાવેજીકરણની આ સુંદર યોજનામાં ગણેશ સ્થાપન ખૂબ સારી રીતે થયું છે અને એક વાર ગણેશ બેસારીએ પછી તો આપણાં લગ્નગીતોમાં અને ભજનોમાં ગવાય છે તેમ ગણેશના કામ ગણેશ જ ઉકેલે છે ! આપણી ચિંતા ઓછી થઇ જાય છે. પ્રારંભમાંજ રેકોર્ડિંગ માટે સમય ફાળવવા અને સંમતિ આપવા દાદાને પત્ર લખવા ઉપરાંત ફોન કર્યો. જવાબમાં જીવનના નવ દાયકા વટાવી ગયેલા સાક્ષરનો એજ રણકો અને એટલોજ ઉત્સાહ ! WELL BEGUN IS HALF DONE વાળી ઉક્તિના ન્યાયે અમારી તો સમગ્ર યોજના દાદાની કૃપાદ્રષ્ટિથી સુપેરે પાર પડી. દર્શકદાદા – દિલીપ ધોળકીયા તેમજ સાંઇ મકરંદ જેવા બીજા અનેક દિગ્ગજોના યોગદાનને પણ ગાગરમાં સાગર સમાવવાના અઘરા છતાં અભ્યાસુ તથા સુઆયોજિત પ્રયાસો થયા. એ વાત હમેશા સ્મૃતિમાં રહેશે કે દાદા જેવો અવાજનો રણકો અને અંતરનો સ્નેહ જીવનમાં ઓછી જગાએ જોવા મળેલો છે. દાદાનું આંતરિક સત્વજ એટલું મહોરેલું અને વિસ્તરેલું હતું કે બાહ્ય ઘટમાળના અનેક પડકારોને તેમણે સામી છાતીએ પડકાર્યા છે. દાદાનો ‘માહ્યલો કોશ’ હર્યોભર્યો હતો. કવિ રાજેન્દ્ર શાહના લખેલા સુંદર શબ્દો દાદાના જીવનના સંદર્ભમાં યાદ આવે :
આપણે ના કંઇ રંક
ભર્યો ભર્યો માહ્યલો કોશ અપાર
આભ ઝરે ભલે આગ
હસી હસી ફૂલ ઝરે ગુલમહોર.
ગુજરાતે જેમ ઉદ્યોગક્ષેત્રના દિગ્ગજોને જન્મ આપ્યો છે તેમ શિક્ષણ – સાહિત્યના ઉજળા મહાનુભાવોની પણ જગતને ભેટ આપી છે. નાનાભાઇ – ગિજુભાઇનું નામ લઇએ ત્યાંજ ભાવનગરની ભાતીગળ ભૂમિના અનેક વિદ્વાનોનું પુણ્ય સ્મરણ થાય. પ્રાધ્યાપક પ્ર. ચુ. વૈદ્ય કે ડોલરભાઇ માંકડનું નામ સ્મરણ કરીએ ત્યાંજ શિક્ષણ ક્ષેત્રને દીશા પૂરી પાડનાર અનેક તેજસ્વી લોકોનું પવિત્ર સ્મરણ થાય. રામલાલભાઇ પરીખને યાદ કરતાંજ ગાંધી વિચારને વરેલા અનેક ઋષિતુલ્ય વિદ્વાનોની સ્મૃતિ તાજી થાય. કેશવલાલ કાશીરામ શાસ્ત્રી (૧૯૦૫-૨૦૦૬) એ પણ આ ઉજળી આકાશગંગાના અભિન્ન અંગ સમાન છે. અધ્યાપન કાર્યમાં જોડાયેલા તમામ લોકો માટે તો દાદાનું અધ્યાપકીય તથા સંશોધનનું કામ અનુકરણીય ઉદાહરણ સમાન છે. લગભગ ચાર દાયકાથી પણ વધારે શૈક્ષણિક કાર્ય સક્રિય રીતે કરનાર આ ઋષિતુલ્ય અધ્યાપક આપણી પ્રેરણાનું સ્ત્રોત છે. અનેક વિદ્યાર્થીઓએ દાદાના માર્ગદર્શન હેઠળ મહાનિબંધો લખ્યા છે અને ડૉકટરેટ મેળવેલ છે. દાદાએ ૧૦૦૦ થી વધારે રીસર્ચ પેપર્સ લખીને અનેક વિષયોનું ખેડાણ કરેલું છે. દાદાનું વ્યક્તિત્વ એક જંગમ વિદ્યાપીઠ સમાન હતું. નરસિંહ મહેતા, પ્રેમાનંદ તથા ભાલણ પરના તેમના અધ્યયન અભ્યાસુઓને ખૂબ ઉપયોગી થયા છે. જીવનની એક સંપૂર્ણ સદીને વળોટી જનાર આ ઋષિપુરુષે જીવનની દરેક ક્ષણ સક્રિય રહીને વિતાવી છે. સ્વાધ્યાય તરફ કદી ઉપેક્ષા સેવી નથી. ‘સ્વાધ્યાય પ્રવચનાભ્યામ્ મા પ્રમદીતવ્યમ્’ વાળી શાસ્ત્રવાણીને તેઓ આજીવન સંપૂર્ણ જાગૃતિથી અનુસર્યા છે. દાદાના પ્રદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત અનેક ઇનામ – અકરામ મળેલા છે, પરંતુ ગુજરાતના લોક હ્રદયમાં શાસ્ત્રીજી માટેનો આદર એ કદાચ સૌથી મોટું ઇનામ છે. લોકોનો આવો સ્નેહાદર મેળવવો દોહ્યલો છે.
