સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા આ સમગ્ર પ્રયાસના આયોજકો તરફ આદર ઉપજાવે તેવું છે. કાર્યક્રમને ચાર વર્ષ પૂરા થયા. ૨૦૧૭ના વર્ષમાં આત્મકથા સંબંધિત સાહિત્યની એક કૃતિ વિશે દર મહીને એક વક્તા વાત કરે છે. આવતા વર્ષે એટલે કે ૨૦૧૮ માં ગુજરાતની ટૂંકીવાર્તાઓ સંબંધી વ્યાખ્યાનમાળા યોજવાની વિચારણા છે તેમ કાર્યક્રમના સંયોજક શ્રી હસિતભાઇ મહેતાએ જણાવ્યું. આ રીતે વૈવિધ્યતા લાવીને આવા કાર્યક્રમને વિશેષ રસપ્રદ બનાવવાની પણ સૂઝ તેમાં જોવા મળે છે. ૨૦૧૭ ના જુલાઇ માસના પહેલા રવિવારે શ્રી હસમુખભાઇ શાહની કૃતિ ‘ દીઠું મેં..’ વિશે વાત કરવાના ઉપક્રમ નીમીત્તે જવાનું થયું તેથી આ બધી ઉત્સાહવર્ધક માહિતી મળી શકી. કોઇ શહેરના નાગરિકોની સવતલ માટેના માળખાકીય સાધનોમાં વૃધ્ધિ થાય તો તે શહેરની સુવિધાઓમાં વધારો થયો ગણાય. પરંતુ કોઇ શહેરમાં વાંચન – વિચાર – અભિવ્યક્તિ અને સંવાદને મજબૂત કરે તેવી વ્યવસ્થા ગોઠવાય તો શહેરની ગરીમા વધે છે. શહેરો મોટા થવા એ સાંપ્રત કાળમાં આપણે ત્યાં સહેજે બનતી ઘટના છે. અનેક શહેરોનો વધતો વિસ્તાર આપણી નજર સામે છે. વિસ્તાર થવાથી શહેરની લંબાઇ – પહોળાઇ વધે પરંતુ શહેરને ઊંચાઇ તો આવા કળા સાહિત્યલક્ષી આયોજનો થકીજ પ્રાપ્ત થઇ શકે છે. આવા કાર્યો એ ગોવર્ધન તોળવા જેવા અર્થપૂર્ણ છતાં અઘરા આયામો છે. પરંતુ નડિયાદના સૌ સાહિત્ય મર્મજ્ઞોની લાકડીના ટેકે આ ગોવર્ધન તોળાયો છે તેમ સ્પષ્ટપણે જોઇ શકાય છે. ગુજરાતની ભૂમિ પર અગાઉ પણ આવા કેટલાક સાહિત્ય સંવર્ધનના તથા પ્રજાકીય જાગૃતિના ઉજળા દ્રષ્ટાંતો જોવા મળેલા છે. મહેન્દ્ર મેઘાણી જેવા પુણ્યશ્લોક પુરુષે પ્રજામાં વિચારશુન્યતા ઊભી ન થાય તેની તકેદારી રાખવાના હેતુથી ૧૯૫૦ માં મિલાપ શરૂ કર્યું. લગભગ ત્રણ દાયકા સુધી મિલાપના અસરકારક શસ્ત્ર સાથે તેઓ વિચારશીલ સમાજના નિર્માણ માટેની અવિરત સંઘર્ષ યાત્રા કરતા રહ્યા. પ્રાધ્યાપક પુરુષોત્તમ માવળંકરે પણ આવોજ પ્રયાસ હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટની વ્યાખ્યાન શ્રેણીના બળુકા માધ્યમથી આજીવન કર્યો. કવિ શ્રી ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ સામયિકનો દીપ પ્રગટાવીને આવા હેતુસરજ પ્રજ્વલિત કર્યો. પ્રયાસો અઘરા હતા છતાં થયાં. આવું કરનારા ઓછા હતા અને ક્યારેક તેનો પ્રતિભાવ પણ મોળો હતો. આમછતાં આ શ્રેય માર્યના પંથીઓ કદી હતાશ થયા નથી. આવી બાબતો પરત્વે સામાન્ય રીતે ઉદાસીનતા ધરાવતી ભીડની વચ્ચે પણ પોતાના વિચારદીપને ગ્રહણ કરીને એકલા જનારા આ વીરો વિસ્મૃત થાય તેવા નબળા નથી. આ વાતનો પડઘો પડઘો કવિગુરુ ટાગોરના શબ્દોમાં સંભળાય છે જે આપણી ભાષામાં શ્રી મહાદેવભાઇ દેસાઇએ સુંદર રીતે આલેખ્યો છે.
