કાળને તે કહીએ શું ?
જરીકે નવ ચૂકીયો
પાંચ આંગળિઓમાંથી
અંગુઠે વાઢ મૂકિયો.
ભાઇ કિરીટભાઇની આકસ્મિક તેમજ અણધારી વિદાયથી તેમના ધર્મપત્ની તેમજ ચિ. આસ્થા તથા દેવકરણને આભમાંથી વિજળી પડે તેવો આઘાત થયો હશે. કિરીટભાઇના પિતાશ્રી રવિદાનભાઇ તથા માતૃશ્રી વસંતબા પણ આવા આઘાતથી અવાચક થયા હશે. બટુકભાઇ નાંધુ અને સૌ ભાઇઓ – સ્નેહીઓએ પણ આવીજ લાગણી અનુભવી હશે. એ સ્વાભાવિક પણ છે. પરંતુ આપણા સમગ્ર સમાજે પણ કિરીટભાઇના મોટા ગામતરાથી ઊંડો આંચકો અનુભવ્યો. માત્ર ગુજરાતના ચારણ સમાજે જ નહિ પરંતુ રાજસ્થાનના સમાજે પણ કિરીટભાઇના નિધનથી ઊંડા આઘાતનો અનુભવ કર્યો. આપણાં અનેક યુવા સર્જકોએ પોતાના લાગણીસભર શબ્દોથી કિરીટભાઇના અવિસ્મરણિય કાર્યને વિશેષ ઝળહળતું કર્યું. અમદાવાદની સીવીલ હોસ્પિટલ પાસે સોનલ વીસામો શરૂ કરીને સમગ્ર સમાજે પોતાનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. દિલીપભાઇ શિલગાની દ્રષ્ટિ અને સમજપૂર્વકના સંકલનથી હોસ્પિટલમાં આવતા ચારણ સમાજના દર્દીઓ તથા તેમના સગાવહાલાને રહેવા જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા સફળતાપૂર્વક ઊભી કરીને તેને સુચારુ ઢંગથી ચલાવવામાં આવે છે. કિરીટભાઇ નાંધુ આ સમગ્ર વ્યવસ્થા સંભાળવાના કાર્યમાં કેન્દ્રસ્થાને હતા. આથી તેમની વિદાય અનેક લોકોને વિશેષ વસમી લાગે તેવી હતી. ગમે તે સમયે દર્દી કે તેમની સાથે આવેલા સ્વજનને કિરીટભાઇની સક્રિય સહાય મળી રહેતી હતી. કાળે પણ ક્રૂરતા પ્રગટ કરી. કવિ ઉમાશંકર જોશીની મથાળે લખેલી પંક્તિ મુજબ ટેકારૂપ જણને આપણી પાસેથી છીનવી લીધો. માત્ર ૪ર વર્ષે કિરીટભાઇની આ વિદાય સૌને આકરી લાગી. દરેક જીવંત વ્યક્તિનું મૃત્યુ અનિવાર્ય છે. આ અનિવાર્યતા અપ્રિય લાગે તો પણ ટાળી શકાય તેવી નથી. પરંતુ ચિરકાળ વિદાય લેનાર વ્યક્તિના સગાવહાલાં ઉપરાંત સમાજનો મોટો સમુહ જ્યારે આવી કોઇ દુ:ખદ ઘટનાથી ઊંડો અફસોસ અનુભવે ત્યારે એ જનાર વ્યક્તિની સુવાસ તેમાં કારણભૂત હોય છે. ધૂપસળી જેવી સુકાર્યની સુગંધ પ્રસરાવીને કિરીટભાઇ ગયા. ‘‘વિસામા’’ની સેવાનો લાભ લેનાર તમામ દર્દીઓ તેમજ તેમના સગાવહાલાને કિરીટભાઇની હાજરીથી મોટો સધિયારો અને હૂંફ મળી રહેતા હતા. કિરીટભાઇની સક્રિય સેવા અંગે વિગતે વાત અનેક લોકો પાસેથી સાંભળવા મળી છે. તેમની તન-મન-ધનની આ નિ:સ્વાર્થ તેમજ અપેક્ષા સિવાયની સમર્પિત સેવા હતી તેવી પ્રતિતિ થાય છે. કોઇપણ સંસ્થામાં સમાજે રોકેલા નાણાંનું ઇચ્છિત અને ઉત્તમ મળતર કિરીટભાઇએ કરેલા કર્મયોગ જેવા પ્રયાસો થકીજ મળી શકે છે. આપણે સંસ્થાઓ શરૂ કરીએ કે આવી કોઇ વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કરીએ ત્યારે સૌ પ્રથમ શોધ આવા સમર્પિત કાર્યકરની કરવી તે ખૂબ જરૂરી જણાય છે. સમાજનો અપૂર્વ આદર તથા સ્નેહનું સંપાદન કરીને કિરીટભાઇ ગયા. સદ્દભાવનાની મૂડી માત્ર બડભાગી લોકોજ પ્રાપ્ત કરી શકે છે. સમાજ તો કિરીટભાઇના કુટુંબની સાથે રહેશેજ. ભેળિયાવાળી ભગવતીની કૃપાદ્રષ્ટિ કિરીટભાઇના બન્ને બાળકો પર સદૈવ રહેશે તે નિર્વિવાદ છે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૬/૨૦૧૭.
Leave a comment