પ્રવૃત્તિઓની સતત વહેતી વણઝારમાં દાદા પરોવાયેલા હતા. આમ છતાં વૈષ્ણવ સંપ્રદાયના એક ઉપાસક તરીકેની તેમની ભૂમિકા કદી ઓછી થઇ નથી. જીવનઝંઝાળને અળગી કરી કૃષ્ણમયતામાં સરી જવાનું આ સાધક માટે સહજ હતું. દયારામે ગાયું છે તેમ તેમના જીવનના સર્વ પ્રવાહોની ધારાનું ઉદ્દગમસ્થાન યોગેશ્વરના કર્મપ્રધાન જીવનના સ્મરણમાંથી વહેતું હતું.
કૃષ્ણ ભજો કૃષ્ણ કહો
કૃષ્ણ સુણો પ્રાણી,
કૃષ્ણના સંબંધ વિના
વંધ્યા સૌ વાણી.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમણે પ્રભાવી સેવાઓ આપી. ગુજરાતી ભાષા તથા તેના વ્યાકરણને કેન્દ્રમાં રાખીને તેમણે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સંસ્કૃત ભાષાને કેન્દ્રમાં રાખીને પણ તેમણે એક અભ્યાસુ તરીકે સંશોધન ગ્રંથ લખ્યા. નાટ્યશાસ્ત્ર અને ગુજરાતી કોશ પર પણ તેમણે કામ કર્યું. તેમની અનુવાદક તરીકેની સજ્જતાને કારણે ઉત્તમ પ્રકારના અનુવાદો આપણને પ્રાપ્ત થયા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં તેમણે આપેલી સેવા નોંધપાત્ર છે.
બ્રહ્મર્ષિ સ્વાસ્થ્ય અને શિક્ષણ સંશોધન સંસ્થાન તરફથી દાદાની ૧૧૩મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે વિચાર અભિનંદનને પાત્ર છે. શાસ્ત્રીજી સંશોધિત વિપુલ લેખન સામગ્રી આપણી યુનિવર્સિટીઓ તથા કોલેજો સુધી વિશેષ પ્રમાણમાં પહોંચે તો આપણાં આ ઋષિ કાર્યના જ્ઞાન વિસ્તાર તથા જ્ઞાન સંવર્ધનનો બેવડો હેતુ સરે. શાસ્ત્રીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ધાર્મિક – શૈક્ષણિક સંસ્થાઓને હૂંફ તથા માર્ગદર્શન પૂરા પાડેલા હતા. આ રીતે તેઓ ખરા અર્થમાં એક સંસ્થા નિર્માણનું કાર્ય કરનાર હતા. શાસ્ત્રીજીના સુકાર્યોની સુવાસ તો હમેશા મહેકતી રહે તેવી છેજ. જુલાઇ માસ તથા આ અષાઢ – શ્રાવણના સંયોગે ભીની માટીની મહેક પણ શાસ્ત્રીજીના સ્નેહ તથા વાત્સલ્યભાવનું પુન: સ્મરણ કરાવે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૦/૦૭/૨૦૧૭.
Leave a comment