જો સૌએ પાછા જાય
ઓરે ઓ અભાગી
સૌએ પાછા જાય,
રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા-રાને તારા
લોહી નીગળતા ચરણે
ભાઇ ! એકલો ધાને રે…
આવા અનેક લોકોએ ભરેલા યશસ્વી પગલાનું પુણ્ય મરી પરવાર્યુ નથી તેની ઠોસ પ્રતિતિ નડિયાદના આ વ્યાખ્યાનશ્રેણીના કાર્યક્રમથી થાય છે.
ગ્રંથના પંથની આ શ્રેણીમાં અનેક સુવિખ્યાત લોકોની જીવનકથા – આત્મકથા વિશે વિદ્વાન વક્તાઓ દ્વારા વાત કરવામાં આવી છે. વહીવટીતંત્રના ભાગ તરીકે મહત્વના અને ચાવીરૂપ સ્થાનો પર રહીને ફરજ બજાવનાર અધિકારીશ્રીની પ્રસિધ્ધ થયેલી આત્મકથા પર વાત કરવાનો અવસર પણ ઉપર જણાવ્યું તેમ જુલાઇ માસમાં આ નીમીત્તે પ્રાપ્ત થયો હતો. સામાન્ય રીતે અધિકારીઓ પોતાના અનુભવો લખતા નથી. આ રીતે પોતાના અનુભવોનું આલેખન કરનાર વ્યક્તિઓની સંખ્યા પણ મર્યાદિત છે. ગુજરાતીમાં જે કેટલાક અધિકારીઓએ પોતાની કારકીર્દિને કેન્દ્રમાં રાખીને ભવિષ્યમાં માર્ગદર્શક બની રહે તેવા અનુભવો લખ્યા છે તેમાં શ્રી લલીતચન્દ્ર દલાલ તેમજ કુલિનચન્દ્ર યાજ્ઞિકનો સમાવેશ થાય છે. શ્રી પ્રવિણભાઇ લહેરીએ પણ આવા કેટલાક સ્વાનુભવ વ્યક્ત કરતા રસપ્રદ લખાણ પોતાની વર્તમાનપત્રની કટારમાં લખ્યા છે. આમ પણ આત્મકથા એક અઘરું સાહિત્ય સ્વરૂપ છે. કારણ કે તેમાં એકજ વ્યક્તિ પ્રસ્તુતિ કરનાર તેમજ ન્યાય તોળનાર હોય છે. આથી તેમાં objectivity – વસ્તુલક્ષીતાનું પ્રાધાન્ય રહે તેની સાવચેતી એ આ પ્રકારના સર્જનની અનિવાર્ય પૂર્વશરત છે. હસમુખ શાહ એક સામાન્ય વ્યક્તિમાંથી પોતાની સૂઝ – સમજ તથા નિષ્ઠાના બળે અસામાન્ય વ્યક્તિ બનેલા છે. પરંતુ તેઓ પોતાની સામાન્યતાને વિસરી ગયા હોય તેવું કોઇ જગાએ જણાતું નથી. તેમનું ગગનગામી વ્યક્તિત્વ પરંતુ તેમના મૂળ જમીનની વાસ્તવિકતામાં ઊંડે સુધી ધરબાયેલા છે.
આ પ્રકારના આત્મકથાના પુસ્તકોનું એક દસ્તાવેજી મૂલ્ય હોય છે. જે તે કાળે સમાજની તથા દેશની સ્થિતિનો પણ એક આછેરો ચિતાર તેમાંથી મળે છે. દેશી રજવાડાઓની અનેક ખરાબીઓની વાતો સામે તેમાંની કેટલીક સ્વસ્થ તથા સારી પ્રથાઓની બીજી બાજુનું પણ તેમાં સુલેખ દર્શન થાય છે. હસમુખભાઇએ સ્વપ્રસિધ્ધિની લેશમાત્ર લાલસા વગર એક અધિકૃત અને સ્પષ્ટ ચિત્ર ઉપસાવવાનો નિષ્ઠાવાન પ્રયાસ કરેલો છે. લેખકની ભાષા પ્રવાહી તથા સરળ છે. ‘ દીઠું મેં ’ ની અનેક વાતો કોઇપણ સમયે વાંચવી અને વાગોળવી ગમે તેવી ભાતીગળ છે. આથીજ આવી અનેક કથાઓ વિશે ગ્રંથના પંથમાં વાત થતી રહે તે ખરેખર નોંધપાત્ર છે. કાર્યક્રમના સંયોજકો આપણી પ્રશંસાના હક્કદાર બને છે. નડિયાદનો આ ચેપ અનેક નગરોને લાગે તેવું ઇચ્છીએ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૩/૦૭/૨૦૧૭.
Leave a comment