: વાટે…. ઘાટે…. : માણસો તો આવે : માણસો તો જાય ! અહીં રહેશે સુગંધ એક ફૂલની :

કોઇ સુપ્રસિધ્ધ વ્યકિત પોતાના મરણ અંગે આવું નિવેદન છેલ્લી ઇચ્છા તરીકે લખીને રાખે એવી ઘટનાઓ ભાગ્યેજ બનતી હશે : 

‘‘જહાં મેરી મૃત્યુ હો વહી યા નજદીક કી કિસી જગહ શરીર કા દહન કિયા જાયે. બિજલી સે દહન કી વ્યવસ્થા હો તો વહી દહન હો. (ત્રણ દાયકા પહેલાંનું લખાણ જ્યારે વીજળીથી મૃતદેહના દહનની ક્રિયા ખૂબ પ્રારંભિક હતી) શબ કંધે પર ન ઢોયા જાયે. શબ કા જુલૂસ ન હો. સ્મશાન મેં ભાષણ વગેરે ન હો. શબ કો કિસી વિશેષ જગહ ન લે જાયા જાયે. જહાં મરણ ઉસીકે આસપાસ દહન. બાહર સે કિસીકો બુલાયા ન જાયે. દહન મેં ચંદન, કપુર, ઘી કા ઉપયોગ ન હો. કિસી ભી તરહ કા સ્મારક ન હો. શોક સભાએં ન કી જાયે.’’ 

પોતાના મૃત્યુ બાદ આપ્તજનોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઉપરના અનોખા શબ્દોના લખનારા – દાદા ધર્માધિકારીના ઘસાઇને ઉજળા થયેલા જીવતરે ૧૯૮૫ના ડિસેમ્બર માસની પહેલી તારીખે મુત્યુ પર જીવનની વિજય પતાકા ફરકાવી. કચ્છના સંત કવિ કાકા મેકણે લખ્યું છે : 

મરણાં અંગે જે મુઆ

સેં મરી ન થિંદા મહાત

હૂંદા એ હયાત

મરણ જિન્હી જી મુઠમેં

મૃત્યુ પહેલાંજ જેની ઇચ્છાઓ મરી પરવારી હોય તેને મરણ શી રીતે મહાત કરી શકે ? મરણ તો આવા લોકોની પકડમાં (મૂઠ્ઠીમાં) રહેતું હોય છે. પવનાર આશ્રમ પર દાદાના મૃત્યુના દિવસે સૂર્યનારાયણે સંધ્યાની લાલીમા પાથરીને દાદાને આવકાર્યા હશે. મરણ તો જીવનના એક અનિવાર્ય હિસ્સા તરીકે ઘણા થતાં રહેતાં હશે. પરંતુ ગાંધીજી, ભગતસિંહ કે દાદા ધર્માધિકારીના ગૌરવપૂર્ણ મૃત્યુ સમયે કાળ પણ કદાચ એકાદ ક્ષણ થંભી ગયો હશે. ગાંધીયુગની આકાશગંગામાં એક મહા મનીષી સમાન દાદા ધર્માધિકારી દૈદીપ્યમાન છે. દાદા ગયા ત્યારે અનેક લોકોએ કહ્યું કે ગાંધી-વિચાર તથા આચાર પરંપરાની એક મજબૂત અને કદાચ છેલ્લી કડી અસ્ત થઇ. ગાંધી તો જીવશે અને તેના વિચારો જગતને દરેક કાળે દોરતા રહેશે. પરંતુ દાદા ધર્માધિકારી જેવા ગાંધી કાળના પ્રત્યક્ષ સાક્ષી બની રહેનારા મશાલચીઓ હવે ક્યાં મળવાના    છે ? વિમલાતાઇએ દાદા માટે લખ્યુ : ‘‘ દાદાને સન્યાસી કહું તો સન્યાસીઓના જીવનમાં ન દેખાતી વત્સલતા એમનામાં હતી. ગૃહસ્થ કહું તો સન્યાસીઓનેય શરમાવે તેવો વૈરાગ્ય એમનો હતો. ’’ દાદાના અંતિમ સંસ્કાર થયા તે સ્થળે લોકોએ રોપેલું નારિયેળીનું વૃક્ષ સમગ્ર પ્રકૃતિ સાથે દાદાના એકત્વની એંધાણી આપતું ઊભું છે. ૧૮ જૂન (૧૮૯૯) દાદાની જન્મજયંતિ છે. દાદાની સ્મૃતિ તાજી કરવાનો સમય છે. 

દાદાનું મૂળ નામ ભાગ્યેજ કોઇને યાદ આવતું હતું. બજાજવાડીમાં પણ બધા તેમને દાદા ધર્માધિકારી તરીકે ઓળખતા. ગાંધીજી પણ તેમને ‘‘ભાઇ દાદા’’ એવા સંબોધનથી પત્ર લખતા. બજાજવાડીમાં એક દિવસ કાકા સાહેબે દાદાને સમજાવ્યું કે તમે પણ ‘શંકર ત્રયંબક ધર્માધિકારી’ ભૂલીને તમારું નામ દાદા ધર્માધિકારી જ માની લો ! 

દાદાનો અભ્યાસ ચાલતો હતો ત્યારે તેઓ બોર્ડિગ હાઉસમાં રહેતા. બોર્ડિગ હાઉસના સુપ્રિન્ટેન્ડેન્ટે એક સમયે દાદાને રાતના સમયે બોલાવ્યા. બંગાળના સુપ્રસિધ્ધ ક્રાંતિવીર રાસબિહારી બસુ સાથે દાદાને પરિચય કરાવ્યો. આઝાદી મેળવવાની ક્રાંતિકારીઓની પધ્ધતિથી તેઓ પરિચિત થયા પરંતુ આવી રીતે દાદાને આકર્ષી શકી ન હતી. બીજા પણ એવા કેટલાક લોકોના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં દાદાને આવવાનું થયું. આ બધા પ્રયાસો દાદાએ જોયા અને અનુભવ્યા. એ અરસામાંજ ગાંધીજીના વિચારોના સંપર્કમાં તેઓ આવ્યા. દાદા લખે છે કે ગાંધીજી એવા પહેલાં વ્યક્તિ તેમણે જોયા કે જેમણે જે વાત કરી તે ખુલ્લેખુલ્લા કરી. બ્રિટિશ સરકારને અહીં રાજ્ય કરવાનો અધિકાર નથી અને તેનો ઉગ્ર તથા અહિંસક વિરોધ થવો જોઇએ તેવી વાત ગાંધીએ કરી અને દાદા ધર્માધિકારી સહિતના અનેક યુવાનોને તેનું અનોખું આકર્ષણ થયું. ગાંધીજીએ સંઘર્ષનો જે માર્ગ દેખાડ્યો તે દેશનો દરેક માણસ કરી શકે તેવો હતો. આથી ગાંધીજીના સત્યાગ્રહના પ્રયોગોમાં દાદાને નૂતન દર્શન થયું. ગાંધીજીની કાર્ય પધ્ધતિમાં તેમને વિશ્વાસ બેઠો અને સ્થિર થયો. 

આઝાદીના સંગ્રામમાં દાદા સક્રિય રીતે જોડાયેલા રહ્યા. સ્વરાજય મળ્યા પછી એકાંતમાં નિજાનંદ મુજબ જીવન વ્યતિત કરવાની તેમની મહેચ્છા હતી. ગાંધીના આ સૈનિકોને પદ કે સત્તાની લેશમાત્ર કામના ન હતી. પરંતુ ભાવિના ગર્ભમાં કોઇ જુદીજ યોજના હતી. ૧૯૪૫માં પ્રાંતિક સરકારો રચવાની ગતિવિધિ થઇ. કાર્યકરોના એક મોટા વર્ગ તરફથી દાદા ધર્માધિકારીને વિધાનસભામાં મોકલવા માટે આગ્રહ કરવામાં આવ્યો. દાદાને વિધાનસભામાં મોકલવાનું નકકી થયું. પરંતુ આ મુંગા સેવકે ગાંધીજીને ડિસેમ્બર-૪૫ માં પત્ર લખ્યો. સાતેક દાયકા પહેલા ગાંધીજી પર લખાયેલા આ પત્રનું લખાણ અસાધારણ હતું. દાદા ગાંધીજીને લખે છે : 

‘‘આપણાં દેશમાં પહેલું સ્થાન [સત્તા પર રહેવાનું] મેળવવાની ઇચ્છા રાખનારાઓની કમી નથી. સત્તા અને સન્માનથી અલિપ્ત રહી સેવા કરનારા લોકોની વિશેષ જરૂર છે. આથી મેં વિચારપૂર્વક બીજું સ્થાન લેવાનો નિર્ણય કર્યો છે.’’  

ગાંધીયુગની એ બલિહારી હતી કે વિધાનસભામાં ન જવા માટે કેટલાક લોકોએ ખાસ પ્રયાસો કરવા પડતા હતા. ગાંધીના સેનાનીઓનું આ ખમીર તેના મજબૂત આંતરિક સત્વનું જીવંત પ્રમાણ છે. દાદા જીવનના ઉત્તરાર્ધમાં વિનોબાજીના કાર્યમાં તલ્લિન થઇ ગયા. વિનોબાજી થકી ગાંધી કાર્યનો વિસ્તાર થતો રહેલો છે તેવી દૃઢ માન્યતા તેમની તથા અનેક સર્વોદયમાં શ્રધ્ધા ધરાવનારા કાર્યકરોની હતી. ભૂદાનયાત્રા વિશાળ સામાજિક નિસબતને કારણે શરૂ કરવામાં આવી. દાદા તેને  ઐતિહાસિક પર્વ ગણાવે છે. દાદા તો ગયા પણ તેમના જીવન તથા વિચારોમાંથી ભાવિ પેઢીઓને પ્રેરણા મળતી રહેશે. દાદાના સ્મરણની સૌરભ ચિરકાલિન છે. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